Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '4 કિમી ચાલીને જાય ત્યારે પાણી મળે':'નળ કનેક્શન હોવા છતાં ટેન્કર પર નિર્ભર રહેવું પડે', 30 વર્ષથી ગંદકી-કચરાની સમસ્યાથી વોર્ડ-5ના સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા

    12 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને દિવ્યભાસ્કરની ટીમ દ્વારા જુદા-જુદા વોર્ડની મુલાકાત લઈને ત્યાંની સમસ્યા જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વોર્ડ નંબર-5નાં છેવાડાનાં વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા છપનિયા ક્વાર્ટર અને મંછાનગર સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી હતી. ઘરે-ઘરે નર્મદાના પાણી પહોંચાડવાનાં સરકારનાં દાવાઓ વચ્ચે અહીંના લોકો પાણી માટે 3-4 કિલોમીટર દૂર ચાલીને જવા માટે મજબુર હોવાનું જોવા મળ્યું હતું. એટલું જ નહીં અહીં સફાઈ અને રોડ-રસ્તાની સમસ્યાથી લોકો ત્રસ્ત જોવા મળ્યા હતા. અને કોર્પોરેટરો મત લઈ ગયા બાદ ક્યારેય ડોકાયા નહીં હોવાનું લોકોએ જણાવ્યું હતું. પાણીની પાઈપ લાઈન તૂટી ગઈ હોવાથી ભરઉનાળે હાલાકી સ્થાનિક લીલાબેને જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે મતો લેવા માટે અનેક નેતાઓ આવતા હોય છે, પરંતુ અત્યારે અમારી સમસ્યા સાંભળવા કોઈ આવતું નથી. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મંછાનગરમાં છેલ્લા 30 વર્ષથી ગંદકી-કચરાની સમસ્યા સ્થાનિક મોહિત શુક્લે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ જ્યારે નાના હતા અને ચડ્ડી પહેરીને ફરતા હતા, ત્યારથી આ વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલા જોઈ રહ્યા છે. આજે 30 વર્ષ પછી પણ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી. રસ્તાઓ પર કચરાના ગંજ ખડકાયેલા રહે છે અને ગટરની લાઈનો ઉભરાવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધી રહ્યો છે, જેનાથી વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. એટલું જ નહીં ગંદકીની સમસ્યાને કારણે રહીશોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. 'ચૂંટાયેલા પ્રતિનિધિ કોણ છે ખબર નથી' સ્થાનિક આંબાભાઈએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં અત્યારે રૈયાભાઈ બાંભવા નામના વ્યક્તિ સેવાકીય ભાવનાથી લોકોના કામ કરી આપે છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોણ છે અને ક્યાં છે તેની પણ અમને જાણ નથી. '4 કિલોમીટર ચાલીને જાય ત્યારે પાણી મળે' માર્કેટિંગ યાર્ડ પાછળના વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અહીં રહેતા જમુબેને જણાવ્યું હતું કે, પાણીની સુવિધા ન હોવાથી મહિલાઓને 4 કિલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે છે. ત્યાંથી પાણી ભરી લાવ્યા બાદ જ કપડાં ધોવા જેવી પાયાની જરૂરિયાતો પૂરી થઈ શકે છે. સ્થાનિક કોર્પોરેટર પણ આ સમસ્યા તરફ ધ્યાન આપતા નથી. ચૂંટણી સમયે અનેક લોકો મત લેવા આવે છે, પરંતુ જીત્યા પછી કોઈ ડોકાતું નથી. હાલ ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. ‘અધિકારીઓ માત્ર નિરીક્ષણ કરે, નિરાકરણ નથી લાવતા’ સ્થાનિક અલ્પાબહેનનું કહેવું છે કે, માર્કેટિંગ યાર્ડનું તમામ ગંદુ પાણી અને ગટરનું પાણી તેમના વિસ્તારમાં આવેલા ખાડાઓમાં ભરાય છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે પીવાના પાણીની પાઈપલાઈનમાં પણ ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. અધિકારીઓ સ્થળ ઉપર આવીને માત્ર નિરીક્ષણ કરીને જતા રહે છે, પરંતુ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. ‘વરસાદમાં ઘરમાં ગંદા પાણી ભરાઈ છે’ આ જ વિસ્તારના સ્થાનિત મીરાબેને જણાવ્યું હતું કે, જ્યારે પણ વરસાદ આવે ત્યારે આખું ઘર ગંદા પાણીથી ભરાઈ જાય છે અને સ્થાનિકોએ આ અંગે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ‘રસ્તાઓનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું’ શિવનગરના રહીશ પરેશભાઈ રાતડિયાએ જણાવ્યું હતું કે, રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. રસ્તાઓનું કામ અધૂરું મૂકી દેવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સફાઈ કામદારો કે મનપાનાં અધિકારીઓ આ તરફ ડોકાતા પણ નથી. ત્યારે રોડ-રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને સફાઈ માટે કચરાપેટી કે કચરા ગાડીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. 'નળ કનેક્શન છતાં ટેન્કર પર નિર્ભર રહેવું પડે' વિક્રમભાઈ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, રોડની ખરાબ હાલતને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. ખાસ કરીને જ્યારે બાળકોને શાળાએ જવાનું હોય ત્યારે એકમાત્ર રસ્તો હોવાથી વારંવાર અકસ્માતનો ભય રહે છે અને ટ્રાફિકમાં કલાકો સુધી ફસાવું પડે છે. નળ કનેક્શન હોવા છતાં લોકોએ ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે. આ ઉપરાંત વિસ્તારમાં સફાઈ કામગીરી પણ અનિયમિત હોવાથી રોગચાળો વકરી રહ્યો છે. વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો:રૈયાભાઈ બાંભવા કોંગ્રેસના ઉમેદવાર રૈયાભાઈ બાંભવાએ ગંભીર આક્ષેપો કર્યાં. તેમણે જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડ ચોકડી, આર્યનગર અને છપનિયાથી પાંજરાપોળ સુધીના વિસ્તારોમાં વિકાસના નામે શૂન્ય કામગીરી થઈ છે. ભાજપના કોર્પોરેટરો છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારની મુલાકાતે પણ આવ્યા નથી અને લોકોની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. રૈયાભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે અને સરકારી ગ્રાન્ટોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો આ તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી સાચો વિકાસ કરવામાં આવશે. 'જૂની ભૂગર્ભ ગટરની લાઈનો હજુ બદલવામાં આવી નથી' કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્ર રૈયાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટરની લાઈનો હજુ બદલવામાં આવી નથી, જેના કારણે લોકોને પીવાના પાણીમાં દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. આ વિસ્તારમાં રમત-ગમતના મેદાન અને હોકર્સ ઝોન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સરકારી જમીનોની બારોબાર હરાજી કરી દેવામાં આવે છે, જે સીધો ભ્રષ્ટાચાર સૂચવે છે. સાથે જ રૈયાણીએ ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાશે તો આ તમામ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવશે અને લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડશે.
    Click here to Read More
    Previous Article
    PBKS vs LSG Highlights: Shreyas Iyer's Punjab Kings Stay Unbeaten In IPL 2026, Humble LSG By 54 Runs
    Next Article
    'અમે પાકિસ્તાનમાં રહેતા હોય એવું છે ભાઈ':'25 વર્ષ જૂના ક્વાર્ટર જર્જરિત છે, અમારા કોઈનો જીવ જશે', રસ્તાના ખોદકામ અને પાણીની સમસ્યા મુદ્દે વોર્ડ-13ના રહીશોએ હૈયાવરાળ ઠાલવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment