Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ સિસ્ટમો સક્રિય, રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે:50થી 60 કિમીની ઝડપે પવના ફુંકાશે, ભારે પવન-ગાજવીજથી લોકોને એલર્ટ રહેવા સૂચના

    14 hours ago

    હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે 2થી 5 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 50 થી 60 કિમી સુધી પહોંચી શકે છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ ત્રણ સિસ્ટમોમાં બે સાયકલોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. જેની અસર સમગ્ર ગુજરાતમાં અનુભવાઈ રહી છે. આજે અને આવતીકાલે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન, ગાજવીજ અને વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. આ બન્ને શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં ચોમાસાની પ્રગતિને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, કેરળમાં 4 જૂનથી ચોમાસાનું સત્તાવાર આગમન થવાની શક્યતા છે. આ પહેલાં 1 જૂનની રાત્રે અને 2 જૂનની વહેલી સવારે અમદાવાદ સહિત સુરત, નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા અનેક શહેરો અને ગ્રામ્ય પંથકોમાં અંધારપટ છવાયો હતો. દક્ષિણ ગુજરાતમાં આ કમોસમી વરસાદના કારણે આંબાના પાક (કેરી) પર નિર્ભર ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરણ કુદરતી આફતના કારણે દાહોદમાં એક આધેડ તો બનાસકાંઠામાં વીજળી પડતા ભેંસનું મોત થયું છે. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં શેડના પતરા પણ ઉડીને તૂટી ગયાં છે. ખેતરમાં રહેલા તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતોએ વળતરની માગ કરી છે. 1 જૂનના વરસાદની પળેપળની અપડેટ માટે ક્લિક કરો. ⇒ દાહોદમાં વાવાઝોડાને કારણે 1નું મોત; બે ઈજાગ્રસ્ત દાહોદમાં સોમવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું મહાકાય સાઈન બોર્ડ તેજ પવનમાં ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ઉસારવણ ગામના ડુંગર ફળિયાના 60 વર્ષીય શક્કરિયા નિનામાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે દિવસ પહેલાં નર્મદામાં મકાન ધરાશાયી થતા 11 વર્ષની બાળકીનું મોત થયું હતું, આમ છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ-વાવાઝોડાના કારણે બે લોકોના જીવ ગયાં છે. ⇒ બનાસકાંઠા જિલ્લો: ડીસા અને કાંકરેજમાં ખેડૂતોને આર્થિક ફટકો ડીસા તાલુકાના થેરવાડા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે અચાનક વાતાવરણ પલટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં તીવ્ર પવનના ઝાપટાથી અનેક મકાનો અને પશુઓના આશ્રયસ્થાન માટે બનાવેલા શેડ (ઢાળિયા) ના પતરાં ઊડી ગયા હતા, જેના લીધે પશુપાલકો આર્થિક સંકટમાં મૂકાયા છે. કાંકરેજ તાલુકામાં ભારે પવને વ્યાપક તબાહી મચાવી છે. આકોલી ગામે વાવાઝોડાના કારણે ખેડૂત હંસુભા ગજુભાના ખેતરમાં પતરાના શેડ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત, કુદરતી આફત વચ્ચે જગતસિંહ દિવાનસિંહના ખેતરમાં આકાશી વીજળી ત્રાટકતાં એક ભેંસનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેથી પશુપાલક પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે. આ નુકસાન અંગે તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે. ઉનાળુ બાજરીના પાકનો કચ્ચરઘાણ: ખેડૂતોની આપવીતી સરહદી વિસ્તારોમાં અત્યારે ઉનાળુ બાજરીની લણણી (કાપણી) ની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. તે જ સમયે અચાનક આવેલા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. સ્થાનિક ખેડૂત દિનેશભાઈ હીરાભાઈ પટેલે જણાવ્યું કે, "મેં બે વીઘા જમીનમાં બાજરી વાઢીને રાખી હતી. રાત્રે વાવાઝોડા સામે પાકને તાડપત્રીથી ઢાંક્યો હતો, પરંતુ તેજ પવનના કારણે ચાદર અને તાડપત્રી હવામાં ઊડી જતાં મારી 100 મણ જેટલી તૈયાર બાજરી સંપૂર્ણપણે પલળી ગઈ છે." અન્ય ખેડૂત કાળુભાઈ પટણીએ વ્યક્ત કર્યું કે, "મારી ત્રણ વીઘાની કાપેલી બાજરી પલળી ગઈ છે. પવનથી રક્ષણ આપતું તાપડું ખુલી જતાં નુકસાન થયું છે, હાલમાં અમે પલળેલી બાજરીને ખુલ્લી કરીને સુકવવા મજબૂર બન્યા છીએ." ⇒ પાટણ જિલ્લો: રાધનપુરના બાદરપુરામાં તંત્ર સામે જનઆક્રોશ રાધનપુર પંથકમાં 1 ઇંચ વરસાદની સાથે ફૂંકાયેલા તોફાની પવનના કારણે બાદરપુરા ગામમાં વ્યાપક નુકસાન થયું છે. ગામમાં 15થી વધુ ગરીબ પરિવારોના ઘરોના પતરાં હવામાં ઊડી ગયા હતા. વીજ વાયરો તૂટી પડવાના કારણે સમગ્ર ગામમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો છે. સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ કુદરતી હોનારતના કલાકો વીતી ગયા હોવા છતાં આપત્તિ વ્યવસ્થાપન કે મહેસૂલ વિભાગના કોઈ પણ સરકારી અધિકારીએ હજુ સુધી સ્થળ મુલાકાત લઈ નાગરિકોની સુધબુધ લીધી નથી. પાટણ જિલ્લામાં નોંધાયેલો વરસાદ ⇒ અમદાવાદમાં મધ્યરાત્રે તોફાન, ફ્લાઇટ્સ ડાયવર્ટ અને વૃક્ષો ધરાશાયી અમદાવાદ શહેરમાં 1 જૂનની મોડી રાત્રે 10:00 વાગ્યા બાદ અને ત્યારબાદ મધરાતે 02:30 વાગ્યે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ⇒ વડોદરામાં સોલાર પેનલો હવામાં ઊડી, ગોધરામાં રસ્તા ધોવાયા વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલી ‘અર્થ આર્ટિકા સોસાયટી’માં ભારે વાવાઝોડાના કારણે ધાબા પર ફિટ કરેલી સોલાર પેનલો ઉખડીને નીચે ખાબકી હતી, જેમાં મોટું આર્થિક નુકસાન થયું છે, પરંતુ તમામ રહીશો સુરક્ષિત છે. તો બીજી તરફ પંચમહાલના ગોધરામાં રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને કારણે આનંદનગર વિસ્તારમાં નિર્માણાધીન પૂલ નજીકનો કામચલાઉ ડાયવર્ઝન રોડ મોટાપાયે ધોવાઈ ગયો છે. માટી વહી જતાં રસ્તો જોખમી બન્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને આનંદનગર-કનેલાવ રોડનો ઉપયોગ ન કરવા અને તેના બદલે ITI તથા શામળાજી કોલેજવાળા વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા કડક સૂચના અપાઈ છે. ⇒ પાટણ અને મહીસાગર: પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પાટણમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાતા તીવ્ર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે રાહદારીઓ ફસાયા હતા. ત્યારબાદ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તીવ્ર પવનથી લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં લાંબો અંધારપટ છવાયો હતો. મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ છે કે MGVCL દર મંગળવારે મેન્ટેનન્સના નામે કલાકો સુધી પાવર કાપ કરે છે, છતાં ચોમાસાના પ્રથમ સામાન્ય વાવાઝોડામાં જ ફીડરો ખોરવાઈ જતાં પ્રી-મોન્સૂનની નબળી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. નવસારી, વલસાડ અને બોટાદ: મિની વાવાઝોડું ⇒ તાપમાન અને આગામી 5 દિવસની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝિયનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આજથી 2 દિવસ દિવસ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક આસપાસ રહેશે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી ગરમીમાં રાહત મળશે. અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં થંડરસ્ટોર્મ સાથે હળવોથી મધ્યમ વરસાદી સ્પેલ જોવા મળી શકે છે. પવનની ગતિ અંગે ચેતવણી ⇒ વરસાદની આગામી આગાહી ચોમાસાની સ્થિતિ દેશમાં નૈઋત્યનું ચોમાસું (Southwest Monsoon) અત્યંત સાનુકૂળ ગતિએ આગળ વધી રહ્યું છે. આગામી 2થી 3 દિવસમાં માનસૂન લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ અને બંગાળની ખાડીના વધુ વિસ્તારોને આવરી લેશે, જેની સીધી અસર ભાગરૂપે ગુજરાતમાં આ પ્રી-મોન્સૂન પવન અને વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આમ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ બનશે. વાવાઝોડા અને પવનની સ્થિતિને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો… યુપી-એમપી સહિત 23 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ, રાજસ્થાનના જોધપુર-ઉદયપુરમાં રસ્તાઓ ડૂબી ગયા; 2-3 દિવસમાં કેરળ પહોંચશે ચોમાસું દેશના 23 રાજ્યોમાં જૂનની શરૂઆત ગરમીથી રાહત લઈને આવી. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને બિહારના ઘણા વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડું અને કરા પડ્યા. આનાથી તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું. રાજસ્થાનના 10 જિલ્લામાં વરસાદ થયો. ઉદયપુરના ગોગુંદામાં હોસ્પિટલની બહાર પાણી ભરાઈ ગયું. જોધપુરના પીપાડ શહેરમાં વરસાદ પછી રસ્તાઓ તળાવ જેવા દેખાવા લાગ્યા. પાલીના ઘાણેરાવમાં રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું. દિલ્હીમાં 1 જૂનનો દિવસ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં સૌથી ઠંડો રહ્યો. સફદરજંગમાં મહત્તમ તાપમાન 36.3°C રહ્યું, જે સામાન્ય કરતાં 3.7°C ઓછું છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગ મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં કેરળ પહોંચી શકે છે. પહેલા 26 મેના રોજ ચોમાસું પહોંચવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને આગામી દોઢ મહિનામાં આખા દેશને આવરી લે છે. સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો માણસોને જ નહીં, પાલતુ પ્રાણીઓને પણ લૂ લાગી શકે, ડૉક્ટર પાસેથી જાણો ઉનાળામાં શું ખવડાવવું, ક્યારે વૉક પર લઈ જવા અને કઈ ભૂલોથી બચવું ઉનાળામાં તાપમાન વધવાની અસર મનુષ્યોની સાથે પ્રાણીઓના સ્વાસ્થ્ય પર પણ પડે છે. નવતપામાં ઘણા શહેરોનું તાપમાન 45°C પાર કરી રહ્યું છે. આનાથી ડોગ્સ અને કેટ્સ જેવા પાલતુ પ્રાણીઓને હીટ સ્ટ્રેસનું જોખમ અનેક ગણું વધી ગયું છે. પાલતુ પ્રાણીઓના શરીરમાં થર્મોરેગ્યુલેશન સિસ્ટમ (પરસેવા દ્વારા શરીરને ઠંડુ રાખવાની પ્રક્રિયા) મનુષ્યોની જેમ સક્રિય હોતી નથી. તેથી તે ઝડપથી ઓવરહીટ થઈ જાય છે અને જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે. તેથી આજે ‘કામના સમાચાર’ માં જાણીશું કે, નવતપા દરમિયાન પાલતુ પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખવી?, પાલતુ પ્રાણીઓમાં હીટ સ્ટ્રોકના શું લક્ષણો છે? અને ઉનાળામાં પાલતુ પ્રાણીઓને શું ખવડાવવું અને શું નહીં? વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    TMC તોડી શકે છે હાંકી કઢાયેલાં ધારાસભ્યો:કહ્યું- અમે જ સાચા તૃણમૂલ, 50થી વધુ MLAનું સમર્થન; આજે સ્પીકરને મળશે
    Next Article
    મહિલા PSIએ પ્રજ્ઞાચક્ષુ વેપારીને પહેલાં માર્યા પછી સમાધાન કરવા પહોંચ્યા:ભાસ્કરને જોતા જ ભાગ્યા, કોન્સ્ટેબલ ઘરે લઈ ગયો હતો; ભોગ બનનારે કહ્યું-'મારે ન્યાય જોઇએ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment