Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખજોદમાં 500 વીઘા સરકારી જમીન પરના 96 ઝીંગા તળાવો તોડાશે:વરસાદ પૂર્વે કામગીરી પૂર્ણ કરવા અલ્ટીમેટમ, ખાડી પૂરની ગંભીર સમસ્યા માટે આ દબાણો જવાબદાર

    2 weeks ago

    ચોમાસાની ઋતુના આગમન પૂર્વે સુરત શહેરમાં દર વર્ષે સર્જાતી જળબંબાકાર અને ખાડી પૂરની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ખજોદ ગામે અંદાજે 500 વીઘા જેટલી કરોડોની સરકારી જમીન પર ભૂમાફિયાઓએ ઉભા કરી દીધેલા 96 ગેરકાયદેસર ઝીંગા તળાવોને તાત્કાલિક ધોરણે મશીનરીથી તોડી પાડવા ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્થળ મુલાકાત લઈને અત્યંત કડક સૂચનાઓ જારી કરી છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સરકારી જમીન પરના આ ગેરકાયદે તળાવો જ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના કુદરતી વહેણને અવરોધે છે અને સુરતમાં સર્જાતા ભયાવહ ખાડી પૂર માટે સંપૂર્ણપણે આ તત્વો અને તેમના ગેરકાયદે દબાણો જ જવાબદાર છે, જેથી તેને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. સૌથી મહત્વની વાત છે કે ખજોદ માત્ર એક વિસ્તાર છે આવા અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવામાં આવ્યા છે. મંત્રી અને સ્થાનિક પદાધિકારીઓની ઘટનાસ્થળે મુલાકાત આ ગંભીર દબાણોની વ્યાપક ફરિયાદ અને તંત્ર દ્વારા કરાયેલી આંતરિક તપાસ બાદ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નેટવર્ક તોડી પાડવા માટે રાજ્યના પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતે ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે ખજોદ વિસ્તારની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક અને સ્થળ મુલાકાત દરમિયાન ચોર્યાસી વિધાનસભાના સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને પદાધિકારીઓએ સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને નકશાના આધારે ભૌગોલિક સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને કઈ રીતે આ ગેરકાયદેસર બાંધકામો આખા દક્ષિણ સુરતના જળનિકાલ વ્યવસ્થાને બાનમાં લઈ રહ્યા છે તેની વિગતવાર સમીક્ષા કરી હતી. 41 ચોરસ કિલોમીટર અને 500 વીઘાનો પર્દાફાશ સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર અને કોર્પોરેશનના સંયુક્ત સર્વેક્ષણ દરમિયાન અંદાજે 41 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ સરકારી જમીન વિસ્તારમાં આ ગેરકાયદેસર ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનું માલૂમ પડ્યું છે. આ માત્ર કોઈ નાનું-મોટું દબાણ નથી . પ્રાથમિક તપાસના આધારે માત્ર ખજોદ ગામની સીમમાં જ વહીવટી તંત્રએ ચોક્કસ નકશા સાથે 96 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવો શોધી કાઢ્યા છે. આ તમામ તળાવો સરેરાશ 4થી 5 વીઘા જમીનની મર્યાદામાં ફેલાયેલા છે, જેનો કુલ હિંસાબ ગણવામાં આવે તો ભૂમાફિયાઓએ અંદાજે 500 વીઘા જેટલી કિંમતી સરકારી જમીન પર પોતાનો ગેરકાયદે કબજો જમાવી લીધો છે. મીંઢોળા નદી-ખાડીઓના પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાતા પૂરનું જોખમ ભૌગોલિક રીતે સુરતના આ પૂર્વ અને દક્ષિણ વિસ્તારનું તમામ વરસાદી પાણી સ્થાનિક ખાડીઓ અને અંતે મીંઢોળા નદી મારફતે અરબી સમુદ્રમાં કુદરતી ઢાળ મુજબ વહી જાય છે. પરંતુ આ ભૂમાફિયાઓએ કમાણીની લાલચમાં સરકારી જમીનો પર મોટા અને ઉંચા માટીના પાળા બાંધીને આખેઆખા ઝીંગા તળાવો ઉભા કરી દીધા છે. આ ગેરકાયદેસર પાળાઓને કારણે ચોમાસા દરમિયાન વહી જતાં ખાડીના પાણીનો કુદરતી માર્ગ સંપૂર્ણપણે રૂંધાઈ જાય છે. પાણીનો સમયસર અને ઝડપી નિકાલ બંધ થવાને કારણે આજુબાજુના સેંકડો રહેણાંક વિસ્તારોમાં વારંવાર ગંભીર 'ખાડી પૂર'ની સ્થિતિ સર્જાય છે. ગત વર્ષોમાં પણ આ જ કારણોસર સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગીય રહીશોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જે માનવસર્જિત આપત્તિ સમાન છે. વરસાદ પૂર્વે કામગીરી પૂર્ણ કરવા પ્રશાસનને અલ્ટીમેટમ જળસંપત્તિ વિભાગના મંત્રી અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ સંયુક્ત રીતે અધિકારીઓને તાકીદ કરી છે કે આ ડિમોલિશનની તમામ કામગીરી આગામી થોડા જ દિવસોમાં, એટલે કે પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ સંપૂર્ણ જામી જાય તે પહેલાં જ પૂર્ણ કરવી અનિવાર્ય છે. પ્રશાસનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો એકવાર નિયમિત ચોમાસાનો ભારે વરસાદ શરૂ થઈ જશે તો આ સમગ્ર કાદવ-કીચડ અને દલદલવાળા લો-લાઈંગ વિસ્તારોમાં ભારે જેસીબી અને પોકલેન જેવી ડિમોલિશન મશીનરી પહોંચાડવી બિલકુલ અશક્ય બની જશે. પરિણામે, વહીવટી તંત્રએ જરાય સમય બગાડ્યા વિના તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે બુલડોઝર તહેનાત કરીને આ તમામ ગેરકાયદે બાંધકામો અને તળાવોની દિવાલોને તોડી પાડવા માટેના આદેશો આપી દીધા છે. જમીન ખાલી કરાવી વાયર ફેન્સિંગ કરાશે ખજોદ ગામની કરોડો રૂપિયાની 500 વીઘા જમીનને આ માફિયાઓથી કાયમી મુક્ત કરાવ્યા બાદ સરકાર આ જમીન ફરીથી પચાવી ન પડે તે માટે પણ ઠોસ આયોજન કરી રહી છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે સિંચાઈ અને મહેસૂલ વિભાગને સૂચના આપી છે કે ગેરકાયદે તળાવો તોડી પાડ્યા બાદ તરત જ સરકારી સીમાચિહ્નો સ્થાપિત કરી ત્યાં કાંટાળા તારનું વાયર ફેન્સિંગ કરવામાં આવે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આ મોટા ભૌગોલિક વિસ્તાર પર સતત નજર રાખવા માટે સેટેલાઈટ મેપિંગ અને ડ્રોન સર્વેલન્સની મદદ લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવા ગેરકાયદે કૃત્યો અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    નોઈડામાં 28 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ:ACમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ફાયરની ગાડીથી 12મા માળ સુધી પાણી પણ પહોંચી શક્યું નહીં, લોકોએ કહ્યું- ફાયર બ્રિગેડ છે કે હોળીના ફુવારા!
    Next Article
    180 થી વધુ વિદ્યાર્થીઓને ₹17.50 લાખના ચેક:રોટરી ક્લબ વઢવાણ સિટી દ્વારા સ્કોલરશીપ વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment