Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '30 ઇંચ વરસાદ ખાબકશે તો પણ સોસાયટીમાં પાણી નહી ભરાય':બોપલ લોકદરબારમાં પાણી-ગટરના પ્રશ્ને અમિત શાહે આપી ખાતરી, AMCનું આયોજન ટૂંકું પડ્યાનું સ્વીકાર્યું

    11 hours ago

    ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતા બોપલ, ઘુમા અને આંબલી વિસ્તારના સ્થાનિક નાગરિકો તેમજ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે એક વિશેષ લોકદરબાર યોજવામાં આવ્યો હતો. થલતેજ, બોપલ અને ઘુમા સહિતના પંથકોમાંથી આવેલા નાગરિકોએ રોડ-રસ્તા, પીવાનું પાણી અને ગટર બેક મારવાની ગંભીર સમસ્યાઓ અંગે ગૃહમંત્રી સમક્ષ સીધી રજૂઆત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્થાનિકોને સ્પષ્ટ ખાતરી આપતાં જણાવ્યું હતું કે, હવે પછી જ્યારે તેઓ મત માંગવા આવશે ત્યારે 30 ઇંચ જેટલો વરસાદ ખાબકે તો પણ સોસાયટીઓમાં પાણી ન ભરાય તે પ્રકારનું કાયમી આયોજન વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અને લોકદરબારનું આયોજન જુલાઈ મહિનામાં પડેલા અતિભારે વરસાદના કારણે સમગ્ર અમદાવાદ શહેરમાં જળબંબાકારની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં ખાસ કરીને બોપલ, આંબલી, શીલજ અને ઘુમા જેવા નવા વિકસિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી નાગરિકોની હાલત અત્યંત કફોડી બની હતી. રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસરગ્રસ્ત નાગરિકોની સીધી ફરિયાદો અને પાયાની રજૂઆતો સાંભળવા માટે આ લોકદરબારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરીઓ અને સ્થાનિક રહીશોએ વરસાદી પાણીના નિકાલ ઉપરાંત માળખાકીય વિકાસ કાર્યોને વેગ આપવા અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી. 50 વર્ષમાં 21 ઇંચ વરસાદ ક્યારેય નથી થયો: અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, તે ખાસ જોધપુર અને બોપલ વોર્ડના રહીશો તેમજ સોસાયટીના હોદ્દેદારોને રૂબરૂ મળવા આવ્યા છે. લોકદરબાર માટે ઘાટલોડિયાનું સૂચન આવ્યું હતું પરંતુ બોપલ અને આંબલીમાં સૌથી વધુ પાણી ભરાયું હોવાથી કાર્યક્રમ અહીં જ રાખવાનો નિર્ણય લેવાયો હતો. છેલ્લા 50 વર્ષમાં ક્યારેય એકસાથે 21 ઇંચ વરસાદ નોંધાયો નહોતો, જેના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આયોજનો ટૂંકા સાબિત થયા હતા. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે, બીજી વાર મત લેવા આવે તે પહેલાં 30 ઇંચ વરસાદમાં પણ પાણી ન ભરાય એવી સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. પાણી નિકાલની સીધી જવાબદારી મારી છે: અમિત શાહ વરસાદી પાણીના નિકાલની સમસ્યા અંગે સ્પષ્ટતા કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, આ મુશ્કેલી માટે મેયર કે મ્યુનિસિપલ કમિશનર નહીં પરંતુ, સંસદસભ્ય તરીકે તેઓ પોતે સીધી જવાબદારી સ્વીકારે છે અને તેનો કાયમી નિકાલ લાવશે. મુખ્યમંત્રી, મેયર અને કાઉન્સિલર તમામ પરિસ્થિતિથી વાકેફ છે પરંતુ, કુદરતી રીતે કલ્પના બહારનો વરસાદ પડ્યો હોવાનું સ્વીકારવું પડશે. જો 21 ઇંચ વરસાદ સામે 30 ઇંચની ક્ષમતા ઊભી કરીએ અને તેનાથી વધુ વરસાદ આવે તો તે મુજબ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવશે. 6 મહિનામાં જાસપૂરથી નર્મદાનું પાણી મળશે પોતાના પંચાયત કાળના દિવસોને યાદ કરતાં તેમણે ઉમેર્યું હતું કે આંબલી, બોપલ અને શેલા જેવા વિસ્તારો નવી વસાહતો છે અને તેના સંપૂર્ણ વિકાસ માટે તંત્ર કટિબદ્ધ છે. આ સમગ્ર પંથક માટે જાસપૂર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પીવાના પાણીનું આયોજન કરી દેવાયું છે અને વધુમાં વધુ 6 મહિનાની અંદર તમામ ઘરો સુધી નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. આ સાથે વરસાદી પાણીના નિકાલ અને નવી ગટર લાઈનોની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. મોસાળમાં જમવાનું અને મા પીરસનાર જેવી સ્થિતિ: અમિત શાહ લોકદરબારમાં ઉપસ્થિત રહેવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે, વરસાદ બાદ તેઓ તાત્કાલિક આવી શક્યા નહોતા અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાથી ખબર-અંતર પૂછવા રૂબરૂ આવ્યા છે. તેમણે તમામ સોસાયટીના ચેરમેનોને લેખિતમાં ફરિયાદો મોકલવા અનુરોધ કર્યો હતો. જેથી, દરેક પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોવાથી પ્રજાને કોઈ અગવડ નહીં પડવા દેવાય. બદલાયેલા ઋતુચક્ર સામે મજબૂત ડ્રેનેજનું પ્લાનિંગ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે બદલાયેલી ઋતુચક્રની પેટર્નના કારણે બોપલ અને આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળામાં 20 ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. આ કુદરતી આપત્તિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રે સતત ખડેપગે રહી રાહત અને પાણી નિકાલની કામગીરી પાર પાડી હતી. ભવિષ્યમાં ચોમાસા દરમિયાન નાગરિકોને નહિવત્ મુશ્કેલી પડે તે માટે મજબૂત ડ્રેનેજ અને સીસી રોડનું આગોતરું આયોજન કરી દેવાયું છે. મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અંડરપાસ અને જળસંચયના વિકાસકામો મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે બોપલ-ઘુમા વિસ્તારમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવો અંડરપાસ, વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી તેમજ સોસાયટીઓમાં રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પરકોલેશન વેલ, આરસીસી રોડ અને પેવર બ્લોકના કામો મંજૂર કરીને પૂર્ણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના દેશવ્યાપી અભિયાન હેઠળ તળાવોના ઇન્ટરલિંકિંગ અને રિચાર્જિંગ બોર દ્વારા જળસંચયનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મનપામાં ભળેલા વિસ્તારોને સમકક્ષ સુવિધાઓ આપવા સરકાર કટિબદ્ધ બોપલ અને ઘુમા વિસ્તાર પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયો હોવા છતાં શહેરના મુખ્ય વિસ્તારોની સમકક્ષ જ તમામ અત્યાધુનિક નાગરિક સુવિધાઓ અહીંના લોકોને મળે એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. આ લોકદરબાર દ્વારા સ્થાનિકો તરફથી મળેલા તમામ વાજબી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા તંત્ર કટિબદ્ધ છે. ₹143 કરોડના રિપેરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો મંજૂર: મેયર હિતેશ બારોટ મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે બોપલ-ઘુમા કોર્પોરેશનમાં ભળ્યા બાદ પીવાના પાણી માટે 11 જેટલી પાણીની ટાંકીઓ, જૂની કચરા ડમ્પિંગ સાઇટનું ઇકોલોજી પાર્કમાં રૂપાંતરણ, રોડ-રસ્તા, અર્બન હેલ્થ સેન્ટર અને સ્વિમિંગ પૂલ જેવા અનેકવિધ કામો સંપન્ન થયા છે. તાજેતરના ભારે વરસાદ બાદ પ્રાથમિક સર્વેના આધારે આ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે 143 કરોડ રૂપિયાથી વધુના રિપેરિંગ અને નવા માળખાકીય પ્રોજેક્ટ્સ શોર્ટ નોટિસ ટેન્ડર પ્રક્રિયા મારફતે શરૂ કરી દેવામાં આવ્યા છે. મંત્રીઓ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ આ લોકદરબારમાં રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય અમિત શાહ અને અમિત ઠાકર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર અને દંડક અતુલ મિશ્રા સહિત કોર્પોરેશન અને ઔડા (AUDA) ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિભૂષા સોસાયટી: ઓછા પાણી અને બેક મારતી ગટરની સમસ્યાની રજૂઆત બોપલ સ્થિત વિભૂષા સોસાયટીના કુંજનભાઈએ રજૂઆત કરી હતી કે, સોસાયટીના 170 મકાનોમાં દૈનિક 1.5 લાખ લીટર પાણીની જરૂરિયાત સામે માત્ર 50,000 લીટર પાણી જ મળે છે, જેથી પૂરતો પાણી પુરવઠો આપવામાં આવે. આ ઉપરાંત ઉમા વિસ્તારથી કબીર એન્ક્લેવ સુધીની સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇન બેક મારતી હોવાથી તેનો કાયમી નિકાલ લાવવા તેમજ બોપલ તળાવ પાસે ધીમી ગતિએ ચાલતા અંડરપાસનું કામ ઝડપથી પૂરું કરવા માંગ કરી હતી. ઇસ્કોન ગ્રીન સોસાયટી: બીયુ પરમિશન, બગીચો અને રોડ-ફૂટપાથના પ્રશ્નો ઇસ્કોન ગ્રીન સોસાયટીના નિમેષભાઈએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત સમયની જૂની સોસાયટી હોવાથી બીયુ (BU) પરમિશનના અભાવે વિકાસ કામો અટકી જાય છે, જેથી વૈકલ્પિક નિયમો બનાવી કામગીરી થવી જોઈએ. સોસાયટી સામે પડેલી ખુલ્લી અવાવરું જગ્યામાં સુંદર બગીચો બનાવવા, નર્મદાની પાઇપલાઇન ઝડપથી નાખવા, રત્ના તળાવથી ઉમા સુધી પાકો રોડ બનાવવા તેમજ સોબો સેન્ટરથી પ્રિન્સ કોર્નર સુધીની અધૂરી ફૂટપાથ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. અમીધારા સોસાયટી: બોપલ ડીપીએસ રોડ પહોળો કરવા માંગણી અમીધારા સોસાયટીના રુચિતભાઈએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, બોપલ ડીપીએસ (DPS) સ્કૂલ તરફ જતો મુખ્ય રોડ અત્યંત સાંકડો હોવાથી રોજિંદા ધોરણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારના નાગરિકો અને વાહનચાલકોની સુવિધા માટે આ માર્ગને તાત્કાલિક ધોરણે પહોળો અને પાકો ડામર રોડ બનાવવો અત્યંત જરૂરી છે. મદનમોહન અને મેરીગોલ્ડ સોસાયટી: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પૂલ અને એસી હોલની માંગ મદનમોહન સોસાયટીના સેજલબેન અને મેરીગોલ્ડ સોસાયટીના નિશાબેને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોનું આયોજન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે ત્યારે બોપલ-ઘુમા વિસ્તારના યુવાનો અને બાળકો માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવામાં આવે. આ સાથે જ મધ્યમવર્ગીય પરિવારો પોતાના સામાજિક-પારિવારિક પ્રસંગો સરળતાથી અને વ્યાજબી ભાવે ઉજવી શકે તે માટે એર-કન્ડિશન્ડ (AC) કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ બનાવવાની પણ માંગણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ પહોંચતા જ ડિજિટલ અરેસ્ટ વૃદ્ધા રડી પડ્યા, VIDEO:સાયબર ટેરરિઝમમાં નામ આવ્યાનું કહી રાજકોટના 77 વર્ષીય વૃદ્ધાને ઘરમાં કેદ રાખ્યા, 55 લાખ પડાવ્યા
    Next Article
    પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નરાધમ જેલમાં ધકેલાયો:રાજકોટમાં કેટરર્સમાં કામે જતી સગીરાને ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધી ફોટા પાડ્યા હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment