Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4800 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડ્યા તો ગયા ક્યાં:બોર્ડર પર સન્નાટો, હોલ્ડિંગ સેન્ટર પણ ખાલી, બાંગ્લાદેશે કહ્યું- 73 લોકો જ આવ્યા

    20 hours ago

    કોલકાતાથી આશરે 90 કિમી દૂર હાકિમપુર ચેકપોસ્ટ. ભારત-બાંગ્લાદેશ સરહદ તરફ આગળ વધતાં જ પોલીસ અને BSFનાં વાહનો જોવા મળે છે. BSFના જવાનો આવવા-જવા વાળા લોકો પર નજર રાખી રહ્યા છે. વાહનો રોકીને કાગળો તપાસે છે. આઈડી કાર્ડ ચેક કરે છે. આ એ જ ચેકપોસ્ટ છે, જ્યાં પશ્ચિમ બંગાળમાં BJPની સરકાર બન્યા પછી સૌથી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ એકઠા થયા હોવાની વાત કહેવામાં આવી હતી. BJPની સરકાર બન્યાને આશરે 3 મહિના થઈ ગયા છે. હવે સરહદ પર સખતાઈ તો છે, પણ બાંગ્લાદેશ જવા વાળા લોકોની ભીડ નથી. આ જ ચિત્રની બીજી તરફ સરકારના આંકડા છે. 28 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે BJPની સરકાર બન્યા પછી દરરોજ 5થી 10 હજાર બાંગ્લાદેશીઓ પાછા જઈ રહ્યા છે. 8 જૂને મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો કે 5 હજાર લોકોને ડિપોર્ટ કર્યા છે. બાંગ્લાદેશનો આંકડો આનાથી બિલકુલ અલગ છે. તેમનું કહેવું છે કે તેમણે સત્તાવાર પ્રક્રિયાથી 2026માં માત્ર 73 લોકોને જ પોતાની તરફ લીધા છે. આ જ તફાવતનું કારણ શોધવા 'ભાસ્કર'ની ટીમ ભારત-બાંગ્લાદેશ સરહદની ચેકપોસ્ટ, હોલ્ડિંગ સેન્ટર અને પછી બાંગ્લાદેશના જમાલપુર-કુરીગ્રામ બોર્ડર સુધી પહોંચી. અમારી પાસે ત્રણ સવાલો હતા… BSF ઑફિસરે કહ્યું- શરૂઆતમાં ભીડ હતી, હવે અઠવાડિયા સુધી કોઈ નથી આવતું ભાસ્કરની ટીમ સૌથી પહેલાં હાકિમપુર ચેકપોસ્ટ પર પહોંચી. આને પાર કરીને આગળ વધ્યા તો BSFના જવાનોએ રોકી દીધા. તેમણે જણાવ્યું કે બોર્ડરને અડીને આવેલા ગામોમાં મીડિયાને જવાની મંજૂરી નથી. કોઈ અધિકારી કેમેરા સામે વાત કરવા તૈયાર પણ ન થયા. થોડી રાહ જોયા પછી એક અધિકારીએ ઓફ-કેમેરા વાત કરી. તેમણે કહ્યું- ‘શરૂઆતમાં અહીં ખૂબ ભીડ હતી. અઠવાડિયામાં 10-15 બાંગ્લાદેશીઓને પાછા મોકલતા હતા. હવે કેટલાય અઠવાડિયા સુધી કોઈ નથી આવતું.’ અમે પૂછ્યું- સરકાર બદલાયા પછી અહીં જે લોકો એકઠા થયા હતા, તેમનું શું થયું? અધિકારીએ જણાવ્યું, ‘બધાને ડિપોર્ટ નથી કર્યા. ત્યારે આશરે 200 લોકોને મોકલ્યા હતા. બાકીના લોકોને ઉત્તર 24 પરગણામાં બનાવેલા ત્રણ અસ્થાયી હોલ્ડિંગ સેન્ટરમાં મોકલી દેવાયા.’ હાકિમપુરથી અમે પેટ્રાપોલ અને મહદીપુર ચેકપોસ્ટ પહોંચ્યા. બંને જગ્યાએ સ્થિતિ લગભગ એક સરખી હતી. ન ભીડ, ન બાંગ્લાદેશ જવાની રાહ જોતા લોકોની લાઈનો. મહદીપુરમાં અધિકારીઓએ આનું કારણ બતાવ્યું. હવે પકડાયેલા લોકોને સીધા બોર્ડર પર લાવવામાં નથી આવતા. પહેલાં હોલ્ડિંગ સેન્ટર મોકલવામાં આવે છે. ત્યાં પ્રક્રિયા પૂરી થયા પછી જ બોર્ડર સુધી લાવે છે. બોર્ડરના ગામોમાં આઈડી જરૂરી; લોકો બોલ્યા- હજારો બાંગ્લાદેશીઓ હતા તો ક્યાં ગયા? હાકિમપુર ચેકપોસ્ટની આસપાસના ગામોમાં જીવન સામાન્ય છે. લોકો ખેતરોમાં કામ કરી રહ્યા છે. બજારો ખુલ્લાં છે. લોકો રોજની જેમ સીમાવર્તી વિસ્તારોમાં આવી-જઈ રહ્યા છે. બસ એક જ વસ્તુ બદલાઈ છે- તપાસ. પરાલી ગામના રહીમુદ્દીન બિસ્વાસ જણાવે છે, ‘પહેલાં ઓળખપત્ર સાથે લઈને ફરવાની જરૂર નહોતી. હવે ચેકપોસ્ટ પાર કરવી હોય તો ઓળખપત્ર અને બીજા કાગળો ખિસ્સામાં રાખવા પડે છે. ગાડીના કાગળો ન મળે, તો ગાડી જપ્ત કરીને કસ્ટમ્સ વિભાગ પાસે મોકલી દે છે.’ રહીમુદ્દીન બોલી જ રહ્યા હતા ત્યાં પાસે બેઠેલા બાબલુ ગાઝીએ તેમની વાત કાપતાં કહ્યું, ‘કહેવામાં આવી રહ્યું હતું કે બોર્ડરના દરેક ગામમાં બાંગ્લાદેશીઓ રહે છે. જો આટલા બધા બાંગ્લાદેશીઓ હતા, તો હવે ક્યાં છે? શરૂઆતમાં ક્યારેક 100, ક્યારેક 200 લોકો ગયા હશે. છેલ્લા એક મહિનાથી અમે કોઈને જતા નથી જોયા.’ દરેક જિલ્લામાં હોલ્ડિંગ સેન્ટર ખોલવાનો આદેશ, પણ માત્ર 7 જિલ્લામાં જ બન્યા 24 મે, 2026ના રોજ પશ્ચિમ બંગાળ સરકારના હોમ એન્ડ હિલ અફેર્સ ડિપાર્ટમેન્ટે આદેશ જારી કર્યો કે રાજ્યના દરેક જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો માટે હોલ્ડિંગ સેન્ટર બનાવો. શંકાસ્પદ વિદેશીઓના કાગળો તપાસાશે. તપાસ થશે. પછી ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ થશે. BSFના સૂત્રોએ અમને જણાવ્યું કે હાલમાં હોલ્ડિંગ સેન્ટર માત્ર બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા 7 જિલ્લાઓમાં જ બન્યા છે. આ જિલ્લાઓમાં કુલ 11 સેન્ટર છે, જેમાં 300થી વધુ લોકોને રાખવામાં આવ્યા છે. આ સેન્ટરોની અંદર શું થઈ રહ્યું છે, તે જાણવા માટે અમે મુર્શિદાબાદના લાલગોલા પહોંચ્યા. નીચે બેંક, ત્રીજા માળે હોલ્ડિંગ સેન્ટર; આસપાસના લોકોને પણ ખબર નથી લાલગોલામાં જે જગ્યાએ ગેરકાયદે વિદેશી બતાવાયેલા લોકોને રાખ્યા છે, તેને જોઈને પહેલી નજરે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે અહીં કોઈ હોલ્ડિંગ સેન્ટર છે. આ એક સરકારી મકાન છે. પહેલા અને બીજા માળે વેસ્ટ બંગાલ ગ્રામીણ બેંકની શાખા છે. ત્રીજા માળે ત્રણ પોલીસકર્મી અને બે BSF જવાન 24 કલાક તૈનાત રહે છે. આસપાસ રહેતા લોકોને ખબર નથી કે બિલ્ડિંગમાં હોલ્ડિંગ સેન્ટર ચાલી રહ્યું છે. અમે ત્રીજા માળ સુધી પહોંચ્યા. સુરક્ષાકર્મીઓએ ત્યાં જ રોકી દીધા. અમે પૂછ્યું- અંદર કેટલા લોકો છે, ક્યાંથી લાવવામાં આવ્યા છે, કેટલા લોકોને અહીંથી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે? જવાબ મળ્યો, ‘આ બાબતે કશું બતાવી શકીએ નહીં.’ અહીં જ કસ્ટમ્સ વિભાગના એક અધિકારી મળ્યા. પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે તેમણે જણાવ્યું, ‘અહીં 20થી 25 લોકોને રાખી શકાય છે. સામાન્ય રીતે આટલા જ લોકો રહે છે. પછીથી તેમને માલદા હોલ્ડિંગ સેન્ટર મોકલી દેવાય છે. ત્યાંથી મોટાભાગના લોકોને મહદીપુર સીમા ચોકીના રસ્તે બાંગ્લાદેશ મોકલવામાં આવે છે.’ એટલે કે લાલગોલા છેલ્લો પડાવ નહોતો. આગળની કડી માલદા હતી. માલદામાં આશરે 130 લોકો, બિલ્ડિંગથી 50 મીટર પહેલાં પોલીસે રોક્યા અમે માલદાના ઇંગ્લિશ બજાર સ્થિત હોલ્ડિંગ સેન્ટર પહોંચ્યા. લાલગોલાની સરખામણીએ અહીં સુરક્ષા વધુ કડક હતી. બિલ્ડિંગથી આશરે 50 મીટર પહેલાં પોલીસે રસ્તો રોકી દીધો. એક પોલીસકર્મીએ જણાવ્યું, ‘રાજ્યના તમામ હોલ્ડિંગ સેન્ટરોમાંથી સૌથી વધુ લોકો અહીં જ છે. બીજા જિલ્લાઓમાંથી પણ લોકોને અહીં મોકલવામાં આવે છે. અત્યારે આશરે 130 લોકો છે.’ ડિપોર્ટ કરવાની આખી પ્રક્રિયા નક્કી, પણ એક પ્રશ્ન અધૂરો- કોઈને બાંગ્લાદેશી માનવા કેવી રીતે? અત્યાર સુધી અમે ત્રણ ચેકપોસ્ટ અને બે હોલ્ડિંગ સેન્ટર જોઈ ચૂક્યા હતા. હવે સવાલ એ હતો કે આખરે કોઈને બાંગ્લાદેશી જાહેર કેવી રીતે કરવામાં આવે છે. ડિપોર્ટેશન માટે પહેલું પગલું છે, કોઈની ઓળખ શંકાસ્પદ વિદેશી તરીકે થવી. આ ઓળખ થાય છે કેવી રીતે? આનો જવાબ શોધવા અમે ગૃહ મંત્રાલયની SOP જોઈ. 2 મે, 2025ના રોજ ગૃહ મંત્રાલયે ડિપોર્ટેશન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) બહાર પાડી હતી. પ્રક્રિયા સ્પષ્ટ છે: પરંતુ કેટલાક સવાલોના સ્પષ્ટ જવાબો SOPમાં નથી… અમે આ સવાલો BSFના અધિકારીઓને પૂછ્યા. ઓફ ધ રેકોર્ડ જવાબ મળ્યો, ‘અમારું કામ સરહદની સુરક્ષા કરવાનું અને પોલીસ દ્વારા ચકાસાયેલા લોકોને બોર્ડર સુધી લાવીને બાંગ્લાદેશ મોકલવાનું છે. ઓળખ અને તપાસ પોલીસ કરે છે.’ પોલીસ ઑફિસરને પૂછ્યું- બાંગ્લાદેશીને કેવી રીતે ઓળખો છો? જવાબ મળ્યો- જોઈને જ ખબર પડી જાય છે અમે ઉત્તર 24 પરગણા જિલ્લાના બોંગાંવ પોલીસ સ્ટેશન પહોંચ્યા. સ્ટેશન ઈન્ચાર્જ હાજર નહોતા. સ્ટેશનની બહાર એક ASI મળ્યા. તેમને પૂછ્યું- તમે કેવી રીતે ઓળખો છો કે કોઈ બાંગ્લાદેશી છે? જવાબ મળ્યો, ‘આટલા વર્ષો નોકરી કરી છે. જોઈને જ ખબર પડી જાય છે કે કોણ બાંગ્લાદેશી છે અને કોણ ભારતીય. બાંગ્લાદેશના લોકોની ભાષા અલગ હોય છે.’ અમે પૂછ્યું- શું કોઈ નક્કી કરાયેલું ધોરણ છે, કોઈ દસ્તાવેજી પ્રક્રિયા? કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો. જોકે, અધિકારીએ એક મહત્વની વાત બતાવી. ‘જ્યાં સુધી બાંગ્લાદેશ નાગરિકતાની પુષ્ટિ નથી કરતું, ત્યાં સુધી કોઈને ત્યાં મોકલવામાં આવતું નથી. તેમની સંમતિ મળ્યા પછી જ સરહદ પાર મોકલવામાં આવે છે.’ આ દાવાની સત્યતા ચકાસવા સરહદની બીજી તરફ જવું જરૂરી હતું. આ માટે અમે બાંગ્લાદેશમાં અમારા સહયોગી અરિફુલને બોર્ડર વાળા વિસ્તારોમાં મોકલ્યા. હવે બાંગ્લાદેશથી રિપોર્ટ બાંગ્લાદેશમાં બોર્ડર ગાર્ડની સાથે ગામના લોકો પણ રાત્રે પહેરો આપી રહ્યા છે ભાસ્કરની ટીમ બાંગ્લાદેશના જમાલપુર અને કુરીગ્રામ પહોંચી. અહીં BGB એટલે કે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના જવાનો સતત પહેરો લગાવી રહ્યા છે. કેટલીક જગ્યાએ ગામના લોકો પણ તેમની સાથે સરહદ પર નજર રાખી રહ્યા હતા. કારણ પૂછતાં BGBના અધિકારીઓએ ભારત પર ‘પુશ-ઈન’નો આરોપ લગાવ્યો. તેમનો દાવો છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત તરફથી કેટલીય વાર લોકોને નાગરિકતાની ચકાસણી વગર બાંગ્લાદેશ મોકલવાનો પ્રયાસ થયો છે. આ પછી સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ વધારી દેવામાં આવ્યું છે. જમાલપુર સરહદને અડીને આવેલા ધાનુઆ ગામના મતિઉર રહમાન કહે છે, ‘આશરે એક મહિના પહેલા BSF કેટલાક લોકોને અમારી તરફ મોકલી રહી હતી. અમે તેમને રોકી દીધા. પછી BGBના જવાનો આવી ગયા. આખરે તેમણે એ લોકોને પાછા લઈ જવા પડ્યા. ત્યારથી અમે BGB સાથે બોર્ડર પર નજર રાખીએ છીએ.’ BGB સેક્ટર કમાન્ડર સરકાર મોહમ્મદ મુસ્તફિઝુર રહમાન કહે છે, ‘અમે નાગરિકતાની ચકાસણી વગર કોઈને બાંગ્લાદેશમાં પ્રવેશવા દેતા નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં 21 વાર પુશ-ઈનની કોશિશ થઈ. 200થી વધુ લોકોને બળજબરીથી મોકલવાના પ્રયાસને અમે નિષ્ફળ બનાવ્યા છે.’ તેમના જણાવ્યા મુજબ સૌથી વધુ દબાણ અસમના ધુબરી સેક્ટર અને બાંગ્લાદેશના કુરીગ્રામ-જમાલપુર વિસ્તારમાં છે. રાત્રે આવા પ્રયાસો વધુ થાય છે, તેથી વધારાની નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, BGBના મીડિયા વિભાગના જનસંપર્ક અધિકારી એમડી શરીફુલ ઈસ્લામે ભાસ્કરને જણાવ્યું કે 2026માં બાંગ્લાદેશી અધિકારીઓએ ભારત તરફથી માત્ર 73 લોકોને કાનૂની પ્રક્રિયા હેઠળ પોતાની તરફ લીધા છે. 60 વર્ષના વૃદ્ધનો સ્વીકાર કરવાનો ઈનકાર; પરિવારે બાંગ્લાદેશી બતાવ્યા, ત્યારે એન્ટ્રી મળી BGBએ અમને 60 વર્ષના સષ્ટી ચંદ્ર બર્મનનો કિસ્સો કહ્યો. સષ્ટીને ભારત તરફથી જમાલપુર સરહદ સુધી લાવવામાં આવ્યા. નાગરિકતાની પુષ્ટિ ન થઈ તો BGBએ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. બાદમાં તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો. પરિવારે જણાવ્યું કે તેઓ બાંગ્લાદેશી છે. તે પછી તેમને બાંગ્લાદેશમાં પ્રવેશવા દેવામાં આવ્યા. આ આરોપો પર ભાસ્કરે પશ્ચિમ બંગાળ સરકાર અને સંબંધિત અધિકારીઓનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો. પણ સંપર્ક થઈ શક્યો નથી. છેલ્લે અમે BJPના પ્રવક્તા અને દાર્જિલિંગના સાંસદ રાજુ બિસ્તને પૂછ્યું કે ભારતમાંથી કેટલા બાંગ્લાદેશીઓ પાછા ફર્યા છે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રીનો આંકડો સાચો છે કે મુખ્યમંત્રીનો? જવાબ મળ્યો- બંને આંકડા સાચા છે, પરંતુ બંને અલગ-અલગ પરિસ્થિતિના છે. ગૃહમંત્રીએ એવા ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોનો આંકડો બતાવ્યો છે જેઓ પોતાની મરજીથી પાછા જઈ રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રીનો આંકડો એવા લોકોનો છે, જેમને કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા પછી ડિપોર્ટ કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચાલુ ટ્રેને મોબાઈલ ઝૂંટવતા યુવકના મોતનો કેસ, 2 દબોચાયા:10થી વધુ ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગાર જેલભેગા, પાનોલી સ્ટેશને બનેલી મનુષ્યવધની ઘટના
    Next Article
    'Manipur जल रहा है, PM Modi कब आएंगे?' Manipuri residents | Manipur Protest

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment