Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છાણમાંથી મફત વીજળી, 500 ગરમાગરમ રોટલી અને લાખોની બચત:14 કરોડના કરૂણા મંદિરની કમાલ, બીજા રાજ્યોના અધિકારીઓ આવે છે શીખવા

    17 hours ago

    ગાયના છાણમાંથી બાયોગેસ, 17-18 યુનિટ વીજળીની બચત અને રોજ બનતી ગરમાગરમ રોટલીઓ... વાંચીને નવાઇ લાગી ને? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એવું ગૌશાળા મેનેજમેન્ટ તૈયાર કર્યું છે જે આખા દેશમાં કદાચ પહેલું છે. અગાઉ જે વેસ્ટના નિકાલ માટે મહિને ₹3.50 લાખનો ધૂમાડો થતો હતો ત્યાં હવે 5R કોન્સેપ્ટ અપનાવીને ઝીરો વેસ્ટ કેમ્પસ ઊભું કરાયું છે. 45થી વધુ લોકોની મહેનતના કારણે દર મહિને લાખો રૂપિયાની બચત થઇ રહી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ અધિકારીઓ આ મોડેલ શીખવા આવી રહ્યાં છે. ગાયના છાણમાંથી બનતાં કુંડાં, કોડિયાં, સ્ટીક, ગણેશ મૂર્તિથી લઈને ફ્રીમાં અપાતા ગિફ્ટ પેક સુધીની આખી રસપ્રદ સફર જાણો આ સ્પેશિયલ રિપોર્ટમાં... રસ્તા પર રખડતા ઢોર આજકાલ દરેક મોટા શહેરોની સમસ્યા બની ગયા છે. અમદાવાદના રસ્તાઓ પરથી દરરોજ રખડતી ગાયો પકડાય છે. જેને રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ બાકરોલ અને દાણીલીમડામાં બે કરૂણા મંદિર બનાવ્યા છે. દાણીલીમડામાં 32 હજાર ચોરસ મીટરમાં 1200 પશુઓની ક્ષમતાવાળું કરૂણા મંદિર છે. જેમાં હાલમાં 530 ગાયો છે. જ્યારે બાકરોલનું કરૂણા મંદિર 50,280 ચોરસ મીટરનું છે. જેમાં 11 શેડમાં 1030 જેટલી ગાયો રાખવાની ક્ષમતા છે. હાલમાં અહીં 1020 ગાયો છે. *** કરૂણા મંદિરની કમાલ બાકરોલના કરૂણા મંદિરમાં ₹ 14 કરોડના ખર્ચે 11 શેડ, પાણીના હવાડા અને ગમાણની સુવિધા ઊભી કરાઇ છે. મોટા શેડમાં 400 થી 450 ગાયો રહી શકે છે. જ્યારે નાના શેડમાં 200 થી 250 ગાયો રહી શકે છે. અહીં પશુઓની કેટેગરી મુજબ અલગ-અલગ શેડ બનાવાયા છે. જેમાં નંદીને અલગ રખાય છે. ઉપરાંત નાના વાછરડાંઓ તેમજ દૂધવાળી-બચ્ચાં આપતી ગાયો માટે અલગ શેડ છે. આ કરૂણા મંદિરે કમાલ કર્યો છે. અહીં જે ગાયોને રખાય છે તેના કારણે દરરોજ 3200 કિલોથી વધુ છાણ બને છે. કુલ 11 શેડમાંથી 3 શેડનો ઉપયોગ ખાતર, કુંડાં અને અન્ય પ્રોડક્ટ્સ બનાવવા માટે થાય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમ પ્રમાણે 100 કિલો કરતાં વધુ વેસ્ટ જનરેટ થાય તો તેનો નિકાલ કરવો પડે છે. બાકરોલના કરૂણા મંદિરમાં દરરોજ 3200 કિલોથી વધુ છાણ જનરેટ થતું હોવાથી તે બલ્ક વેસ્ટ જનરેટર છે. એટલે આટલા છાણનો નિકાલ કરવા માટે કોર્પોરેશને PPP મોડેલથી ₹ 32 લાખના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે. આ અંગે AMCનાં કેટલ ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટનાં વડા નરેશ રાજપૂતે જણાવ્યું કે, અહીં દરરોજ જે 3200 કિલો છાણ જનરેટ થાય છે તેમાંથી 1 હજાર કિલો છાણનો ઉપયોગ બાયોગેસ બનાવવામાં થાય છે. બાકીના 1400 કિલો છાણામાંથી સ્ટીક અને 800 કિલોમાંથી ખાતર બને છે. દાણીલીમડા અને બાકરોલમાં 1-1 ટનની કેપેસિટીવાળા બાયોગેસના 2 પ્લાન્ટ કાર્યરત છે. જે છેલ્લા દોઢ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યાં છે. *** ગરમાગરમ રોટલી અને ઝગમગતી લાઇટો અગાઉ દર મહિને 3.50 લાખ રૂપિયાના ખર્ચે છાણ અને બીજા વેસ્ટનો નિકાલ કરાતો હતો. JCB અને 2 આઇવાથી 2 શિફ્ટમાં કામ કરીને આ વેસ્ટને ડમ્પ સાઇટ પર નખાતો હતો પણ જાન્યુઆરી-2025થી આ કેમ્પસ ઝીરો વેસ્ટ કેમ્પસ બન્યું છે. ત્યારથી આ કેમ્પસમાંથી કોઇ વેસ્ટ બહાર નથી જતો. ઝીરો વેસ્ટ કેમ્પસ હેઠળ ગાયના છાણમાંથી ખાતર, કુંડાં, કોડિયાં, છાણની ટીકી અને સ્ટીક તેમજ બાયોગેસ બનાવાય છે. જે બાયોગેસ પ્લાન્ટ લગાવાયો છે. તેનાથી દર મહિને 3.5 લાખ રૂપિયાની સીધી બચત થઇ છે. બાયોગેસ કેવી રીતે ઉપયોગી થાય છે તેની વાત કરતાં નરેશ રાજપૂત કહે છે કે, દરરોજ જે 18થી 20 કિલો બાયોગેસ મળે છે તેમાંથી 500 રોટલીઓ બને છે. જેમાં ગોળ મૂકી બીડું બનાવાય છે. આ બીડું મુલાકાતીઓ ગાયોને ખવડાવી શકે તે માટે ફ્રીમાં અપાય છે. બાયોગેસથી કામદારોની રસોઇ (કમ્યુનિટી કિચન) ચાલે છે. વધારાના બાયોગેસથી 8 હેલોજન લાઇટો ચલાવાય છે. જેથી દરરોજ 17-18 યુનિટ વીજળી બચે છે. દાણીલીમડાના બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતાં ગેસમાંથી દરરોજ 600 રોટલી બને છે. જેમાંથી 250 રોટલી બીમાર શ્વાનોને દૂધ સાથે અને બાકીની 450 જેટલી રોટલીઓ ગાયોને અપાય છે. કચરામાંથી બનતા ખાતર, કુંડાં, કોડિયા, સ્ટીક વગેરેને અહીં આવતા મુલાકાતીઓને કપડાંની બેગમાં પેક કરીને ગિફ્ટ તરીકે મફત અપાય છે. આ ઉપરાંત ગાયોને ખવડાવવા માટે ગોળ, ખોળ, પાપડી અને લીલું ઘાસ પણ મુલાકાતીઓને વિનામૂલ્યે અપાય છે. નાગરિકો 'ફ્રેન્ડ્સ ઓફ કેટલ સ્કીમ' હેઠળ ઇચ્છા મુજબ ઓનલાઇન ડોનેશન આપી શકે છે. ગાયોને અહીં લાવ્યા પછી દૈનિક ઘાસચારો, સાફ-સફાઇ અને તબીબી સારવારની વ્યવસ્થા કોર્પોરેશને કરી છે. આ તમામ દેખરેખ અને સેવા માટે 45થી વધુ લોકોનો સ્ટાફ ખડેપગે રહે છે. કરૂણા મંદિરની આવી કાયાપલટ કરવા માટે કોર્પોરેશને 5R કોન્સેપ્ટ અપનાવ્યો છે. આ 5R શું છે તે નીચેના ગ્રાફિક્સની મદદથી સમજો. આ કેમ્પસમાં આવેલા તળાવને ઊંડું કરાયું હોવાથી અહીં પાણી ભરાવાની પણ સમસ્યા નથી રહેતી. નરેશ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, આ કેમ્પસના વરસાદી પાણીનો પ્રશ્ન કોર્પોરેશને સેલ્ફ સસ્ટેનેબલ મોડેલથી અને સારી ડિઝાઇનિંગથી સોલ્વ કર્યો છે. કેમ્પસમાં આવેલા જૂના તળાવને 3થી 4 ફૂટ ઊંડું કરવામાં આવ્યું છે જેનાથી વધુ માત્રામાં પાણીનો સંગ્રહ થઇ શકે. ઉપરાંત તેને આરસીસી વોલ બનાવી છે. જેથી તેની કેરિંગ કેપેસિટી વધી ગઇ. વરસાદનું પાણી તળાવમાં ઠલવાતું હોવાથી શેડમાં પાણી ભરાવાની સમસ્યા નથી થતી. 155303 પર ફોન કરો એટલે રખડતી ગાયની સારવાર થઇ જાય રખડતી ગાયને પકડીને અહીં લાવવા ઉપરાંત જે ગાય બીમાર હોય, અકસ્માત થયો હોય કે રસ્તે પડેલી હોય તેની સારવાર માટે નાગરિકો 155303 હેલ્પલાઇન પર ફોન કરે એટલે હાઇડ્રોલિક સિસ્ટમવાળી એમ્બ્યૂલન્સ ઘટનાસ્થળે જઈને OPD સારવાર આપે છે. વધારે સારવાર કે સર્જરીની જરૂર હોય તો શેલ્ટરમાં લાવીને મિની પશુ દવાખાનામાં સાજી કરીને પાછી છોડી દેવાય છે. કોર્પોરેશને બીમાર પશુઓ માટે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું પણ નક્કી કર્યું છે. તેઓ કહે છે કે, બાકરોલમાં અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે બીમાર ગાયો માટે અને નરોડામાં અંદાજે 3.50 કરોડ રૂપિયાના ખર્ચે શ્વાનો માટે હોસ્પિટલ બનશે. જેમાં X-Ray, ECG અને લેબોરેટરી પરીક્ષણ જેવી બધી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ ગૌશાળા મેનેજમેન્ટ એક આદર્શ નમૂનો બન્યું છે. ગુજરાતના અન્ય શહેરો તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી સંચાલકો આ ગૌશાળાને સેલ્ફ-સસ્ટેનેબલ બનાવવાનું મોડેલ શીખવા અને અભ્યાસ કરવા આવે છે. ભારત અને ગુજરાતમાં કદાચ આ પહેલી એવી સંસ્થા છે જે સરકારી તંત્ર કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. આ તો હતી અમદાવાદના બાયોગેસ પ્લાન્ટની વાત પણ આ પહેલાં બનાસકાંઠામાં એવો પ્લાન્ટ ખુલ્લો મૂકાયો છે જેનાથી વાહનોને CNG પણ મળે છે. આ પ્લાન્ટ શું છે તે પણ જાણો. ઉત્તર ગુજરાતમાં આવેલા ધાનેરાના વીંછીવાડી ગામે બનાસ ડેરી અને સુઝુકી મોટર્સના સંયુક્ત સાહસથી બાયો-સીએનજી પ્લાન્ટ અને ફિલિંગ સ્ટેશન બનાવાયા છે. વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને સુઝુકી કંપનીના પ્રમુખ તોશિહીરો સુઝુકીના હસ્તે ગયા ઓગસ્ટ મહિનામાં આ પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો. વીંછીવાડીમાં આશરે ₹48 કરોડના ખર્ચે બાયો-સીએનજી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દરરોજ 100 મેટ્રિક ટન (1 લાખ કિલો) છાણનું પ્રોસેસિંગ થાય છે. તેમાંથી અંદાજે 1.5થી 1.8 મેટ્રિક ટન શુદ્ધ બાયો-CNG ઊર્જા ઉત્પન્ન થાય છે. જે CNG વાહનો માટે ફ્યૂઅલ તરીકે વપરાય છે. પશુપાલકોના ઘરેથી ₹1 પ્રતિ કિલો ના ભાવે છાણ ખરીદવામાં આવે છે. જેના કારણે પશુપાલકોને પણ આવક થાય છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ MLA જેઠાભાઈ સોલંકીની કોંગ્રેસમાં ઘરવાપસી:રણદીપ સુરજેવાલાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું, કહ્યું- ગુંડારાજથી કોડીનારના લોકો ત્રાહિમામ
    Next Article
    મનપાની આંગણવાડીઓમાં કુપોષણનો વ્યાપ:રાજકોટની 364 આંગણવાડીમાં માત્ર 3 મહિનામાં 84 દિવ્યાંગ સહિત 784 અતિ ગંભીર કુપોષિત બાળકો મળ્યા, 10,306 મધ્યમ કુપોષિત બાળકો સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment