Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્વેતા તિવારીને કારણે ભાજપના દિગ્ગજ નેતાના થયા ડિવોર્સ:49ની ઉંમરે બીજીવાર લગ્ન કર્યા ને 52 એ ત્રીજી વાર પિતા બન્યા, સલમાન ખાન સામે બાંયો ચઢાવી હતી

    10 hours ago

    હાલમાં જ રિયાલિટી શો 'બિગ બોસ'ની 20મી સિઝન શરૂ થઈ. શોમાં સલમાન ખાનને સ્પર્ધક રીતિ તિવારીને સ્ટેજ પર બોલાવી ત્યારે દર્શકોએ તાળીઓથી વધાવી લીધી હતી. રીતિની સાથે તેના પપ્પા ગીત ગાતાં ગાતાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે રીતિના પપ્પા 2010માં 'બિગ બોસ'ની ચોથી સિઝનમાં સ્પર્ધક રહી ચૂક્યા હતા. તે સમયે તેમણે ઘરમાં ઘણાં જ ઝઘડા કર્યા હતા. આથી જ રીતિ જ્યારે સ્ટેજ પર આવી તો સલમાને તેને ઇંડા અંગે કોઈ ઝઘડો ના કરવો તેવી સ્પષ્ટ હિદાયત આપી હતી ત્યારબાદ સલમાને કહ્યું હતું, એ બાપ પે મત જાના...... રીતિના પપ્પા દિગ્ગજ ભાજપ નેતા ને ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર મનોજ તિવારી છે. જો તમને હજી પણ મનોજ તિવારી કોણ એ યાદ ના આવતું હોય તો... તમે સો.મીડિયામાં 'રિંકિયા કે પાપા'નું મીમ તો અનેકવાર જોયું હશે. આ મીમ મનોજ તિવારીના 2003માં રિલીઝ થયેલા ભોજપુર આલ્બમ 'ઉપરવાલી કે ચક્કર મેં'નું છે. એ વાત અલગ છે કે મનોજ તિવારીનું આ ગીત ચૂંટણીમાં વિપક્ષ તેમની જ વિરુદ્ધમાં પ્રચાર કરતો હોય છે. ચાહકો આ ગીત પાછળ એ હદે ક્રેઝી છે કે મનોજ તિવારી ચૂંટણીસભા કે કોઈ પબ્લિક ઇવેન્ટમાં જાય ત્યારે આ ગીતની ડિમાન્ડ અચૂકથી કરે છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું તિવારી પરિવારની... મનોજ તિવારીના પિતા શું કરતા? પિતાના અવસાન બાદ માતાએ કેવી રીતે છ સંતાનોને મોટા કર્યા? માતાએ 18-18 વર્ષ સુધી કેમ પગમાં ચંપલ ના પહેર્યા ને ઉઘાડે પગે જ ફર્યા? મનોજ તિવારીએ લગ્નના 12 વર્ષ બાદ કેમ ડિવોર્સ લીધા? મનોજ તિવારીની બીજી પત્ની કોણ છે? મનોજ તિવારીની દીકરી રીતિ ને ધોની વચ્ચે શું કનેક્શન છે? ચાર દીકરા, બે દીકરીઓ તિવારી પરિવાર મૂળ તો બિહારના કૈમુર જિલ્લાના અંતરિયાળ ગામ અતરૌલિયાનો છે, પરંતુ વર્ષોથી તેઓ ઉત્તર પ્રદેશ સ્થાયી થયા છે. પિતા ચંદ્રદેવ તિવારી ને માતા લલિતા દેવીને છ સંતાનો, જેમાં ચાર દીકરા ને 2 દીકરીઓ. નાનપણમાં જ પિતા વગર નોંધારા થયા પહેલી ફેબ્રુઆરી, 1971માં વારાણસીમાં જન્મેલા મનોજ તિવારીના પિતા શાસ્ત્રીય ગાયક હતા. નાનપણમાં મનોજ તિવારીએ ઘણીવાર પિતાને ગીત ગાતા સાંભળ્યા હતા. પિતા સાથેની વધુ યાદો તો નથી, પરંતુ મનોજ તિવારીને એટલું જરૂર યાદ છે કે પિતા પીઠ પર હાથ ફેરવતાં ગાતા ને તેમને ઊંઘ આવી જતી. નાના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું. પરિવારમાં સાત-સાત સભ્યો હતા, પરંતુ કમાનાર કોઈ વ્યક્તિ નહોતી. મનોજ તિવારીને પિતા હંમેશાં સંત જેવા લાગ્યા છે. વારાણસીમાં આજે પણ ચંદ્રદેવ તિવારીનું નામ સન્માનથી લેવામાં આવે છે અને સંતાનોએ આટલી સફળતા મેળવ્યા બાદ આજે પણ તેમના જ નામથી સંતાનો ઓળખાય છે. માતાએ ઘણી જ મુશ્કેલીઓ સહન કરીને મોટા કર્યા પરિવારના મુખિયાના આકસ્મિક મોતથી ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું.લલિતા દેવીએ ઘરમાં ગાય-ભેંસો રાખીને પરિવારનું પૂરું કર્યું. તેઓ જાતે જ છાણા થાપતાં ને પછી જાતે જ ગાય-ભેંસ દોહીને દૂધ ડેરીમાં આપવા જતા. ઘરમાં સાયકલ આવે તેવી સ્થિતિ પણ નહોતી, આથી જ ચાર-ચાર કિમી પગપાળા ચાલીને જ બસ પકડતા ને ઘરનો સામાન લાવતા. છએ સંતાનો ચાર કિમી ચાલીને સ્કૂલે જતાં. મનોજ તિવારીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન ફિઝિકલ એજ્યુકેશનની ડિગ્રી લીધી છે. 18 વર્ષ સુધી ઉઘાડા પગે ફર્યાં લલિતા દેવી એકવાર અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ)માં આયોજીત કુંભમેળામાં ગયાં હતાં. ત્યાં કિચડ હોવાને કારણે તેમના નવા નક્કોર ચંપલ માટીમાં ફસાઈ ગયા હતા. અનેક પ્રયાસો બાદ પણ તેઓ ચંપલ બહાર કાઢી શક્યા નહીં. પછી કંટાળીને તેમણે ચંપલ ત્યાં જ છોડી દીધા. આ ઘટના બાદ તેમણે મનોમન એક સંકલ્પ લીધો કે હવે તે ત્યારે જ પગમાં ચંપલ પહેરશે, જ્યારે તેમના ચારેય દીકરા જીવનમાં કંઈક નામ કમાવે ને સફળતા મેળવે. ત્યારબાદ તેઓ પાછા અલ્હાબાદ જશે અને ત્યાંથી જ નવા ચંપલ ખરીદીને પહેરશે. તેમણે 18 વર્ષ ચંપલ પહેર્યા નહીં. તેઓ બધે જ ઉઘાડા પગે ફર્યા. મનોજ તિવારી માતાના આ ત્યાગને ક્યારેય ભૂલ્યા નથી. પિતાનો સંગીત વારસો આગળ વધાર્યો મનોજ તિવારી કોલેજમાં આવ્યા ત્યારે તેમણે ડ્રાઇવરની નોકરી કરી હતી. તેમણે ત્રણ વર્ષ ડ્રાઇવર તરીકે કામ કર્યું અને તે કમાણીમાંથી અભ્યાસ કર્યો. વર્ષો બાદ મનોજ તિવારીએ પોતાના ત્યાં ડ્રાઇવર્સના નામ ભોજપુરી સિનેમાના સફળ સ્ટાર્સ રવિ કિશન, પવન સિંહ, નિરહુઆ પરથી ઇન્સ્પાયર્ડ છે. સિંગર તરીકે કરિયરની શરૂઆત કરી મનોજ તિવારી સ્વીકારે છે કે સંગીત તેમના લોહીમાં છે. તેઓ પિતાના પગલે જ આગળ વધ્યા છે. મનોજ તિવારીએ ભણવાની સાથે સાથે જ વારાણસીના ઘાટ પર ગાવાની શરૂઆત કરી. તેઓ પોતાના શોખ ખાતર ત્યાં એમ જ ગાતા અને આવા જ એક દિવસે તેમને ગંગા આરતીમાં ગાવાની તક મળી. ગંગા આરતી ગયા બાદ મનોજ તિવારીએ મંદિરોમાં ભજનો ગાવાની શરૂઆત કરી. ભજનો ગાતા હોવાને કારણે વારાણસીમાં લોકો ઓળખવા લાગ્યા. મંદિરમાં ભજનો ગાવાની શરૂઆત કરતાં જ મનોજ તિવારીને ભોજપુરી ફિલ્મમાં ગાવાની તક મળી. મનોજ તિવારીએ ભોજપુરીમાં સિંગર તરીકે કરિયરની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે મ્યૂઝિક આલ્બમ 'બગલવાલી' રિલીઝ કર્યું. આ આલબ્મથી મનોજ તિવારી નોર્થ ઇન્ડિયામાં ખાસ્સા ફેમસ થયા. મનોજ તિવારી જ્યારે ગાયક બનવાનું સપનું લઈને વારાણસી અને અન્ય શહેરોમાં સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેમની પાસે હોટેલમાં રહેવાના પૈસા નહોતા. તેઓ ઘણીવાર રેલવે પ્લેટફોર્મ પર જ જ આખી રાત પસાર કરતા. લાઠીચાર્જ થયો, દોઢ મહિનો હૉસ્પિટલ રહ્યા 26 વર્ષીય મનોજ તિવારી 1997માં કાશી વિશ્વવિદ્યાલયમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા હતા. એક દિવસ કોલેજના ચાલીસેક જેટલા વિદ્યાર્થીઓ વારાણસીના અસ્સી ઘાટ પર ભેગા થયા. ત્યાં મનોજ તિવારીએ ગીતો ગાવાની શરૂઆત કરી. મિત્રો ભોજનની વ્યવસ્થામાં બિઝી હતા. મનોજ તિવારી જ્યાં ગાતા હતા ત્યાં જ બાજુમાં પોલીસની એક ટીમ બેઠી હતી. મનોજ તિવારીના કેટલાક મિત્રોએ પોલીસને ધક્કા માર્યા. પોલીસને આ રીતે ધક્કા મારતા જ તેઓ રોષે ભરાયા અને પોતાની ટીમને બોલાવી. તેમણે એમ કહ્યું કે આ બધા આતંકવાદી છે. ત્યારબાદ પોલીસે મનોજ તિવારી સહિત આખા ગ્રૂપ પર લાઠીચાર્જ કરવાનું શરૂ કર્યું. ધક્કા મારવાની ઘટનાને કારણે પોલીસ એ હદે રોષમાં ભરાયેલી હતી કે આ તમામ પર આડેધડ લાઠીચાર્જ કર્યો હતો. મનોજ તિવારીને માથામાં ગંભીર રીતે વાગ્યું ને હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેઓ દોઢ મહિનો હૉસ્પિટલ રહ્યા ને સાજામાં થવામાં ત્રણેક મહિનાનો સમય લાગ્યો હતો. ભોજપુરી ફિલ્મના 'અમિતાભ બચ્ચન' કહેવાયા મનોજ તિવારી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગર તરીકે ખાસ્સા લોકપ્રિય થઈ ગયા હતા. તેમના મ્યૂઝિક આલ્બમે ચાહકોમાં અલગ ઓળખ ઊભી કરી હતી. આ દરમિયાન 2003માં ભોજપુરી ફિલ્મ 'સસુરા બડા પઇસાવાલા' ઑફર થઈ. સિંગર બાદ એક્ટર બનવાની તક મળી. શરૂઆતમાં તેમને ખચકાટ થયો કે તેઓ એક્ટિંગ કરી શકશે કે નહીં, પરંતુ પછી તેમણે એક્ટિંગ ડેબ્યૂ કરવાનું નક્કી કર્યું ને ફિલ્મ ઑફર સ્વીકારી. બોક્સઑફિસ પર આ ફિલ્મ સુપરડુપર હિટ રહી. માત્ર 30 લાખમાં બનેલી આ ફિલ્મે તે સમયે 9 કરોડનો બિઝનેસ કર્યો. નવાઈની વાત એ છે કે 2022 સુધી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરી હતી. આ ફિલ્મ પાંચ મહિના થિયેટરમાં ચાલી હતી અને તમામ શો હાઉસફૂલ જતા હતા. પહેલી જ ફિલ્મ સુપરડુપર હિટ જતાં ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મનોજ તિવારીને 'અમિતાભ બચન્ન'નું ટૅગ આપ્યું. 2006માં મનોજ તિવારીએ અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ 2006માં અમિતાભ બચ્ચને પહેલી જ વાર ભોજપુરી સિનેમામાં ફિલ્મ 'ગંગા'માં મનોજ કુમાર સાથે કામ કર્યું. આ ફિલ્મ પણ બોક્સઑફિસ પર સફળ રહી. મનોજ તિવારીએ 2003-2014 સુધી ઘણી ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું. ફિલ્મમાં સફળતા મળ્યા બાદ રાજકારણમાં ઝંપલાવ્યું ભોજપુરી સિનેમામાં ચિક્કાર સફળતા મળ્યા બાદ મનોજ તિવારીએ રાજકારણ તરફ નજર દોડાવી. એક્ટર ને સિંગર હોવાને કારણે મનોજ તિવારી અવાર-નવાર અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાને મળતા રહેતા હતા. આટલું જ નહીં, તેઓ કોઈ પણ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર પણ કરી લેતા. જોકે, તેઓ તે સમયે કોઈ વિચારધારા સાથે જોડાયા નહોતા. એ વાત અલગ છે કે 1991માં તેઓ અખિલ ભારતીય પરિષદ સાથે જોડાયેલા હતા. સમાજવાદી પાર્ટીમાં જોડાયા, યોગી સામે હાર રાજકારણમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જવાને બદલે સમાજવાદી પાર્ટીમાં જોડાયા. 2009માં લોકસભા ચૂંટણી આવી. તેઓ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડ્યા. અલબત્ત, યોગી આદિત્યનાથ સામે મનોજ તિવારીની કારમી હાર થઈ. આ સમયે તેમને લાગ્યું કે તેઓ રાજકારણમાં દિલથી કામ કરશે તો જ આગળ વધી શકશે. જો રાજકારણ પ્રત્યે તેઓ ઉદાસીનતા દાખવશે કે પછી દિલથી કામ નહીં કરે તો તે દેશ, સમાજ ને જનતા પ્રત્યે દ્રોહ કર્યો કહેવાશે. અણ્ણા હઝારેને સપોર્ટ કર્યો નવેમ્બર, 2009માં મનોજ તિવારીના મુંબઈ સ્થિત ઘરમાં હુમલો કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે મનોજ તિવારીએ શિવસેના અંગે ટીકા કરી હતી અને તેને કારણે શિવ સૈનિકોએ હુમલો કર્યો હતો. જાન્યુઆરી, 2011માં રાજકારણમાં ચર્ચા થવા લાગી કે ઉત્તર ભારતીયો માટે ભરપૂર કામ કરનાર મનોજ તિવારીને કદાચ ભાજપ પાર્ટીમાં સામેલ થવા કહી શકે છે. તે સમયે મનોજ તિવારીએ આ વાતને અફવા ગણાવી હતી. આ જ સમયગાળામાં મનોજ તિવારી બિહારના ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહા સાથે અવાર-નવાર જોવા મળતા હતા. 2011માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ દિલ્હીના રામલીલા મેદાનમાં રામદેવ બાબાએ ભૂખ હડતાળ કરી હતી. મનોજ તિવારીએ આ આંદોલનમાં ભાગ લીધો હતો અને અણ્ણા હઝારેની ધરપકડનો વિરોધ કર્યો હતો. 2009ની કારમી હાર મનોજ તિવારી ભૂલ્યા નહોતા. ભારે મનોમંથન બાદ મનોજ તિવારીએ ભાજપમાં જોડાવવાનું નક્કી કર્યું ને તે સમયના ભાજપના વડાપ્રધાન ઉમેદવાર નરેન્દ્ર મોદીનો સપોર્ટ કર્યો. ત્રણ વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા મનોજ તિવારીની શરૂઆત ભલે નિષ્ફળ રહી, પરંતુ ભાજપમાં જોડાયા બાદ તેમણે હેટ્રિક મારી દીધી. 2014માં લોકસભાની ચૂંટણી આવી. આખા દેશમાં મોદી લહેર હતી. ભાજપે મનોજ તિવારીને નોર્થ-ઇસ્ટ દિલ્હી બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી. મનોજ તિવારીએ આપના ઉમેદવારને 1,44,084 મતોથી હાર આપી. મનોજ તિવારીની કામગીરી જોયા બાદ 2016માં તેમને દિલ્હી ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 2019માં ફરી એકવાર મનોજ તિવારી લોકસભા ચૂંટણી લડ્યા. આ વખતે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી ને કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતને 3.63 લાખથી પણ વધુ વોટથી હરાવ્યા. 2024માં મનોજ તિવારી ત્રીજીવાર નોર્થ-ઇસ્ટ દિલ્હી પરથી લોકસભાની ચૂંટણી લડ્યા. તેમણે JNU (જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી)ના યુનિયન પ્રેસિડન્ટ તથા કોંગ્રેસ ઉમેદવાર કન્હૈયાલાલ કુમારને 1,38,778 મતોથી હરાવ્યા. મનોજ તિવારીએ લોકસભા ચૂંટણીમાં હેટ્રિક માર્યા બાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિરોધીઓએ તેમને હરાવવા સામ, દંડ, ભેદનો ઉપયોગ કર્યો. તેમની પર પર્સનલ એટેક કર્યા. ગીતોને કારણે ટ્રોલ કર્યા. તેમને હરાવવા દરેક પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી, પરંતુ જનતાએ હંમેશાં તેમનો સાથ આપ્યો. 'જિયા હો બિહાર કે લાલા', 'હિંદ કા સિતારા' જેવા સોંગ્સ ગાયા મનોજ તિવારીએ અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઑફ વાસેપુર'માં બિહારીઓ માટે ગીત 'જિયા હો બિહાર કે લાલા...' ગાયું અને તે ખાસ્સું લોકપ્રિય થયું હતું. ત્યારબાદ તેમણે વેબ સિરીઝ 'પંચાયત'માં 'હિંદ કા સિતારા' ગીત ગાયું હતું. આ ગીત પણ બાળકોથી માંડીને વૃદ્ધો ને યુવાનોમાં પોપ્યુલર થયું હતું. આ ગીતના અઢળક મીમ પણ બનાવવામાં આવ્યા છે. અંગત જીવન પણ ચર્ચાસ્પદ... મનોજ તિવારીએ 1999માં રાની તિવારી સાથે લગ્ન કર્યા હતા. રાની તિવારી ડાયેટિશિયન છે. લગ્નના થોડા સમય બાદ તેઓ દીકરી રીતિના પિતા બન્યા. 2009-10માં મનોજ તિવારી ને રાની વચ્ચેના સંબંધો વણસી ગયા. આ સંબંધોમાં ખટાશ આવવા પાછળ એક્ટ્રેસ શ્વેતા તિવારી જવાબદારી હોવાનું માનવામાં આવે છે. વાત જાણે એમ છે કે શ્વેતા તિવારી ટીવી સિરિયલ 'કસૌટી જિંદગી કી'થી ઘેર-ઘેર લોકપ્રિય થઈ હતી. તેણે મનોજ તિવારી સાથે પહેલી ભોજપુરી ફિલ્મ 'કબ અઇબૂ અંગનવા હમાર' કરી હતી. આ ફિલ્મ હિટ રહી અને બંનેની જોડી ચાહકોને ઘણી જ ગમી હતી. આ ફિલ્મ હિટ જતાં જ બંનેએ ઘણા મ્યૂઝિક વીડિયો ને ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું. બંને વચ્ચે મિત્રતા વધતી ગઈ. રાની તિવારીને પતિ ને શ્વેતા તિવારીની નિકટતા સહેજ પણ પસંદ નહોતી. તેણે અવાર-નવાર પતિ સાથે આ મુદ્દે ઝઘડો કર્યો હતો. મનોજ તિવારીએ દર વખતે બંને વચ્ચે કંઈ જ ના હોવાની વાત કરી હતી. 'બિગ બોસ'ના ઘરમાં મનોજ ને શ્વેતા 2010માં મનોજ તિવારી ને શ્વેતા બંને 'બિગ બોસ'ના ઘરમાં જોવા મળ્યા. શોમાં મનોજ તિવારીએ લગ્નજીવન અંગે વાત કરી હતી. તેમણે નેશનલ ટીવી પર એ વાત સ્વીકાર હતી કે પત્નીને તેના ને શ્વેતાના સંબંધો અંગે શંકા છે ને બંને વચ્ચે અફેર હોવાનું માને છે. જોકે, શોમાં જ મનોજે ચોખવટ કરી હતી કે તેમની વચ્ચે માત્ર મિત્રતા છે. આ શો શ્વેતા તિવારી જીતી હતી. શો જીત્યા બાદ તેણે મનોજ તિવારીની પત્ની રાની સાથે વાત કરી હતી અને સંબંધો અંગે સ્પષ્ટતા કરી હતી. 2012માં ડિવોર્સ થયા રાનીને મનોજ ને શ્વેતાના સંબંધો સામે વાંધો હતો અને અંતે, 2012માં તેમના ડિવોર્સ થયા. આ જ કારણોસર શ્વેતા પર હોમબ્રેકરના આરોપો મૂકવામાં આવ્યા હતા. ડિવોર્સ બાદ પણ મનોજ તિવારી ને શ્વેતા વચ્ચે મિત્રતા રહી હતી. મનોજ તિવારીએ તે સમયે કહ્યું હતું કે તે દીકરી તથા પત્નીથી અલગ થવા તૈયાર નહોતા. કોઈ તેમના લગ્નજીવનને બચાવી લે. તેમણે માત્રને માત્ર પત્નીના દબાણને કારણે જ ડિવોર્સ પેપર પર સાઈન કરી હતી. તેમની પત્ની ઘરમાં સતત ટેન્શનમાં જીવતી હતી અને તે પત્નીને આવી હાલત જોઈ શકે તેમ નહોતા. ડિવોર્સના આઠ વર્ષ બાદ 2020માં લગ્ન કર્યા સુરભિ સિંગર ને ડિરેક્ટર છે. કરિયરની શરૂઆતમાં તેણે મનોજ તિવારી સાથે ઘણા મ્યૂઝિક પ્રોજેક્ટ્સ કર્યા. મનોજ તિવારીએ ડિવોર્સ બાદ સુરભિ સાથે વધુ સમય પસાર કર્યો. તે એડમિનિસ્ટ્રેટિવ વર્ક જોતી હતી. દીકરી રીતિએ સલાહ આપી હતી કે મનોજ અને સુરભિએ લગ્ન કરી લેવા જોઈએ. રીતિ તથા સુરભિ એકબીજાની સાથે ઘણાં જ કમ્ફર્ટેબલ છે. મનોજ તિવારી ને સુરભિએ એપ્રિલ, 2020માં કોરોનાને કારણે જ્યારે આખા દેશમાં લૉકડાઉન હતું ત્યારે ઘરમાં લગ્ન કર્યા. એ જ વર્ષે ડિસેમ્બરમાં મનોજ તિવારી 49 વર્ષની ઉંમરે બીજી દીકરી સાન્વિકાના પિતા બન્યા. રીતિએ જ પોતાની નાની બહેનનું નામ રાખ્યું હતું. 52 વર્ષની ઉંમરે મનોજ તિવારી ત્રીજી દીકરી સરસ્વતીના પિતા બન્યા. સુરભિએ ડિસેમ્બર, 2022માં બીજી દીકરીને જન્મ આપ્યો. સરસ્વતી ને રીતિ વચ્ચે ઉંમરમાં 21 વર્ષનું અંતર છે. વિવાદોમાં પણ આગળ છે ભોજપુરી સ્ટાર 'બિગ બોસ'ના ઘરમાં મનોજ તિવારીનો ઝઘડો મનોજ તિવારી ને ડોલી બ્રિન્દ્રા વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા. મનોજ ને ડોલી વચ્ચે એગ્સ અંગે ઝઘડો થયો હતો. મનોજ બ્રેકફાસ્ટમાં એગ્સ બનાવવા માગતા હતા ત્યારે ડોલીએ એવું કહ્યું હતું કે ઘરમાં જે ભોજન પહેલેથી જ બનાવીને રાખવામાં આવ્યું છે, તે પૂરું કરવું જોઈએ. આ વાત મનોજ તિવારીને પસંદ ના આવી અને ડોલી સાથ ઉગ્ર દલીલો કરી. આ દરમિયાન મનોજ તિવારીએ કહ્યું હતું કે કિચન કોઈના બાપનું નથી. આ વાત સાંભળતાં જ ડોલીએ વળતો પ્રહાર કર્યો કે બાપ પે બોલના નહીં. શોમાં આ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા. અલબત્ત, ડોલીએ બાપ પર બોલેલો ડાયલોગ આજે પણ મીમમાં વપરાય છે. હોસ્ટ સલમાન ખાન સાથે વિવાદ શોમાં સલમાન ખાને મનોજ તિવારીને આડેહાથ લીધા હતા. તેમણે મનોજ તિવારી પર આક્ષેપ કર્યો હતો કે તે ઘરની અંદર લોકોની વચ્ચે રાજકારણ રમે છે અને પોતાના અંગત ફાયદા માટે ઘરના સભ્યોને ઉશ્કેરે છે. આટલું જ નહીં, સલમાને મનોજ તિવારીને અભિમાની પણ કહ્યા હતા. ફિનાલે સુધી પહોંચવા તે ઓવર કોન્ફિડન્ટ હોવાનું કહ્યું હતું. શોમાં સલમાન ને મનોજ વચ્ચે ઘણીવાર દલીલો થતી. 'બિગ બોસ'ના ઘરમાંથી એલિમિનેટ થયા બાદ મનોજ તિવારીએ આક્ષેપ કર્યો હતો કે સલમાન ખાનના કારણે જ તે ઘરની બહાર નીકળ્યા છે. તેની સામે અશ્મિત પટેલ હતો. અશ્મિતની તુલનામાં તેઓ વધારે લોકપ્રિય છે. જોકે, સલમાને અશ્મિતને બચાવવા પોતાના અઢળક ફ્રેન્ડ્સને ટેકસ્ટ મેસેજ કરીને અશ્મિત તરફી વોટિંગ કરવાનું કહ્યું હતું. આ જ કારણે તેઓ શોમાંથી એલિમિનેટ થયા. ખાન પરિવારને નારાજ કર્યો થોડા સમય બાદ 'દબંગ'નું 'મુન્ની બદનામ હુઈ...' ગીત લોકપ્રિય થયું. ફિલ્મને અરબાઝ ખાને પ્રોડ્યુસ કરી હતી અને લીડ હીરો સલમાન હતો. મનોજ તિવારીએ આક્ષેપ કર્યો હતો કે આ ગીત બિહારના લોકગાયિકા તારાબાનો ફૈઝાબાદીના ઓરિજિનલ ગીત પરથી કૉપી કરવામાં આવ્યું છે. મનોજ તિવારીએ પરિવાર વતી ખાન પરિવાર સમક્ષ વળતરની માગણી કરી હતી. આ વાતથી ખાન પરિવાર ઘણો જ નારાજ થયો હતો. મનોજ તિવારી ને સલમાનના સંબંધો વણસી ગયા હતા. સેલિબ્રિટી ક્રિકેટ લીગને કારણે સંબંધો સુધર્યા 2012માં સલમાન ખાને સેલિબ્રિટી ક્રિકેટ લીગની શરૂઆત કરી હતી. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટીમ ભોજપુરી દબંગ્સના કેપ્ટન મનોજ તિવારી હતા. આ સમયે સલમાન ને મનોજના સંબંધો સુધર્યા હતા. ત્યારબાદ સોહેલ ખાન ને મનોજ તિવારી ઘણીવાર પબ્લિક ઇવેન્ટમાં જોવા મળતા. ત્યારબાદ બી ટાઉનમાં ચર્ચા થવા લાગી કે મનોજ તિવારી ને સલમાનના સંબંધો સામાન્ય થઈ ગયા છે. તેમાં પણ 'બિગ બોસ 20'માં સ્ટેજ પર મનોજ તિવારી ને સલમાન ખાન સાથે જોવા મળ્યા હતા અને બંને વચ્ચેની વાતચીત સામાન્ય હતી. મનોજ તિવારી ને રવિ કિશન વચ્ચે નંબર વનની હોડનો વિવાદ રવિ કિશન ને મનોજ તિવારી વચ્ચેનો ગજગ્રાહ જાણીતો છે. બંને કેમેરા સામે તો એકબીજાને ભાઈ કહે છે, પરંતુ ઇન્ટરવ્યૂમાં બંને એકબીજાને આડેહાથ લેતા હોય છે. બંને વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી પ્રોફેશનલ વિવાદ ને ઇગો ક્લેશ જોવા મળે છે. બંને પોત-પોતાને ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નંબર વન સુપરસ્ટાર કહે છે. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં મનોજ તિવારીએ કહ્યું હતું કે રવિ કિશનની વાતોમાં 90% નિવેદનો ખોટા ને પાયાવિહોણા છે. આટલું જ નહીં, એક સમયે તેઓ લાખો રૂપિયા કમાતા, ત્યારે રવિ કિશન મહિને માંડ 25 હજાર કમાતો હતો. રવિ કિશનની સ્થિતિ એવી હતી કે તે બ્લેક કૉફી પણ પી શકે તેમ નહોતી. મનોજ તિવારીએ એવો પણ દાવો કર્યો છે કે તે જ રવિ કિશનને ભાજપમાં લઈને આવ્યા. ઉલ્લેખનીય છે કે રવિ કિશને ઉત્તર પ્રદેશમાં ગોરખપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી. 2024માં તેઓ બીજીવાર આ સીટ પરથી વિજયી બન્યા. મનોજ તિવારીના તીખા નિવેદનો બાદ રવિ કિશને એટલું જ કહ્યું હતું કે હંમેશાં જે વૃક્ષને ફળ આવતું હોય તેને જ લોકો પથ્થર મારતા હોય છે. તે તો જીવનમાં આગળ ચાલે છે અને પાછળ રહેલા લોકો તેમની ઇર્ષ્યા કરીને માત્ર વાતો કરતા જ રહી જાય છે. ચોમાસુ સત્રના છેલ્લા દિવસે સંસદ ભવન પરિસરમાં રવિ કિશન ને મનોજ તિવારી એકબીજાને મળ્યા હતા અને તેમણે હસતા રહીને પોઝ પણ આપ્યો હતો. રીતિ પણ દાદા-પિતાની જેમ સિંગર રીતિનું હુલામણું નામ ઝૂની છે. પેરેન્ટ્સના ડિવોર્સ બાદ તે માતા સાથે મુંબઈ જ રહે છે અને પિતા સાથે પણ તેના સારા સંબંધો હતા. તે સિંગર ઉપરાંત સોંગ રાઇટર, કમ્પોઝર, પ્રોડ્યુસર છે. 2020માં તેણે 'ચલે આઓ' રોમેન્ટિક ટ્રેક રિલીઝ કર્યો હતો. આ મ્યૂઝિક વીડિયોમાં નંદિશ સંધુ તથા ચાર્લી ચૌહાણ હતા. આ મ્યૂઝિક વીડિયોમાં રીતિ સાથે પલાશ મુચ્છાલે સોંગ ગાયું હતું. રીતિ મ્યૂઝિક વીડિયો રિલીઝ કરતી હોય છે. મામાએ રીતિના નામથી કંપની શરૂ કરી રીતિના મામા અરુણ પાંડેએ રીતિ સ્પોર્ટ્સ કંપની શરૂ કરી છે. આ કંપનીનું નામ રીતિના નામ પરથી જ છે. અરુણ પાંડે ને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ખાસ સંબંધ છે. તેઓ વર્ષો સુધી ધોનીના મેનેજર ને બિઝનેસ પાર્ટનર રહી ચૂક્યા છે. ધોનીના કરોડો રૂપિયાના ઑફ ફીલ્ડ બિઝનેસનું સામ્રાજ્ય ઊભું કરવામાં અરુણ પાંડેનો મોટો હાથ છે. મૂળ વારાણસીના અરુણ પાંડે ઉત્તર પ્રદેશ માટે સ્ટેટ લેવલે ક્રિકેટ રમી ચૂક્યા છે અને તે લેફ્ટ હેન્ડ સ્પિનર પણ છે. અરુણ પાંડેએ જ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' બાયોપિક બનાવી અને ફિલ્મના કો-પ્રોડ્યુસર હતા. એક સમયે તેઓ ધોની ઉપરાંત સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, સાઇના નેહવાલ, આરપી સિંહ જેવા દિગ્ગજોના કામ જોતા. ચેન્નઇ સુપર કિંગ્સના માર્કેટિંગ રાઇટ્સ પણ આ કંપની પાસે હતા. હાલમાં ધોની અને અરુણ પાંડે વચ્ચે વ્યાપારિક સંબંધો નથી, પરંતુ બંને વચ્ચે આજે પણ મિત્રતા છે. તિવારી પરિવારના અન્ય સંતાનો શું કરે? પરિવારના સૌથી મોટા દીકરા સાધુ શરણ તિવારી પરિવારના મુખિયા જેવા હતા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) માંથી IITનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) માં જોડાયા. તેઓ જનરલ મેનેજર (GM) તરીકે નિવૃત્ત થયા હતા. લાંબી બીમારી બાદ ઓગસ્ટ 2026માં 72 વર્ષની વયે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. મનોજ તિવારીના બીજા મોટા ભાઈ પુષ્કર તિવારી, મનોજ તિવારીના રાજકીય અને વ્યવસાયિક કાર્યોનું મેનેજમેન્ટ જુએ છે. મનોજ તિવારીની ચૂંટણી, દિલ્હી ઑફિસના કામો તથા વિવિધ સામાજિક-રાજકીય ઇવેન્ટ્સની પડદા પાછળની જવાબદારીઓ પુષ્કર તિવારીના ખભા પર હોય છે. મનોજ તિવારીની બે બહેનો લાઇમલાઇટથી દૂર પોતાના પરિવાર સાથે રહેે છે.
    Click here to Read More
    Previous Article
    ચીનનો 12 દિવસ પહેલા એલર્ટ કરવાનો દાવો ખોટો:ઈ-મેલમાં માત્ર ભારે વરસાદની વાત, ગ્લેશિયરની ચેતવણી આપતી સિસ્ટમ જ નથી
    Next Article
    Mumbai-Bound IndiGo Flight Delayed By 3 Hours After Pilot Falls 'Sick'

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment