Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના ઉદ્યોગોને સાંજે 5 કલાક ઓછી વીજળી વાપરવા ઉર્જામંત્રીની અપીલ:ઓક્ટોબરમાં પણ ગરમી યથાવત રહેતા વપરાશ ઐતિહાસિક સપાટીએ, વધુ વીજળી માટે અધિકારીએ દિલ્હી દોડ્યા

    9 hours ago

    ગુજરાતમાં સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ગરમીમાં ઘટાડો થઈ જતો હોય છે. પરંતુ, આ વર્ષે અલનીનોની અસરના કારણે આકરી ગરમી પડી રહી હોય રાજ્યમાં વીજળીનો વપરાશ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 26.60 ટકાના ઉછાળા સાથે વીજળીની માગ 29,822 મેગાવોટ પર પહોંચી છે. દિવસે તો રિન્યુએબલ એનર્જીથી જરુરિયાત પૂર્ણ થઈ રહી છે પરંતુ, સાંજે 5 થી 10 વાગ્યા દરમિયાન મુશ્કેલી સર્જાતા ઉર્જામંત્રીએ ઉદ્યોગોને આ સમય દરમિયાન વપરાશ ઘટાડવા અપીલ કરવામાં આવી છે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી. આ ઉપરાંત ગુજરાત વીજકંપનીના અધિકારીઓ વધુ વીજળીની માગ સાથે દિલ્હી પહોંચ્યા હતા. ઓક્ટોબરમાં ઉનાળા કરતા વધુ વીજળીની ડીમાન્ડ! ગુજરાતમાં વીજળીની માગે નવો રેકોર્ડ બનાવતાં રાજ્યના ઊર્જા તંત્ર સામે આગામી દિવસોમાં પુરવઠો જાળવી રાખવાનો પડકાર ઊભો થયો છે. સામાન્ય રીતે ઉનાળામાં વીજળીની સૌથી વધુ માગ નોંધાતી હોય છે, પરંતુ આ વખતે ઓક્ટોબરમાં જ રાજ્યની પીક ડિમાન્ડ 29,822 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. વધતી ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાણિજ્યિક વપરાશ અને ઘરેલુ વીજળીની જરૂરિયાતને આ વધારા પાછળનાં મુખ્ય કારણો ગણાવવામાં આવી રહ્યાં છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વીજળીની ઉપલબ્ધતા વધારવા માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન શરૂ કરવામાં આવ્યું છે. જૂનમાં 28,833 મેગાવોટ સુધી પહોંચેલી માગ હવે 29,822 મેગાવોટ ગુજરાતમાં આ વર્ષે જૂન દરમિયાન પીક ડિમાન્ડ 26,834થી 28,833 મેગાવોટની વચ્ચે નોંધાઈ હતી. જોકે, 15 ઓક્ટોબર, 2026ના રોજ વીજળીની માગ વધીને 29,822 મેગાવોટના ઐતિહાસિક સ્તરે પહોંચી હતી. આમ, ઉનાળાની સરખામણીએ પણ વીજળીની જરૂરિયાત વધુ ઊંચી ગઈ છે. આ સ્થિતિ દર્શાવે છે કે રાજ્યમાં વીજળીની ઊંચી માગ હવે માત્ર ઉનાળાના મહિનાઓ પૂરતી મર્યાદિત રહી નથી. ઉદ્યોગોને સાંજના સમયે વીજળીનો વપરાશ ઘટાડવા ઉર્જામંત્રીની અપીલ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં તાપમાનમાં ઘટાડો થવા છતાં વીજળીના વપરાશમાં અચાનક વધારો નોંધાયો છે. ખાસ કરીને સાંજે 5થી રાત્રે 11 વાગ્યા દરમિયાન વીજળીની માગ વધતાં માગ અને પૂરવઠા વચ્ચે અસંતુલન ઊભું થયું હતું. જોકે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સાંજે 4 વાગ્યા સુધીમાં પવન અને સૌર ઊર્જા મારફતે 3,000 મેગાવોટથી વધુ વીજળી ઉપલબ્ધ થઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી આશરે 1,000 મેગાવોટ વધારાની વીજળી મળવાની ખાતરી મળ્યા બાદ તેનો પૂરવઠો સુવ્યવસ્થિત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત ઔદ્યોગિક રાજ્ય હોવાથી ઉદ્યોગોમાં સામાન્ય રીતે એક દિવસના સ્ટેગરિંગની વ્યવસ્થા હોય છે, પરંતુ સરકારે ઉદ્યોગો પર કોઈ ફરજિયાત પ્રતિબંધ મૂક્યો નથી. તેના બદલે સાંજના પીક અવર્સ દરમિયાન 4થી 5 કલાક વીજળીનો વપરાશ ઘટાડીને અન્ય સમયમાં ઉત્પાદન ચાલુ રાખવા ઉદ્યોગોને અપીલ કરવામાં આવી છે. વીજળીનો પૂરવઠો સુચારૂ રહે અને ઉદ્યોગો સહિત સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઊર્જા વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રણ વર્ષમાં માગનો વૃદ્ધિદર લગભગ 10 ટકા વીજળીના વપરાશના આંકડા પણ માગમાં થયેલો વધારો દર્શાવે છે. જૂન 2026માં રાજ્યમાં વીજળીનો વપરાશ 586 મિલિયન યુનિટ નોંધાયો હતો, જ્યારે જૂન 2025માં આ આંકડો 529 મિલિયન યુનિટ હતો. એટલે કે, એક વર્ષમાં જૂન મહિનાના વીજવપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપલબ્ધ આંકડા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતની વીજળીની માગનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર આશરે 12 ટકા અને છેલ્લા ત્રણ વર્ષનો આશરે 10 ટકા રહ્યો છે. 2027માં માગ 32,500 મેગાવોટને પાર જઈ શકે વીજળીની માગમાં હાલનો વૃદ્ધિદર જળવાઈ રહે તો આગામી વર્ષે પણ પીક ડિમાન્ડમાં મોટો વધારો થઈ શકે છે. ઊર્જા ક્ષેત્રના અંદાજ પ્રમાણે, 2027માં રાજ્યની મહત્તમ વીજળીની માગમાં વધુ 10 ટકાનો વધારો થઈ શકે છે અને તે 32,500 મેગાવોટને પાર પહોંચી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને વીજ ઉત્પાદન, બહારથી વીજળીની ખરીદી અને કોલસાની ઉપલબ્ધતા અંગે અગાઉથી આયોજન કરવું જરૂરી બન્યું છે. સાણંદ અને દહેજના ઉદ્યોગો માટે વીજપુરવઠો મોટો મુદ્દો ઔદ્યોગિક ક્ષેત્રોમાં વીજળીની સતત ઉપલબ્ધતા પણ મહત્ત્વનો મુદ્દો બની રહી છે. સાણંદ અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વીજપુરવઠાના નિયંત્રણ અથવા સમયાંતરે વીજળીના વપરાશ પર મર્યાદા મૂકવાની ઘટનાઓ અંગે ઉદ્યોગજગત તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના હોદ્દેદારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને અવિરત વીજપુરવઠો આપવાની માગ કરી છે. ઉદ્યોગો માટે વીજળીની ઉપલબ્ધતા ઉત્પાદન, સમયમર્યાદા અને કામગીરીના ખર્ચ સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી આ મુદ્દો મહત્ત્વનો બન્યો છે. AI અને ડેટા સેન્ટરથી ભવિષ્યમાં વધુ દબાણ આગામી વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર ક્ષેત્રના વિસ્તરણને કારણે પણ વીજળીની માગમાં મોટો વધારો થવાની શક્યતા છે. અધિકારીઓના અંદાજ મુજબ, 2029 પછી આ ક્ષેત્રની વીજળીની જરૂરિયાત વધુ સ્પષ્ટ રીતે સામે આવશે. 2030થી શરૂ થતાં પાંચ વર્ષ દરમિયાન ડેટા સેન્ટર અને AI સંબંધિત માળખાને કારણે દર વર્ષે આશરે 1,500 મેગાવોટ જેટલી વધારાની પીક ડિમાન્ડ ઊભી થઈ શકે છે. આથી ગુજરાત માટે માત્ર વર્તમાન માગને પહોંચી વળવું જ નહીં, પરંતુ આગામી ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ વિકાસને ધ્યાનમાં રાખીને પણ વીજળીનું આયોજન કરવું જરૂરી બનશે. ગુજરાતમાં વીજળીની માગનો નવો રેકોર્ડ રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને વધતા વપરાશને દર્શાવે છે. હવે મુખ્ય પડકાર એ રહેશે કે વધતી જરૂરિયાત પ્રમાણે વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય અને ઘરેલુ ગ્રાહકોની સાથે ઉદ્યોગોને પણ વિશ્વસનીય વીજપુરવઠો મળી રહે. આ સમાચાર પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં વીજસંકટ, સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી લોડશેડિંગથી ઉદ્યોગકારો લાલઘૂમ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર તહેવારોની મોસમમાં જ વીજકાપનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ DGVCL દ્વારા અચાનક ઔદ્યોગિક ફીડરો પર સાંજના સમયે 8 કલાકના વીજકાપની જાહેરાત કરવામાં આવતાં ઉદ્યોગ જગતમાં ભારે રોષ ફેલાયો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ અશોક જીરાવાલાએ આ આદેશને ઉદ્યોગો પર સીધો વજ્રઘાત ગણાવતાં આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, અત્યારે સામે દિવાળી છે, વેપારીઓએ ઓર્ડર પૂર્ણ કરવાના છે અને માર્કેટમાંથી પેમેન્ટ મેળવવાના છે, ત્યારે આવી અણધારી જાહેરાત કરીને MSME ઉદ્યોગોનું ગળું ટૂંપવાનું અને દિવાળી બગાડવાનું કામ થઈ રહ્યું છે. છેલ્લા 26 વર્ષમાં ક્યારેય પણ ઉદ્યોગો પર એક ઝાટકે આ પ્રકારે કાપ લાદવામાં આવ્યો નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    'વિધર્મીઓને તમારી બેન-દીકરીઓ સાથે ગરબે રમાડો':આદિત્ય ગઢવી-હાર્દિક દવે પર કાજલ હિન્દુસ્તાની બગડી, ભરૂચની સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત
    Next Article
    વડોદરાની 150થી વધુ સોસાયટીઓનું ભાવિ અદ્ધરતાલ:માંજલપુર વિધાનસભામાં અનેક સોસાયટીઓના દસ્તાવેજ ન થયા હોવાની કલેક્ટર કચેરીએ સંકલન બેઠકમાં રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment