Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાસી શાકભાજી, મંચુરીયન દાઝીયું તેલ મળી આવ્યું !:રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા દ્વારા પ્રથમવાર બે પેઢીને સીલ કરાઈ, 387 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી કુલ રૂ. 84,400નો દંડ વસુલાયો, 6 શંકાસ્પદ નમુના લેવાયા

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સતત ચોથા દિવસે ભેળસેળિયા અને નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરનાં બાપા સીતારામ ચોક પાસેનાં બાલાજી ચાઈનીઝ-પંજાબીમાં વાસી શાકભાજી તેમજ મંચુરીયન અને દાઝીયું તેલ મળી આવ્યું હતું. તેમજ એક્સપયારી ડેટ વીતેલો મેંદાનો લોટ સહિત કુલ 115 કિલો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. અને પેઢીને સીલ કરવામાં આવી હતી. આ સાથે જ માલિકને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે આવેલ "શ્રી રામ ચાઇનીઝ પંજાબી રેસ્ટોરન્ટ"માં પણ ખરાબ હાઈજેનિક કન્ડિશન હોવાને કારણે પેઢીને સીલ કરવામાં આવી છે. આજે કુલ 387 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ. 84,400નો દંડ વસુલાયો છે. તેમજ 6 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. મનપાનાં ફૂડ સેફટી ઓફિસર રાજુલ પરમારે જણાવ્યું હતું કે, આજે અમારી ટીમ દ્વારા મવડી બાયપાસ રોડ પર રિયલ પ્રાઇમની સામે, બાપાસીતારામ ચોક પાસે આવેલ 'બાલાજી ઢોસા, ચાઈનીઝ પંજાબી સેન્ટર'માં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ એક જ પેઢીમાં ઢોસા, ચાઈનીઝ અને પંજાબી વાનગીઓનું વેચાણ થતું હતું, જ્યાં તપાસ દરમિયાન ભારે ગેરરીતિઓ સામે આવી હતી. રેસ્ટોરન્ટમાંથી અંદાજિત કુલ 115 કિલો જેટલો વાસી ચાઈનીઝ ખોરાક, અખાદ્ય ચીજો અને મોટા પ્રમાણમાં વાસી શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહીં આ રેસ્ટોરન્ટમાં મંચુરિયન સહિત અન્ય ચાઈનીઝ વાનગીઓ બનાવવા આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા દાઝિયા તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, તપાસ દરમિયાન આ સમગ્ર રેસ્ટોરન્ટ કોઈ પણ પ્રકારના ફૂડ લાઈસન્સ વિના ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ રેસ્ટોરન્ટના માલિક સંજયભાઈને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગોળ ગોળ જવાબો આપીને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જણાવ્યું હતું કે, શાકભાજી વાસી છે એ તો બહારથી જ એવા આવે છે. આવી ગંભીર બેદરકારી અને અનહાઈજેનિક કન્ડિશન બદલ તંત્ર દ્વારા બાલાજી રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું છે, લાઈસન્સ મેળવવા કડક સૂચના આપવામાં આવી છે અને માલિકને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે, વૃધ્ધાશ્રમની સામે આવેલ "શ્રી રામ ચાઇનીઝ પંજાબી (રેસ્ટોરન્ટ)" માં પણ આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં હાઈજેનિક કન્ડિશન ખૂબ જ ખરાબ હોવાને કારણે પેઢીને સીલ કરવામાં આવી છે અને ભવિષ્ય માટે કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ સ્થળ પરથી આશરે 10 થી 12 કિલો વાસી અખાદ્ય ખોરાક મળી આવતા તેનો તાકીદે નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટના અન્ય વિસ્તારો જેવા કે મવડી ચોકડી થી બાપા સીતારામ ચોક 150 ફૂટ રિંગરોડ, સર્વેશ્વરચોક, વર્ણીરાજ ફૂડ ઝોન (નેપલ્સ પીઝા), રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી સર્કલ થી ભક્તિનગર સર્કલ સુધીનો 80 ફૂટ રોડ, આઈ.ટી.આઈ. હોકર્સ ઝોન તેમજ આજી ડેમ ચોકડીથી માંડા ડુંગર સુધી અને રણુજા મંદિર પાસે કોઠારીયા મેઇન રોડ સહિતના વિસ્તારોમાં પણ વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ તમામ સ્થળો પરથી કુલ મળીને 63 પેઢીઓ, રેસ્ટોરન્ટ્સ અને હોકર્સ ઝોનની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ એકમોમાંથી કુલ 260 કિલો જેટલો અખાદ્ય વાસી જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ખરાબ સ્ટોરેજ અને અનહાઈજેનિક કન્ડિશન બદલ કુલ 26 પેઢીઓને વહીવટી નોટિસ આપવામાં આવી હતી અને તેમની પાસેથી કુલ રૂ. 74,400નો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ આજે સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 84,400નો દંડ વસૂલાયો છે અને 387 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કડક વહીવટી કાર્યવાહીની સાથે સાથે શુદ્ધતાની ચકાસણી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાંથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 હેઠળ કુલ 6 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. જેમાં નાનામવા રોડ પર એસબીઆઈ પાસે સમભાવ કોમ્પ્લેક્સમાં આવેલ શ્રીજી મઠાવાલામાંથી 'અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ (લૂઝ)' અને 'વેનીલા આઇસ્ક્રીમ (લૂઝ)' નો નમૂનો લેવાયો છે. જ્યારે એરપોર્ટ રોડ પર રેસકોર્સ પાર્ક ખાતે આવેલ આશુતોષ કોઠી આઇસ્ક્રીમમાંથી 'ડ્રાયફ્રૂટ ડીલાઇટ આઇસ્ક્રીમ (લૂઝ)' અને 'રાવણા જાંબુ આઇસ્ક્રીમ (લૂઝ)' ના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમીન માર્ગ પર ડેસ્ટિનેશન પ્લસમાં આવેલ મહેશ વિજય ડેરીફાર્મમાંથી 'પાઈનેપલ શ્રીખંડ (લૂઝ)' અને 'મેંગો ચિપ્સ શ્રીખંડ (લૂઝ)' ના નમૂનાઓ મેળવીને તેને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જો ભેળસેળ સાબિત થશે તો જે-તે વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મેયરના આદેશ બાદ મહાપાલિકાના આરોગ્ય વિભાગની આ સતત કાર્યવાહીથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    ભોજાબેડી પાસે મેટાડોર પલટી, 6થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત:જામજોધપુર તાલુકામાં અકસ્માત, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    પાટણમાં સગીરાની છેડતી:શારીરિક અડપલાં કરનાર યુવાન વિરૂદ્ધ પોક્સો, BNS હેઠળ ગુનો દાખલ, તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment