Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશભરની લાઈટ થશે ગુલ?:400 અબજ ટન કોલસાનો ઝટકો, “3 જ દિવસનો છે સ્ટોક” AC-પંખા પર સંકટની ઈનસાઈડ સ્ટોરી

    23 hours ago

    તમારા ઘરમાં સાંજે અચાનક લાઈટ જતી રહે અને તમને ગરમીના કારણે પરસેવો વળવા લાગે ત્યારે તમે સવાલ કર્યો કે આવું કેમ થાય છે? શું દેશમાં કોલસો ખૂટી ગયો છે કે પછી સાંજે 6 વાગતાની સાથે જ દેશની પાવર સિસ્ટમ હાંફવા લાગે છે? એક સમયે આપણા દેશમાં લાઈટ આવી એ સમાચાર હતા પણ આજે લાઈટ જતી રહી તે સમાચાર બન્યા છે. આ સમયગાળામાં શું બદલાયું? આજે વાત કરીએ તમારા પંખા, એસી અને વીજળીની. શું દેશમાં વીજળીનું સંકટ આવી શકે છે? અને જો હા તો તેના કારણે કેટલું નુકસાન થઈ શકે તેની. નમસ્કાર... 21 ઓક્ટોબરે રોયટર્સે CEAના આંકડાઓનો હવાલો આપીને એવા સમાચાર આપ્યા કે દેશમાં એનર્જી મામલે એવા હાલ છે કે દેશના 191 થર્મલ પાવર પ્લાન્ટમાંથી 96 પ્લાન્ટ પાસે માંડ ત્રણ દિવસ ચાલે એટલો જ કોલસો બચ્યો છે. સપ્ટેમ્બરના મધ્યમાં આવા પ્લાન્ટની સંખ્યા 60 હતી. ઓલ ઈન્ડિયા પાવર એન્જિનીયર્સ ફેડરેશને તાજેતરમાં ચેતવણી આપી હતી કે થર્મલ પાવર પ્લાન્ટ્સ ચલાવવા માટે 12 રાજ્યોમાં કોલસાના ઓછા ભંડારની સ્થિતિને કારણે ગંભીર વીજળી સંકટ ઊભું થઈ શકે છે. તો શું ભારત પાસે કોલસો ખૂટી ગયો છે? જવાબ છે ના. અસલી સમસ્યા એ નથી કે દેશમાં કોલસો નથી, પરંતુ ઘણા પાવર પ્લાન્ટ પાસે પૂરતો સ્ટોક નથી. હવે જો કોલસાનો પુરવઠો સમયસર નહીં વધે અને વીજળીની માગ ઊંચી રહેશે, તો કેટલાક પ્લાન્ટ પર વીજ ઉત્પાદન જાળવવાનું દબાણ વધી શકે છે. જોકે, સરકારે પુરવઠો વધાર્યો છે અને હાલ દેશવ્યાપી બ્લેકઆઉટ નિશ્ચિત છે એવો કોઈ પુરાવો નથી. ગુજરાતે દાયકાથી વીજકાપ નથી જોયો? આ કોઈ પહાડોમાં વસેલા ગામડાની વાત કે પ્રોબ્લમ નથી, આ સંકટ સીધું દેશના આર્થિક ગ્રોથ એન્જિન કહેવાતા ગુજરાત સુધી પણ પહોંચી શકે એમ છે. એ જ ગુજરાત જેણે કહેવાય છે કે જ્યોતિગ્રામ યોજના પછી છેલ્લા 15 વર્ષથી કોઈ મોટો વીજ કાપ નથી જોયો. જો આવું થાય તો ગુજરાત ઈન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓના શ્વાસ અધ્ધર થઈ શકે એમ છે. બનવા માટે એવું પણ બની શકે કે અમદાવાદ, સાણંદ રાજકોટ અને દક્ષિણ ગુજરાતના ફેક્ટરી માલિકોને અઠવાડિયે એક દિવસના રોટેશનલ પાવર કટનો પણ સામનો કરવો પડી શકે. કોલસો કેવી રીતે જીવન સાથે જોડાયેલો છે? જો દેશમાં વીજ સંકટ આવે તો ટેક્સટાઈલ અને એન્જિનિયરિંગ સેક્ટરના બૂરા હાલ થઈ શકે એમ છે. માત્ર કાપડ ઉદ્યોગને જ અઠવાડિયે 300 કરોડ સુધીનું નુકસાન થઈ શકે તેવો અંદાજ છે. આટલું જ નહીં જ્યારે ગુજરાત કે ભારતમાં ઉદ્યોગોના મશીનો ઉભા રહી જાય ત્યારે તેની સીધી અસર લાખો કરોડો લોકોની રોજીરોટી, ખિસ્સા અને લાઈફસ્ટાઈલ પર પણ પડી શકે છે. ગુજરાતમાં વીજળીની માગ 29 હજાર 822 મેગાવોટ સુધીની છે તો કેટલો ફટકો પડી શકે તે હવે જોવાનું રહેશે. તો શું ખરેખર દેશ પાસે કોલસો ખૂટી ગયો છે? આ એક સૌથી મોટો પોલિટિકલ અને સોશિયલ ભ્રમ છે. હકિકતમાં ભારતના ભૂગર્ભમાં આજે પણ 400 અબજ ટનથી વધુનો કોલસો સંતાયેલો છે. ભારત આજે કોલ પ્રોડક્શનમાં 1 અબજ ટનનો આંકડો વટાવી ચૂક્યું છે. એટલે કે જમીનમાં કોલસો તો ભરપૂર છે પણ તેને કાઢીને ટાઈમસર પાવર પ્લાન્ટના બોઈલર સુધી નથી પહોંચાડી શકાતો. ઈલેક્ટ્રીસિટીનો લોડ આવે છે પાવર પ્લાન્ટ પર દિવસમાં તો સરકાર અને દેશભરની સોલર પેનલ્સ બમ્પર વીજળી આપે છે પણ, જેવો સૂરજ આથમે તો સોલાર પાવર ઝીરો થઈ જાય છે. આ એ જ સમય છે જ્યારે લોકો ઓફિસથી કે ખેતરથી ઘરે જતા હોય છે. પછી એસી, ગીઝર, ઈલેક્ટ્રિક વાહનો, પંખા વગેરે વાપરતા હોય છે. આ લોડ અચાનક જ કોલસાથી ચાલતા થર્મલ પ્લાન્ટ પર પડે છે. ભારતમાં ક્યાં કોલસાની કમી થઈ શકે? સાંજના સમયની આ માગ પૂરી કરવા પાવર પ્લાન્ટ પાસે ઓછામાં ઓછો 20 દિવસનો તો બફર સ્ટોક હોવો જ જોઈએ. પણ આજે હાલ એવા છે કે આ સ્ટોક એવરેજ ખાલી 6 દિવસ પર આવીને અટકી ગયો છે. મધ્ય પ્રદેશ, પંજાબ અને તેલંગાણામાં કોલસો ઘટે એવી શક્યતા છે, જો આવું થાય તો લોકો અને ખેડૂતો રસ્તા પર આવી શકે છે. કોલસો હોવા છતાં કેમ અછત? હવે આપણે વધુ આંકડોઓની વાત કરીને આખી વાતને જાણીએ. જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતના ભૂગર્ભમાં 400 અબજ ટનથી વધુ કોલસાનો ભંડાર પડ્યો છે. આપણે કોલસો બનાવવામાં અને વપરાશમાં દુનિયામાં બીજા નંબરે આવીએ છીએ. વર્ષ 2025-26માં જ ભારતે 1 અબજ ટનથી વધુ કોલસાનું પ્રોડક્શન કર્યું હતું. તો પછી અછત ઉભી કેમ થાય? તો અહીં મામલો પ્રોડક્શનનો નથી પણ લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ પર આવી જાય છે. ભારતમાં કોલસો ક્યાંથી આવે છે? ભારતનો 70 ટકા કોલસો પૂર્વ અને મધ્ય ભારતના ત્રણ રાજ્યો એટલે કે ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢની ખાણોમાંથી નીકળે છે. હવે આ ખાણોમાંથી હજારો કિલોમીટર દૂર પશ્ચિમ ભારત કે દક્ષિણ ભારતના પાવર પ્લાન્ટ સુધી કોલસો પહોંચાડવા માટે આપણે ભારતીય રેલવેના નેટવર્ક પર ભરોસો મૂકવો પડે છે. જો રેલવે ટ્રેક પર ટ્રાફિક હોય કે માલગાડીના ડબ્બા સમયસર ન મળે તો ખાણમાં કોલસો ઓવા છતાં ઈન્ડસ્ટ્રીના બોઈલર ભૂખ્યા રહે છે. સ્ટોક હોવો જોઈએ 20 દિવસનો પણ છે 6 દિવસનો ઓક્ટોબર 2026ની જ વાત કરીએ. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના ડેટા કહે છે કે 19 ઓક્ટોબર 2026ના રોજ દેશના 191 થર્મલ પાવર પ્લાન્ટમાંથી અડધોઅડધ પ્લાન્ટ એટલે કે 96 પ્લાન્ટ પાસે 3 દિવસથી ઓછો કોલસાનો સ્ટોક બચ્યો છે. જે બફર સ્ટોક એપ્રિલ મહિનામાં 55 મિલિયન ટન હતો, એ ઓક્ટોબર આવતા સુધીમાં ઘટીને માંડ 18 મિલિયન ટન થઈ ગયો છે. નિયમની વાત કરીએ તો પ્લાન્ટ પાસે 20 દિવસનો સ્ટોક તો હોવો જ જોઈએ. પણ તે ઘટીને એવરેજ 6 દિવસ પર આવી ગયો છે. આપણો કોલસો હલકી કક્ષાનો છે જો ક્રાઈસિસ આવે તો તેની પાછળ એક મોટું ફેક્ટર રહેલું હોય શકે જે આપણે ઈગ્નોર કરી રહ્યા છીએ, ક્વોલિટી. આપણા 400 અબજ ટન કોલસામાંથી 73 ટકાથી વધુ કોલસો હલકી કક્ષાનો છે. બિટ્યુમિનસ કોલસામાં રાખનું કન્ટેન્ટ વધારે હોય છે, એટલે તેની હીટિંગ કેપેસિટી ઓછી હોય છે. જેના કારણે વિદેશી પાવર પ્લાન્ટ જેટલી વીજળી 100 કિલો કોલસામાં બને એટલી જ વીજળી બનાવવામાં ભારતના પ્લાન્ટે ક્યાંય વધુ કોલસો બાળવો પડે. કોલસા મામલે વરસાદ અને હવામાનનો ઝટકો આ બધાની વચ્ચે વરસાદ અને અલનીનોએ ઝટકો આપ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ભારતે વરસાદના કારણે પૂર્વ ભારતની ખાણોમાં પાણી ભરાઈ જાય છે, એટલે કે ટ્રાન્સપોર્ટેશન ધીમું થઈ જાય છે. પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદ પૂરો થયા પછી જ ઓક્ટોબર હીટ શરૂ થઈ જાય છે. એક બાજુ લાખો એસી ફૂલ ચાલુ થાય, ખેડૂતો સિંચાઈ માટે પંપ ચાલુ કરે અને તહેવારોના કારણે ફેક્ટરીઓ સતત ધમધમવા લાગે. આ સમયે દેશની વીજળીની માગ 250 ગીગા વોટનો આંકડો પાર કરી જાય છે. વીજળીની ઈકોનોમી, શેરબજાર અને ખિસ્સા પર અસર ગુજરાતની વાત કરીતો આપણે ત્યાં પીક ડિમાન્ડ 29 હજાર 822 મેગાવોટ પર પહોંચી ગઈ છે. ગુજરાત પાસે ભલે પોતાની 79.5 ગીગાવોટની ઈન્સ્ટોલ્ડ કેપેસિટી હોય, પણ જ્યારે સાંજે પવન અને સૂર્ય ટાટા-બાયબાય કહી દે છે, ત્યારે આખી સિસ્ટમનો લોડ થર્મલ પ્લાન્ટ પર આવી જાય છે. જો ઈન્ડસ્ટ્રીને પૂરતી વીજળી ન મળે તો તેનું સીધું કનેક્શન ઈકોનોમી, શેરબજાર અને મિડલ ક્લાસના ખિસ્સા સાથે છે. પ્રોડક્શન ઘટે તો મોંઘવારી વધે અને કંપનીઓના ખોટ ખાય. તો હવે સવાલ થાય કે જો કોલસામાં આટલી બધી માથાકૂટ છે અને ટ્રાન્સપોર્ટેશનની જ આટલી બધી પ્રોબ્લમ છે તો આપણે પરમાણું ઊર્જા બાજુ કેમ નથી વળી જતા? તો અહીં એક ટ્વિસ્ટ આવે છે. આપણને એવું લાગે કે ન્યૂક્લિયર પ્લાન્ટ નાખી દઈએ એટલે વીજળી સસ્તી અને 24 કલાક મળવા લાગે, પણ ના. હકિકત એ છે કે ભારતમાં એક ન્યૂક્લિયર પ્લાન્ટ બનાવવાનો શરૂઆતનો ખર્ચો પર મેગાવોટ 30 કરોડથી પણ વધુ આવે છે. આ પ્રોજેક્ટ માટે મોટાભાગના પૈસા લોન પર લેવા પડે. ગુજરાતમાં ન્યૂક્લિયર પ્લાન્ટ ન બનવા દીધો ઉદાહરણ તરીકે ગુજરાતની જ વાત કરી લઈએ. કાકરાપાર પ્લાન્ટના બે નવા 700 મેગાવોટના સ્વદેશી યુનિટ બનાવવાનું કામ 2010માં શરૂ થયું હતું અને તે પૂરી કેપેસિટીએ 2024માં આવ્યું. એટલે કે પ્લાન્ટ બનાવવામાં જ 13 વર્ષથી વધુનો સમય લાગી ગયો. અને આ ખાલી ઈન્વેસ્ટમેન્ટ પૂરતી અને ટાઈમની વાત થઈ. સરકારને જ્યારે જમીન ફાળવવાની હોય ત્યારે ફીણા આવી જાય છે. ભાવનગરમાં મીઠીવીરડી ખાતે 6 હજાર મેગાવોટનો અમેરિકન કંપની સાથેનો પ્રોજેક્ટ લોકલ ખેડૂતના વિરોધના કારણે 10 વર્ષ સુધી કાગળ પર રહી ગયો. છેલ્લે કંટાળીને સરકારે આ પ્રોજેક્ટ જ રદ કરીને આંધ્રપ્રદેશ મોકલવો પડ્યો. ટૂંકમાં પરમાણુ ઊર્જા એ ભવિષ્ય માટેનો બેસ્ટ ઓપ્શન છે પણ આ માળખું રાતોરાત ઊભું થઈ શકે તેમ નથી. વીજળી સ્ટોર કરવા બેટરીના ફાંફાં? આજે દેશ પાસે 165 ગીગાવોટની સોલર એનર્જી છે. દિવસના સમયે આ સોલાર પેનલ્સ બમ્પર અને સસ્તી વીજળી આપે છે. પણ જેવો સૂર્ય આથમે છે ત્યારે અગાઉ વાત કરી તેમ આ 165 ગીગા વોટનું પ્રોડક્શન ઝીરો થઈ જાય છે. દિવસના સમયમાં સ્ટોર થયેલી વીજળીને બેટરીમાં સ્ટોર કરવી પડે છે. જેનો હિસ્સો વીજ સિસ્ટમમાં માંડ 0.1 ટકા એટલે કે ખાલી 201 મેગાવોટ છે. જ્યાં સુધી બેટરી સ્ટોરેજ સસ્તું અને વધારે લોકો સુધી નહીં પહોંચે ત્યાં સુધી ગમે એટલી સોલાર પેનલ લગાવી લો, રાતે તો કોલસાના પ્લાન્ટ પાસે જ ભીખ માગવી પડશે. જ્યારે મોદી મનમોહન સિંહ પર વરસ્યા આપણે એવું નથી કહી રહ્યા કે દેશમાં વીજ સંકટ આવી જ ગયું છે, પણ આંકડા તો એવું કહે છે કે આવી શકે છે. માટે આ મામલાને હવે રાજકારણના ચશ્મા પહેરીને પણ જોઈએ. વર્ષ 2012માં વીજ સંકટ આવ્યું હતું. જુલાઈ મહિનામાં ઉત્તર ભારતની આખી સિસ્ટમ ફેલ થતાં 7 રાજ્યોના 37 કરોડ લોકો અંધારામાં આવી ગયા હતા. ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહ સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. ત્યારે ટ્વિટર પર તેમણે લખ્યું હતું કે, ત્યારની અને અત્યારની પરિસ્થિતિ અલગ છે. 2012માં કોલગેટ કૌભાંડ અને ખાણોની ફાળવણી વીજ સંકટ પાછળના કારણો હતા. જ્યારે આજે વાત ભ્રષ્ટાચારની નથી પણ સપ્લાય ચેઈન અને સ્ટ્રક્ચરલ લિમિટેશનની આવી ગઈ છે. ચાર બાબતે સરકારે રાખવું ખાસ ધ્યાન પણ ચેતતો નર સદા સુખી. સરકારે અત્યારથી જ ચાર તૈયારી કે સુધારાઓ કરી લેવી પડશે જેથી ભવિષ્યમાં કોઈ જોખમ ન આવે. સાથે કોલસાનું ટ્રાન્સપોર્ટેશ, ગ્રીન એનર્જી સ્ટોરેજ અને ઓપ્શનલ એનર્જી સોર્સ મજબૂત કરીને વીજ પુરવઠો તૈયાર કરવો જોઈએ. પણ અંતે તો હવે વીજ સંકટ આવી જોય તો સરકાર શું કરશે તે હવે જોવાનું રહેશે. અને છેલ્લે… વાત વીજળી અને ઊર્જાની થઈ જ રહી છે તો સમાચાર આવ્યા છે કે સોફ્ટવેર ક્રેશ અને સાયબર હુમલાથી બચવા માટે દેશના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રશિયન મેડના હાર્ડવેર અને સોફ્ટવેર લગાવાશે. આનાથી હેકિંગથી બચી જશું પણ કોલસાના લેકિંગથી કેવી રીતે બચશું તે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Kacha Badam Fame Anjali Arora Gets Rs 1.2 Crore Defamation Notice From Kanpur Event Organisers
    Next Article
    યુસુફ પઠાણને પ્લોટ ફ્રીમાં આપવાની દરખાસ્ત સ્ટે.કમિટીમાં મંજૂર:કોંગ્રેસે કહ્યું-કોઈ હિન્દુ ક્રિકેટર દેખાયા નહીં?, સરકારી જમાઈને વડોદરા મનપાએ 15 કરોડનો પ્લોટ ફ્રીમાં આપ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment