Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પને રેલો આવ્યો, ચૂંટણી જીતવા મોટો દાવ:મત માટે 5-5 હજાર ડોલરની ઓફર, ભારતનું રેવડી મોડલ અપનાવ્યું, અમેરિકામાં પણ કોના બાપની દિવાળી જેવો ઘાટ

    9 hours ago

    રોમ સામ્રાજ્યનું એક વિશાળ સ્ટેડિયમ છે, હજારો લોકો ત્યાં બેઠા છે. તાળીઓ પાડી રહ્યા છે અને ખુશ થઈ રહ્યા છે. અંદર ભલે તમાશો ચાલી રહ્યો છે પણ સામ્રાજ્યમાં બહાર મોંઘવારી, ભ્રષ્ટાચાર અને રાજાઓની સરમુખત્યારશાહી ચાલી રહી છે. પણ સ્ટેડિયમમાં બેઠેલી જનતા માટે અત્યારે સૌથી મહત્વનું શું છે? જવાબ છે ભરેલું પેટ અને મફતનું મનોરંજન. લગભગ બે હજાર વર્ષ પહેલા રોમન કવિ જુવેનાલે લેટીનમાં આ આખી વાતને ખાલી ત્રણ શબ્દોમાં સમાવી દીધી હતી. પાનેમ એટ સર્સિન્સેસ એટલે કે બ્રેડ અને સર્કસ. એટલે કે લોકોને આ બે વસ્તુ આપી દો અને પછી મજા પડે એટલું રાજ ભોગવો. કારણ કે ખાલી પેટે જનતા સવાલો પૂછે છે, પણ જો પેટ ભરેલું હશે અને મનોરંજનનો મારો ચાલતો હશે તો લોકો ગંભીર સવાલો ઉઠાવવાનું જ ભૂલી જશે. તમને થશે કે બે હજાર વર્ષ પહેલાની વાત અત્યારે કરવાનો શું મતલબ છે? આજે રોમ પણ નથી અને રાજા પણ નથી. તો સવાલનો જવાબ છે ભારતનું રેવડી કલ્ચરની લહેર અમેરિકા સુધી પહોંચી ગઈ છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં મિડ ટર્મ ઈલેક્શન આવી રહ્યું છે. ભારતની જેમ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 5 હજાર ડોલર એટલે કે પોણા પાંચ લાખ રૂપિયા આપવાનું ગાજર આપ્યું છે. મુદ્દો એ નથી કે સરકાર શું મફતમાં આપે છે. સવાલ એ છે કે સરકાર જ્યારે પ્રજાને મફતમાં કંઈક આપે છે તો બદલામાં પ્રજા પાસેથી તે શું લઈ લે છે? જવાબ છે તમારો મહામૂલા મતની કિંમત. આજે આપણે આ જ રેવડી કલ્ચરના ફાયદા-નુકસાનની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર... આખી વાત કંઈક એવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથી જે.ડી. વાન્સે અમેરિકાનું મિડ ટર્મ ઈલેક્શન જીતવા માટે લોકોને રોકડા રૂપિયા પધરાવવાનો દાવ રમ્યો છે. ટેક્સાસના ડલાસમાં રિપબ્લિકન પાર્ટીની એક મોટી સભા મળી હતી. જેમાં ટ્રમ્પે વાયદો કર્યો છે કે અમેરિકાના દરેક નાગરિકને સીધા 5000 ડોલર ટોલર રોકડા અપાશે. ટ્રમ્પે તેને નામ આપ્યું છે ટ્રમ્પ ડિવિડન્ટ. પ્રશ્નઃ ટ્રમ્પ 5,000 ડોલર આપશે પણ કઈ શરતે? જવાબ: પણ આ મફતની લ્હાણીમાં ટ્રમ્પે એક જોરદાર શરત પણ મૂકી છે કે આ પૈસા કોઈ સમાજ કલ્યાણ માટે કે ગરીબોની મદદ માટે જરા પણ નથી. ટ્રમ્પે ચોખ્ખું કહ્યું છે કે જો મિડ ટર્મ ઈલેક્શનમાં અમેરિકન સંસદના બંને ગૃહો એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં રિપબ્લિકન પાર્ટી જીતશે તો જ આ 5 હજાર ડોલર મળશે. ટ્રમ્પે તો પોતાની પાર્ટીના લોકોને ત્યાં સુધી કહી દીધું કે, ટ્રમ્પ મોટા વેપારી છે એટલે ખોટનો સોદો કરે એવું તે સપને પણ ન વિચારે. ઉપરથી આ કોઈ કલ્યાણકારી યોજના નથી. સત્તા માટે અમેરિકન જનતા સાથે સીધો ગીવ એન્ડ ટેકનો સોદો છે કે વોટ આપો અને રૂપિયા લઈ જાવ. જેને સમજવા માટે આપણે થોડા આંકડાની વાત કરવી પડશે. પ્રશ્નઃ વાયદો પૂરો કરવા માટે અમેરિકા શું કરશે? જવાબઃ અમેરિકામાં અંદાજે 27 કરોડ એડલ્ટ નાગરિકો રહે છે. જો આ બધાને પાંચ-પાંચ હજાર ડોલર આપવામાં આવે તો સરકારની તિજોરી પર 1.35 ટ્રિલયન ડોલર એટલે કે લગભગ 113 લાખ કરોડ રૂપિયાનો સીધો ભાર આવશે. ટ્રમ્પે પોતાની સ્પીચમાં ભલે એવું કહ્યું કે આપણો દેશ બહુ જ કમાણી કરી રહ્યો છે પણ સામેની બાજુ ફાઈનાન્શિયલ માર્કેટના એક્સપર્ટ્સ અને પીટર શીફ જેવા મોટા સ્ટોક બ્રોકર્સ અમેરિકાને સીધી વોર્નિંગ આપે છે. કે જો આ 1.35 ટ્રિલિયન ડોલરનો જુગાડ કરવો હશે તો અમેરિકાની ફેડરલ રિઝર્વને રાત-દિવસ નોટો છાપવા માટે મશીન ચાલુ રાખવા પડશે. જ્યારે બજારમાં કોઈને માથે પ્રોડક્શન કે મહેનત વગર ડોલરનો વરસાદ કરવામાં આવે ત્યારે સીધી અસર મોંઘવારી પર પડે છે. ભારતમાં પણ લોકલ અને નેશનલ પાર્ટી લાંબા ગાળાની ઈકોનોમીને લાત મારીને તાત્કાલિક ચૂંટણી જીતવા માટે રોકડા રૂપિયા ફેંકવાની વોટબેંક ઉભી કરી છે. આવી જ કંઈક ગેમ હવે અમેરિકાના નેતાઓ રમી રહ્યા છે. પ્રશ્નઃ ટ્રમ્પ પોતાના વાયદાઓ પૂરા કરે છે? જવાબઃ હવે આપણે વાત કરીએ ટ્રમ્પની બીજી સરકાર બન્યા પછી તેણે કેટલી મફતની લ્હાણી કે ડોલરનો વરસાદ કરવાના કેટલા વાયદાઓ કર્યા હતા અને એમાંથી કેટલા જમીન પર લાગુ થયા તેની. ટ્રમ્પે સોશિયલ સિક્યોરિટી પર ટેક્સ નહીં લગાવવાની વાત કરી હતી, પણ હકિકતમાં આ વાયદો પૂરી રીતે લાગુ જ નથી થયો. સાવ એવું પણ નથી કે રાહત નથી મળતી, મળે છે પણ ખાલી મોટી ઉંમરના સિનિયર સિટિઝનને; બધા લોકોને નહીં. ટ્રમ્પ અને વેન્સે બાળકો પેદા કરવા માટેનો ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ 2 હજાર 200 ડોલરમાંથી 5 હજાર ડોલર કરી દેવાની વાત કરી હતી. આજ સુધી કોઈને પાંચ હજાર નથી મળ્યા. પાંચ હજાર ડોલરના બેબી બોનસની પણ વાત થઈ હતી, જો કે હજુ સુધી તેનો કોઈ કાયદો નથી બન્યો. આ સિવાય ડોજની બચતમાંથી 5 હજાર ડોલર આપવાની વાતો થઈ હતી પણ મસ્ક સાથેના સંબંધો બગડ્યા પછી ડોજ પણ બંધ કરી દીધું. જો કે બાળકો માટે ટ્રમ્પ એકાઉન્ટમાં 1 હજાર ડોલર સરકાર જમા કરશે એવો વાયદો થયો હતો અને તેનો અમલ પણ થયો છે એ વસ્તુ અલગ છે. આનાથી સમજી શકાશે કે ટ્રમ્પને જીતાડશો તો 5 હજાર ડોલર મળશે તે વાયદો ટ્રમ્પ પૂરો કરશે કે નહીં. પ્રશ્નઃ ટેરિફથી 1 ટ્રિલિયન ડોલરના ફાયદાની વાત સાચી છે? જવાબઃ અધૂરામાં પૂરું ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેણે દુનિયા પર જે ટેરિફનો વરસાદ કર્યો છે તેમાંથી અમેરિકાને જેટલી આવક થઈ છે એમાંથી લોકોને 2 હજાર રૂપિયા મળશે. જો કે તેના માટે કોઈ કાયદો ટ્રમ્પે બનાવ્યો જ નથી, લોકોને ઉલ્લું રમાડ્યા છે. ટેરિફની જ વાત થી રહી છે તો એ વાત પણ યાદ આવે છે કે ટ્રમ્પે કહ્યું હતું કે ટેરિફ નીતિથી અમેરિકાને ટ્રિલિયન ડોલરની કમાણી થઈ છે. જો કે આ બધા પણ ફાકા નીકળ્યા. ખુદ ન્યૂયોર્ક ટાઈમે ફેક્ટ ચેક કર્યું તો ખબર પડી કે ટેરિફમાંથી ખાલી 300 અબજ ડોલરની જ કમાણી થઈ છે. જો કે પછી સુપ્રીમ કોર્ટે ટેરિફ હટાવી દીધો તો ટ્રમ્પે રિફંડ આપવાની પ્રોસેસ પણ ધીમી કરી દીધી અને રકમ પણ 132 અબજ ડોલર કરી નાખી. ટૂંકમાં જે ટ્રમ્પે ટેરિફથી કમાણીનો લાભ લોકોને મળે એવી વાત કરી હતી એ દે ઠોક હતી, કમાણી થઈ પણ હકિકત કરતાં ક્યાંય ગણી મોટી બતાવવામાં આવી. પણ ચૂંટણી જીતવા માટે અપાતા આ મફતના રૂપિયા ઈકોનોમીમાં કેવો બોમ્બ ફોડે છે એનું ઉદાહરણ તો અમેરિકાએ કોરોના ટાઈમમાં જ જોઈ લીધી હતું. ત્યારે સરકારે ઘરે બેઠા અમેરિકન્સને સ્ટીમ્યુલસ ચેક એટલે કે મફતિયા ડોલર મોકલ્યા હતા. લોકોને તો મોજ પડી ગઈ પણ આડ અસર અમેરિકાની ઈકોનોમીને એવી પડી કે ભોગવવું મોંઘું પડ્યું. પ્રશ્નઃ કોરોનામાં અમેરિકાએ રેવડી વહેંચી તો શું થયું હતું? જવાબઃ અમેરિકન સેન્ટ્રલ બેંકના પૂર્વ ચેરમેન બેન બર્નાન્કે અને ફેમસ ઈકોનોમિસ્ટ ઓલિવિયર બ્લાન્ચાર્ડ નામના બે મોટા માથાઓએ આ મામલે જે રિસર્ચ કરી તેણે બધાના હોંશ ઉડાવી દીધા. બંનેએ સાબિત કર્યું કે કોરોનામાં મફતના ડોલર વહેંચ્યા તો 1970 પછી પહેલીવાર અમેરિકાનું લેબર માર્કેટ એકદમ રેડ હોટ એટેલે ઉથલપાથલ થઈ ગયું. કારણ કે સીધી વાત છે જો લોકોને કામ કર્યા વગર જ સરકારી ચેમક મહતા હોય તો તે ઓછા પગારવાળી નોકરી કેમ કરે? જેના લીધે બજારમાં નોકરીઓ ખાલી હોવાનો રેશિયો જેને વેકેન્સી રેશિયો કહેવાય છે એ આસમાને આંબી ગયો. અમેરિકન કંપનીઓ પાસે માણસો નહોતા એટલે તેમણે મજબૂરીમાં ઊંચા પગાર આપવા પડ્યા. હવે કંપનીઓ કંઈ પોતાના ખિસ્સામાંથી તો પગાર વધારે નહીં એટલે તેમણે પોતાની પ્રોડક્ટ અને સર્વિસના ભાવ વધારી દીધા. છેલ્લે મોંઘવારીનો મારો કોના પર આવ્યો? સામાન્ય જનતા પર. ટૂંકમાં સમજીએ તો મફતની યોજના બીજું કંઈ નથી બસ એક દેખાય નહીં એવો મોંઘવારીનો વેરો છે. સરકાર તમારા એક ખિસ્સામાં 5 હજાર ડોલર મૂકે છે અને મોંઘવારી વધારીને બીજા ખિસ્સામાંથી ધીમેકથી 7 હજાર ડોલર ખેંચી લે છે. લોકોને લાગે છે પૈસા આવે છે, પણ હકિકતમાં તો અર્થશાસ્ત્રનું સાયકલ સમજીએ તો પૈસા આવતા નથી જાય છે. પ્રશ્નઃ અમેરિકાની સરકાર આટલા બધા પૈસા લાવે છે ક્યાંથી? જવાબઃ ઓગસ્ટ 2026 સુધીમાં અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડોલર એટલે કે 40 લાખ કરોડ ડોલરના આંકડાને પાર કરી ગયું. વિચાર કરો અમેરિકાના દેવામાં રોજ 7 અબજ ડોલરનો વધારો થાય છે. ખાલી વર્ષ 2026ની જ નવેમ્બર આવશે ત્યાં સુધીમાં જ અમેરિકાએ 2 ટ્રિલિયન ડોલરનું દેવું કરી નાખ્યું છે. આખી દુનિયાને ખબર છે કે અમેરિકા એની મિલિટરી અને ડિફેન્સ બજેટમાં જેટલા રૂપિયા નાખે છે એટલું તો દુનિયાનો કોઈ દેશ નથી નાખતો. પણ આજે હાલ એવા છે કે પોતાની આખી મિલિટરી પાછળ જેટલો ખર્ચો નથી થતો એના કરતાં વધારે ડોલર તો દેવાનું વ્યાજ ભરવામાં જતા રહે છે. વર્ષે અંદાજે 1 ટ્રિલિયન ડોલરથી પણ વધું. એક એવો અંદાજો છે કે 2036 આવતા સુધીમાં તો સરકારના કૂલ બજેટનો ચોથો ભાગ ખાલી વ્યૂજ ભરવામાં જ તતો રહેશે. તો આ જાણીને આપણને સવાલ થાય કે દેવાનો પહાડ આટલો મોટો છે, નોટો છાપવાથી મોંઘવારી વધે છે તો પછી અમેરિકાની ઈકોનોમી પાકિસ્તાન કે શ્રીલંકાની જેમ પડી ભાંગવી જોઈએને? અમેરિકાના કેસમાં આવું કેમ નથી થઈ રહ્યું? અને શું ખરેખર ભારતથી રેવડી ફોર્મ્યુલા અમેરિકા પહોંચી છે કે હકિકત કંઈક બીજી છે? ચાલો હવે તે સમજી લઈએ. કારણ કે આ નખરામાં દાવ પર હોય છે ભારતની હેલ્થ સિસ્ટમ, એજ્યુકેશન અને વિજ્ઞાન. અમેરિકા પાસે એક એવું બ્રહ્માસ્ત્ર છે જેને ઈકોનોમીની ભાષામાં એક્ઝોર્બિટન્ટ પ્રિવિલેજ કહેવામાં આવે છે. આ બ્રહ્માસ્ત્ર એટલે ડોલર. આખી દુનિયાનો મોટા ભાગનો વેપાર ડોલરમાં થાય છે. એટલે જ્યારે અમેરિકાની ચૂંટણી જીતવા મફતની યોજનાઓ આવે અને તેના માટે મશીનો દિવસ-રાત નોટો છાપે ત્યારે અમેરિકા પોતાની મોંઘવારી દુનિયાના બીજા દેશોના માથે થોપી શકે છે. કારણ કે આખી દુનિયા અમેરિકાના ડોલર અને દેવાને પચાવી લે છે. પ્રશ્નઃ ભારતના રેવડી કલ્ચરથી દેશને શું ફાયદો-નુકસાન? જવાબઃ પણ આપણી એટલે કે ભારત પાસે આવું કોઈ બ્રહ્માસ્ત્ર નથી. કારણ કે આપણો રૂપિયો ગ્લોબલ રિઝર્વ કરન્સી નથી. જો ભારતના રાજ્યો ચૂંટણી જીતવા માટે બેફામ દેવું કરીને મફતની રેવડીઓ વહેંચવા લાગે તો રૂપિયાનું ધોવાણ થઈ જાય. રૂપિયો ડોલરની સામે નબળો પડે. આપણે પેટ્રોલથી લઈને ક્રુડ ઓઈલ સુધીની જરૂરિયાતો બહારથી ડોલર આપીને ખરીદવી પડે છે. એટલે જો રૂપિયો નબળો પડે તો દેશમાં ઈમ્પોર્ટેડ ઈન્ફ્લેશન એટલે કે આયાતી મોંઘવારી આપણા ઘરમાં ઘૂસે. હવે આપણે દેશના નાગરિક તરીકે અમુક વસ્તુ સમજશું તો તમારું લોહી ઉકળી જશે કે કેવી રીતે આપણી આંખ સામે આપણી રાજકીય પાર્ટીઓ આપણી સાથે રમત રમી રહી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા એક યોજના ચાલી, જેનું નામ હતું માઝી લાડકી બહિણ યોજના. મહારાષ્ટ્રની દરેક બહેનોને મહિને 1500 રૂપિયા આપવા પાછળ રાજ્ય સરકારે 46 હજાર કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો. કર્ણાટકમાં ગેરંટી સ્કીમ્સ પાછળ લગભગ 40 હજાર કરોડ રૂપિયાનો વર્ષે ધુંબો લાગે છે. મધ્ય પ્રદેશની લાડલી બહેના યોજનાનું બજેટ 23 હજાર 882 કરોડ રૂપિયાને પાર પહોંચેલું છે. આપણે ત્યાં એટલે કે ગુજરાતમાં રોકડા રૂપિયા વહેંચવાનો ક્રેઝ નથી એટલું સારું છે બાકી આપણે પણ પ્રોબ્લમ ઉભો થઈ જાય. જો કે ગુજરાત એક રીતે બાકાત નથી કારણ કે આપણે ત્યાં ખેતી સબસિડી પાછળ 1 હજાર 612 કરોડ રૂપિયા ફળવાયા હતા, પણ સામેની બાજુ જેટલા ફળવાયા એના કરતા ગુજરાતના મહેનતી ખેડૂત ભાઈઓ પ્રોડક્શન વધારે કરે છે એટલે વાંધો નથી આવતો એ વાત અલગ છે. પ્રશ્નઃ મફતની લ્હાણી દેશને કેવી રીતે બરાબદ કરી રહી છે? જવાબઃ હવે આની સામેની બાજુ જુઓ, જે સસ્થાઓ પર આખો દેશ ગર્વ અને અભિમાન કરે છે તેનું બજેટ રડાવી દે એવું છે. ચંદ્રયાન જેવા મહાન મિશન પાર પાડનાર અને સેટેલાઈટના ઝુમખાઓ અવકાશમાં છોડીને દુનિયામાં ભારતનો ડંકો વગાડનાર ઈસરોનું વર્ષનું બજેટ માંડ 13 હજાર 700 કરોડ રૂપિયા છે. દેશની બધી નવી કે જૂની IITનું કૂલ બજેટ 11 હજાર 349 કરોડ રૂપિયા છે. દેશની બધી AIIMSનું વર્ષનું બજેટ અંદાજે 20 હજાર કરોડ રૂપિયા છે. ક્યાં ચૂંટણી જીતવા માટે 40 હજાર કરોડની મફતની લ્હાણી અને ક્યાં બુદ્ધિનો વિકાસ કરતી સંસ્થાઓ પર 10 હજાર કરોડનો ખર્ચો? મફતની લ્હાણીથી દેશનો કોઈ ખાસ વિકાસ નથી થઈ જવાનો સામેની બાજુ જો ઈસરો, IIM, AIIMS કે IIT પર વધુ ખર્ચો થાય તો એક બુદ્ધિશાળી અને હોંશિયાર પેઢી ઉભી થશે. હવે આ રમતને એનાથી પણ એક સ્ટેપ ઉપર જઈને સમજીએ. એક રાજ્યની મફત યોજના પાછળ જેટલા રૂપિયા ઉડી રહ્યા છે એના કરતાં ત્રણ ગણા ઓછા બજેટમાં આખા દેશનું સ્પેસ રિસર્ચ ચાલી રહ્યું છે. સમજવા માટે ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો માની લો કે મહારાષ્ટ્રના એક ગામડામાં એક બહેનને દર મહિને 1500 રૂપિયા મળે છે. જેનાથી તેને કામચલાઉ રાહત જરૂર મળશે અને તે ખુશ થઈને સરકારને વોટ જરૂર આપશે પણ રાજ્ય સરકારે આ હજારો કરોડનો ખર્ચ કાઢવા માટે રસ્તા અને હેલ્થ બજેટમાં કાપ મૂકવો પડશે. તો તકલીફ પછી કોને ભોગવવી પડશે? જ્યારે એ જ બહેન બીમાર પડશે ત્યારે તેને સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધા, ડોક્ટર કે મશિનો નહીં મળે કારણ કે ત્યાંનું ફંડ જ કપાઈ ગયું હશે. મજબૂરીમાં તેને ખાનગી હોસ્પિટલમાં જવું પડશે અને પેલા 1500 રૂપિયાના સરકારી ગાજર સામે 15 હજાર રૂપિયાનો ધુંબો સહન કરવો પડશે. તો નુકસાન કોનું થયું? સરકારનું કે લોકોનું? વિકાસ મફતની લ્હાણીથી નહીં પણ સારા રસ્તા, નવી IIT-IIT કે AIIMS જેવી હોસ્પિટલ અને ઈન્ડસ્ટ્રી ઉભી કરવાથી થશે. ઉપરથી રાજકારણમાં કે ઈકોનોમીમાં મફત ક્યારેય મફત નથી હોતું, તેની કિંમત આપણે જ મોંઘવારી અને બેરોજગારીના રૂપે ભોગવવાની રહે છે. અને છેલ્લે… શરૂઆતમાં આપણે રોમની બ્રેડ અને સર્કસની વાત કરી. એવો જ એક ફોટો વાઇરલ થયો છે. ફરક એટલો છે કે રોમન રાજાની જગ્યાએ ટ્રમ્પ છે. આ ફોટો ઘણું કહી જાય છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    એશિયા કપ સેમિફાઈનલમાં ભારતની ખરાબ શરૂઆત:બીજી જ ઓવરમાં સ્મૃતિ મંધાના આઉટ, સતત બીજી મેચમાં સસ્તામાં આઉટ થઈ; INDનો સ્કોર 45/1
    Next Article
    વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે અપડાઉન કરવું બનશે ઈઝી:બુલેટ ટ્રેનની રેલવે-બસ ડેપો સાથે સીધી કનેક્ટિવિટી, મૂવિંગ વોક વે સાથેનો 534 મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજ મુસાફરી બનાવશે સુપરફાસ્ટ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment