Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વરસાદ સાથે આફતની એન્ટ્રી:400 મીટરનો આખો રોડ બેસી ગયો, 5 ભયાનક ભુવા પડ્યા, પૂરાણ કરવા આવેલી ટ્રક જ ખૂંપી ગઈ

    9 hours ago

    સુરત શહેરમાં ચોમાસાની વિધિવત અને ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલ રાત્રિથી જ વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ વાવાઝોડા જેવા ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાતથી સવાર સુધીમાં 2 ઇંચ અને સવારે 6:00 વાગ્યાથી અત્યાર સુધીમાં વધુ 2 ઇંચ મળી કુલ 4 ઇંચthi વધુ વરસાદ ખાબકતા સમગ્ર સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ તોફાની વરસાદમાં સૌથી વધુ નુકસાન ભારે પવને કર્યું છે, જેના કારણે શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે મોટા વરાછા વિસ્તારમાં આવેલા હેવન રિવરફ્રન્ટ રોડ પર આજે એક ચોંકાવનારી અને તંત્રની આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. અહીં થોડા સમય પહેલાં જ કરોડો રૂપિયાના બજેટથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ લાઇન નાખ્યા બાદ રોડના રિપેરીંગ અને પુરાણમાં રખાયેલી ઘોર બેદરકારીને કારણે આજે આખેઆખો 400 મીટરનો રસ્તો પત્તાના મહેલની જેમ બેસી ગયો છે. રસ્તા પર એક-બે નહીં પરંતુ આખેઆખી કાર સમાઈ જાય એવડા મોટા 4 થી 5 ભયાનક ભુવાઓ પડી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના દરમિયાન એક ચાલુ કાર અને ત્યારબાદ ભુવો પૂરવા માટે મટીરીયલ લઈને આવેલી પાલિકાની ટ્રક જ આ ભુવામાં ફસાઈ જતાં તંત્રની ભ્રષ્ટ અને લોલમલોલ કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. ચાલતી કાર રસ્તામાં ખૂંપી ગઈ મળતી વિગતો અનુસાર, રોજની જેમ મોટા વરાછા હેવન રિવરફ્રન્ટ રોડ પર વાહનોની અવરજવર ચાલુ હતી. આ દરમિયાન એક પરિવાર પોતાની કાર લઈને આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. કાર હજુ રસ્તા પરથી પસાર થઈ જ રહી હતી કે અચાનક એક સાથે રસ્તો બેસી જતા કારના આગળના બંને ટાયર રસ્તામાં ખૂંપી ગયા હતા. કાર ચાલકે સમયસૂચકતા વાપરીને બ્રેક મારી દીધી હતી અને કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર કૂદી ગયા હતા. જેના કારણે જાનહાનિ ટળી હતી. જો કારની સ્પીડ વધારે હોત અથવા કોઈ ટૂ-વ્હીલર સવાર ત્યાંથી પસાર થઈ રહ્યો હોત તો મોટો જીવલેણ અકસ્માત સર્જાઈ શક્યો હોત. આ ઘટનાને નજરે જોનારા સ્થાનિક લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર ફસાયા બાદ જ્યારે સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા ત્યારે તેમણે જોયું કે રસ્તા પર માત્ર એક જ જગ્યાએ નહી, પરંતુ લાઇનસર આખેઆખો 400 મીટરનો રોડ સંપૂર્ણપણે નીચે બેસી ગયો છે. આ આખા પટ્ટામાં નાના-મોટા 4 થી 5 ભુવાઓ પડી ગયા હતા. રસ્તાની નીચેથી માટી સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હોવાનું અને માત્ર ઉપરના ડામરના પાતળા સ્તર પર જ આખો રોડ ટકેલો હોવાનું સપાટી પર આવ્યું હતું. આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ભુવો પૂરવા આવેલી ટ્રક જ ભુવામાં ખાબકી! આ ઘટનાની જાણ વાયુવેગે આખા શહેરમાં ફેલાઈ જતાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. ભીનું સંકેલવા અને રસ્તાનું સમારકામ કરવા માટે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કપચી અને મટીરીયલ ભરેલી એક મોટી ટ્રક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પરંતુ તંત્રની બેદરકારીની હદ તો ત્યારે થઈ જ્યારે આ ભુવો પૂરવા માટે આવેલી ટ્રક જેવી રસ્તા પર આગળ વધી, કે નબળા રોડના કારણે વધુ એક મોટો ભુવો પડ્યો અને આખી ટ્રક પાછળના ભાગેથી એ ભુવામાં ધસી પડી. ભુવો પૂરવા આવેલું સરકારી વાહન જ ભ્રષ્ટાચારના એ જ ભુવામાં ફસાઈ જતાં પાલિકાની કામગીરી હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તંત્રની આ ફજેતીનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો, જે સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકાએ યુદ્ધના ધોરણે રસ્તો બંધ કરી જેસીબી મોકલ્યા લોકોનો આક્રોશ જોતાં સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ સહિતના ઉચ્ચ એન્જિનિયરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ 400 મીટરના આખા જોખમી રસ્તાને વહેલી તકે બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ (ડાયવર્ટ) કરી દેવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ પોલીસ અને પાલિકાના માણસો તૈનાત કરી દેવાયા છે. આ સાથે જ, ભુવામાં ફસાયેલી કાર અને ટ્રકને બહાર કાઢવા તેમજ રસ્તાના તાત્કાલિક સમારકામ માટે ક્રેન અને જેસીબી (JCB) સહિતની ભારે મશીનરીઓ ઘટનાસ્થળે મોકલીને યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ સુરત પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓના લીરેલીરા ઉડાડી દીધા છે. ચોમાસું હજુ બરાબર જામ્યું પણ નથી ત્યાં જો સ્માર્ટ સિટીના પોશ ગણાતા મોટા વરાછા વિસ્તારના રસ્તાઓની આ હાલત થતી હોય, તો ભારે વરસાદમાં સુરતની જનતાનું શું થશે? પહેલો વરસાદ પડ્યો ત્યારે સુરતમાં બે બીઆરટીએસ બસ ફસાઈ હતી અને સુરતના મેરે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને 48 કલાકમાં રિપોર્ટ આપવાનું જણાવ્યું હતું ત્યારે આજે આખો રોડ બેસી ગયો ત્યારે હવે મેયર કેવા પ્રકારના પગલાં લેશે? ભારે પવન આફત બન્યો, 10થી વધુ વૃક્ષો જમીનદોસ્ત, વાહનો દબાયા વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં 10થી વધુ મોટા અને વર્ષો જૂના વૃક્ષો પત્તાની જેમ ધરાશાયી થઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વિશાળકાય વૃક્ષો ચાલુ રસ્તા પર પડતા રોડ બ્લોક થઈ ગયા હતા, તો વળી કેટલીક જગ્યાએ રસ્તા કિનારે પાર્ક કરેલી કાર અને બાઈક પર વૃક્ષો પડતાં વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વહેલી સવારે વ્યસ્ત રસ્તાઓ પર જ વૃક્ષો પડવાના કારણે ટ્રાફિક જામની વિકટ સ્થિતિ ઊભી થઈ હતી. ફાયર બ્રિગેડ કટર અને ક્રેન સાથે ટીમો સતત દોડતી રહી શહેરમાં એકસાથે ૧૦થી વધુ સ્થળોએ વૃક્ષો પડવાના કોલ મળતા જ સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું. કંટ્રોલ રૂમ સતત ધમધમતો રહ્યો હતો અને ફાયર જવાનોની અલગ-અલગ ટીમો રાતથી જ સતત દોડતી રહી હતી. રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકી ન પડે તે માટે ફાયર વિભાગના જવાનોએ ધોધમાર વરસાદમાં પણ કટર મશીન વડે વૃક્ષોની ડાળીઓ કાપીને રસ્તા સાફ કર્યા હતા. જ્યાં મોટા વૃક્ષો હતા ત્યાં ક્રેનની મદદ લેવામાં આવી હતી. કોઈ જાનહાનિ નહીં, તંત્ર એલર્ટ ફાયર વિભાગની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે રસ્તાઓ પરથી કાટમાળ ઝડપથી હટાવી લેવાયો હતો. સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ હજુ પણ વરસાદી માહોલને જોતા ફાયર બ્રિગેડને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં બે યુવકને છરી મારી કારમાં તોડફોડ, VIDEO:એક શખસ ICUમાં; રાજસ્થાન ટુરિઝમ કોર્પો.માં ચેરમેન બનાવવાના નામે લીધેલા 1.10 કરોડ પાછા ના આપવા પડે એટલે બબાલ
    Next Article
    GCASના 4 રાઉન્ડ બાદ પણ સરકારી યુનિવર્સિટીઓમાં 60% બેઠકો ખાલી:4.20 લાખની સામે 2.21 લાખ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો, પાંચમો રાઉન્ડ ક્યારે જાહેર કરવો તેને લઈને કોઈ નિર્ણય લેવાયો નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment