Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અવકાશમાં માનવીનું અદમ્ય સાહસ:50 વર્ષથી માઈનસ ડિગ્રી તાપમાનમાં દોડતું વોયેજર-1, એલિયન્સ માટે ગોલ્ડન ડિસ્ક લઈને ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચ્યું

    2 days ago

    અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ, ગુજરાતી કવિઓના અત્યંત પ્રિય એવા ચાંદ પર 20 જુલાઈ, 1969ના રોજ પ્રથમ વખત અપોલો-11 મિશન હેઠળ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને પાયલોટ બઝ આલ્ડ્રિનને મોકલ્યા હતા. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પ્રથમ કદમ મૂક્યો ત્યારથી લઈને તાજેતરમાં નાસાએ ફરી જે ચંદ્ર મિશન મોકલ્યું, તે બે ઘટનાઓ વચ્ચેના સમયગાળામાં સમગ્ર દુનિયા સદંતર બદલાઈ ગઈ છે. આજે ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી ટેક્નોલોજી માત્ર સાધનો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેણે માનવીના શરીર અને મન પર પણ પોતાનું આધિપત્ય જમાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ જે નથી બદલાયું, તે છે 5 સપ્ટેમ્બર, 1977ના રોજ નાસાએ અવકાશમાં તરતું મૂકેલું અવકાશયાન 'વોયેજર-1' અને તેની અવિરત ગતિ તથા દિશા. પૃથ્વીની બહાર શું છે? અવકાશ અને બ્રહ્માંડ હંમેશાંથી માનવજાત માટે અત્યંત રહસ્ય અને રોમાંચનો વિષય રહ્યા છે. પૃથ્વીની બહાર શું છે? આપણા બ્રહ્માંડની સીમા ક્યાં સુધી વિસ્તરેલી છે? પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે ખરી? શું ત્યાં માનવી કરતાં પણ વધુ બુદ્ધિશાળી અને ચઢિયાતા જીવો વસે છે? અને આ અફાટ બ્રહ્માંડનું સર્જન આખરે કોણે કર્યું હશે? આવા અનેક પ્રશ્નો આજે પણ માનવ મનને વલોવી રહ્યા છે. અને બ્રહ્માંડ કરતાં પણ વધુ અકળ અને અનંત જિજ્ઞાસા ધરાવતા માનવ મનના આ તમામ સવાલોના જવાબો શોધવા માટે જ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ વોયેજર-1 અવકાશયાન લોન્ચ કર્યું હતું. લગભગ પાંચ દાયકાનો સમય વીતી ગયો હોવા છતાં, આ યાન આજે પણ અવકાશના અફાટ અંધકારમાં સતત મુસાફરી કરી રહ્યું છે અને તે માનવજાત દ્વારા નિર્મિત બ્રહ્માંડમાં સૌથી દૂર પહોંચેલી એકમાત્ર વસ્તુ બની ગયું છે. વોયેજર-1એ માત્ર એક નિર્જીવ અવકાશયાન નથી, પરંતુ માનવીની અખૂટ જિજ્ઞાસા, વિજ્ઞાન અને ટેકનોલોજીની અદ્ભુત સિદ્ધિનું એક જીવંત પ્રતીક છે. વોયેજર-1 ઇન્ટરસ્ટેલર સ્પેસમાં દાખલ થયું 25 ઓગસ્ટ, 2012ના રોજ વોયેજર-1 હેલિયોસ્ફિયર એટલે કે સૂર્યના પ્રભાવવાળા વિસ્તારને પાર કરીને ઇન્ટરસ્ટેલર સ્પેસમાં દાખલ થઈ ગયું.અદ્ભુત ફિલ્મોના સર્જક ક્રિસ્ટોફર નોલાનની સિનેમાઈ કરામાતને કારણે, વિજ્ઞાનમાં રસ ધરાવનારા લોકો ઇન્ટરસ્ટેલરના કોન્સેપ્ટથી અજાણ્યા નહીં જ હોય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ તો, હેલિયોસ્ફિયર એ સૂર્યના કણો અને તેના ચુંબકીય ક્ષેત્રથી બનેલો એક વિશાળ પરપોટો છે. આ પરપોટાની અંદર વસતા ગ્રહો અને તારાઓ એક રીતે પૃથ્વીના કુટુંબીજનો કહેવાય. પરંતુ, આ પરપોટાની બહાર તારાઓ વચ્ચેનું અસલી અને અફાટ અવકાશ શરૂ થાય છે, જેને ઇન્ટરસ્ટેલર સ્પેસ કહે છે. બરાબર આ જ સ્થળેથી આપણા સૌરમંડળની, એટલે કે આપણા પોતાના ગ્રહીય કુટુંબની સરહદ પૂરી થાય છે. એક જ મિશનમાં 4 ગ્રહોની મુલાકાત 1970ના દાયકામાં વૈજ્ઞાનિકોએ એક મહત્વપૂર્ણ શોધ કરી કે ગુરુ , શનિ , યુરેનસ અને નેપ્ચ્યુન અવકાશમાં એક એવી દુર્લભ સ્થિતિમાં આવી રહ્યા હતા, જ્યાં માત્ર એક જ મિશન દ્વારા આ તમામ ગ્રહોની મુલાકાત લઈ શકાય તેમ હતી. ખગોળીય દ્રષ્ટિએ આવી અદ્ભુત તક અંદાજે દર 176 વર્ષે માત્ર એક જ વાર મળે છે. નાસાએ બ્રહ્માંડના આ અનોખા અને ઐતિહાસિક અવસરનો પૂરેપૂરો લાભ લેવા માટે જ વોયેજર કાર્યક્રમની શરૂઆત કરી હતી. સૌથી રસપ્રદ અને મહત્વની વાત એ છે કે વોયેજર-2 પહેલા લોન્ચ થયું હોવા છતાં, પોતાની અસાધારણ ગતિ અને વિશિષ્ટ માર્ગને કારણે વોયેજર-1 સૌરમંડળની સરહદ વટાવીને સૌથી પહેલા બહાર પહોંચી ગયું. ઝાંખા ભૂરા રંગના ટપકા જેવી દેખાતી આપણી પૃથ્વી હાલમાં પૃથ્વીથી અંદાજિત 25 અબજ કિલોમીટર (16 અબજ માઈલ) કરતાં પણ વધુ દૂર મુસાફરી કરી ચૂકેલું વોયેજર-1 જ્યારે 1990માં આપણા સૌરમંડળની બહાર નીકળી રહ્યું હતું, ત્યારે તેણે 6 અબજ કિલોમીટરના અંતરથી પૃથ્વીની એક તસવીર ઝડપી હતી, જે આજે સમગ્ર વિશ્વમાં પેલ બ્લુ ડોટ તરીકે પ્રખ્યાત છે. આ તસવીરમાં એક અત્યંત નાના, ઝાંખા ભૂરા રંગના ટપકા જેવી દેખાતી આપણી પૃથ્વીનો એ ફોટો માત્ર એ જ નથી સમજાવતો કે આ અનંત અવકાશમાં આપણી દુનિયા કે આપણું ઘર શું સ્થાન ધરાવે છે. પરંતુ તે કુદરતની આ અકલ્પનીય કમાલ પર આફરીન પોકારવા મજબૂર કરે છે અને બ્રહ્માંડની વિશાળતા સામે મનુષ્યના ક્ષુદ્ર અહંકારને ઓગાળી નાખવામાં પણ એટલો જ મદદરૂપ સાબિત થાય તેમ છે. ગુરુના ચંદ્ર પર સક્રિય જ્વાળામુખીની શોધ થઇ આ ઉપરાંત, આ વોયેજર-1એ અંતરિક્ષની પોતાની અવિરત સફર દરમિયાન આપણી ગેલેક્સી અને બ્રહ્માંડના એવા અવનવા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે તથા ત્યાંની એવી ફર્સ્ટ હેન્ડ માહિતી મોકલી છે, જે કોઈપણ અવકાશ વિજ્ઞાનપ્રેમીને આશ્ચર્યચકિત કરી મૂકે. વર્ષ 1979માં વોયેજર-1 જ્યારે ગુરુ ગ્રહની નજીકથી પસાર થયું, ત્યારે તેણે ગુરુના રંગબેરંગી વાદળો, તેના પર સદીઓથી ચાલતા વિશાળ તોફાન ગ્રેટ રેડ સ્પોટ અને તેના અનેક ઉપગ્રહોની અત્યંત નજીકથી લીધેલી તસવીરો પૃથ્વી પર મોકલી હતી. ખાસ કરીને, ગુરુના ચંદ્ર આયો (Io) પર સક્રિય જ્વાળામુખીની શોધે તો સમગ્ર વૈજ્ઞાનિક જગતને સ્તબ્ધ કરી દીધું હતું; કારણ કે પૃથ્વી સિવાય બ્રહ્માંડના અન્ય કોઈ ખગોળીય પિંડ પર સક્રિય જ્વાળામુખી જોવા મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના હતી. આ ઐતિહાસિક શોધે ગ્રહ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો જ અધ્યાય ઉમેર્યો. શનિ ગ્રહ હકીકતે ડર લાગે તેવો નથી જ્યોતિષશાસ્ત્રમાં કાયમ નડતા અને ભય પેદા કરતા શનિ ગ્રહ હકીકતે ડર લાગે તેવો નથી, પરંતુ તેના અતિસુંદર અને ભવ્ય વલયોને કારણે તેના પ્રેમમાં પડી જવાનું મન થાય તેવો આકર્ષક ગ્રહ છે; તેની સાબિતી આપતી અદ્ભુત તસવીરો પણ આ યાન દ્વારા મોકલવામાં આવી. પરંતુ, આ સમગ્ર મિશનનો સૌથી મહત્વપૂર્ણ હેતુ શનિના સૌથી મોટા ચંદ્ર ટાઇટનનો વિગતવાર અભ્યાસ કરવાનો હતો. ટાઇટન પર પૃથ્વીની જેમ જ અત્યંત ઘટ્ટ વાતાવરણ આવેલું છે અને તેમાં નાઈટ્રોજનનું પ્રમાણ પણ પૃથ્વીના વાતાવરણને મળતું આવે છે. વોયેજર-1 એ ટાઇટન વિશે એટલી અમૂલ્ય અને પાયાની માહિતી એકત્ર કરી આપી, જેના આધારે ભવિષ્યમાં નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ (ESA) સંયુક્ત રીતે કેસિની-હ્યુજેન્સ મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. રેડિયો સિગ્નલને વોયેજર સુધી પહોંચવામાં 23 કલાક જેટલો સમય લાગે પ્રતિ સેકન્ડે અંદાજે 17 કિલોમીટરની પ્રચંડ ઝડપે મુસાફરી કરી રહેલું, મનુષ્યના ભેજાની અદ્ભુત વૈજ્ઞાનિક કરામાત સમાન આ વોયેજર-1 પૃથ્વીથી લગભગ 25 અબજ કિલોમીટર કરતાં પણ વધુ દૂર નીકળી ગયું છે. આ અકલ્પનીય અંતરના કારણે જ, હાલમાં પૃથ્વી પરથી મોકલેલા રેડિયો સિગ્નલને વોયેજર સુધી પહોંચવામાં લગભગ 23 કલાક જેટલો સમય લાગે છે અને ત્યાંથી વળતો જવાબ પાછો આવવામાં પણ એટલો જ સમય વીતી જાય છે. એક અનોખો સંદેશ પણ પોતાની સાથે લઈને ગયું અંતરિક્ષના અગણિત રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે તરતું મૂકેલું આ વોયેજર, જો બ્રહ્માંડના કોઈ અજાણ્યા ખૂણે કે દૂર સુદૂરના ગ્રહ પર વસતા પરગ્રહવાસીઓ સામે ભટકાઈ જાય, તો તેમને "હાય-હેલો" કહી શકે અને આપણી પૃથ્વી શું છે તથા કેવી છે તેનો પરિચય આપી શકે, તેવો એક અનોખો સંદેશ પણ પોતાની સાથે લઈને ગયું છે. જી હા, વોયેજર-1ની સાથે આ પૃથ્વીના દૂત તરીકે એક અત્યંત અનોખી વસ્તુ મોકલવામાં આવી છે, જે ગોલ્ડન રેકોર્ડ તરીકે ઓળખાય છે. આ સોનાની પરત ચઢાવેલી તાંબાની ડિસ્કમાં સમગ્ર માનવજાત અને આપણી પૃથ્વી વિશેની અતિ મહત્વપૂર્ણ માહિતી સંગ્રહિત કરવામાં આવી છે. બ્રહ્માંડના અન્ય જીવો માટે પૃથ્વીના આ ટાઇમ કેપ્સ્યુલ સમાન રેકોર્ડમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે. કાર્લ સેગનને ડિસ્ક બનાવવાનો વિચાર આવ્યો ભવિષ્યમાં જો કરોડો વર્ષો પછી પણ બ્રહ્માંડની કોઈ અતિ બુદ્ધિશાળી પરગ્રહવાસી સંસ્કૃતિને આ અનોખી ડિસ્ક મળે, તો તેનાથી તેમને પૃથ્વી અને સમગ્ર માનવજાતના અસ્તિત્વ વિશેની તમામ મૂળભૂત માહિતી મળી શકે તેમ છે. અને સ્વાભાવિક રીતે જ, આ ડિસ્ક બનાવવાનો અદ્ભુત વિચાર જે મહાન વ્યક્તિના દિમાગમાં આવ્યો હતો, તે હતા મારા અત્યંત પ્રિય એવા પ્રખ્યાત અમેરિકન ખગોળશાસ્ત્રી કાર્લ સેગન. 50 વર્ષોથી બ્રહ્માંડના માઈનસ ડિગ્રીમાં કામ કરે છે આજના સામાન્ય સ્માર્ટફોન કરતાં પણ ગણી શકાય તેટલી ઓછી કમ્પ્યુટિંગ શક્તિ અને અત્યંત મર્યાદિત મેમરી સ્ટોરેજ ધરાવતું આ વોયેજર-1 પોતાના સંચાલન માટે રેડિયોઆઈસોટોપ થર્મોઈલેક્ટ્રિક જનરેટર દ્વારા ઊર્જા મેળવે છે. આ સિસ્ટમમાં પ્લુટોનિયમ-238ના કિરણોત્સર્ગી ક્ષયથી ઉત્પન્ન થતી ગરમીનો વીજળી બનાવવા માટે ઉપયોગ થાય છે. અને વિજ્ઞાનની કમાલ તો જુઓ, આ ટેકનોલોજી છેલ્લા લગભગ 50 વર્ષોથી બ્રહ્માંડના માઈનસ ડિગ્રી તાપમાનમાં પણ એકધારી અને અત્યંત વિશ્વસનીય રીતે કાર્ય કરી રહી છે. જિજ્ઞાસા અને વિજ્ઞાનની કોઈ સરહદો નથી માનવીના પૃથ્વીના સીમાડા ઓળંગવાની અદમ્ય હામની સાબિતીરૂપ વોયેજર-1એ આપણને પ્રતીતિ કરાવી છે કે, માનવીની જિજ્ઞાસા અને વિજ્ઞાનની કોઈ સરહદો હોતી નથી. તે માત્ર ગ્રહો અને તારાઓ વિશે માહિતી એકત્ર કરતું એક યાંત્રિક યાન નથી, પરંતુ તે સમગ્ર માનવજાતના સાહસ, અનંત કલ્પનાશક્તિ અને સંશોધન પ્રત્યેના અખૂટ પ્રેમનું જીવંત પ્રતીક છે. જો હિન્દુ સંસ્કૃતિના કર્મ અને આત્માની અમરતાના સિદ્ધાંત તેમજ પરલોકની કલ્પનાને સાચી માનીએ તો, બ્રહ્માંડના કોઈ પરમ ધામમાં આધુનિક ખગોળ વિજ્ઞાનના પ્રણેતા ગેલિલિયો ગેલિલી, ગુરુત્વાકર્ષણ અને સાપેક્ષતાના સિદ્ધાંતના જનક આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ગોલ્ડન રેકોર્ડના સર્જક કાર્લ સેગન, અને જેમના જીવતેજીવ બ્લેક હોલની થિયરી પ્રત્યક્ષ સાબિત ન થઈ શકી તે મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ. આ તમામ મહાનુભાવો અંતરિક્ષના અનંત અંધકારને ચીરીને આગળ વધતા આ વોયેજર-1ને આવકારવા અને માનવજાતની આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ તેની સાથે શેક હેન્ડ કરવા ઉત્સુક થઈને ઊભા હશે.
    Click here to Read More
    Previous Article
    OBC reservation in West Bengal: From 7% to 17% and back, how legislation changed over the years
    Next Article
    તલાટી કાયમ મોડા આવતાની ઉપસરપંચની ફરિયાદ:પાંચ વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતા પાંચોટ તલાટીને બદલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment