Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા, હવે 53 દેશમાં તબાહી!:જગત જમાદાર બનશે પોલિટિકલ પંડીત, 100માંથી 63 લોકોએ કહ્યું હતું ખેલ ખતમ, હારની ભારત પર પાંચ મોટી અસર થશે

    2 days ago

    અમેરિકાની 3 નવેમ્બર 2026ની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી કારમી હાર ભાળી થઈ છે. વોશિંગ્ટનના કોરિડોરથી લઈને દુનિયાભરના મીડિયામાં અત્યારે એક જ હેડલાઈન ગૂંજી રહી છે કે અમેરિકન જનતાએ ટ્રમ્પના અહંકાર અને મનસ્વી નિર્ણયોને જાકારો આપી દીધો છે. પણ શું આ હાર સાથે જ વ્હાઈટ હાઉસમાંથી ટ્રમ્પનું રાજ ખતમ થઈ ગયું? જવાબ છે બિલકુલ નહીં. પણ આવું કેમ? ચાલો વિગતે વાત કરીએ નમસ્કાર... અમેરિકન બંધારણ મુજબ ટ્રમ્પની ખુરશી 2029 સુધી ફેવિકોલ લગાવીને સલામત છે. પણ આ મિડટર્મ ચૂંટણી કોઈ રાષ્ટ્રપતિ બદલવાની ચૂંટણી નહોતી, આ જંગ હતો ટ્રમ્પના ગળામાં સંસદની લગામ કોણ પહેરાવશે તેનો. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકન સંસદ એટલે કે કોંગ્રેસ પર સત્તાવાર કબજો જમાવીને ટ્રમ્પ પાસેથી દેશની તિજોરીની ચાવીઓ છીનવી લીધી છે. હું હવે પોલિટિકલ પંડીત બનીશઃ ટ્રમ્પ અમેરિકન સેનેટમાં કૂલ 100 બેઠકો હોય છે, જીતવા માટે 51 બેઠકો જોઈએ. હાલ ટ્રમ્પ પાસે 41 જ બેઠકો બચી છે અને વિપક્ષ 53 બેઠકો પર બાજી મારી સેનેટ પોતાના નામે કરી ગયું છે. સામેની બાજુ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં કૂલ 435 બેઠકો હોય છે. જીતવા માટે 218 બેઠકો જોઈતી હોય છે. જેમાં ટ્રમ્પ હવે 126 બેઠકો પર આવી ગયા છે અને વિપક્ષને 25 બેઠકોના ઉછાળા સાથે 218 બેઠકો મળી ગઈ છે. ટૂંકમાં સંસદના બંને ગૃહો વિપક્ષે ટ્રમ્પના ચંગુલમાંથી છીનવી લીધા છે. ચૂંટણીના પરિણામો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે હવે તેઓ પોલિટિકલ પંડીત બનશે. તેઓ ચૂંટણીમાં ઉમેદવારોની જીત અને હારના કારણો અંગે પોતાનો અભિપ્રાય આપશે. હાર પછી ટ્રમ્પ શાંત થશે કે વધુ ઉછાળા મારશે? જો તમે એવું માનતા હોવ કે સંસદમાં બહુમતી ગુમાવ્યા પછી ટ્રમ્પ શાંત થઈને બેસી જશે, તો તમે અમેરિકન ઈતિહાસ અને ટ્રમ્પના સ્વભાવ બંનેથી અજાણ છો. રાજનીતિનો સૌથી મોટો નિયમ છે કે જ્યારે કોઈ તાકાતવર શાસકના હાથ ઘરઆંગણે કાયદાકીય રીતે બંધાઈ જાય, ત્યારે તે પોતાની તાકાત બતાવવા માટે સરહદ પાર વધુ આક્રમક ઉછાળા મારવા લાગે છે. હાર બાદ ટ્રમ્પ બનશે મિસ્ટર વિટો સંસદ હાથમાંથી ગઈ હોવા છતાં ટ્રમ્પ પાસે અમેરિકન બંધારણનો સૌથી ઘાતક હથિયાર એટલે કે વીટો પાવર અને સીધા એક્ઝિક્યૂટિવ ઓર્ડર્સ જારી કરવાની સર્વોચ્ચ સત્તા હજુ પણ અકબંધ છે. સંસદમાં ઘેરાયેલા અને રાજકીય રીતે ઘવાયેલા ટ્રમ્પ હવે વધુ અનપ્રેડિક્ટેબલ બની શકે છે. આ ચૂંટણી માત્ર વોશિંગ્ટનની લડાઈ નથી. આ હારની સીધી અને ગંભીર અસર અમદાવાદ અને ગાંધીનગરમાં બેઠેલા એ આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પર પડવાની છે જેઓ અમેરિકન ડ્રીમ પૂરું કરવા H-1B વિઝાની કતારમાં ઊભા છે. આ પરિણામની અસર સુરતના હીરા-ટેક્સટાઈલ અને મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ પર પણ પડશે, જેઓ ટ્રમ્પના તોતિંગ ટેરિફ સામે લડી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું વિપક્ષની જીતથી ટ્રમ્પના કડક નિર્ણયો રદ થઈ જશે કે પછી ઘવાયેલા ટ્રમ્પ વિદેશ નીતિ, ગ્લોબલ ટ્રેડ વોર અને ઈમિગ્રેશન પર એવા આકરા નિર્ણયો લેશે જે આખી દુનિયાના અર્થતંત્રમાં ભૂકંપ લાવી દેશે? વિપક્ષને જીતવા માટે કેટલા મત જોઈતા હતા? આ ચૂંટણીના પરિણામો કોઈ સામાન્ય રાજકીય પલટો નથી, પરંતુ દાયકાઓ જૂના સમીકરણોનું ધ્વંસ થવું છે. આંકડાકીય વાસ્તવિકતા એ છે કે અમેરિકન સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કુલ 435 બેઠકોમાંથી બહુમતી માટે 218નો જાદુઈ આંકડો જરૂરી હોય છે. ચૂંટણી પહેલાં ટ્રમ્પના રિપબ્લિકન પક્ષ પાસે 219 અને ડેમોક્રેટ્સ પાસે 214 બેઠકો હતી એટલે કે વિપક્ષને માત્ર 4 બેઠકોનો સામાન્ય સ્વીંગ જોઈતો હતો. હવે ડેમોક્રેટ્સે આ અંતર તોડીને નીચલા ગૃહમાં સ્પષ્ટ લીડ મેળવી લીધી છે. સામે પક્ષે, સેનેટની 100 બેઠકોમાંથી 35 બેઠકો પર થયેલા જંગમાં પણ વિપક્ષે ગાબડું પાડ્યું છે. અગાઉ જ્યાં ટ્રમ્પ પાસે 53-47નું પાતળું રક્ષણ હતું, ત્યાં ડેમોક્રેટ્સે 51 નિર્ણાયક બેઠકો આંચકીને વ્હાઈટ હાઉસના કાયદાકીય માર્ગ પર મજબૂત અવરોધ ખડો કરી દીધો છે. ચૂંટણી પહેલા જ ટ્રમ્પના હારની થઈ હતી ભવિષ્યવાણી ચૂંટણી પરિણામો પહેલાં જ ફોરકાસ્ટિંગ પ્લેટફોર્મ્સ જેવા કે પોલિમાર્કેટ અને કાલ્શી પર વિપક્ષની જીતની સંભાવના 63 ટકા આંબી ગઈ હતી, જ્યારે કૂક પોલિટિકલ રિપોર્ટ ડેમોક્રેટ્સને 227થી 237 બેઠકો મળવાનો અંદાજ બાંધી રહ્યો હતો. આ પછડાટથી બચવા ટ્રમ્પે ટેક્સાસમાં 5 અને ફ્લોરિડામાં 4 બેઠકો પોતાની તરફેણમાં વાળવા મતવિસ્તારોની નકશાબાજી પાછળ ₹3,300 કરોડથી વધુનું ફંડિંગ ઠાલવી દીધું હતું. છતાં જનતાના રોષ આગળ આ ગણતરીઓ ધ્વસ્ત થઈ ગઈ. આ મુદ્દાઓના કારણે ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ કોઈ વિચારધારા નહીં, પણ અમેરિકન ગૃહિણીઓનું ખોરવાયેલું બજેટ છે. ઈઝરાયલ સાથે મળીને શરૂ કરાયેલા ઈરાન યુદ્ધના પગલે દુનિયાના 20% ક્રૂડ ઓઈલનો માર્ગ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થયો, જેનાથી અમેરિકામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ ગેલન $1.30નો ભડકો થયો. કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં પેટ્રોલ $6.21 પ્રતિ ગેલન પહોંચી ગયું હતું, જેનાથી ત્રસ્ત 83 ટકા અમેરિકનોએ મોંઘવારીને દેશનો સૌથી મોટો પડકાર ગણાવ્યો. સ્થિતિ એટલી હદે વણસી કે ડીઝલની અછત પૂરવા ટ્રમ્પ સરકારે દુશ્મન દેશ ગણાતા રશિયા પાસેથી ઈંધણ આયાત કરવા જેવી મજબૂરી ભોગવવી પડી. અર્થતંત્રના મોરચે પણ ટ્રમ્પનું પર્ફોર્મન્સ ઊંધા માથે પટકાયું. અમેરિકન અર્થતંત્ર K-શેપ્ડ બની ચૂક્યું હતું, એક તરફ AI અને ટેક કંપનીઓના જોરે શેરબજાર ઊંચકાતાં ટોચના 1% ધનિકો કમાયા, તો બીજી તરફ સામાન્ય માણસની ખરીદશક્તિ તળિયે બેસી ગઈ. વર્ષ 2024માં જ્યાં 22 લાખ નવી નોકરીઓ બની હતી, તેની સામે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન 2025માં માત્ર 1.81 લાખ નોકરીઓનો ઉમેરો થયો. ટૂંકમાં ટ્રમ્પ જનતાને આપેલા પ્રોમીસ જાળવવામાં ફેલ ગયા. જો બાઈડનથી પણ નબળા સાબિત થયા શક્તિશાળી ટ્રમ્પ AP-NORC સર્વે મુજબ, માત્ર 26 ટકા મતદારોએ ટ્રમ્પની આર્થિક નીતિઓ પર ભરોસો દર્શાવ્યો હતો, જે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનના સૌથી નીચા રેટિંગ કરતાં પણ 2 ટકા ઓછો હતો. મેડિકેઈડ જેવા હેલ્થકેર બજેટમાં $1 ટ્રિલિયનનો કાપ અને દેશભરમાં ઈમિગ્રેશન એજન્સી ICEના આક્રમક દરોડાઓએ સામાન્ય જનતામાં ઊંડો અસંતોષ પેદા કર્યો, જે આખરે મતદાન મથકો પર ભારે પછડાટ બનીને ત્રાટક્યો. અહીંથી શરૂ થાય છે અમેરિકન લોકશાહીની સૌથી જટિલ અને રોમાંચક ચેસની રમત, જેને મોટાભાગના લોકો સમજી શકતા નથી. સામાન્ય માન્યતા એવી હોય છે કે મિડટર્મમાં ટ્રમ્પ હારી ગયા એટલે તેમના કડક નિર્ણયો, તોતિંગ ટેરિફ અને વિઝા પ્રતિબંધો આપોઆપ રદ થઈ જશે. પણ હકિકત સાવ અલગ છે. ટ્રમ્પ સંસદ ગુમાવી બેઠા છે, પણ તેમની સામે વિપક્ષ હજુ પણ વીટો પાવરની અભેદ્ય દીવાલ સામે લાચાર છે. ટ્રમ્પ હજુ પણ મનમાની કરશે કે ડબ્બામાં પૂરાઈ જશે? અમેરિકન બંધારણ મુજબ રાષ્ટ્રપતિના વીટોને તોડવા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી જોઈએ, એટલે કે હાઉસમાં 290 વોટ અને સેનેટમાં 67 વોટ. ડેમોક્રેટ્સ બહુમતી તો લઈ આવ્યા, પણ આ સુપર-મેજોરિટીથી હજુ પણ નીચલા ગૃહમાં 50થી વધુ અને સેનેટમાં 15થી વધુ બેઠકો દૂર છે. આનો સીધો અર્થ એ થયો કે વિપક્ષ સંસદમાં ટ્રમ્પ વિરોધી ખરડા પસાર તો કરાવશે, પણ ટ્રમ્પ એક ઝાટકે તેના પર વીટો વાપરીને કચરાપેટીમાં નાખી દેશે. વિપક્ષે તિજોરીની ચાવી ટ્રમ્પ પાસેથી છીનવી પણ અસલી પાવર બેલેન્સ બદલાયું છે અમેરિકાના ખજાનામાં. અમેરિકન બંધારણમાં તિજોરીની ચાવી જેને પાવર ઓફ ધ પર્સ કહેવાય છે તે સંસદ પાસે છે. રાષ્ટ્રપતિ પોતાના ખિસ્સામાંથી એક ડોલર પણ સંસદની મંજૂરી વિના વાપરી શકતા નથી. વર્ષ 2027ના મધ્યમાં અમેરિકાની સરકારી દેવાની ટોચમર્યાદા પૂરી થઈ રહી છે. હવે ટ્રમ્પે સરકાર ચલાવવા વિપક્ષ સામે ઝૂકવું પડશે, નહીં તો દેશમાં મોટું ગવર્નમેન્ટ શટડાઉન આવશે. આ સાથે જ ડેમોક્રેટ્સ હવે હાઉસ કમિટીઓ દ્વારા સમન્સ અને તપાસનો મારો ચલાવીને ટ્રમ્પ સામે ત્રીજી વખત મહાભિયોગ લાવવાની પટકથા પણ તૈયાર કરી શકે છે. ટ્રમ્પની હારથી ભારતને શું લેવાદેવા? ભારતીય યુવાનો અને ઉદ્યોગો માટે આ હારનો સૌથી મોટો બોધપાઠ શું છે? H-1B વિઝા પર સેનેટર ટિમ શીહી દ્વારા લવાયેલો કાયદો જેમાં 3 વર્ષનો સંપૂર્ણ પ્રતિબંધ, લઘુત્તમ પગાર $1.40 લાખ કરવો અને અરજી ફી $1.03 લાખ ઝીંકવાની જોગવાઈ હતી તે હવે કાયમી કાયદો બનતા અટકી ગયો છે. ભારતીય IT કંપનીઓ અને વિદ્યાર્થીઓ માટે આ એક મોટી રાહત છે. પણ ડંકી રૂટથી અમેરિકા ઘૂસતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કાઢી મૂકવા પર ટ્રમ્પ અને વિપક્ષ બંને એકમત હોવાથી સરહદી કડકાઈ એવીને એવી જ રહેશે. બીજી બાજુ, સુરતનો ટેક્સટાઇલ અને મોરબીનો સિરામિક ઉદ્યોગ જે ટ્રમ્પના વૈશ્વિક ટેરિફ વોર સામે સંઘર્ષ કરી રહ્યો હતો, તેને આંશિક રાહત મળી શકે છે. જો નવી સંસદ ટ્રમ્પના ઈરાન યુદ્ધના સૈન્ય ફંડિંગ પર કાપ મૂકશે, તો ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા ભારતમાં ફુગાવો અંકુશમાં આવશે અને દાયકાના સૌથી નબળા તબક્કામાંથી પસાર થઈ રહેલી આપણી નિફ્ટીને નવો ઓક્સિજન મળશે. અને છેલ્લે... ઐતિહાસિક રેકોર્ડ પર નજર નાખીએ તો છેલ્લા 20 મિડટર્મ ઈલેક્શન્સમાંથી માત્ર બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ પોતાની સંસદ બચાવી શક્યા હતા, બાકીના 18 રાષ્ટ્રપતિઓ મિડટર્મ હાર્યા જ છે અને ટ્રમ્પે પણ એ જ ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. લંગડા ઘોડા જેવા બનેલા ટ્રમ્પ હવે ઘરઆંગણે ભરાઈ ગયા છે, પણ તેમના હાથમાં હજુ બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉથલપાથલ મચાવવાની સત્તા છે. તેથી ભારતીય રોકાણકારો અને નીતિ ઘડવૈયાઓએ ચમત્કારની આશા રાખવાને બદલે ટ્રમ્પની આક્રમક સોદાબાજી સામે ડિફેન્સિવ સ્ટ્રેટેજી ગોઠવવી જ પડશે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    37 વર્ષના કોહલીએ શું કેચ પકડ્યો છે!:સ્લિપમાં ઊભેલા વિરાટે જમણી બાજુ ડાઇવ મારીને એકહાથે કેચ કર્યો; પછી પોતાનું ખાસ 'બો એન્ડ એરો' સેલિબ્રેશન કર્યું
    Next Article
    પ્રેમ સંબંધોનો અંત આવતાં સુરાતન ચડ્યું!:પ્રેમીએ ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી પ્રેમિકાની ધોલાઈ કરી, ડોક્ટરની ઓળખ આપી ફસાવી હતી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment