Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓને 31મીએ સજા સંભળાવાશે:સજા પર દલીલો પૂર્ણ, સરકાર પક્ષે આરોપીઓને ફાંસી અથવા અંતિમશ્વાસ સુધીની કેદ ફટકારવા રજૂઆત

    2 days ago

    વડોદરાના અતિ ચકચારી ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ પોક્સો કોર્ટમાં આજે સજા પર દલીલો કરવામાં આવી. સરકાર પક્ષે આરોપીઓને ફાંસીની અને ફાંસી નહીં તો જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવા રજૂઆત કરવામાં આવી. પોક્સો કોર્ટ 31મી ઓગસ્ટે સજા સંભળાવશે. સજાની દલીલ સમયે આજે આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા. 2024માં બીજા નોરતાની રાત્રે મિત્ર સાથે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા ત્યારે જ પાંચ શખસોએ ત્યાં આવી સગીરા સાથે અડપલાં અને દુષ્કર્મ આચર્યું'તું. 22 મહિના કેસ ચાલ્યા બાદ 20 ઓગસ્ટે વડોદરા પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા'તા. સરકાર પક્ષે મહત્તમ સજાની રજૂઆત કરવામાં આવી- અનિલ દેસાઈ ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈ એ જણાવ્યું કે, આ ગુનામાં આરોપીઓને કેટલી સજા કરવી તે અંગે આજે નામદાર કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. સરકાર તરફથી એવી દલીલ રજૂ કરવામાં આવી છે કે, કાયદાના પ્રોવિઝન મુજબ અને ગુનાની કલમો હેઠળ જે મહત્તમ સજાની જોગવાઈ છે, એટલે કે આરોપીઓને તેમના છેલ્લા શ્વાસ સુધીની સજા થાય.જો કોર્ટને આ કેસમાં ફાંસીની સજા યોગ્ય ન લાગે તો તેવા સંજોગોમાં આરોપીઓને આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધીની મહત્તમ સજા) આપવામાં આવે. ત્રણ આરોપીઓ દુષ્કર્મ આચર્યું, બે આરોપીઓએ શારીરિક છેડછાડ કરી સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી સાંયોગિક પુરાવાની દરેકે દરેક કડીઓ નામદાર કોર્ટ સમક્ષ શંકારહિત રીતે પૂરવાર કરવામાં આવી હતી. આ ગુનાની શરૂઆતમાં પાંચ પૈકી બે આરોપીઓએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરી અને ત્યારબાદ બાકીના ત્રણ જણાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બનાવ સમયે ભોગ બનનારનો મોબાઈલ ફોન પણ લૂંટી લેવામાં આવ્યો હતો અને તે લૂંટનો દાવો પણ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના હેતુથી મોબાઈલને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. આ મોબાઈલને શોધવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને તેમની જુબાનીઓ તથા મેડિકલ પુરાવા પણ કોર્ટે માન્ય રાખ્યા છે. સંયોગિક પુરાવાના કેસમાં સંજોગોની તમામ કડીઓ યોગ્ય રીતે જોડાવી જરૂરી હોય છે, જે પુરાવા પ્રોસિક્યુશન ટીમ અને પોલીસે મળીને કોર્ટ સમક્ષ સફળતાપૂર્વક રજૂ કર્યા હતા. કોર્ટે આ તમામ પુરાવાઓને સંતોષજનક ગણાવ્યા છે અને તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે. નવરાત્રિની બીજી રાત્રિ સગીરા માટે 'કાળરાત્રિ' બની 4 ઓક્ટોબર, 2024ની બીજા નોરતાની રાત્રે વડોદરામાં રહેતી 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. સગીરા પોતાના મિત્ર સાથે ભાયલીના નિર્જન વિસ્તારમાં હતી. બંને ત્યાં બેઠા હતા ત્યારે બે બાઇક પર 5 શખ્સો ત્યાં પહોંચ્યા. નરાધમોએ તેમના ટુ-વ્હીલરની ચાવી લઈ લીધી. ત્યારબાદ પરિવારને બોલાવી દેવાની ધમકી આપીને બંનેને ડરાવ્યા હતા. શરૂઆતમાં કદાચ આ માત્ર ધમકી અને લૂંટફાટ જેવી ઘટના લાગતી હતી, પરંતુ થોડી જ ક્ષણોમાં ઘટનાએ ગંભીર વળાંક લઇ લીધો. આ શખ્સોએ સગીરાને કહ્યું કે, 'તુમ યહાં ક્યા કર રહે હો, તેરે પાપા કા નંબર દે, અભી યહા બૂલાતે હૈ'. જેથી સગીરાએ મદદ માટે બૂમો પાડી તો ઘટનાસ્થળે હાજર બે આરોપીઓ ભાગી ગયા.પરંતુ બાકીના ત્રણ શખ્સોએ સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા. સગીરાના મિત્રએ વિરોધ કરતાં તેને પકડી રાખવામાં આવ્યો અને ત્યારબાદ 3 શખ્સો સગીરા પર તૂટી પડ્યા અને ગેંગરેપ કર્યો. ઘટનાને પગેલે સગીરા અને તેનો મિત્ર હેબતાઇ ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે, હવે શું કરવું? જો કે, તાલુકા પોલીસ સ્ટેશન માત્ર 2 કિ.મી.ની દૂરી પર હતું. જેથી સગીરા અને તેનો મિત્ર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને સગીરાએ 3 શખસોએ આચરેલી બર્બરતા પોલીસ સમક્ષ વર્ણવી. જેને પગલે પોલીસ અધિકારીઓ પણ હચમચી ઉઠ્યા અને તપાસનો ધમધમાટ શરૂ થયો. બનાવ સ્થળ નિર્જન હોય પોલીસ માટે આરોપીઓની ઓળખ મુશ્કેલ હતી આ કેસ પોલીસ માટે સામાન્ય તપાસનો નહોતો. ઘટનાસ્થળ નિર્જન હતું અને ત્યાં CCTV પણ નહોતા.સૌથી મોટો પડકાર હતો કે અજાણ્યા આરોપીઓને ઓળખવા કેવી રીતે? ત્યારબાદ તપાસની દિશા ટેકનિકલ સર્વેલન્સ અને CCTV તરફ વળી. પોલીસે ઘટનાસ્થળથી આરોપીઓના સંભવિત રૂટ સુધીના CCTV ફૂટેજ ખંગાળવાનું શરૂ કર્યું.1100થી વધુ CCTV અને આશરે 45 કિલોમીટરના રૂટની ચકાસણી કરવામાં આવી. આરોપીઓ વડોદરા શહેરમાં જ ક્યાંક છુપાયા હોવાની શક્યતા હતી. પોલીસના મોટી સંખ્યામાં ટીમો મેદાનમાં ઉતારવામાં આવી. આશરે 200થી વધુ પોલીસકર્મીઓની ટીમોએ તપાસ હાથ ધરી અને ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી. 3 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 1,000થી વધુ ઘરોની પણ તપાસ કરવામાં આવી. દરેક CCTV ફૂટેજ અને દરેક શંકાસ્પદ હિલચાલને જોડીને પોલીસ આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. સગીરાનો લૂંટી લીધેલા ફોનમાં કોલ રિસિવ કર્યો'ને પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ પોલીસની મહેનતનું પરિણામ ઝડપથી મળ્યું. ઘટનાના માત્ર 48 કલાકમાં 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, પોલીસના હાથે લાગી ગયા, ત્યારબાદ સૈફઅલી બનજારા અને અજમલ સત્તારને પોલીસે ઝડપી પાડ્યા હતા. પાંચેય આરોપી મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું અને વર્ષોથી વડોદરામાં રહેતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેઓ તાંદલજા વિસ્તારમાં રહેતા અને મજૂરી તથા POP-કલર કામ કરતા હતા. આરોપીઓ સગીરાનો ફોન સાથે લઈ ગયા હતા. સગીરાની માતાએ તેના ફોન પર રાત્રે 12.30 વાગે ફોન કર્યો હતો, ત્યારે આરોપીઓએ ભૂલથી 3 સેકન્ડ માટે તે ફોન ઉપાડી લીધો હતો. તે પછી 3 સેકન્ડમાં કટ કરી દેવાયો હતો. તેની માતાના 3 સેકન્ડના ફોનમાં પાછળ ઢોલ-ડીજેના અવાજ સંભળાયા હતા. તે લોકેશન અને ઘટના સ્થળના લોકેશનમાં પોલીસની ટીમ ગોઠવાઈ ગઈ હતી. રૂટના તમામ સીસીટીવીમાં કઈ બાઈક 3 સવારી જઈ રહી છે તે તપાસવાનું પોલીસે શરૂ કર્યું. બીજી તરફ અન્ય ટીમે ટાવર ડમ્પ ડેટાનું એનાલિસિસ શરૂ કર્યું હતું. 5થી 6 ટાવરના 4 લાખથી વધુ ફોન લોકેશનની સ્ક્રૂટિની કરી હતી. આ દરમિયાન અમને 60 જેટલા શંકાસ્પદ ફોન લોકેશન મળ્યાં. જે ઘટના સ્થળની આસપાસ અને સગીરાનો ફોન ઉપડ્યો તે સ્થળનાં હતાં. 10 ફોન લોકેશન રૂટને મળતા હતા. આ માહિતી સાથે રૂટ પરથી જે પણ માર્ગે બાઇક ત્રણ સવારી જતી હતી. તે તમામની વિગતો મેળવી હતી. એક શંકાસ્પદ ફોન લોકેશન સુશેન-તરસાલી રોડ પર પહોંચ્યું હતું. અમે તે શંકાસ્પદ ફોનની વિગત મેળવતાં તે મુન્ના બનજારાનો હતો.મુન્નાનું લોકેશન ઘટના સ્થળે પણ હાજર હતું. આરોપીઓએ ઘટના બાદ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ રજવાડી હોટલે ચા પીધી હતી. આ લોકોશન પરથી જ પોલીસને મહત્ત્વની કડી મળી હતી. રાત્રે 12 વાગે અમે મુન્નાનું લોકેશન મેળવ્યું અને તેના ઘરે પહોંચી ગયા ત્યારે તેની માતાએ કહ્યું કે, મુન્નો બહારગામ ગયો છે. જોકે તેનું ફોન લોકેશન આસપાસ જ હતું. પોલીસે તપાસ કરી અને રાત્રે 1 વાગે મુન્નાને તેના ઘરથી ત્રીજા ઘરમાં સૂતો પકડી લીધો હતો. તેની સઘન પૂછપરછ બાદ અન્ય 2 આરોપી મુમતાજ અને શાહરુખને પણ પકડી પાડયા હતા. ત્રણેય આરોપીની પૂછપરછ બાદ અગાઉ નીકળી ગયેલા 2 આરોપીને પણ પકડી લીધા હતા. રાત્રે 1થી મળસ્કે 4 વાગ્યા દરમિયાન આખું ઓપરેશન પાર પાડયું હતું. પોલીસે 45 કિમી રૂટ પર આવતા 1100 ઉપરાંત સીસીટીવી ચકાસ્યા હતા. ઘટનાના 48 કલાકમાં ડિટેક્શન કર્યું હતું. આરોપી ઝડપાયા બાદ ગુનો સાબિત કરવાનો મોટો પડકાર આરોપીઓ ઝડપાઈ ગયા એટલે પોલીસની જવાબદારી પૂરી થઈ નહોતી. હવે સૌથી મોટો પડકાર હતો, કોર્ટમાં ગુનો પુરવાર કરવો. પોલીસ અને SITએ એક પછી એક પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું. પીડિતા અને તેના મિત્રના નિવેદનથી લઈને અન્ય સાક્ષીઓ, CCTV ફૂટેજ, મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ અને DNA સંબંધિત પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા. પોલીસે આરોપીઓ સામે એવું પુરાવાનું માળખું ઊભું કરવાનો પ્રયાસ કર્યો કે, કોર્ટમાં સમગ્ર ઘટનાક્રમને સાબિત કરી શકાય. બનાવના 17 દિવસમાં પોલીસે 6000 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી ઘટનાના માત્ર 17 દિવસ બાદ પોલીસે પોક્સો કોર્ટમાં આશરે 6,000 પાનાની ચાર્જશીટ રજૂ કરી. ચાર્જશીટમાં લગભગ 100 સાક્ષીઓના નિવેદનો, FSL અને મેડિકલ રિપોર્ટ, DNA સેમ્પલ તથા CCTV સહિતના પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા. રાજ્ય સરકારે પણ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખાસ સરકારી વકીલોની નિમણૂક કરી હતી. તપાસ દરમિયાન સગીરાનો મોબાઇલ ફોન પણ મહત્વની કડી બન્યો હતો. આરોપીઓમાંથી એક આરોપીએ સગીરાનો ફોન લઈ લીધો હતો. પોલીસ તપાસમાં ફોન શોધવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આરોપીએ ફોન નદીમાં ફેંકી દીધો હતો. ફોન ન મળ્યો હોવા છતાં પોલીસે અન્ય ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી હતી. એટલે આ કેસ માત્ર નિવેદનો પર આધારિત ન રહે, પરંતુ શક્ય તેટલા વૈજ્ઞાનિક પુરાવાઓથી મજબૂત બનાવવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશને 45 સાક્ષીઓની તપાસ કરી અને વિવિધ દસ્તાવેજી તથા વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા. સગીરાના કપડાંમાંથી મળેલા આરોપીઓના શરીર પ્રવાહીના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ કેસમાં મહત્વપૂર્ણ બન્યા હતા. સરકારી પક્ષે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા શરૂઆતથી એકત્ર કરવામાં આવેલા પુરાવાઓની કડી મજબૂત હતી અને કેસને શંકાથી પર સાબિત કરવામાં સફળતા મળી. 4 ઓક્ટોબર 2024ની એ રાતથી શરૂ થયેલી તપાસ, ધરપકડ, રિમાન્ડ, ઓળખ પરેડ, હજારો પાનાની ચાર્જશીટ, સાક્ષીઓની જુબાની અને વૈજ્ઞાનિક પુરાવાઓની કોર્ટમાં રજૂઆત બાદ આખરે કેસ ચુકાદાના તબક્કે પહોંચ્યો. 20 ઓગસ્ટ 2026ના રોજ વડોદરાની વિશેષ પોક્સો અદાલતે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા. અદાલતના આ નિર્ણય સાથે લગભગ બે વર્ષથી ચાલી રહેલા આ ચકચારી કેસમાં આરોપીઓ સામેનો ગુનો કોર્ટ સમક્ષ સાબિત થયો.આ કેસમાં સજા પર દલીલો પૂર્ણ થયા બાદ સંભવિત 31મી ઓગસ્ટે કોર્ટ સજા સંભળાવશે.
    Click here to Read More
    Previous Article
    ગર્લફ્રેન્ડની 3400 KISS મોંઘી પડી!:વાયરલ થવા કારને સાડા 3 કલાક કિસ કરીને બનાવી 'કિસિંગ કાર', 55 લાખ વ્યૂઝ મેળવ્યા; પોલીસે થાણે બોલાવી ધોવડાવી!
    Next Article
    રાજકોટમાં 12 માળેથી ઝંપલાવી યુવકનો આપઘાત:પરિણીત યુવાનને માતા પિતાએ ઘરમાંથી કાઢી મુકતા ત્યકતા સાથે મૈત્રી કરાર કરી રહેતો, ઝઘડો થતા કંટાળી સ્ત્રી મિત્રના ઘરે જઈ પગલું ભરી લીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment