Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '5 વર્ષ પહેલાં UCC હોત તો મારી દીકરી જીવતી હોત':હસતા મોંઢે આપઘાત કરનારી આયશાના પિતા ભાવુક થયા, કહ્યું- હવે કોઇ 4 નિકાહનો શિકાર નહીં બને

    10 hours ago

    જો આ કાયદો 5 વર્ષ પહેલાં આવી ગયો હોત તો મારી દીકરી આયશા જીવતી હોત, મારી પાસે હોત. આ શબ્દો બોલતા બોલતા લિયાકતઅલીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. નીચે આપેલા આ એવા દ્રશ્યો છે જે ભાગ્યે જ કોઇ ભૂલી શક્યું હશે. પતિની બીજા લગ્ન કરવાની જીદના કારણે આયશા મકરાણી નામની યુવતીએ હસતા મોંઢે અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. જેના વીડિયોએ આખા દેશને હચમચાવી મૂક્યો હતો. હવે ગુજરાતમાં UCC બિલ પાસ થઇ જતાં આયશાના પિતા ખુલીને તેના સમર્થનમાં આવ્યા છે. તેમણે આ બિલને મુસ્લિમ દીકરીઓના રક્ષણ માટેનું બિલ ગણાવ્યું છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેમણે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં UCC લાગુ કરવાની માગ કરી છે. '.... તો આજે મારી દીકરી જીવતી હોત' લિયાકતઅલી હાલમાં અમદાવાદના વટવામાં રહે છે અને સિલાઇ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વાતની શરૂઆત કરતાં તેમણે કહ્યું, 2021માં મારી દીકરી આયશાએ આત્મહત્યા કરી હતી. તેનો પતિ તેને ટોર્ચર કરતો હતો. એ પછી 498નો કેસ થયો હતો અને તે ન્યાય માટે લડતી હતી. તેનો પતિ 4 નિકાહ કરવા માંગતો હતો. ‘પતિ 4 નિકાહ ન કરે એ માટે એ માટે આયશાએ તેને ફોન કર્યો હતો. જોકે એણે કહ્યું કે હું તો આગળ નીકળી ગયો છું. આયશાએ કહ્યું કે હું મરી જઇશ તો પતિએ કહ્યું કે મરી જા. મને વીડિયો બનાવીને મોકલી દેજે. જેના પછી આયશાએ વીડિયો બનાવીને તેને મોકલી દીધો. જો આ કાયદો પહેલાં 2020 કે 2021માં આવી ગયો હોત તો મારી દીકરી જીવતી હોત, મારી દીકરી મારી પાસે હોત.’ UCCના કાયદાથી ફાયદાની આશા લિયાકતઅલીને આશા છે કે UCCનો કાયદો બનશે તો કોઇ દીકરીને આયશાની જેમ આત્મહત્યા નહીં કરવી પડે. તેમણે જણાવ્યું, UCC બિલ આવવાથી ઘણો ફાયદો થશે. હવે કોઇ મુસ્લિમ પતિ પોતાની પત્નીને તલાક આપ્યા વગર બીજા લગ્ન નહીં કરી શકે. કોઇ પોતાની પત્ની હોવા છતાં બીજા લગ્ન કરશે તો પત્ની પોલીસ કેસ કરે એનો ડર તો તેને રહેશે જ. કોઇપણ દીકરી મારી આયશાની જેમ આત્મહત્યા નહીં કરે. આવી તો કેટલીય આયશા પહેલાં પણ મરી ગઇ છે, જેણે વીડિયો નથી બનાવ્યા. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતા UCCની જરૂર હોવાનું પણ કહ્યું. તેમના મતે, UCC બિલની બિલકુલ જરૂર હતી. કેટલાય મુસ્લિમ દેશોમાં 4 નિકાહ નથી કરી શકાતા. પાકિસ્તાન તો આપણાં હિન્દુસ્તાનનો દીકરો છે, ત્યાં પણ 1961 માં એવો કાયદો આવ્યો હતો કે પત્નીની મરજી વગર પતિ બીજા લગ્ન ન કરી શકે. અફસોસ થાય છે કે બાપને (ભારતને) મોડેથી સમજ આવી. જોકે સમજ આવી એ સારી વાત છે. તેમનું માનવું છે કે UCCથી મુસ્લિમ સમાજને ઘણો ફાયદો થશે. એક વ્યક્તિ જે ખાધા પીધા વગર પોતાની દીકરીને મોટી કરે છે, દીકરીના લગ્ન કરવા માટે રૂપિયા ઉધાર લાવે છે. એ જ દીકરીને કોઇ નાનકડી વાત માટે કાઢી મૂકે એ તો ખોટું જ છે ને. હવે આવું નહીં થાય. આખા દેશમાં UCC લાગુ કરોઃ લિયાકત અલી લિયાકતઅલીએ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં UCC લાવવાની માગ કરી છે. તેઓ કહે છે કે, જો સરકાર મુસ્લિમોની હિતેચ્છું છે તો ગુજરાત જ કેમ? આખા ભારતમાં UCC લાગુ કરવો જોઇએ. કોઇ તેનો વિરોધ નહીં કરે કારણ કે કોને પોતાની દીકરીને બરબાદ કરવી છે? મુસ્લિમ ફક્ત ગુજરાત કે છત્તીસગઢમાં જ નથી. આખા ભારતમાં છે. સૌથી વધારે તો યુપી અને કર્ણાટકમાં છે. તેમણે UCCનો વિરોધ કરનારાને રાજકારણી ગણાવ્યા. તેઓ ઉમેરે છે કે, ગુજરાતમાં કે અન્ય જગ્યાએ જ્યાં પણ આ કાયદો આવ્યો ત્યાં કોઇ મહોલ્લામાં મહિલાઓ કે પુરુષો બહાર નીકળીને વિરોધ કરતાં દેખાયા? ક્યાંય નહીં દેખાય. મુસ્લિમ સમાજમાં કોઇ રિયલ વ્યક્તિને જોયો જે આનો વિરોધ કરતો હોય? કોઇ વિરોધ નથી કરતું. જે લોકો વિરોધ કરે છે તે લોકો રાજકારણીઓ છે. એ પોલિટિક્સ કરે છે, બાકી ખરેખરમાં કંઇ નથી. હકીકતમાં તો આ કાયદાથી બધા ખુશ છે. હું તો કહીશ જેને પણ દીકરી છે એ બધા ખુશ છે. ત્રિપલ તલાક વિશે શું કહ્યું? તેમણે ત્રિપલ તલાકનો પણ ઉલ્લેખ કર્યો. તેઓ કહે છે કે, એ સમયે 3 તલાકનો કાયદો આવી ગયો હતો. એ પણ સારો કાયદો હતો. જો કાયદો ન બન્યો હોત તો આરિફ આયશાને 3 તલાક આપી દેત. અત્યારે એ હાઇકોર્ટમાંથી જામીન મેળવીને રાજસ્થાનના ઝાલોરમાં છે અને કેસ પેન્ડિંગ છે. 3 તલાકનો કાયદો આવ્યો તો પુરુષોના મનમાં બેસી ગયું છે કે 3 તલાક આપ્યા અને મારી પત્ની કોર્ટમાં જશે તો હું મુશ્કેલીમાં મુકાઇશ. 2020માં સરકાર 3 તલાકનો કાયદો લાવી ત્યારે આ કાયદો પણ આવી ગયો હોત તો સારું હતું. હું તો કહું છું કે સરકારની ભૂલ છે. એ જ સમયે આ કાયદો લાવવાનો હતો. 'ધર્મમાં ખોટું થાય તો UCC જરૂરી' તેઓ આગળ જણાવે છે કે, ધર્મ અને કાયદાની વાત કરીએ તો ધર્મ મારી પર્સનલ બાબત છે. કાયદો મારા દેશનો છે. મારા દેશના કાયદા મુજબ મારે ચાલવાનું છે, ચાલવું પડે. સંવિધાન અને કોઇપણ ધર્મને મિક્સ કરો એ ખોટું છે. કેમ કે કોઇ ધર્મમાં અમુક વસ્તુ ન કરી શકો. એ સંવિધાન મુજબ ખોટું હોય તો ખોટું છે. માણસાઇ અને ધાર્મિક રીતે પણ ખોટું છે. કોઇ ધર્મમાં કંઇ ખોટું થતું હોય તો UCC જેવા કાયદા સારા છે. લિયાકતઅલીએ UCC બદલ PM મોદીને અભિનંદન આપ્યા અને કહ્યું કે, UCC બિલ માટે હું સરકારને અભિનંદન આપીશ. ખાસ તો આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપીશ કે જેમણે 75 વર્ષ બાદ આ તરફ ધ્યાન આપ્યું. તેમણે વિચાર્યું કે ખરેખર મુસ્લિમ છોકરીઓ પર અત્યાચાર થઇ રહ્યો છે. તેમણે શરિયા કાયદા ઉપર પણ સવાલ ઉઠાવ્યો. લિયાકતઅલીના મતે, શરિયા મતલબ ઇસ્લામિક કાનૂન. આપણું સંવિધાન બન્યું ત્યારે 4 લગ્નની મંજૂરી હતી.જો શરિયા માનીને તમે મંજૂરી આપી છે તો કોઇ દીકરી મરી જાય તો પુરૂષ પર શરિયા કાનૂન કેમ લાગુ નથી થતો? શરિયાના કાનૂન અનુસાર તો આરિફને સજા થવી જોઇએ, ખૂન કા બદલા ખૂન. આરિફને તો ફાંસી થવી જોઇતી હતી. શરિયા પ્રમાણે મને ક્યાં ન્યાય મળ્યો છે? એક તરફી શરિયા ન ચાલે. ફક્ત મહિલાઓ માટે શરિયા એ ખોટું છે. તેઓ UCC અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવાનો મત વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે, મુસ્લિમ મહિલાઓની વાત કરીએ તો ઘણી ઓછી મહિલાઓને UCC બિલ વિષે જાણ છે. 3 તલાકનો કાયદો આવ્યો ત્યારે ઘણી એડવર્ટાઇઝ થઇ હતી. જેનાથી બધાને ખબર પડી. એ વખતે પણ મહિલાઓ જ સૌથી વધુ ખુશ હતી કે હવે અમને કોઇ તલાક તલાક કહીને ઘરેથી નહીં કાઢી મૂકે. UCC બિલની પણ એડવર્ટાઇઝ થવી જોઇએ કારણ કે ઘણી મુસ્લિમ મહિલાઓમાં ભણતરનો અભાવ હોવાથી તેમને હજુ સુધી આના વિષે જાણ જ નથી. જે ભણેલી છે એમને ખબર છે. ' હલાલા જૂના જમાનાનો ખોટો વિચારઃ લિયાકતઅલી તેઓ કહે છે કે, ઇસ્લામમાં આવું કંઇ છે જ નહીં. મારા મતે ઇસ્લામમાં હલાલા હરામ છે. જૂના જમાનામાં કોઇએ ફેલાવેલો ખોટો વિચાર છે. મેં રિસર્ચ કર્યું છે એ મુજબ નબી હતા ત્યારે કોઇ વ્યક્તિએ પોતાની પત્નીને તલાક આપ્યા. પત્નીએ બીજે લગ્ન પણ કર્યાં. એ પછી તેનો બીજો પતિ મરી ગયો અથવા તેણે પણ પત્નીને તલાક આપી દીધા, હકીકતની મને ખબર નથી. જે પહેલાં વ્યક્તિએ પોતે તલાક આપ્યા હતા એ વિચારતો હતો કે હું આની સાથે ફરી લગ્ન કરી લઉં. જેથી તેણે નબીને પૂછ્યું કે કે હું મારી પત્નીને તલાક આપી ચૂક્યો છું પછી તેણે લગ્ન કર્યા, જ્યાં તેના તલાક થઇ ગયા છે. હવે તેને પાછી લાવું તો એ હરામ છે કે હલાલ છે? નબીએ કહ્યું કે તું લગ્ન કરી શકે છે. એ હરામ નહીં પણ હલાલ છે. એ શબ્દ આ રીતે આવ્યો છે. રિયલ સ્ટોરી મને ખબર નથી. શુું હતો આયશા કેસ? આયશા અને આરિફ દૂરના સબંધી થતાં હતા. જેના પગલે એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા. બન્ને એકબીજાને પસંદ કરતાં હતા. પરિવારને કહ્યું તો પરિવારે લગ્ન કરાવી આપ્યા હતા. લગ્ન બાદ આયશાને જાણ થઇ કે આરિફને બીજે પણ સબંધ છે. જેથી તેણે પહેલા આરિફને સમજાવ્યો હતો. એ ન સમજ્યો તો પરિવારને જાણ કરી. એ પછી વાત વણસી જતાં આરિફ સામે કેસ કર્યો હતો. આરિફ તેને રાખવા તૈયાર નહોતો પણ ત્રણ તલાક અંગે કાયદો આવી ગયો હોવાથી એ ત્રણ તલાક આપી શકે તેમ નહોતો પણ બીજા લગ્નની તૈયારી કરતો હતો. અમદાવાદમાં માતા-પિતા સાથે રહેતી આયશાને આ વાતની જાણ થતાં તેણે આરિફને બીજા લગ્ન ન કરવાનું સમજાવવા માટે ફોન કર્યા હતા. જેના પછી તેણે વીડિયો બનાવીને આત્મહત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે આરિફને 10 વર્ષની સજા ફટકારી હતી. જો કે આરિફે હાઇકોર્ટમાં અપીલ કરતાં તેને જામીન મળી ગયા છે. આયશાના પિતાનો દાવો છે કે જામીન મળ્યા બાદ આરિફે બીજા લગ્ન કરી લીધા છે. જો UCC ત્યારે અમલમાં હોત તો તલાક વગર આરિફ બીજા લગ્ન કરવાનું વિચારત જ નહીં.
    Click here to Read More
    Previous Article
    કરૂણાંતિકા:જામનગર-રાજકોટ ધોરીમાર્ગ રક્તરંજીત થયા અકસ્માતના ત્રણ બનાવમાં 4ના મોત, 2ને ઈજા
    Next Article
    'ધુરંધર'ના 'જમીલ ખાન'એ ભૂખ્યા પેટે કામ કર્યું:'દિલરુબા' બની છવાયા, દીકરી જેવડી ઉંમરની એક્ટ્રેસને કિસ કરી વિવાદમાં આવ્યા

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment