Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મહાપાલિકાની ઐતિહાસિક કર વસૂલાત:31 માર્ચ સુધીમાં રૂ. 438 કરોડની વસુલાત સાથે તંત્રએ રચ્યો નવો વિક્રમ, હજુ અનેક સરકારી સંસ્થાઓનાં મળી રૂ. 91.98 કરોડ બાકી

    2 days ago

    નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસે રાજકોટ મહાપાલિકાના વેરા વિભાગે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મનપા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા વાર્ષિક લક્ષ્યાંકની અત્યંત નજીક પહોંચતા તંત્રએ 31 માર્ચની બપોર સુધીમાં જ રૂ. 438 કરોડનો વેરો વસૂલ કરી લીધો છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે વસૂલાતનો આંકડો ઘણો ઊંચો રહ્યો છે, જે મનપાની મજબૂત નાણાકીય સ્થિતિ અને વેરા વિભાગની આક્રમક કામગીરીનો પુરાવો આપે છે. ટેક્સ વિભાગના મેનેજર વત્સલ પટેલના જણાવ્યા મુજબ, હજુ રાત સુધીમાં આ આંકડો રૂ. 445 કરોડને પાર કરી જવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે હજુપણ અનેક સરકારી સંસ્થાઓનાં મળીને કુલ રૂ. 91.98 કરોડ વસુલવાના બાકી છે. વેરા વસૂલાતના મુખ્ય આંકડા અને લક્ષ્યાંકની પ્રાપ્તિ રાજકોટ મહાનગરપાલિકાનાં ટેક્સ મેનેજર વત્સલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે કુલ રૂ. 454 કરોડનો વેરા વસૂલાતનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે આજે 31 માર્ચ બપોરની સ્થિતિએ તંત્રએ રૂ. 438 કરોડ વસૂલીને 97% જેટલો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. આ સફળતા પાછળ મનપાની 'રિવોર્ડ અને પેનલ્ટી' નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વર્ષના પ્રારંભમાં એડવાન્સ વેરો ભરનારાઓને અપાયેલી રિબેટ યોજના અને વર્ષના અંતે બાકીદારો સામે લેવાયેલા કડક પગલાંને કારણે તિજોરી છલકાઈ છે. આજના દિવસમાં વેરા વસુલાતનો આંકડો રૂ. 445 કરોડને પાર થવાની શક્યતા વેરા મેનેજર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સૂલાતના માધ્યમો પર નજર કરીએ તો ડિજિટલ ઇન્ડિયાનો પ્રભાવ રાજકોટમાં સ્પષ્ટ દેખાય છે. કુલ આવકમાંથી રૂ. 237.99 કરોડ જેટલી માતબર રકમ ઓનલાઇન પેમેન્ટ દ્વારા મળી છે, જે દર્શાવે છે કે મોટા ભાગના કરદાતાઓએ ઘરબેઠા વેરો ભરવાનું પસંદ કર્યું છે. આ ઉપરાંત, મનપાની બારીઓ પર રોકડ સ્વરૂપે રૂ. 123.03 કરોડની આવક થઈ છે, જ્યારે ચેક દ્વારા રૂ. 76.87 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વ્યાજમાફી યોજનાને મળ્યો જબરો પ્રતિસાદ રાજકોટ મનપાની વ્યાજમાફી યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં 9 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી કુલ 43346 આસામીઓએ આ યોજનાનો લાભ લીધો છે. દરમિયાન મનપા દ્વારા કુલ રૂ. 11,84,04,468.00 જેટલી વ્યાજની રકમ માફ કરવામાં આવી છે, જેની સામે કુલ રૂ. 73,30,14,180.00ની વેરાની આવક થઈ છે. કેટેગરી મુજબ વિગતો જોઈએ તો, રહેણાંક હેતુના 31,061 આસામીઓએ યોજનાનો લાભ લીધો છે, જેમાં રૂ. 8,76,77,970.00 વ્યાજ માફ કરવામાં આવ્યું હતું. અને રૂ. 39,65,01, 436.00 ની વસૂલાત કરવામાં આવી છે. બીજીતરફ બિન-રહેણાંક મિલકતોમાં 11668 આસામીએ લાભ લીધો છે, જેમાં રૂ. 2,86,55,096.00 વ્યાજ માફી સાથે રૂ. 32,14,45,899.00ની આવક થઈ છે. ઉપરાંત અનલિંક વોટર કેટેગરીમાં 617 આસામીએ લાભ મેળવ્યો છે, જેમાં પણ કુલ રૂ. 20,71,402.00 નું વ્યાજ માફ કરવામાં આવ્યું અને રૂ. 1,50,66,845.00 ની વેરાની રકમ ભરપાઈ થઈ છે. સરકારી કચેરીઓનાં કરોડોના લેણાં હજુ પણ બાકી એક તરફ રાજકોટના સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ સમયસર વેરો ભરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મોટી સરકારી સંસ્થાઓ અને કચેરીઓ મનપા માટે માથાનો દુખાવો બની છે. તેમજ આશ્ચર્યજનક રીતે, ગરીબ કે મધ્યમ વર્ગના લોકો નહીં પરંતુ હાઈ-પ્રોફાઈલ સરકારી એકમો જ સૌથી મોટા બાકીદારો તરીકે ઉભરી આવ્યા છે. મુખ્ય બાકીદારોની વિગત જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂ. 28.96 કરોડ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સમરસ હોસ્ટેલના રૂ. 15.35 કરોડ, BSNL ટાવરના રૂ. 13.42 કરોડ, સિટી પોલીસના રૂ. 12.06 કરોડ અને રેલવેના રૂ. 11.94 કરોડ બાકી બોલે છે. કલેક્ટર ઓફિસે આ વર્ષે રૂ. 2.5 કરોડની ભરપાઈ કરી હોવા છતાં હજુ પણ રૂ. 10.25 કરોડનું લેણું મળી કુલ રૂ. 91.98 કરોડ વસુલવાના બાકી છે. સરકારી સંસ્થાઓનો બાકી વેરો 1) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂ. 28.96 કરોડ 2) સમરસ હોસ્ટેલ રૂ. 15.35 કરોડ 3) BSNL ટાવર રૂ. 13.42 કરોડ 4) સિટી પોલીસ રૂ. 12.06 કરોડ 5) રેલવે વિભાગ રૂ. 11.94 કરોડ 6) કલેક્ટર કચેરી રૂ. 10.25 કરોડ છેલ્લા 5 વર્ષની તુલનાત્મક સમીક્ષા રાજકોટ મનપાની છેલ્લા પાંચ વર્ષની વેરા આવકનું વિશ્લેષણ કરવામાં આવે તો જણાશે કે શહેરીકરણની સાથે વેરાની આવકમાં પણ તોતિંગ વધારો થયો છે. વર્ષ 2021-22માં કુલ વસૂલાત રૂ. 256.40 કરોડ હતી અને કરદાતાઓની સંખ્યા 3,85,120 હતી. જે ક્રમશઃ વધીને વર્ષ 2022-23માં રૂ. 312.15 કરોડ (4,02,450 કરદાતા), વર્ષ 2023-24માં રૂ. 385.60 કરોડ (4,12,060 કરદાતા) અને ગત વર્ષે એટલે કે 2024-25માં રૂ. 412.03 કરોડ (4,20,662 કરદાતા) સુધી પહોંચી હતી. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં આ આંકડો રૂ. 438 કરોડને પાર કરી ગયો છે અને કરદાતાઓની કુલ સંખ્યા વધીને 4,59,681 પર પહોંચી છે. આ વર્ષે નવા 39,019 કરદાતાઓનો ઉમેરો થયો છે, જે દર્શાવે છે કે રાજકોટના ભૌગોલિક વિસ્તારની સાથે મિલકતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને નવા ભળેલા વિસ્તારોમાંથી ટેક્સની સારી આવક થઈ રહી છે. વર્ષ કરદાતાઓની સંખ્યા વેરાની વસુલાત 2021-22 3,85,120 રૂ. 256.40 કરોડ 2022-23 4,02,450 રૂ. 312.15 કરોડ 2023-24 4,12,060 રૂ. 385.60 કરોડ 2024-25 4,20,662 રૂ. 412.03 કરોડ 2025-26 4,59,681 રૂ. 438.00 કરોડ જૂના રાજકોટમાં પડકાર અને સીલિંગની કાર્યવાહી જૂના રાજકોટના વિસ્તારો જેવા કે સોની બજાર, મોચી બજાર, ઘી કાંટા રોડ અને ધર્મેન્દ્ર રોડ પર વેરો વસૂલવો તંત્ર માટે હંમેશા પડકારજનક રહ્યો છે. આ વિસ્તારોમાં ઘણી મિલકતોના વર્ષો જૂના લેણાં બાકી હતા. આ વર્ષે મનપાએ નમ્રતા છોડીને કડક હાથે કામ લીધું છે. ટેક્સ વિભાગે આ વર્ષે અંદાજે 800 કરતા વધુ મિલકતોને સીલ કરી હતી. બાકીદારોના નળ જોડાણ કાપવા અને ડ્રેનેજ કનેક્શન બંધ કરવા જેવી આકરી કાર્યવાહીને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને કરદાતાઓ વેરો ભરવા મજબૂર બન્યા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે હવે આગામી વર્ષે કોઈપણ પ્રકારની વ્યાજ માફી કે 'વોલ્ટરી ટેક્સ સેટલમેન્ટ' સ્કીમ લાવવામાં આવશે નહીં, તેથી બાકીદારોએ વ્યાજ સાથે પૂરી રકમ ચૂકવવી પડશે. કોઈપણ રજાઓ વિના ટેક્સ વિભાગ સતત ખડેપગે નાણાકીય વર્ષના અંતિમ બે સપ્તાહમાં ટેક્સ વિભાગના કર્મચારીઓએ રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખી હતી. તમામ ઝોનલ ઓફિસ (સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ) ની બારીઓ મોડી રાત સુધી ખુલ્લી રાખવામાં આવી છે. વત્સલ પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગે 'ડોર-ટુ-ડોર' સંપર્ક અને મોટા બાકીદારોને પર્સનલ કોલ કરીને વેરો ભરવા પ્રોત્સાહિત કર્યા હતા. મનપાએ પોતાની મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવી છે, જેના પરિણામે આ વર્ષે રૂ. 237 કરોડથી વધુની રકમ ઓનલાઇન આવી છે. આ તંત્રની મોટી સફળતા છે કારણ કે તેનાથી વહીવટી ખર્ચ ઘટે છે અને નાગરિકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળે છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 438 કરોડનું કલેક્શન રાજકોટના વિકાસ માટેનો પાયો છે. આ રકમનો ઉપયોગ શહેરના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી પુરવઠો અને નવા બ્રિજ બનાવવા પાછળ કરવામાં આવશે. કલેક્ટર ઓફિસ અને રેલવે જેવી સંસ્થાઓ જો પોતાનો બાકી વેરો ભરી દે, તો આ આંકડો રૂ. 500 કરોડને પણ પાર કરી શકે તેમ છે. આગામી વર્ષ 2026-27 માટે મનપાએ હજુ વધુ મોટો લક્ષ્યાંક રાખ્યો છે. મિલકત વેરાના દરમાં ફેરફાર કર્યા વગર, માત્ર બાકી રહેલા એકમોને ટેક્સ નેટમાં લાવીને આવક વધારવાની મનપાની યોજના છે. જો યોજના સફળ થશે તો શહેરને 'સ્માર્ટ સિટી' બનાવવા તરફ વધુ એક ડગલું આગળ વધી શકાશે તે નિશ્ચિત છે.
    Click here to Read More
    Previous Article
    ‘PM ગુજરાતમાં છે તે જાહેરાત કરે કે મંજૂરી નહિ અપાઈ’:ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી, કોંગ્રેસે વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા
    Next Article
    રસ્તા પર જોખમી બર્થડે સેલિબ્રેશન ભારે પડ્યું:વલસાડના ધમડાચી રોડ પર ચાલતી કારમાં આતશબાજી કરનારા ચાર યુવકોને પોલીસે પાઠ ભણાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment