Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીની છેડતી કરનારની પથ્થરના ઘા મારી પતાવી દીધો:સુરતમાં ભાજપ નેતા સહિત 5 મહિનામાં 50ની હત્યા, રોડ પર ‘યમરાજ’નું ખુલ્લું આમંત્રણ; દર ત્રણ દિવસે એક મર્ડર

    6 days ago

    સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. સુરત પોલીસની સઘન હાજરી અને 'સબ સલામત'ના મોટા-મોટા દાવાઓ વચ્ચે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે અને સતત બીજા દિવસે હત્યાનો વધુ એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે, જેને પગલે સુરતમાં ચાલુ વર્ષે હત્યાની હાફ સેન્ચ્યુરી નોંધાતા ચકચાર મચી ગઈ છે. જેમાં ભાજપ નેતા સહિત 5 મહિનામાં 50ની હત્યા થઈ છે એટલે કે દર ત્રણ દિવસે એક મર્ડર થયા છે. અલથાણ વિસ્તારમાં સતત બીજા દિવસે મર્ડરની ધટના સામે આવી છે, જેમાં પત્નીની છેડતી કરનાર રિક્ષાચાલક રાહુલ રાજપૂત (ઉં.વ. 27)ને આરોપી રાજીવ નામના વ્યક્તિએ સિમેન્ટના પથ્થર મારીને પતાવી દીધો હતો. મૃતક રાહુલ પોતાના પરિવારમાં પત્ની અને બે બાળકો પાછળ છોડી ગયો છે. આ મામલે અલથાણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજીવની ધરપકડ કરી લીધી છે. પત્નીની છેડતીનો આક્ષેપ બાદ પતિએ સિમેન્ટના પથ્થરથી પતાવી દીધો આ ચકચારી ઘટના સુરતના વીઆઈપી ગણાતા અલથાણ વિસ્તારમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ, અહીં રાહુલ રાજપૂત નામના 28 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક રાહુલ રાજપૂત નામનો યુવક આરોપીની પત્નીની છેડતી કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મહિલાએ આ બાબતની જાણ પોતાના પતિને કરતાં જ ગુસ્સે ભરાયેલો પતિ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગુસ્સામાં ભાન ભૂલેલા પતિએ છેડતી કરનાર રાહુલ રાજપૂત પર સિમેન્ટના પથ્થર વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત સિમેન્ટના ભારેખમ પથ્થર વડે થયેલા હિચકારા હુમલામાં રાહુલ રાજપૂતને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર રીતે લોહીલુહાણ થયેલા રાહુલે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો હત્યાની આ ઘટના અંગે વાયુવેગે પોલીસને જાણ થતાં જ અલથાણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગણતરીના કલાકોમાં સક્રિયતા દાખવી મુખ્ય આરોપી રાજીવની ધરપકડ કરી લીધી છે, જ્યારે અલથાણ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી, પરિવાર આઘાતમાં હત્યાનો ભોગ બનનાર 28 વર્ષીય રાહુલ રાજપૂત પરિશ્રમી યુવક હતો. તે રિક્ષા ચલાવીને તેમજ કેટરર્સના વ્યવસાયમાં કામ કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાહુલના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક રાહુલ પોતાના પાછળ પત્ની અને બે માસૂમ બાળકોને વિલાપ કરતા છોડી ગયો છે. પિતાની છત્રછાયા ગુમાવતા માસૂમ બાળકો અને પત્ની પર વજ્રઘાત થયો છે, જેને પગલે સમગ્ર પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. સુરતમાં 5 મહિનામાં ભાજપ નેતા સહિત 50ની હત્યા ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સુરત શહેરમાં ગંભીર ગુનાઓ જેવા કે હત્યા અને માર્ગ અકસ્માતોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે સુરતવાસીઓ અને પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરીના ચોપડેથી બહાર આવેલા તાજેતરના છેલ્લા પાંચ મહિનાના આંકડા જોઈને લાગે છે કે સુરત હવે માત્ર ડાયમંડ કે ટેક્સટાઈલ સિટી નથી રહ્યું, પણ ગુનાખોરીનું નવું ‘પાવર સેન્ટર’ બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના આંકડા જોઈને ગુનેગારોના હોસલા બુલંદ અને સામાન્ય જનતાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મર્ડર વધ્યા સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાણે ગુનેગારોના ખિસ્સામાં રમતી હોય તેમ, ગત વર્ષે આ સમયગાળા સુધીમાં શહેરમાં ખૂનના 23 કેસ નોંધાયા હતા. પરંતુ ચાલુ વર્ષે તો પાંચ મહિનામાં ગુનેગારોએ જાણે મોટો સ્કોર કરવાનું નક્કી કર્યું હોય તેમ આ આંકડો સીધો 50 પર પહોંચાડી દીધો છે! એટલે કે હત્યાના બનાવોમાં સીધો 27 કેસોનો સનસનાટીપૂર્ણ વધારો થયો છે. નાની-નાની વાતોમાં ચપ્પુબાજી અને તલવારો હવામાં ઉછાળતા અસામાજિક તત્વોને પોલીસનો એટલો બધો ‘ખૌફ’ છે કે ખૂનનો આંકડો અડધી સદી ફટકારી ચૂક્યો છે. સામાન્ય બાબતોમાં સુરતમાં હત્યાઓનો સિલસિલો યથાવત સુરતમાં જાહેર રોડ પર સામાન્ય બાબતે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચતી હોવાનો ઘણી ઘટનાઓ બની ચૂકી છે. ભાજપના નેતાઓ સહિતનાની હત્યાઓ નીપજાવવામાં આવી છે. ગતરોજ(6-7 જૂન) સિંગણપુર વિસ્તારમાં બે યુવકોની માવો ખાવા માટે દુકાન ખોલાવવાની જીદમાં થયેલા ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી. મોડી રાત્રે થયેલી આ હત્યામાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. રોડ પર ‘યમરાજ’નું ખુલ્લું આમંત્રણ, અકસ્માતનો ગ્રાફ પણ વધ્યો વાહન અકસ્માતોની બાબતમાં સુરતના રસ્તાઓ હવે રોલરકોસ્ટર રાઈડ જેવા બની ગયા છે. ગત વર્ષના 291 અકસ્માતોના રેકોર્ડને કચડીને આ વર્ષે આંકડો 330 પર પહોંચાડી દેવાયો છે. તેમાંય પાછા ગંભીર રીતે ઘાયલ થનારા કેસો 177થી વધીને 203 થઈ ગયા છે. સ્પીડ બ્રેકર હોય કે ટ્રાફિક સિગ્નલ, સુરતના વાહનચાલકોને ‘રૂલ્સ ઈઝ રૂલ્સ, પણ મારા માટે નહીં’ વાળો નિયમ વધારે ગમે છે અને પોલીસ તંત્ર કદાચ ડિજિટલ મેમો મોકલવામાં જ પોતાની ફરજ પૂરી સમજી બેઠું છે! તસ્કરો ‘વર્ક ફ્રોમ હોમ’ પર ગયા? ચોરીના આંકડામાં ઘટાડો ચોરો અને તસ્કરોએ કદાચ સુરત પોલીસની દયા ખાઈને આ વર્ષે થોડો આરામ કરવાનું વિચાર્યું લાગે છે, અથવા તો મર્ડર કરનારાઓની ધાક જોઈને તેઓ પણ ડરી ગયા છે! ગત વર્ષે જે કુલ ચોરીનો આંકડો 637 હતો, તે આ વર્ષે ઘટીને 512 થઈ ગયો છે. વાહન ચોરી પણ 322થી ઘટીને 240 થઈ ગઈ છે. કદાચ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે ચોરોએ વાહનો ચોરવાનું માંડી વાળ્યું હોય અથવા સુરતીઓએ પોતાના વાહનો સીધા ઘરમાં જ પાર્ક કરવાનું શરૂ કરી દીધું હોય તેવું બની શકે! પ્યાસીઓ અને જુગારીઓ પર ખાખી મહેરબાન કે પરેશાન? સુરતમાં દારૂબંધી માત્ર કાગળ પર કેટલી ‘કડક’ છે, તેનો જીવતો-જાગતો પુરાવો આ આંકડા આપે છે. પ્રોહીબીશનના કેસો ગત વર્ષે 14392 હતા જે આ વર્ષે વધીને 14445 થઈ ગયા છે! આટલા બધા કેસો પકડાયા પછી પણ જો પ્યાસીઓની તરસ ન છિપાતી હોય, તો કાં તો પોલીસ બહુ કડક છે કાં તો બુટલેગરો હોમ ડિલિવરીમાં બહુ એક્સપર્ટ છે! બીજી તરફ જુગાર ધારાના કેસો પણ 335થી વધીને 348 થઈ ગયા છે. ડ્રગ્સના કેસો પણ 73 થી વધીને સીધા 126 થઈ ગયા છે, જે દર્શાવે છે કે સુરત હવે ‘ઉડતા સુરત’ બનવાના ટ્રેક પર ફૂલ સ્પીડે દોડી રહ્યું છે. ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં પોલીસને સફળતા સુરત શહેરમાંથી ગુમ થતા નાગરિકો અને ખાસ કરીને બાળકોના કિસ્સામાં પોલીસની સક્રિયતા જોવા મળી છે. આ વર્ષે કુલ ગુમ થયેલા લોકોની સંખ્યા 1137 નોંધાઈ છે. તે પૈકી ગુમ થયેલા કુલ બાળકોની સંખ્યા 62 થી ઘટીને 55 થઈ છે, જેમાંથી મોટાભાગના બાળકોને પોલીસે ગણતરીના કલાકો કે દિવસોમાં શોધી કાઢીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. કડક પેટ્રોલિંગ અને સોશિયલ પોલીસિંગની જરૂર આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે સુરત પોલીસ ચોરી અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ રોકવામાં ઘણી અંશે સફળ રહી છે, પરંતુ શહેરમાં વધી રહેલી આંતરિક અદાવત, હત્યાઓ અને બેફામ ટ્રાફિકને કારણે થતા અકસ્માતો રોકવા માટે હજુ વધુ કડક પેટ્રોલિંગ અને સોશિયલ પોલીસિંગની જરૂર છે. પોલીસના ચોપડે આંકડાઓની માયાજાળ ગમે તેટલી ગોઠવાય, પણ 50 હત્યાઓનો લાલ આંકડો અને ડ્રગ્સના કેસોની સ્પીડ જોઈને એટલું જ કહી શકાય કે– સુરત તુઝે સલામ, અહીં ગુનેગારો કરે છે આરામ, જનતા સવાર-સાંજ પરેશાન અને ખાખી કહે છે સબ સલામત.
    Click here to Read More
    Previous Article
    મોડાસા નાગરિક બેન્ક ચૂંટણી પરિણામ જાહેર:વિશ્વાસ પેનલનો બહુમતીથી વિજય, પરિવર્તન પેનલના માત્ર બે ઉમેદવાર જીત્યા
    Next Article
    સુરતમાં ગાયોના ગોચર પર નેતાપુત્રોની નજર?:ડેપ્યુટી મેયરના પુત્રો પર ગોચરની જમીન પચાવી પાડવાનો આરોપ, બુલડોઝરની કામગીરી વખતે ભારે બબાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment