Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બાબરી' માટે 300 કરોડ જોઈએ છે, મળ્યા 1.5 કરોડ:જ્યાં મસ્જિદ બનવાની હતી, ત્યાં બાળકો ક્રિકેટ રમી રહ્યા છે; 7 વર્ષમાં નકશો પણ પાસ ન થયો

    12 hours ago

    રામ જન્મભૂમિ પર નવેમ્બર 2019માં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદામાંથી બે રસ્તા નીકળ્યા હતા. વિવાદિત 2.77 એકર જમીન રામલલ્લાને મળી અને બાબરીની જગ્યાએ નવી મસ્જિદ માટે અયોધ્યાથી 25 કિલોમીટર દૂર ધન્નીપુરમાં 5 એકર જમીન આપવામાં આવી. રામ મંદિરનું નિર્માણ લગભગ પૂરૂં થઈ ગયું છે. ધન્નીપુરમાં મસ્જિદની ઈંટ પણ મુકાઈ નથી. મસ્જિદ માટે મળેલી જમીન પર ઘાસ ઉગી નીકળ્યું છે, ચારેય બાજુ તારની વાડ છે અને બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. અહીં મસ્જિદની સાથે હોસ્પિટલ અને મ્યુઝિયમ બનવાનું હતું. 300 કરોડ રૂપિયાની જરૂર હતી, પરંતુ માત્ર દોઢ કરોડ રૂપિયા જ દાન મળી શક્યું. જરૂરી સરકારી મંજૂરીઓ ન મળવાથી કામ શરૂ જ ન થઈ શક્યું. હવે ટ્રસ્ટ નાની મસ્જિદ બનાવવાની તૈયારીમાં છે. ધન્નીપુરના લોકો મસ્જિદ બનવાની આશા છોડી ચૂક્યા છે. તેઓ કહે છે- અલ્લાહની મરજી હશે, તો બની જશે. જમીન પર માત્ર બોર્ડ, કબજો ન થઈ જાય એટલા માટે તારની વાડ અયોધ્યા-લખનૌ હાઈવે છોડતા જ ધન્નીપુર ગામનો રોડ શરૂ થાય છે. થોડી મિનિટો પછી ડાબી બાજુ લોખંડની ફેન્સિંગથી ઘેરાયેલી મસ્જિદની જમીન દેખાય છે. અંદર કોઈ મશીન નથી, કોઈ મજૂર નથી. માત્ર ખાલી મેદાન. આશરે ત્રણ હજારની વસતી ધરાવતા ધન્નીપુરમાં 60% મુસ્લિમ વસતી છે. મોટાભાગના લોકો મસ્જિદ પર વાત કરવાથી બચે છે. મહિલાઓ તો બિલકુલ નથી બોલતી. મસ્જિદની જમીનથી અડીને આવેલી ચાની દુકાન પર કેટલાક લોકો અખબાર વાંચી રહ્યા હતા. મસ્જિદ વિશે પૂછવા પર એકબીજાને જોવા લાગ્યા. એક બુઝુર્ગ હસતા હસતા બોલ્યા, ‘અમે ખેતી-વાડી વાળા લોકો છીએ. અહીં ઢોર ચરાવવા આવીએ છીએ. મસ્જિદ ક્યારે બનશે, કોણ બનાવશે, એ તો લખનૌ અને દિલ્હી વાળા જાણે.’ નામ પૂછવા પર બુઝુર્ગે જવાબ આપ્યો- રહેવા દો, અમે આ મુદ્દાથી દૂર જ રહેવા માંગીએ છીએ. ધન્નીપુરમાં મસ્જિદ માટે મળેલી જમીન પર બાળકો ક્રિકેટ રમે છે. લોકો ઢોર ચરાવવા આવે છે. ખાલી પડેલી જમીનની બરાબર સામે માજિદ ખાનનું ઘર છે. તેઓ વાત કરવા માટે તૈયાર થઈ ગયા. બોલ્યા, ‘સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ધન્નીપુરના લોકો ખુશ હતા. ન્યૂઝથી ખબર પડી કે મસ્જિદની સાથે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પણ બનશે.' 'ગામની આસપાસ 30 કિમી સુધી સારી હોસ્પિટલ નથી. સિરિયસ કેસમાં ઈલાજ માટે 150 કિમી દૂર લખનૌ જવું પડે છે. મસ્જિદ બની જાત તો ગામમાં ઈલાજ મળત. બાળકો ભણી શકત અને કામ મળત, પણ કંઈ ન થયું.’ આખરે સાત વર્ષમાં મસ્જિદ કેમ ન બની શકી પ્રથમ કારણ: ફંડ નથી નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો સંભળાવતા સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને અયોધ્યામાં નવી મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. અયોધ્યાની વિવાદિત 2.77 એકર જમીન હિન્દુ પક્ષને મળી. મસ્જિદ બનાવવા માટે અયોધ્યાથી 25 કિમી દૂર જમીન ધન્નીપુર ગામમાં આપવામાં આવી. 3 ઓગસ્ટ, 2020ના રોજ ફૈઝાબાદ DM અનુજ કુમાર ઝાએ જમીન વક્ફ બોર્ડને સોંપી દીધી. મસ્જિદ બનાવવા માટે ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું. ઓગસ્ટ ૨૦૨૧માં ફાઉન્ડેશને લોકો પાસે મદદની અપીલ કરી. બેંક એકાઉન્ટની વિગતો પબ્લિક કરી. નવેમ્બર, 2022 સુધી ટ્રસ્ટને દેશભરમાંથી આશરે 40 લાખ રૂપિયા ડોનેશન મળ્યું. ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના ચેરમેન ઝુફર અહમદ ફારૂકી કહે છે, ‘5 વર્ષમાં અમે માંડ 1.5 કરોડ રૂપિયા જ એકઠા કરી શક્યા છીએ. આટલામાં મોટી મસ્જિદ બનાવવી શક્ય નથી. અમે વિચાર્યું છે કે પબ્લિક પાસે ન જઈને પોતાના લોકો પાસેથી 5 કરોડ રૂપિયા એકઠા કરીએ અને ઓછામાં ઓછું નાની મસ્જિદનું કામ શરૂ કરી દઈએ.’ વ્યવસાયે જર્નાલિસ્ટ અરશદ ખાન મસ્જિદના કામ સાથે શરૂઆતથી જોડાયેલા છે. તેઓ કહે છે, ‘પહેલા લોકોમાં મસ્જિદને લઈને જોશ હતો. 21 હજાર રૂપિયાનું પહેલું દાન લખનૌ યુનિવર્સિટીના પ્રોફેસર રોહિત શ્રીવાસ્તવે આપ્યું. ફૈઝાબાદના DM રહેલા અનુજ કુમાર ઝાએ જમીન અપાવવામાં મદદ કરી. આ પછી જેમ-જેમ સમય વિતતો ગયો, કામ અટકી ગયું.’ અમે પહેલું દાન આપનારા લખનૌ યુનિવર્સિટીના પ્રોફેસર રોહિત શ્રીવાસ્તવ સાથે વાત કરી. તેઓ મસ્જિદ ન બનવાથી નારાજ છે. કહે છે, ‘અફસોસ થાય છે કે મેં જે વસ્તુ માટે દાન આપ્યું, તેના પર આજ સુધી કામ શરૂ ન થઈ શક્યું. હું અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે જાઉં છું, તો ધન્નીપુર ગામ જરૂર જાઉં છું. દરેક વખતે મને ત્યાં ખાલી જમીન જ નજરે પડે છે.’ બીજું કારણ: લોકોનું જોડાણ નહીં ધન્નીપુરની શાહગદા શાહ મઝાર પર 'મોહમ્મદ-બિન-અબ્દુલ્લાહ' મસ્જિદના ફોટા વાળા પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા. તેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું- A MASTERPIECE IN MAKING એટલે કે એક નાયબ મસ્જિદ તૈયાર થઈ રહી છે. ધન્નીપુરના લોકો ખુશ હતા કે ગામમાં દેશની સૌથી ચર્ચિત મસ્જિદ બનશે. ધીમે ધીમે સમય વિતતો ગયો, પરંતુ કામ શરૂ ન થઈ શક્યું. મઝાર પર ચોંટાડેલા પોસ્ટર હટાવી લેવામાં આવ્યા. ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના ચેરમેન ઝુફર અહમદ ફારૂકી કહે છે, 'અફસોસ છે કે અયોધ્યામાં બનનારી મસ્જિદ હવે એવી નહીં બની શકે, જેવું અમે વિચાર્યું હતું. ફૈઝાબાદ અને અયોધ્યાના લોકો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયે પણ આમાં રસ ન દાખવ્યો.’ જર્નાલિસ્ટ અરશદ ખાન જણાવે છે, ‘નવી ઈબાદતગાહ અયોધ્યાથી દૂર છે. એટલા માટે મુસ્લિમો પોતાની જાતને આની સાથે કનેક્ટ ન કરી શક્યા. જો આના માટે અયોધ્યામાં જમીન મળત તો ચિત્ર કંઈક અલગ હોત.' 'સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પણ સાફ કહેવામાં આવ્યું હતું કે મસ્જિદની જમીન અયોધ્યાના મુખ્ય સ્થાન પર હશે. (MOSQUE WILL BE CONSTRUCTED AT PROMINENT PLACE OF AYODHYA) અમને શહેરથી 25 કિલોમીટર દૂર જમીન મળી. ત્યાં જવાનો રસ્તો ખૂબ સાંકડો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. લોકો આટલે દૂર કેમ નમાજ પઢવા જશે.’ ત્રીજું કારણ: અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીની મંજૂરી નહીં અરશદ ખાન આગળ કહે છે, ‘ટ્રસ્ટ બન્યું, ત્યારે ટીમ સારી હતી. અતહર હુસૈન સેક્રેટરી હતા. લખનૌના સીનિયર એડવોકેટ ઈમરાન અહમદ શિબલી મેમ્બર હતા. હું હતો, રાશિદ મોહમ્મદ સાહેબ હતા. અમે લોકોએ મસ્જિદ બનાવડાવવા માટે ખૂબ મહેનત કરી. નવો નકશો બનાવ્યો. એ વખતે અયોધ્યા જિલ્લા પ્રશાસને ઘણો સપોર્ટ કર્યો. અમને મસ્જિદ માટે જરૂરી NOC ન મળી.’ ‘ટ્રસ્ટના ચેરમેન ઝુફર અહમદ ફારૂકીએ બતાવ્યું હતું કે મુંબઈના મોટા બિઝનેસમેન હાજી અરાફાત શેખ ધન્નીપુર આવશે અને મસ્જિદ-હોસ્પિટલનું કામ શરૂ થશે. હાજી સાહેબે બતાવ્યું કે મસ્જિદ બનતા પહેલા મક્કા-મદીનાથી ઈંટો આવશે, પણ જમીન પર કંઈ ન થયું. અમે ચેરમેનનો પણ સંપર્ક કર્યો, પણ એમનો ફોન નથી ઉપડતો. તેઓ ઘણા વર્ષોથી આઉટ ઓફ કોન્ટેક્ટ છે. અમે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નકશો જમા કરાવ્યો હતો, એ પણ રદ થઈ ગયો.’ નકશો કેમ રિજેક્ટ થઈ ગયો, આના પર અમે ટ્રસ્ટ અને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં વાત કરી. ખબર પડી કે આની પાછળ રાજકીય રુકાવટ નહીં, પરંતુ કાગળની જટિલતાઓ છે. કોઈ સંસ્થા નોર્મલ બિલ્ડિંગના બદલે મોટું પબ્લિક કોમ્પ્લેક્સ બનાવે છે, તો આના માટે નિયમો ખૂબ કડક થઈ જાય છે. આની પ્રોસેસને ત્રણ પોઈન્ટ્સમાં સમજો… 1. લેન્ડ યુઝના કાગળોમાં વારંવાર બદલાવ કોઈ પણ મોટા નિર્માણ માટે લોકલ ડેવલપમેન્ટ ઓથોરિટી (આ મામલામાં ADA)થી ઓનલાઈન અને ઓફલાઈન મંજૂરી લેવાની હોય છે. સૌથી પહેલા જમીનનો લેન્ડ યુઝ જોવામાં આવે છે. આનાથી ખબર પડે છે કે જમીન કયા કામ માટે છે. ખેતીની જમીન પર કોમર્શિયલ કે સંસ્થાકીય નિર્માણ ન થઈ શકે. સરકારે કૃષિ ભૂમિ આપી, તો પહેલા તેનો લેન્ડ યુઝ બદલીને તેને સંસ્થાકીય કરવો પડ્યો. આનાથી પ્રોજેક્ટ બનવામાં મોડું થયું. 2. ઓથોરિટી તરફથી NOC ન મળવું નકશો પાસ થતા પહેલા PWD, પ્રદૂષણ નિયંત્રણ વિભાગ, અગ્નિશામક વિભાગ (ફાયર ડિપાર્ટમેન્ટ), સિંચાઈ, નગર નિગમ જેવા વિભાગો પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું હોય છે. અત્યાર સુધી મસ્જિદ કમિટીને આ વિભાગો પાસેથી NOC નથી મળ્યું. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના સેક્રેટરી આર.કે. મિશ્રા બતાવે છે કે કોઈ પણ મોટા નિર્માણ પહેલા જમીનના માલિકે અલગ-અલગ વિભાગની NOC લેવી પડે છે. આમાં એ હોય છે કે બિલ્ડિંગ કેટલી ઊંચી હશે. ફાયર સિસ્ટમ કેવી હશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. આ બધું ધોરણો મુજબ હોય, તો ઓથોરિટી NOC આપે છે. મસ્જિદ કમિટીએ NOC ક્લિયર કરવા માટે એપ્લિકેશન પણ નથી આપી.' ટ્રસ્ટના ચેરમેન ઝુફર અહમદ ફારૂકીએ 2022માં આ લેટર અયોધ્યા DMને લખ્યો હતો. આમાં તેમણે મસ્જિદનો રસ્તો પહોળો કરવાની માંગ કરી હતી, જેથી NOC મળી શકે. 3. લે-આઉટ અને ડેવલપમેન્ટ ચાર્જનું પેમેન્ટ ન થવું NOC મળ્યા પછી ઓથોરિટીના એન્જિનિયર નકશાની તપાસ કરે છે કે રસ્તો કેટલો પહોળો છે, ભૂકંપ સહન કરવાની ક્ષમતા કેટલી છે. આ પછી ડેવલપમેન્ટ ચાર્જ જમા કરાવવો પડે છે અને નકશો પાસ થઈ જાય છે. ADAના જણાવ્યા મુજબ, મસ્જિદ કમિટીએ હજુ 1.22 કરોડ રૂપિયા ડેવલપમેન્ટ ચાર્જ જમા કરાવવાનો છે. તમામ જરૂરી ડોક્યુમેન્ટ પૂરા થવા પર જ કન્સ્ટ્રક્શન શરૂ થઈ શકશે. 23 જૂન, 2021ના રોજ મસ્જિદ ટ્રસ્ટે નકશાની મંજૂરી માટે અરજી કરી હતી. પછીથી નકશો પાછો ખેંચી લીધો. 2023માં નકશામાં નાની મસ્જિદની સાથે કેટલાક ફેરફાર કરી ફરીથી એપ્લાય કર્યું. સપ્ટેમ્બર 2025 સુધી ટ્રસ્ટે NOC ન લીધું અને જરૂરી ડોક્યુમેન્ટ પોર્ટલ પર અપલોડ ન કરાવ્યા. આનાથી એમની એપ્લિકેશન રિજેક્ટ થઈ ગઈ છે. અમે મસ્જિદ કમિટીના જનરલ સેક્રેટરી અતહર હુસૈનને પૂછ્યું કે 2024 પછી નકશા માટે કેમ એપ્લાય ન કરવામાં આવ્યું? તેમણે જવાબ આપ્યો- પ્રોજેક્ટના હિસાબે જેટલા ફંડની આશા રાખી હતી, તે એકઠું કરી ન શક્યા. આ જ કારણ છે કે અમે નવા નકશા પર આગળ વધતા પહેલા ફંડ એકઠું કરી લેવા માંગીએ છીએ. નાની મસ્જિદ બનાવવા લાયક રકમ એકઠી થઈ જશે તો અમારા ચેરમેન નકશા માટે એપ્લિકેશન ફાઈલ કરશે. બાબરી કેસના પક્ષકાર બોલ્યા- ટ્રસ્ટ જ નથી ઈચ્છતું કે મસ્જિદ બને રામ જન્મભૂમિ મંદિરના ગેટ નંબર 11ની સામે બાબરી મસ્જિદનો કેસ લડનારા ઈકબાલ અંસારીનું ઘર છે. મસ્જિદનું કામ વારંવાર અટકવા પર ઈકબાલ કહે છે, ‘જુઓ, મસ્જિદની જમીન સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને મળી છે. તેના ચેરમેને પોતાનું પ્રાઈવેટ ટ્રસ્ટ બનાવ્યું છે.’ ઈકબાલ અંસારી સિવાય જર્નાલિસ્ટ અરશદ ખાને પણ ટ્રસ્ટ પર સવાલો ઉઠાવ્યા હતા. આના જવાબમાં મસ્જિદ કમિટીના જનરલ સેક્રેટરી અતહર હુસૈન કહે છે, ‘ઈકબાલ અંસારી આ પ્રોજેક્ટ પર શું વિચારે છે અને શું કહી રહ્યા છે, આના પર કોઈ કોમેન્ટ નથી કરવી. અરશદ ખાન અમારી ટીમના સૌથી જૂના સભ્યોમાંથી એક રહ્યા છે. તેમણે શરૂઆતના તબક્કામાં ફંડ કલેક્શનથી લઈને મસ્જિદમાં મ્યુઝિયમ બનાવવાનો પ્લાન તૈયાર કર્યો.’ ‘એ સાચું છે કે સમય વિતવાની સાથે અમારી ટીમ સામે ઘણી રુકાવટો આવી, આનાથી સભ્યો વચ્ચે વાતચીત પણ ઓછી થઈ ગઈ. હું તમને ખાતરી આપું છું કે અમે ટૂંક સમયમાં જ નવા પ્લાન સાથે જમીન પર ઉતરવાના છીએ.’
    Click here to Read More
    Previous Article
    તાલુકા કક્ષાએ બહિષ્કાર અમલમાં મૂકવા આદેશ,ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી:પગાર બિલ સમયસર નહીં બનતા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા PRAISA સોફ્ટવેરના બહિષ્કાર, SASથી કામ કરવા આદેશ
    Next Article
    "Special Moment": Shreyas Iyer After India's 3-0 Series Sweep Over Zimbabwe

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment