Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આગના બે બનાવ:પાંડેસરામાં ગોડાઉનમાં ભીષણ આગથી 40 ટન પેપર રોલ ખાખ, લિંબાયતમાં સંચાના ખાતામાં ફસાયેલા 2 કારીગરોનું દિલધડક રેસ્ક્યૂ

    8 hours ago

    સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે શહેરમાં આગના બે અલગ-અલગ બનાવો સામે આવતાં દોડધામ મચી ગઈ હતી. પાંડેસરાની મારૂતિ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડને પાંચ કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવવી પડી હતી, જ્યાં 40 ટન પેપર રોલ બળીને ખાખ થઈ ગયા હતા. બીજી તરફ, લીંબાયત વિસ્તારમાં આવેલા એક સંચાના ખાતામાં સવારે આગ લાગતાં ઉપરના માળે બે કારીગરો ફસાઈ ગયા હતા, જેમને ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા દાખવી હેમખેમ બહાર કાઢ્યા હતા. બનાવ-1: પાંડેસરામાં 40 ટન પેપર રોલ બળીને ખાખ પાંડેસરા સ્થિત દક્ષેશ્વર મંદિર પાસે આવેલી મારૂતિ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં આવેલા ગોડાઉનના ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડવા લાગ્યા હતા. ઘટનાને પગલે આસપાસના કારખાનેદારો અને શ્રમિકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બનાવ અંગે ઈમરજન્સી નંબર 112 મારફતે ફાયર કંટ્રોલ રૂમને તુરંત જાણ કરવામાં આવી હતી. 40 ટન પેપર રોલ અને વાયરિંગ બળીને ખાખ આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કાગળનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગની ઝપેટમાં આવી જતાં અંદાજે 40 ટન જેટલો પેપર રોલનો જથ્થો, મોટા પ્રમાણમાં વેસ્ટેજ પેપર તેમજ ગોડાઉનનું સમગ્ર ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. આ ભીષણ અકસ્માતમાં લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે દોડ્યા, સાંજે આગ પર કાબૂ બનાવની ગંભીરતાને જોતાં સુરત મહાનગરપાલિકાના ફાયર ઓફિસર વિજય સોલંકી, જયદિપ ઇરાની અને નરોત્તમ ખલાસીની આગેવાની હેઠળ ડિંડોલી, ઉધના અને માનદરવાજા ફાયર સ્ટેશનની ગાડીઓ તેમજ ભીમરાડ વોટર બાઉઝર સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સતત 5 કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ સાંજે 5:00 વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. પોલીસે સંચાલકની હાજરીમાં પંચનામું કરી તપાસ હાથ ધરી આગની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ગોડાઉનના સંચાલક પ્રતિકભાઈ વાસુદેવની હાજરીમાં પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણોસર, તે અંગે પોલીસ અને એફએસએલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવ-2: લિંબાયતમાં સંચાના ખાતામાં આગ, ધુમાડા વચ્ચે ફસાયેલા 2 લોકોનો બચાવ બીજો બનાવ લીંબાયત ખાતે આવેલા મડાપલ્લુ નગરમાં સામે આવ્યો હતો, જ્યાં પરિમલભાઈ મુકેશભાઈ તાડાઈવાલાનું સંચા મશીનનું ખાતું આવેલું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે નીચેથી ધુમાડાના ગોટેગોટા ઉપર જવા લાગ્યા હતા, જેના કારણે પહેલા માળે કામ કરી રહેલા રાજુભાઈ (ઉંમર ૫૦ વર્ષ) અને ઉમેશભાઈ (ઉંમર ૫૨ વર્ષ) બહાર નીકળી શક્યા નહોતા અને ત્યાં જ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે સમયસૂચકતા દાખવી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા ખાતામાંથી ધુમાડા નીકળતા જોઈ સ્થાનિકોએ તાબડતોબ ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. કોલ મળતાં જ સ્ટેશન ઓફિસર ભાવેશ કુંડલિયાની આગેવાની હેઠળ વોટર બ્રાઉઝર અને ફાયર એન્જિન સહિતની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ફાયર જવાનોએ આગ ઓલવવાની સાથોસાથ જીવના જોખમે બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઉપર ફસાયેલા રાજુભાઈ અને ઉમેશભાઈને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. 4 સંચા મશીન બળીને ખાખ, મોટી જાનહાનિ ટળી ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર પૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં ખાતામાં રહેલા 4 સંચા મશીનો તેમજ અન્ય સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના પગલે મોટું આર્થિક નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે બંને કારીગરોના જીવ બચી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આગ લાગવાના પ્રાથમિક કારણ અંગે તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બેઢીયા ગામે પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ:સાંસદ રાજપાલ જાધવ અને જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ ઉપસ્થિત રહ્યા
    Next Article
    42 साल पुराना गाना, करवा चौथ पर बीवी को मत दिखाना, वर्ना जेब करनी पड़ सकती है ढीली, आशा-किशोर की आवाज में आज भी सदाबहार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment