Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    300 કરોડના ખર્ચે બનેલી નવી ESIC હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન:સુરતમાં સારી સારવારની આશાએ શ્રમિકો દર મહિને ESIC અંતર્ગત પગારમાંથી નાણાં કપાવે ને બદલામાં મળે છે વહીવટી તંત્રની છેતરપિંડી

    2 days ago

    સુરતના ઉદ્યોગો જેમના જોરે ધમધમે છે. તે શ્રમિકો આજે પોતાની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે વલખાં મારી રહ્યા છે. સારી સારવારની આશાએ શ્રમિકો દર મહિને ESIC અંતર્ગત પગારમાંથી નાણાં કપાવે છે, પરંતુ બદલામાં તેમને માત્ર વહીવટી તંત્રની છેતરપિંડી મળી રહી છે. પાંડેસરા જીઆઈડીસીમાં લાંબા સમયથી ચાલતી ESIC (કામદાર રાજ્ય વીમા યોજના) હોસ્પિટલને છેલ્લા એક-દોઢ મહિનાથી તાળાં મારી દેવાતા શ્રમિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્રએ ઉતાવળે સિવિલ ચાર રસ્તા પાસે આશરે 300 કરોડના ખર્ચે બનેલી નવી ESIC હોસ્પિટલમાં પાંડેસરાની હોસ્પિટલને બંધ કરી અહીંના તબીબો સહિતના 24 જેટલા કર્મચારીને ડેપ્યુટેશન પર મોકલી દીધા છે. નવી હોસ્પિટલનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થવાનું હોવાનું કારણ આપી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. દર્દીઓ હાલ આવે તો તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ESIC દવાખાનાથી રિફર દર્દીઓને સિવિલ કે નવી હોસ્પિટલનો રસ્તો બતાવાય છે. જોકે, હાલ આ નવી હોસ્પિટલ 'ધોળા હાથી સમાન સાબિત થઈ રહી છે. કારણ કે, અહીં પાંચ માળનું આલીશાન બિલ્ડિંગ તો બની ગયું છે, પણ સારવાર આપવાની કોઈ પદ્ધતિસરની વ્યવસ્થા નથી. જ્યારે દર્દીઓ સુરતમાં કાર્યરત ESICના દવાખાનાઓમાંથી રિફર થઈને આવે છે, ત્યારે તેમને સારવારને બદલે દર્દ મળી રહ્યું હોવાની ફરિયાદ છે. રિફર થઈને પાંડેસરાની હોસ્પિટલમાં જનારા દર્દીઓને સિવિલ કે નવી ESIC હોસ્પિટલનો રસ્તો બતાવી દેવાય છે. જોકે, નવી હોસ્પિટલમાં આવનારા દર્દીઓને અંતે સિવિલ જ જવા માટે કહેવાય છે. ત્યારબાદ અહીંથી વહેલી સારવારની આશાએ સિવિલ પહોંચતા શ્રમિકોને ત્યાં ફરીથી લાંબી લાઈનોમાં ઊભા રહી શુન્યથી શરૂઆત કરવી પડે છે. આમ વર્તમાન સંજોગો જોતા પ્રશાસન શ્રમિકો સાથે ખુલ્લેઆમ વિશ્વાસઘાત કરી રહ્યું હોવાની પ્રતીતિ થઈ રહી છે. આટલો સમય વિત્યા બાદ પણ નવી હોસ્પિટલને શરૂ થવાને લઈ અનિશ્ચિતતા છે. જેથી એડવાન્સમાં નાણાં ચૂકવ્યા છતાં યોગ્ય સારવાર ન મળતા શ્રમિકોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ ફેલાયો છે. 300 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી નવી કામદાર વીમા હોસ્પિટલ હાલમાં નામ માત્રની હોસ્પિટલ બની રહી છે. બિલ્ડિંગ તૈયાર છે અને ડોક્ટરો માટે કેબિન તેમજ વોર્ડમાં બેડ પણ મૂકવામાં આવ્યા છે. પરંતુ સારવાર માટે જરૂરી કહી શકાય તેવી પાયાની સુવિધાઓ હજુ સુધી ઉપલબ્ધ નથી. ખાસ કરીને ઓપરેશન થિયેટર, આધુનિક મેડિકલ સાધનો અને સંપૂર્ણ સારવાર વ્યવસ્થાનો અભાવ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પરિણામે અહીં આવનાર દર્દીઓને યોગ્ય સારવાર આપી શકાય તેવી સ્થિતિ નથી. બીજી બાજુ પાંડેસરા જીઆઈડીસીમાં ચાલતી હોસ્પિટલ બંધ કરી દેવાતા હજારો શ્રમિકોને હાલમાં નવી સિવિલ હોસ્પિટલનો જ સહારો લેવો પડી રહ્યો છે. ગત 19મી જાન્યુઆરીથી પાંડેસરા જીઆઈડીસી સ્થિત ESIC હોસ્પિટલમાંથી નવી ESIC હોસ્પિટલમાં તબીબો સહિતના 24 કર્મચારીઓને ડેપ્યુટેશન પર મોકલાયા છે. જે પૈકી 8-9 કર્મચારીઓને બે વર્ષ માટે ડેપ્યુટેશન પર રખાયા છે અને તેઓનો પગાર કેન્દ્ર સરકારમાંથી થવા માંડયો છે. જયારે બાકીના 15-16 કર્મચારીઓને ત્રણ મહિના માટે ડેપ્યુટેશન પર મુકાયા છે. પરંતુ તેઓના પગારને લઈને ભારે મૂંઝવણ છે. આ કર્મચારીઓનો ગત ફેબ્રુઆરી મહિનાનો પગાર હજી સુધી મળ્યો નહીં હોવાથી ભારે કચવાટ છે. આ કચવાટ ક્યારેય પણ લડતમાં પલટાઇ જાય તો નવાઇ નહીં રહેશે. ઉલ્લાસભાઈ માળીએ જણાવ્યું હતું કે, આ અત્યારે જે ESIS હોસ્પિટલ હતી તે ESIC હોસ્પિટલ થઈ ગઈ છે ત્યાં અમે આવ્યા છીએ. તકલીફમાં એવું છે કે આ જગ્યા પર આના પહેલા પણ હોસ્પિટલ હતી જ, પણ એ હોસ્પિટલ રિકન્સ્ટ્રક્શનમાં ગયા પછી આ જગ્યાને સીતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલી હતી. સીતા હોસ્પિટલવાળાના હોસ્પિટલના માલિક અને ESICના કંઈક મેનેજમેન્ટમાં લફડું પડ્યું એટલે એ હોસ્પિટલ કેટલાંક દિવસ બંધ રહ્યા પછી સીલ થયા પછી આ હોસ્પિટલને કામચલાઉ ધોરણે પાંડેસરામાં આવેલ D-10 દવાખાનામાં શિફ્ટ કરવામાં આવેલી હતી. ત્યાં કોઈને એડમિટ કરતા હતા નહીં. છેલ્લા બે મહિનાથી ત્યાં પણ એ બંધ કરેલું છે અને કોઈપણ પેશન્ટ અહીંયા આવે છે તો ત્યાંથી અહીંયા મોકલે છે અને અહીંથી આ લોકો સિવિલમાં મોકલે છે. એટલે અમને કોઈ જાતની સારવાર છેલ્લા ત્રણ વર્ષથી ESIC હોસ્પિટલમાં હોસ્પિટાલિટીની નથી મળતી. અમે અનેક રજૂઆત કરીએ કે હોસ્પિટલ ખૂબ જ અગત્યની વસ્તુ છે, તો કોઈપણ માનવતાના રાહે પણ તમારા જે કાંઈ મેનેજમેન્ટના પ્રોબ્લેમો હશે તો માનવતાના ધોરણે વહેલામાં વહેલી તકે આ હોસ્પિટલ ચાલુ કરવી એવી મારી સર્વ દર્દીઓ વતી મેનેજમેન્ટને અને સરકારને નમ્ર અપીલ છે. સુભાષ તિજારે (પ્રમુખ દર્દી સેવા સમિતિ અને શ્રમિક સેવા ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ) એ જણાવ્યું હતું કે, ESIC હોસ્પિટલમાં ઘણા વર્ષોથી શ્રમિકોના પરસેવાના પૈસા કપાતા હોય છે અને એમને બહુ હાલાકી ભોગવવી પડે છે. એમને જે સારવાર મળવી જોઈએ એ સારવાર મળતી નથી. એના માટે આ હોસ્પિટલ વહેલામાં વહેલી શરૂ થાય એના માટે દર્દી સેવા સમિતિ મેદાનમાં ઉતરી છે. જો આ વહેલામાં વહેલી શરૂ નહીં થાય તો નાછૂટકે દર્દી સેવા સમિતિને ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડશે, જેની જવાબદારી સરકારે લેવી પડશે. ESIC (એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન) હોસ્પિટલો ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત છે. આ હોસ્પિટલો મુખ્યત્વે નોકરિયાત વર્ગ અને તેમના પરિવારોને મફત અથવા અત્યંત રાહત દરે તબીબી સુવિધાઓ પૂરી પાડે છે. કોણ લાભ લઈ શકે? ESIC નો લાભ એવા કર્મચારીઓને મળે છે જેમના પગારમાંથી દર મહિને ESI ફંડ કપાય છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ: જે સંસ્થામાં 10 કે તેથી વધુ કર્મચારીઓ હોય. પગાર મર્યાદા: સામાન્ય રીતે 21,000 કે તેથી ઓછો માસિક પગાર ધરાવતા કર્મચારીઓ (દિવ્યાંગો માટે 25,000). મળતી મુખ્ય સુવિધાઓ ESIC હોસ્પિટલોમાં વીમાધારક વ્યક્તિ અને તેના આશ્રિતો (માતા-પિતા, પત્ની, બાળકો) ને સેવાઓ મળે છે. તબીબી સારવાર: ઓપીડીથી લઈને જટિલ ઓપરેશન સુધીની તમામ સારવાર મફત. દવાઓ: હોસ્પિટલના મેડિકલ સ્ટોર પરથી તમામ દવાઓ વિનામૂલ્યે મળે છે. સુપર સ્પેશિયાલિટી સારવાર: જો ESIC હોસ્પિટલમાં કોઈ ચોક્કસ રોગની સારવાર ઉપલબ્ધ ન હોય, તો તેઓ ખાનગી પેનલ હોસ્પિટલમાં 'રેફર' કરે છે, જેનો ખર્ચ પણ સરકાર ભોગવે છે. માતૃત્વ લાભ: મહિલા કર્મચારીઓને પ્રસૂતિ દરમિયાન રજા અને સારવારનો લાભ મળે છે. નાણાકીય સહાય માત્ર સારવાર જ નહીં, પણ બીમારી દરમિયાન કામ પર ન જઈ શકવા બદલ ESIC રોકડ વળતર પણ આપે છે: સિકનેસ બેનિફિટ: બીમારી દરમિયાન પગારના આશરે 70% સુધીની રકમ રોકડમાં મળે છે. અપંગતા લાભ: કામ દરમિયાન અકસ્માત થાય તો આજીવન પેન્શનની સુવિધા. આશ્રિત લાભ: જો કર્મચારીનું કામ દરમિયાન મૃત્યુ થાય, તો તેના પરિવારને પેન્શન મળે છે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 'નંદાદેવી' જહાજ વાડીનાર પહોંચ્યું:ઈરાક સામે અમેરિકા-ઈઝરાયલના યુદ્ધના વાદળ વચ્ચે ગેસ સપ્લાય; LPG પુરવઠા અનલોડ કરવાનું શરૂ
    Next Article
    Botad Crime News | બોટાદ LCBની ટીમ દ્વારા વાહન ચોરી મામલે 9 આરોપીઓની કરી ધરપકડ | Botad Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment