Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત બીજા દિવસે ફૂડ વિભાગનો દરોડો:રાજકોટમાં રૂ. 360ની થાળી આપતા બાલાજી થાળના લોટમાં ધનેડા નીકળ્યા, 'લોટમાં આ ધનેડા બહારથી આવ્યા' હોવાનો સંચાલકનો લુલો બચાવ

    13 hours ago

    રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મનપાના ફૂડ વિભાગની ટીમો દ્વારા 150 ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી પાસે વેસ્ટ ગેટમાં આવેલી પ્રખ્યાત 'બાલાજી થાળ' હોટેલમાં ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારની આગેવાની હેઠળની ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન હોટલનાં સ્ટોરેજમાં રહેલા લોટમાં ધનેડા નીકળ્યા હતા. જેને લઈને ફૂડ વિભાગ દ્વારા 100-150 કિલો જથ્થાનો નાશ કરી સંચાલકને નોટિસ આપીને દંડ વસુલવામાં આવ્યો હતો. જોકે 'લોટમાં ધનેડા બહારથી આવ્યા' હોવાનો લુલો બચાવ સંચાલક દ્વારા કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે હોટેલના સ્ટોરેજ એરિયા તેમજ ફ્રિજ સહિતની તમામ જગ્યાઓ પર બારીકાઈથી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. 'બાલાજી થાળ' હોટેલ બહારથી દેખાવમાં ખૂબ જ હાઇજિનિક અને સ્વચ્છ લાગતી હતી, પરંતુ તેની અંદર કિચન અને સ્ટોરેજ એરિયામાં ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી. હોટેલમાં રસોઈ માટે વપરાતા લોટ (આટા)ની અંદર ધનેડા જેવી જીવાત જોવા મળી હતી. આ ઉપરાંત, મસાલાના પેકેટ્સ પર કોઈ પણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ લખવામાં આવી ન હતી. આવા શંકાસ્પદ અને પડતર મસાલાનો ઉપયોગ ગ્રાહકો માટે અપાતા ભોજનમાં થતો હોવાનું ખુલ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારે જણાવ્યું હતું કે, આ હોટેલમાંથી અંદાજે 100-150 કિલો જેટલો વાંધાજનક અને અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો મળી આવ્યો છે, જેનો ટીમ દ્વારા સ્થળ પર નાશ કરીને ડિસ્કાર્ડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સૌથી ગંભીર બાબત એ હતી કે, હોટેલના ફ્રિજની અંદર રાખવામાં આવેલો 50 કિલો જેટલો પુરણપોળીનો વાસી મસાલો મળી આવ્યો હતો. આ ઉપરાંત ફ્રિજમાંથી અન્ય પ્રિપેર્ડ ફૂડ અને ચટણીઓનો વાસી જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે તેમ હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, આ હોટેલમાં ગ્રાહકો પાસેથી જમવા માટે 360 રૂપિયા જેટલો મોટો ચાર્જ વસૂલવામાં આવે છે, તેમ છતાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરીને આવો જીવાતવાળો અને વાસી ખોરાક પીરસવામાં આવતો હતો. આવા અખાદ્ય અને અસ્વચ્છ ખોરાકના સેવનથી નાગરિકોને ફૂડ પોઇઝનિંગ કે પેટની ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા તત્વો સામે કડકમાં કડક દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફૂડ વિભાગ દ્વારા આ અંગેની તપાસ ચાલુ છે અને ઉચ્ચ અધિકારીઓના સંજ્ઞાનમાં આ બાબત લાવીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બાલાજી થાળના માલિક પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ રૂટિન ચેકીંગ છે અને આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારે જાગૃતતા રાખીને કરવામાં આવતી કામગીરી ખરેખર સારી છે. કોર્પોરેશનમાં નવા મેયર આવ્યા બાદ તંત્ર વધારે સજગ બન્યું છે. ચેકિંગ દરમિયાન અનાજમાં ધનેડા જોવા મળ્યા હતા. હું છેલ્લા 40 વર્ષથી હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. અમારી હોટેલમાં રોજની અંદાજે 300 થી 350 થાળી વેચાય છે. અનાજમાં ધનેડા નીકળવા જેવી બાબતો અત્યારે કે ભવિષ્યમાં ક્યારેય ન બનવી જોઈએ. સામાન્ય રીતે સ્ટોરમાં જે માલ આવે છે તે તુરંત ચેક નથી કરવામાં આવતો, પરંતુ જ્યારે તેને કિચનમાં લાવવામાં આવે ત્યારે સ્ટાફ તેને સાફ કરતો હોય છે જેથી આવી કોઈ વસ્તુ હોય તો નીકળી જાય. હવે પછી જ્યારે પણ નવો માલ આવશે ત્યારે તેને સ્ટોરમાં લાવતી વખતે જ ચેક કરી લેવામાં આવશે તેમજ આ અંગે માલ સપ્લાય કરનાર વેપારીને પણ કડક સૂચના આપવામાં આવશે. અમારા ત્યાં દર 15 દિવસે નવો માલ ખરીદવામાં આવે છે અને ગ્રાહકોના ધસારાને કારણે બનાવેલી રસોઈ પણ તુરંત પુરી થઈ જતી હોવાથી પડતર વસ્તુ હોવાનો કોઈ સવાલ નથી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા હાલ તો તમામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ વેપારીને નોટિસ આપી રૂ. 10,000નો દંડ પણ વસુલવામાં આવ્યો છે. જોકે એક થાળીનાં રૂ. 360 જેવી મોટી રકમ વસૂલવા છતાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવે તે જરૂરી છે. ગઈકાલે જ મેયરે પણ આ અંગેના સંકેતો આપ્યા હતા. ત્યારે આગામી સમયમાં લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    સિરપ દવા પર હવે સરકારની કડક નજર:દરેક સિરપ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી; ગુણવત્તા સુધારવા કેન્દ્ર સરકારે ડ્રગ્સ નિયમોમાં ફેરફાર કર્યા
    Next Article
    બોટાદમાં રિક્ષાચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:શહેરમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવા અને પરેશાની દૂર કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment