Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસની 4 દિવસની ભારે સમજાવટ બાદ જેઠ પીગળ્યા:22 વર્ષીય રીનાના મૃતદેહનો સ્વીકાર કર્યો, 2 વર્ષની માસૂમ દીકરીનો કબજો પણ સોંપાયો

    15 hours ago

    પ્રેમલગ્નની કિંમત ચૂકવનારી 22 વર્ષની અભાગી દીકરી રીના પ્રજાપતિના મોત બાદ લોહીના સંબંધો તો પથ્થર બની ગયા હતા, પરંતુ આ અંધકાર વચ્ચે સુરત પોલીસની માનવતા દીવા જેવી ચમકી છે. સુરતના વરાછા ખાતે આવેલા ઉમીયા ધામના અતિથિ ગૃહમાં દોઢ વર્ષની માસૂમ પુત્રીની નજર સામે જ ઝેર પીને જીવન ટુંકાવનારી ભાવનગરની રીનાના મૃતદેહને સ્વીકારવા પિયર કે સાસરી પક્ષમાંથી કોઈ તૈયાર નહોતું. ત્રણ-ત્રણ દિવસથી રીનાની લાશ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં 'બિનવારસી' તરીકે અગ્નિદાહની રાહ જોઈ રહી હતી પરંતુ, અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ હાર ન માની. ખાખી વર્દી પાછળ છુપાયેલી સંવેદના જાગી અને સતત ચાર દિવસની ભારે સમજાવટ બાદ આખરે મૃતક રીનાના જેઠ પીગળ્યા છે. જેઠે રીનાના મૃતદેહનો સ્વીકાર કર્યો છે અને સાથે જ ૨ વર્ષની માસૂમ બાળકીનો કબજો પણ સંભાળી લીધો છે. મેનેજરના ફોન પરથી પિતાને છેલ્લો કોલ કર્યો- ‘પપ્પા, મેં ઝેર પી લીધું છે...’ ભયાનક એકલતા અને અપમાનનો ઘૂંટડો પી રહેલી ભાવનગરના નારી રોડ પર આવેલી ગીરનાર સોસાયટીની ૨૨ વર્ષીય રીના અક્ષય બારૈયા ગત સોમવારે પોતાની માસૂમ દીકરીને તેડીને સુરત આવી હતી. વરાછા એ.કે. રોડ પર આવેલા ઉમીયા માતા મંદિરના અતિથિ ગૃહના એક રૂમમાં તે રોકાઈ હતી. મંગળવારે સવારે તેણે ઝેરી દવા ગટગટાવી લીધી. ઝેર શરીરની નસોમાં પ્રસરવા લાગ્યું એટલે કદાચ છેલ્લી ઘડીએ પિતાનો ચહેરો યાદ આવ્યો હશે. તે રૂમની બહાર દોડી અને અતિથિ ગૃહના મેનેજરના ફોન પરથી પિતાને ફોન જોડી દીધો. ધ્રૂજતા અવાજે તેણે પિતાને કહ્યું, પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે... મેનેજર આ સંવાદ સાંભળી જતાં જ ચોંકી ગયા હતા. તેમણે તાત્કાલિક રીનાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડી, જ્યાં ટૂંકી સારવાર બાદ રીનાએ દમ તોડી દીધો હતો. 4 મહિના પહેલા જ પતિનું બીમારીથી મોત થતા રીના સાવ એકલી પડી ગઈ હતી અશ્વનિકુમાર પોલીસે તપાસ કરી ત્યારે હૃદય ચીરી નાખે તેવું સત્ય સામે આવ્યું. રીનાએ ત્રણ વર્ષ પહેલા પરિવારની મરજી વિરૂદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યા હતા. સમાજ અને પિયરે ત્યારે જ તેના માટે દરવાજા બંધ કરી દીધા હતા. લગ્નજીવન હજુ માંડ પાંગર્યું ત્યાં જ કુદરતે ક્રૂર મજાક કરી. માત્ર ચાર મહિના પહેલા જ રીનાના પતિનું કિડનીની ગંભીર બીમારીના કારણે અવસાન થઈ ગયું. પતિના મોતે રીનાની દુનિયા ઉજ્જડ કરી નાખી. એક તરફ કાળજું કંપાવતી એકલતા, અને બીજી તરફ ખોળામાં માસૂમ દીકરી. પતિના મોત બાદ રીનાએ પિયરના દરવાજે કરગરી હતી, પણ પિયર પક્ષ કોઈ કાળે સંબંધ રાખવા રાજી ન થયો. એકલવાયા અને તિરસ્કૃત જીવનથી કંટાળીને આખરે આ નવયુવતીએ આત્મહત્યા જેવું ખોફનાક પગલું ભરી લીધું. દીકરીના મોતના સમાચાર સાંભળીને પણ પિતા પથ્થર બની રહ્યા મારે હવે એની સાથે કોઈ સંબંધ નથી, હું એનો મૃતદેહ લેવા સુરત નહીં આવું... આ કરપીણ શબ્દો રીનાના સગા પિતા મગનભાઇના હતા, જ્યારે સુરત પોલીસે ફોન પર દીકરીના મોતના સમાચાર આપ્યા. પિતાએ હાથ ઊંચા કરી લેતા પોલીસે સાસરી પક્ષનો સંપર્ક સાધવો પડ્યો હતો. રીનાના સાસુ-સસરા હયાત નથી, સાસરી પક્ષમાં હવે માત્ર તેના જેઠનો પરિવાર જ જીવિત છે. પોલીસે જ્યારે જેઠને બોલાવ્યા ત્યારે તેમણે પણ શરૂઆતમાં રીનાનો મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. જેઠનો આક્ષેપ હતો કે, જ્યારે મારા ભાઈ (રીનાના પતિ)નું મોત થયું, ત્યારે રીના કોઈ વિધિઓમાં હાજર રહી નહોતી. તે પોતાની દીકરીને લઈને અલગ જતી રહી હતી, અમારે કોઈ લેવાદેવા નથી. માસૂમ બાળકી માતા-પિતાને યાદ કરીને રડતી રહી માતાના મોત બાદ 2 વર્ષની માસૂમ બાળકીને સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી સ્પેશિયલ એડોપ્શન એજન્સી (શિશુગૃહ) ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર કોમલબેન શાહે જણાવ્યું હતું કે, આ બાળકી તેની માતા અને પરિવારને યાદ કરીને ખૂબ રડી રહી હતી. તે વારંવાર પોતાના માતા-પિતાને શોધતી હતી, જેના કારણે તે સામાન્ય બાળકની જેમ પૂરતું જમતી પણ નહોતી. જો કે, સંસ્થાના આયાબેનો દ્વારા બાળકીને પૂરો પ્રેમ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસની બે દિવસની ભારે સમજાવટ બાદ આખરે જેઠ પીગળ્યા નિયમ મુજબ જો 7 દિવસમાં કોઈ ન આવે તો સામાજિક સંસ્થા દ્વારા રીનાના અંતિમ સંસ્કાર 'બિનવારસી' તરીકે કરી દેવાના હતા પરંતુ, અશ્વિનીકુમાર પોલીસ મથકના અધિકારીઓ આ સંવેદનશીલ મામલે હાર માનવા તૈયાર નહોતા. તેઓ એક દીકરીને બિનવારસી તરીકે વિદાય આપવા નહોતા માંગતા અને માસૂમ બાળકી અનાથ આશ્રમમાં મોટી થાય તે પણ તેમને મંજૂર નહોતું. પોલીસ તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી મૃતક મહિલાના જેઠનું માનસિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તેમને કાયદાકીય, સામાજિક અને સૌથી વધીને માનવતાના સંબંધોની દુહાઈ આપવામાં આવી. પોલીસની આ ભગીરથ મહેનત અને સમજાવટ આખરે રંગ લાવી અને જેઠનું હૃદય પીગળ્યું. કોર્ટ પ્રક્રિયા બાદ બાળકી પણ મોટાબાપાને સોંપાઈ પોલીસની ભારે સમજાવટ બાદ જેઠ રીનાનો મૃતદેહ સ્વીકારવા સત્તાવાર રીતે તૈયાર થયા હતા. આ સાથે જ, કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી ભવિષ્યમાં કોઈ કાનૂની ગૂંચ ન સર્જાય તે માટે પોલીસે CWC (ચાઇલ્ડ વેલફેર કમિટી) અને કોર્ટની કાયદેસરની પ્રક્રિયાઓ તાત્કાલિક વેગવંતી બનાવી NOC મેળવ્યું હતું. પોલીસની હાજરીમાં જ માસૂમ બાળકીનો કબજો પણ તેના મોટાબાપા (જેઠ)ને સોંપવામાં આવ્યો છે. જે બાળકી તેના મોટાબાપાને જોઈને સહજ થતી હતી, તેને હવે પરિવારનો આશરો મળી ગયો છે. મોત બાદ પણ ત્રણ દિવસ સુધી હોસ્પિટલના ઠંડા કોલ્ડરૂમમાં અંતિમ સંસ્કાર માટે રાહ જોતી રીનાને આખરે પોલીસના પ્રયાસોથી સ્વજનોનો ખભો અને સન્માનજનક વિદાય નસીબ થઈ છે. સુરત પોલીસની આ કામગીરીએ સમગ્ર પંથકમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ ટીમે બાળકીની સારસંભાળ રાખી અશ્વિનીકુમાર પોલીસના જણાવ્યા પ્રમાણે, વિકટ પરિસ્થિતિમાં અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ માત્ર કાનૂની ફરજ જ નહીં, પરંતુ માનવતાની ભાવનાથી આગળ વધી બાળકીની સારસંભાળ લઈ પોલીસ ટીમે બાળકીની તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવા માટે ખોરાક, કપડા અને આરોગ્ય તપાસની વ્યવસ્થા કરી હતી. ઉપરાંત, બાળકીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સાંત્વના આપી પોલીસ દ્વારા બાળકીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બાળકીના વાલી-વારસ નહીં મળી આવે ત્યાં સુધી તેને બાળ શિશુ ગૃહમાં રાખવામાં આવી હતી. પરતું આજરોજ બાળકીના કુટુંબી મોટાપિતા નામે બટુકભાઈ બાબુભાઈ બારૈયા દ્વારા બાળકીને દતક લઈ બાળકીની સંપૂર્ણ જવાબદારી લેતા બાળકીનો કબજો તેઓને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં રી-નીટ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ:5 કેન્દ્રો પર 2200 ઉમેદવારો પરીક્ષા આપશે, તંત્રએ કડક સુરક્ષા વ્યવસ્થા કરી
    Next Article
    'No Press Freedom': JD Vance Blames Pak For Delay In Releasing Iran Agreement

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment