Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડીપૂરના બે મહિના બાદ પણ પરિવહન સેવા પાટે ન ચડી!:મનપાની ધીમી ગતિથી 50%થી વધુ બસો બંધ, 6 મુખ્ય સહિત 12થી વધુ પ્રભાવિત રૂટ પર વિદ્યાર્થીઓ ટિંગાવા મજબૂર

    6 hours ago

    સુરતમાં જુલાઈની શરૂઆતમાં ખાડીપૂરના કારણે સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિને બે મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં સુરત મનપાનું પરિવહન તંત્ર હજુ પાટે ચડી શક્યું નથી. પૂરના પાણીમાં ગરકાવ થયેલી સુરત પાલિકા સંચાલિત સિટી અને બીઆરટીએસ બસોમાંથી હજુ પણ 50 ટકા કરતાં વધુ બસો બંધ હાલતમાં ડેપોમાં પડી છે. તંત્રની ધીમી કામગીરીના પરિણામે શહેરના 6 મુખ્ય રૂટો ઉપરાંત અન્ય નાના-મોટા મળીને 12થી વધુ રૂટો પર બસ સેવા ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. બસોની અછતના કારણે દરરોજ મુસાફરી કરતા લાખો નાગરિકો, નોકરીયાતો અને ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને જીવના જોખમે ખીચોખીચ ભરેલી બસોમાં સવારી કરવાની ફરજ પડી રહી છે. 84 બસો પાણીમાં બંધ થઈ હતી, બે મહિના પછી પણ 43 બસો બંધ જુલાઈમાં ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે શહેરના સરથાણા, કામરેજ, લસકાણા, પુણા, કાપોદ્રા, લિંબાયત, ડીંડોલી અને ગોડાદરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાંચથી છ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયા હતા. આ વિસ્તારોમાં ત્રણથી ચાર દિવસ સુધી પાણી ઓસર્યા ન હોવાથી ત્યાંથી દોડતી પાલિકાની 84 જેટલી બસો પાણીમાં અટવાઈને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ 84 બસોમાં 12 સિટી બસ અને 72 પર્યાવરણ અનુકૂળ ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થતો હતો. આશ્ચર્ય અને આઘાતજનક બાબત એ છે કે પૂર ઓસર્યાને બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં તંત્ર માત્ર 41 બસોને જ રિપેર કરીને રસ્તા પર ઉતારી શક્યું છે, જ્યારે આજે પણ 43 જેટલી બસો ડેપોમાં રિપેરિંગના અભાવે બંધ પડી છે. આ 6 મુખ્ય રૂટો સહિત 12થી વધુ રૂટો પર મુસાફરોનો પારાવાર ઘસારો શહેરમાં દરરોજ દોડતી બસોની સંખ્યામાં 43 જેટલો મોટો ઘટાડો થતાં શહેરી પરિવહનનું સમગ્ર માળખું ખોરવાઈ ગયું છે. સુરત મનપાના છ મુખ્ય રૂટો પર આની સૌથી વધુ માઠી અસર પડી રહી છે. આ 6 મુખ્ય રૂટો ઉપરાંત અન્ય 6 સહાયક રૂટો મળી કુલ 12થી વધુ રૂટો પર નિયમિત આવતી બસોની ફ્રિક્વન્સી ઘટી ગઈ છે. જ્યાં સામાન્ય દિવસોમાં દર 10થી 15 મિનિટે બસ ઉપલબ્ધ થતી હતી, ત્યાં હવે અડધો કલાકથી એક કલાક સુધી મુસાફરોએ રાહ જોવી પડે છે. પરિણામે, જ્યારે પણ કોઈ બસ સ્ટોપ પર આવે છે, ત્યારે અંદર ચડવા માટે મુસાફરો વચ્ચે ધક્કામુક્કી સર્જાય છે. બસોના દરવાજા સુધી લટકીને મુસાફરો જોખમી મુસાફરી કરી રહ્યા છે. અઠવા ગેટ વિસ્તારમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓની કફોડી હાલત શહેરના શિક્ષણ કેન્દ્ર સમાન અઠવા ગેટ વિસ્તારમાં બપોરે અને સાંજે જ્યારે શાળાઓ છૂટે છે ત્યારે અત્યંત ચિંતાજનક દ્રશ્યો સામે આવે છે. સેંકડો વિદ્યાર્થીઓ એકસાથે રસ્તા પર આવી જાય છે અને બસ સ્ટોપ પર ઊભા રહે છે. બસ આવતા જ તેમાં ચડવા માટે ભારે હોબાળો અને ધક્કામુક્કી થાય છે. જો કોઈ વિદ્યાર્થી ભીડના કારણે બસ ચૂકી જાય, તો તેણે આગામી બસ માટે અડધો કલાકથી લઈને કલાકો સુધી રસ્તા પર બેસી રહેવું પડે છે. વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હૈયાવરાળ વિદ્યાર્થી મોહિતે જણાવ્યું કે, હું નવાગામ રહું છું. શાળા છૂટ્યા પછી બસ પકડવા માટે અમારે ભારે સંઘર્ષ કરવો પડે છે. હમણાં જ એક બસ ગઈ, તેમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. આવી ભીડમાં કોઈ પણ વિદ્યાર્થી નીચે પડી શકે છે અને કોઈ વિદ્યાર્થી પડી જાય તો બસ ઊભી પણ રહેતી નથી. એક બસ ચૂકી જઈએ તો બીજી બસ આવતા એક કલાકથી વધુ સમય લાગે છે, જેના કારણે ઘરે પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. હજુ બે દિવસ પહેલાં જ કિન્નરી સિનેમા પાસે આવી જ એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી, જેમાં કોઈ વાંક વિના નિર્દોષ વિદ્યાર્થીએ જીવ ગુમાવવો પડ્યો હતો. તંત્રએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક નવી અને વધારાની બસો શરૂ કરવી જોઈએ. 'સ્ટુડન્ટ સ્પેશિયલ' બસો ફાળવવામાં આવેઃ આદિત્ય વિદ્યાર્થી આદિત્ય યાદવે જણાવ્યું કે, જ્યારથી અમે શાળાએ આવીએ છીએ ત્યારથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. બસો હંમેશાં ખીચોખીચ ભરેલી જ આવે છે. ઘણી વખત તો ડ્રાઈવર સ્ટોપ પર બસ રોકતા પણ નથી અને સીધી હંકારી જાય છે. અમે વિદ્યાર્થીઓ છીએ અને અમારે દરરોજ સમયસર શાળાએ પહોંચવું અને ઘરે જવું પડે છે. અમારી તંત્ર સમક્ષ સ્પષ્ટ માગ છે કે વિદ્યાર્થીઓ માટે શાળા છૂટવાના સમયે ખાસ 'સ્ટુડન્ટ સ્પેશિયલ' બસો ફાળવવામાં આવે, જેથી અમારે આવી જીવલેણ ભીડમાં મુસાફરી ન કરવી પડે. ભૂતકાળમાં જીવલેણ અકસ્માતો સર્જાયા છતાં પાલિકા બેદરકાર સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાવાના કારણે અગાઉ પણ દરવાજામાંથી નીચે પટકાવાથી અને ટાયર નીચે કચડાઈ જવાથી મુસાફરો તથા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હોવાના અનેક બનાવો નોંધાઈ ચૂક્યા છે. કિન્નરી સિનેમા નજીક તાજેતરમાં બનેલી ઘટના તેનું તાજું ઉદાહરણ છે. આમ છતાં, પાલિકાના અધિકારીઓ બંધ પડેલી 43 બસોને યુદ્ધના ધોરણે રિપેર કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. જો સમયસર બંધ પડેલી બસોને રિપેર કરીને દોડતી કરવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓ માટે પીક-અવર્સમાં સ્પેશિયલ બસો મુકવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ એક મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    Delhi BRICS Summit 2026 के Dinner Party में Malaysia PM Anwar Ibrahim ने गाया Kishore Kumar का गाना!
    Next Article
    બોટાદમાં મહાવીર સ્વામી જન્મ વાંચન, હજારો શ્રાવકો ઉમટ્યા:નેમી ઉદય નંદન વિહાર ઉપાશ્રયમાં ચારિત્રસેન વિજયજી મ.સાહેબના સાનિધ્યમાં ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment