Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંદરથી જુઓ ઈમરજન્સી કંટ્રોલ રૂમ:હવે 6 સર્વિસ માટે યાદ રાખો એક જ આંકડો; સરકારે કેમ પસંદ કર્યો નંબર 112

    1 day ago

    દેશમાં પહેલીવાર ગુજરાતના 6 શહેરોના ફાયર સ્ટેશનના નંબર 101માંથી 112 કરી દેવાયા છે. ધીમે ધીમે 108 એમ્બ્યુલન્સ સર્વિસ પણ 112 નંબર પર આવી જશે. આખરે કેન્દ્ર સરકારે કેમ આવો નિર્ણય લેવો પડ્યો, નંબર 112 પસંદ કરવા પાછળનું કારણ શું? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ- 1 : કેન્દ્ર સરકારે શું નિર્ણય લીધો? જવાબ : કેન્દ્ર સરકારે તમામ ઈમરજન્સી સેવાઓનો નંબર એક કરી નાખવાનો નિર્ણય લીધો છે. આ નંબર છે- 112. તમામ રાજ્યોમાં પોલીસ સ્ટેશન, મેડિકલ ઈમરજન્સી, વુમન હેલ્પ લાઈન તમામ માટે એક જ નંબર રહેશે. પણ ફાયર સ્ટેશન માટે આ નંબર લાગૂ કરાયો નહોતો. હવે દેશમાં ગુજરાતમાં પહેલીવાર 6 શહેરોના ફાયર સ્ટેશનોમાં 112 નંબર લાગૂ કરી દેવાયો છે. ધીમે ધીમે આખા ગુજરાતમાં અને પછી આખા દેશમાં ફાયર માટે 112 નંબર થઈ જશે. 108 એમ્બ્યુલન્સ માટે પણ આ જ નંબર આવી જશે. અલબત્ત, આવી ગયો સમજો. આ કામની શરૂઆત થઈ ગઈ છે. ભારતભરમાં ઈમરજન્સી સર્વિસ માટેનો કોમન નંબર 112 જ રહેશે. ગુજરાતમાં 2019માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે પાયલટ પ્રોજેક્ટ તરીકે 112 નંબરની શરૂઆત 7 જિલ્લામાં કરાવી હતી. અરવલ્લી, ગીર સોમનાથ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર અને મોરબી. ત્યારે આ જ વિસ્તારમાં 112 નંબર પર પોલીસની જ સેવા હતી. ધીમે ધીમે તેમાં ડેવલપમેન્ટ થયું. 1 સપ્ટેમ્બર 2025થી ગુજરાતભરની પોલીસ સેવા 100 નંબરના બદલે 112 નંબર પર આવી ગઈ. સાથે સાથે ચાઈલ્ડ હેલ્પ લાઈન, વુમન હેલ્પ લાઈન, ડિઝાસ્ટર અને મેડિકલ ઈમરજન્સી નંબર પણ 112 કરવાની જાહેરાત પણ કરવામાં આવી. 1 સપ્ટેમ્બર 2025એ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યભરમાં 112 નંબરની શરૂઆત કરાવી હતી. ગુજરાતભરમાં 112 નંબર લોન્ચ થયો તેને એક વર્ષ થયું. સપ્ટેમ્બર 2026માં દેશમાં પહેલીવાર ગુજરાતના 6 શહેરના ફાયર સ્ટેશન પણ 112 નંબર પર લાવવામાં આવ્યા છે. આ છ શહેર છે- અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીનગર અને ભાવનગર. તેના મળીને 237 ફાયર એન્ડ રેસક્યૂ વ્હીકલ છે. ધીમે ધીમે તે પણ આખા ગુજરાતમાં કોમન ઈમરજન્સી નંબર 112 થઈ જશે. પછી આ સિસ્ટમ આખા દેશમાં લાગૂ કરવામાં આવશે. ગાંધીનગરમાં લોન્ચિંગ વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યના નાગરિકોએ પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101 કે 102, મહિલા હેલ્પલાઇન અભયમ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1070 કે 1077 એમ અલગ અલગ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે. આ તમામ ઇમર્જન્સી સેવાના નંબરને બદલે હવે તમારે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. સવાલ- 2 : ગુજરાતમાં કેવી રીતે કામ કરે છે 108 અને 112 નંબર? જવાબ : ગુજરાતમાં 108 કે 112 નંબર ડાયલ કરો તો ફોન અમદાવાદના કઠવાડા પાસે આવેલા ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં જાય. આ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 108 એમ્બ્યુલન્સનો કંટ્રોલરૂમ છે. ફર્સ્ટ ફ્લોર પર 112 ઈમરજન્સી જનરક્ષક કંટ્રોલરૂમ છે. આ રૂમમાં સંખ્યાબંધ સ્ટાફ કામ કરતો હોય. દરેક પાસે કોમ્પ્યુટર હોય અને હેડફોન હોય. દરેક કોમ્પ્યુટર ફોન લાઈન સાથે જોડેલા હોય. ફોન આવે તો કોમ્પ્યુટરમાં દેખાય. જેણે ફોન કર્યો હોય તેનું નામ, તેનો નંબર અને તેનું લોકેશન સીધું કોમ્પ્યુટરમાં આવી જાય. ફોન ઉપાડનાર એવું કહે કે, નમસ્તે 108 કંટ્રોલરૂમ, હું આપની શું સહાયતા કરી શકું... આટલું બોલે ત્યાં તેણે મેપમાં જોઈ લીધું હોય કે જેમણે મદદ માટે ફોન કર્યો છે ત્યાંથી એમ્બ્યુલન્સ કેટલી દૂર છે, પોલીસ વાહન કેટલું દૂર છે... પછી બનાવ શું બન્યો છે કે પૂછે. સામેથી એવું કહેવામાં આવે કે કાર ઝાડ સાથે અથડાઈ છે ને કારમાંથી ધૂમાડા નીકળે છે. તો કોલ સેન્ટરમાં બેઠેલો માણસ car accident with tree smoke out... એવું લખે તો સિસ્ટમ તરત કહી દે કે આમાં પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર ત્રણેયની જરૂર પડશે. પછી કોમ્પ્યુટર સિસ્ટમ જ નજીકમાં રહેલા પોલીસ વ્હીકલ, 108 એમ્બ્યુલન્સ અને ફાયરને ખાસ મોબાઈલમાં મેસેજ મોકલી આપે કે 'આ' સ્થળે 'આ પ્રકાર'ની ઘટના બની છે. ટીમ તરત ત્યાં પહોંચી જાય. આ અંગે માહિતી આપતાં ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) જસવંત પ્રજાપતિએ કહ્યું કે, અહીં આખી સિસ્ટમ CAD એટલે કોમ્પ્યુટર એડેડ ડિસ્પેચ પર ચાલે છે. આ સોફ્ટવેર છે. અગાઉ બેઝીક સિસ્ટમ હતી. તેને અપગ્રેડ કરી. પહેલા તો કોલ આવે તો પૂછવું પડતું હતું તે તમે ક્યાંથી બોલો છો, ક્યા લોકેશન પર ઊભા છો. હવે સિસ્ટમમાં કોલ કરનારનું નામ નંબર લોકેશન બધું ઓટોમેટિક દેખાય. 108ની ગુજરાતમાં 1500 એમ્બ્યુલન્સ છે. દરેક એમ્બ્યુલન્સમાં, દરેક પોલીસની ગાડીમાં અને 6 શહેરોના તમામ ફાયર વ્હીકલમાં GPS ફીડ છે. દરેક એમ્બ્યુલન્સમાં બે મોબાઈલ ફોન હોય છે. એક પાયલટ (ડ્રાઈવર) અને EMT ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સાથે હોય છે. કોઈનો કોલ આવે તો સિસ્ટમ જ બતાવી દે છે કે નજીકમાં કઈ એમ્બ્યુલન્સ છે. 108ની સેવામાં ક્રિટિકલ સિચ્યુએશન હોય તો એ હોસ્પિટલ છે. ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે 108 આવે તો સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ બંનેમાં લઈ જવાય છે. કોલ કરનારને લિંક મોકલવામાં આવે જેથી એમ્બ્યુલન્સનું લોકેશન જોઈ શકે. આમાં નિયમ એવો છે કે એમ્બ્યુલન્સ ઊભી હોય, તેને મેસેજ મળે એટલે 30 સેકન્ડમાં વ્હીલ ફરતું થઈ જવું જોઈએ. એટલે ઉપડવી જોઈએ. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે, તરત ટ્રીટમેન્ટ કરે ને પેશન્ટને એમ્બ્યુલન્સમાં બેસાડે પછી 1 મિનિટમાં 50 મીટરનું અંતર કાપેલું હોવું જોઈએ. જો 1 મિનિટમાં 50 મીટરનું અંતર ન કપાય તો ખુલાસો પૂછવામાં આવે છે. આ બધું મોનિટરિંગ ખાસ સિસ્ટમ કરી રહી છે. કોમ્પ્યુટરમાં મોનિટરિંગ સિસ્ટમ છે. તે એલાર્મ આપીને લાલ કલર બતાવે કે અહીં એમ્બ્યુલન્સ પહોંચી નથી, ઉપડી નથી અથવા એક જ ઘટના સ્થળેથી બે-ત્રણ કોલ આવી ગયા છે. એવું કાંઈપણ થાય તો સિસ્ટમ જ એલર્ટ કરી દે. જ્યાં ઘટના બની હોય અથવા મેડિકલ ઈમરજન્સી હોય તેને પહેલા તો સરકારી હોસ્પિટલ જ ફાળવી દેવાય છે, પણ પેશન્ટ એવું કહે કે મારે ખાનગી હોસ્પિટલમાં જવું છે તો કંટ્રોલરૂમમાં બેઠેલા ડોક્ટરની એપ્રૂવલ લેવી પડે છે. તે એવું કહે કે હા, પેશન્ટને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ શકો છો, પછી જ એ હોસ્પિટલમાં લઈ જવાય છે. COO જસવંત પ્રજાપતિએ કહ્યું કે, દરેક પેશન્ટને પછીથી ફોલોઅપ માટે કોલ કરાય છે. સર્વિસ બરાબર હતી કે નહીં, સ્ટાફ બરાબર હતો કે નહીં, ખાસ કરીને તેવા કેસમાં જેમાં પેશન્ટ ક્રિટીકલ હોય અને તેના માટે 48 કલાક લાઈફ સેવિંગ ગણાતા હોય. સર્વિસ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 20 લાખ ક્રિટિકલ કેસમાં જીવ બચાવ્યા છે. 108 કંટ્રોલરૂમે અત્યાર સુધીમાં 2 કરોડ કેસ હેન્ડલ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે 112ના કંટ્રોલરૂમમાં ફાયર અને પોલીસનો સ્ટાફ પણ બેઠો હોય. જેથી તે વાહન ચાલકને પોતાની ભાષામાં સમજાવી શકે. 24x7 આ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર ધમધમે છે. બધી શિફ્ટમાં મળીને હજારોનો સ્ટાફ કામ કરે છે. કારણ કે અહીં ગુજરાતના ખૂણે ખૂણેથી ઘટનાનો ફ્લો આવે છે. રજામાં ને ખાસ કરીને તહેવારોમાં ઈમરજન્સી કેસીસ વધી જાય છે. શનિ-રવિવારની રજામાં પણ પોલીસ ઈમરજન્સીના કેસમાં વધારો દેખાય છે. સવાલ એ પણ થાય કે આખા ગુજરાતમાંથી રોજની હજારો ઈમરજન્સી એક જ જગ્યાએ પહોંચે છે તો ફોન એન્ગેજ કેમ નથી આવતો? આનો જવાબ આપતાં COO જસવંત પ્રજાપતિ કહે છે, આ પ્રકારની ટેલિફોન લાઈનને PRI લાઈન કહેવાય. PRI એટલે પ્રાયમરી રેટ ઈન્ટરફેસ. તેમાં 30 ચેનલ હોય. એક લાઈનમાં જ એકસાથે 30 કોલ આવી શકે. અત્યારે આ સેન્ટરમાં આવી 60 PRI લાઈન છે. દરેકની 30-30 ચેનલ ગણો તો ઘણા કોલ એટેન્ડ થઈ શકે. હવે ટૂંક સમયમાં અપગ્રેડ લાઈન સિસ્ટમ આવી રહી છે. તેને કહેવાય SIP - સેશન ઈનિશિયેશન પ્રોટોકોલ. આ લાઈનમાં અનલિમિટેડ કોલ્સ એકસાથે રિસિવ થઈ શકશે. એટલે 108 હોય કે 112, ફોન એન્ગેજ આવવાનો સવાલ અત્યારે તો નથી જ, ભવિષ્યમાં તો આ સવાલનો છેદ જ ઊડી જશે. જેમ કોમ્પ્યુટરની CAD સિસ્ટમ એડવાન્સ થઈ ગઈ છે તેમ ફોન લાઈનની સિસ્ટમ પણ એડવાન્સ થવા જઈ રહી છે. ડેટા મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સિનિયર મેનેજર વિકાસ બિહાનીએ કેટલાક ડેટા આપ્યા હતા. 112 કંટ્રોલ રૂમના ઈમરજન્સી રિસ્પોન્સ હેડ ધીરેન પટેલે પણ 112ની વર્તમાન સર્વિસની માહિતી આપી હતી. વિકાસ બિહાનીએ કહ્યું હતું કે, અમને કોલ મળે, એમ્બ્યુલન્સ સ્થળ પર જાય, ટ્રીટમેન્ટ કરે, હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરે. કાગળની પ્રોસેસ પૂરી કરે. આ બધું થઈને એક કેસ પતવાનો મેક્સિમમ ટાઈમ 1 કલાક 15 મિનિટ 57 સેકન્ડનો નોંધાયેલો છે. તેનાથી વધારે વાર નથી લાગી. સૌથી મહત્વની વાત એ છે કે કોઈપણ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચવાનો મિનિમમ રિસ્પોન્ડ ટાઈમ 10 મિનિટનો છે. તેનાથી મોડી કોઈ એમ્બ્યુલન્સ પહોંચી નથી. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું વિઝન હતું કે 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવી. ગુજરાતમાં 2007માં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલથી 108 સેવા શરૂ કરી. પછી સરકારે જ કઠવાડા ખાતે મોટી જમીન આપી ને ત્યાં ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર ઊભું કર્યું. આ સેન્ટર COO જસવંત પ્રજાપતિના સુપરવિઝનમાં 2010થી શરૂ થયું. 16 વર્ષથી આ સેન્ટર છે. અહીંથી જ આખા રાજ્યની 108 એમ્બ્યુલન્સ અને હવે પોલીસ, ફાયર, ચાઈલ્ડ હેલ્પલાઈન, વુમન હેલ્પલાઈન અને ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ થાય છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ હવેથી તમામ ઈમરજન્સી સેવાઓ 112 નંબર પર જ શિફ્ટ થઈ જશે. સવાલ- 3 : સરકારે આવો નિર્ણય કેમ લેવો પડ્યો? જવાબ : કેન્દ્ર સરકારે આ નિર્ણય લેવો પડ્યો તેનું કારણ એવું છે કે મોટાભાગના દેશોમાં એક જ ઈમરજન્સી નંબર છે. જાપાન, અમેરિકા, બ્રિટન સહિત ઘણા દેશોમાં એક જ નંબર છે. દરેક દેશના નંબર અલગ અલગ છે પણ યુરોપીયન દેશોમાં 112 નંબર છે. 112 ઇમરજન્સી માટે કોમન ટેલિફોન નંબર છે. મોબાઇલ ફોન અને કેટલાક દેશોમાં લેન્ડલાઇન ફોન પરથી પણ તેને મફતમાં ડાયલ કરીને ઇમરજન્સી સેવાઓ માટે કોન્ટેક્ટ કરી શકાય છે. 112 એ GSM સ્ટાન્ડર્ડનો એક ભાગ છે. બધા GSM ફોન હેન્ડસેટ પરથી 112 ડાયલ કરી શકાય છે, પછી ભલે ફોન લૉક હોય કે તેની અંદર સીમકાર્ડ ન હોય. યુરોપિયન યુનિયનના તમામ દેશો અને વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ ઇમરજન્સી નંબર 112 છે. હવે ભારતમાં પણ આ નંબર લાવવામાં આવી રહ્યો છે. ફોનમાં નેટવર્ક ન હોય તો પણ 112 ડાયલ થઈ શકે. કારણ કે આ નંબર ખાસ એ રીતે જ ફીડ કરાયેલો છે. ઈમરજન્સી સેવાના એક જ નંબરનું મૂળ જાણવા 1976માં જવું પડશે. એ વર્ષમાં 'યુરોપિયન કોન્ફરન્સ ઑફ પોસ્ટલ એન્ડ ટેલિકમ્યુનિકેશન્સ એડમિનિસ્ટ્રેશન' (CEPT)ની ભલામણ અપનાવ્યા પછી પહેલીવાર 112ને યુરોપમાં પહેલીવાર ઈમરજન્સી સેવાઓ માટેના ઓથેન્ટિક નંબર તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. એટલે 112 નંબરનો ઈતિહાસ 50 વર્ષ જૂનો છે. આ નંબર પસંદ કરવા પાછળ બે કારણો છે : સવાલ- 4: બીજા દેશોમાં ઈમરજન્સી માટે એક જ નંબર છે? જવાબ : યુરોપના દેશોમાં પહેલીવાર 112 નંબર અપનાવ્યા પછી અન્ય દેશોએ પણ ઇમરજન્સી માટે 112 નંબરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. કેટલાક દેશોએ યુરોપના પગલે 112 નંબર અપનાવ્યો છે પણ કેટલાક દેશોએ પોતપાતાના નંબર રાખ્યા છે. કોઈ દેશે ભારતની જેમ બે-ત્રણ નંબર પણ રાખ્યા છે. જેમ કે, ઈજિપ્તમાં 122 અને 123 નંબર છે તો મોરેશિયસમાં 114 અને 115 નંબર છે. દક્ષિણ આફ્રિકામાં તો પોલીસ માટે 10111 અને એમ્બ્યુલન્સ માટે 10177 એમ પાંચ આંકડાના નંબર છે. જ્યાં દોઢ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે તે ઈરાનમાં અલગ અલગ નંબરો છે. પોલીસ માટે 110, એમ્બ્યુલન્સ માટે 115, હિલાલ અહમર એમ્બ્યુલન્સ માટે 112 અને ફાયર સર્વિસ માટે 125. ઈઝરાયલ, નેપાળ અને કઝાકિસ્તાનમાં ભારત જેવું છે. પોલીસ માટે 100, ફાયર માટે 101. થાઈલેન્ડમાં ઈમરજન્સી માટે ચાર-ચાર આંકડાના નંબર છે. ટુરિસ્ટ પોલીસ માટે 1155, હાઈવે પોલીસ માટે 1193... ઓમાનમાં પણ તમામ ઈમરજન્સી માટે ચાર આંકડાનો નંબર 9999 છે. બલ્ગેરિયામાં 150, 160 એવા નંબર છે પણ હવે ત્યાં ય 112 કોમન નંબર કરી દેવાયો છે. ફ્રાન્સમાં તો બે જ આંકડાના નંબર છે. એમ્બ્યુલન્સ માટે 15, પોલીસ માટે 17 અને ફાયર સર્વિસ માટે 18. મોટા ભાગના GSM મોબાઇલ ફોનમાં 112 અને 911 જેવા ઈમરજન્સી નંબરો અગાઉથી પ્રોગ્રામ કરેલા હોય છે, જે હંમેશા ઉપલબ્ધ રહે છે. જ્યારે ફોન GSM નેટવર્ક પર રજિસ્ટર થાય છે ત્યારે નેટવર્ક ઈમરજન્સી નંબરોના લિસ્ટને ઓટોમેટિક અપડેટ કરી દે છે. આપણે પણ હવે કાંઈપણ થાય તો એક જ નંબર યાદ રાખવાનો, 112. અને હા, એમ્બ્યુલન્સ માટે પણ 108ના બદલે 112 કરશો તો પણ તરત આવી જશે.
    Click here to Read More
    Previous Article
    દેશમાં 13મું સૌથી સૂકું ચોમાસું:પંજાબમાં 41% અને રાજસ્થાનમાં 21% ઓછો વરસાદ થયો; 10 ઓક્ટોબર સુધી દેશભરમાંથી ચોમાસું વિદાય લેશે
    Next Article
    રાજકોટમાં અર્વાચીન 'સળગતી ઇંઢોણી' રાસની પ્રેક્ટિસ શરૂ:બાળાઓ માથે આગ અને બે હાથમાં મસાલ લઇ રાસ રમવા આતુર; નવદુર્ગા સાક્ષાત સાથે રમતા હોવાની થાય છે અનુભિતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment