Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 સેકન્ડમાં અનાજનું ગ્રેડિંગ અને ફેક કોલની ઓળખ:ગુજરાત સરકારમાં AI ક્રાંતિ, IAS અધિકારીઓ પણ ટ્રેનિંગ લે છે

    4 days ago

    અત્યારે દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ચર્ચાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે જ દિલ્હીમાં ભારતીય AI સ્ટાર્ટ અપ્સ સાથે બેઠક કરીને તેમને સરકાર તરફથી સહયોગ મળશે તેવી ખાતરી આપી છે. ત્યારે ટેકનોલોજીમાં હંમેશા આગળ રહેતું ગુજરાત હવે AIના ઉપયોગમાં પણ આગળ છે. ગુજરાત સરકારે માત્ર AI વિભાગ જ નથી બનાવ્યો પણ સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ ઝડપથી મળે તે માટે નક્કર કામગીરી પણ શરૂ કરી દીધી છે. દિવ્ય ભાસ્કરે આ અંગે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) ના મેનેજર અંકિત સુથાર સાથે ખાસ વાતચીત કરીને જાણ્યું કે સરકારી કચેરીઓમાં AI કઇ રીતે ક્રાંતિ લાવી રહ્યું છે. અંકિત સુથાર AI અને સોફ્ટવેરને લગતું કામ સાંભળે છે. ગિફ્ટ સિટી AIનું હબ બન્યું ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવ્યું છે. અહીં હાલમાં 19 જેટલા સ્ટાર્ટઅપ્સ નવા-નવા સોલ્યુશન્સ બનાવી રહ્યા છે. સરકાર આ સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ અને ટેકનોલોજીના સાધનો પૂરા પાડે છે. અત્યાર સુધીમાં IAS અધિકારીઓથી લઇને સેક્રેટરી સુધીના 350થી વધુ ઉચ્ચ અધિકારીઓને માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવા નિષ્ણાતોએ ટ્રેનિંગ પણ આપી છે. AI સેન્ટરના ઉદઘાટન સમયે સરકારે નાસકોમ અને માઇક્રોસોફ્ટ સાથે ટેકનોલોજી પાર્ટનર તરીકે એમઓયુ કર્યા છે. 5 વર્ષ માટે 30 કરોડનું બજેટ પ્લાન કર્યું છે. જેમાં AI ઇનોવેશન ચેલેન્જ, ટ્રેનિંગ, યુઝ કેસ ડેવલપિંગ વગેરેનો પણ સમાવેશ થાય છે. 30 સેકન્ડમાં અનાજનું ગ્રેડિંગ થશે સામાન્ય રીતે ખેડૂતો જ્યારે APMCમાં અનાજ વેચવા જાય ત્યારે તેની ગુણવત્તા અને ભેજ તપાસવામાં ઘણો સમય લાગે છે. ઘણીવાર ભાવમાં પણ અન્યાય થવાની શક્યતા રહે છે. ફૂડ એન્ડ સિવિલ સર્વિસ વિભાગના સચિવ મોના ખંધારના માર્ગદર્શન હેઠળ ખેડા અને નડિયાદમાં એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં AI મશીન માત્ર 30 સેકન્ડમાં અનાજની ક્વોલિટી ચેક કરી લેશે જેથી ખેડૂતોને તેમના પાકનો સાચો ભાવ અને ઝડપી પેમેન્ટ મળી શકશે. આ પ્રોજેક્ટમાં 100થી વધુ ખેડૂતોને સામેલ કરાયા છે. જો આ પ્રોજેક્ટનું સારૂં પરિણામ મળ્યું તો અન્ય જગ્યાએ પણ તેનો અમલ કરાશે. રેલવે ટ્રેક પર પ્રાણી આવી જાય તો લોકોપાયલટને એલર્ટ મળશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ક્ષેત્રે એક સ્ટાર્ટ અપ એવું કામ કરી રહ્યું છે જેનાથી રેલવે ટ્રેક પર આવી જતાં પ્રાણીઓનો જીવ બચશે. જો કોઇ પ્રાણી રેલવે ટ્રેક પર આવી જાય તો કેમેરા અને AI લોકો પાયલટને તરત જ એલર્ટ આપશે. જેથી તે ટ્રેન રોકી શકે અને અકસ્માત સર્જાતો અટકાવી શકે. 112 પર આવતા ફેક કોલ પકડાઇ જશે! 112 નંબર પર આવતી ફરિયાદોમાં ઘણીવાર ફેક કોલ્સ આવતા હોય છે. હવે AI સિસ્ટમ એ ચેક કરશે કે સામેવાળી વ્યક્તિ કયા ટોનમાં વાત કરે છે, કયા શબ્દો વાપરે છે અને તેની ગંભીરતા કેટલી છે. ગુજરાતના સુરતી, કચ્છી, મહેસાણી જેવી બોલીના અલગ-અલગ લહેકા ઓળખવા માટે પણ એક મોડલ ટ્રેન કરવામાં આવી રહ્યું છે. જો કોઇ ફેક કોલ હશે તો AI તરત એલર્ટ આપશે. આ અંગે અંકિત સુથારે કહ્યું કે, અમને ગૃહ વિભાગે આ કામગીરી આપી હતી. અમુક સિલેક્ટ થયેલી સ્ટાર્ટ અપ એન્જન્સી આના પર કામ કરી રહી છે. 112 પર કોલ આવ્યા બાદ કઇ વસ્તુમાં શું પગલાં લેવા જોઇએ તે નક્કી થશે. AI અત્યારે 100% પરિણામ નથી આપી શકતું એટલે માનવીય હસ્તક્ષેપની જરૂર પડશે. 'અમે AI સેન્ટર ઓફ એકસલેન્સમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી તથા સરકારના વિભાગોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આવકારીએ છીએ. એ પછી AIથી તેનો ઉકેલ લાવવાનો અને અમલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેથી નાગરિકોને સારી રીતે અને સમયસર સર્વિસ આપી શકાય અને ગુજરાત સરકારના કર્મચારીઓને પણ લાભ મળે.' સરકારી વિભાગમાં AIનો ઉપયોગ 'અત્યાર સુધી હોમ ડિપાર્ટમેન્ટ, એગ્રીકલ્ચર, અર્બન ડિપાર્ટમેન્ટ અને સાયન્સ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાંથી 25 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ (AI પાસે આપણે શું કામ કરાવવું છે) ઓળખ્યા છે. હાલમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની ઘણી વેબસાઇટમાં ચેટ બોટ લોન્ચ કરેલું છે. અન્ય ઘણા પ્રોબ્લેમ એવા છે જેમાં ઇમેજથી ડેટા લઇને સિટીઝનના ફોર્મને સર્વિસ આપી શકીએ.' 'અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બિલ્ડિંગ પરમિશન વખતે પ્લાનની એક્યુરસી જોવાની હોય છે, GDCRના નિયમો પાળવાના હોય છે. તેમાં AIનો ઉપયોગ કરીને POC (પ્રૂફ ઓફ કન્સેપ્ટ) કરી રહ્યા છીએ. જેથી મેન્યુઅલ પ્રોસેસ ઓટોમેટિક થઇ શકે, ટાઇમ બચી શકે.' વિવિધ સરકારી વિભાગમાં AI કઇ જગ્યાએ અમલી બનાવી શકાય તેના પર કામ ચાલુ છે. એક એવી AI સિસ્ટમ ડેવલપ કરાશે જેથી કોઇ બિન અધિકૃત વાહન કોઇ જગ્યામાં ન પ્રવેશી શકે. આપણે જેને ઓથોરાઇઝ કરીએ તે જ વ્યક્તિ જ આપણી પ્રિમાઇસિસમાં આવી શકે. આ સિસ્ટમ પર ટ્રાય ચાલુ છે. આ માટે એક મોડલ તૈયાર થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે,અત્યારે વિવધ વિભાગોના નોડલ ઓફિસર્સ પ્રોબ્લેમ આપે છે. જેના પછી તેમને કેવા પ્રકારનું પરિણામ જોઇએ છે તેનો ડેટા કલેક્ટ કરીએ છીએ. એ પછી સ્ટાર્ટ અપ પોતાનો સોલ્યુશન આઇડિયા રજૂ કરે છે. AI કઇ જગ્યાએ ઇમ્પલિમેન્ટ કરી શકાય છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. 'આ સમયે ડિપાર્ટમેન્ટે આપેલા પેરામીટર એચિવ કરવાના હોય છે. એ એચિવ થયા બાદ તેને લાઇવ એન્વાયર્ન્મેન્ટમાં મૂકવામાં આવે છે. ત્યારે સિટીઝન ખરેખર એનો લાભ લઇ શકે છે. અત્યારે મુખ્યત્વે બધા આ સ્ટેજ પર છે.' અત્યાર સુધી AI રિલેટેડ કેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે તેના વિશે તેમણે કહ્યું કે, વન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, અન્ન અને પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ, કાયદા વિભાગ અને એરોસ્પેસ જેવા ઘણા ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. કુલ 23 પ્રૂફ ઓફ કોન્સેપ્ટ યુઝ કેસ પર કામ ચાલુ છે. ગિફ્ટ સિટીમાં AI એક્સપિરિયન્સ ઝોન 'ગિફ્ટ સિટીમાં AIનો એક્સપિરિયન્સ ઝોન બનાવવામાં આવેલો છે. જ્યાં આવા કેસ બનતા હોય છે. એ અંગેના સ્ટાર્ટઅપ ઇન્કયુબેટ કરવા આવેલા છે. હાલમાં 19 સ્ટાર્ટઅપ છે. જે AI સેન્ટર ઓફ એક્સેલન્સનો ઉપયોગ કરીને વિવિધ ડિપાર્ટમેન્ટ માટે સોલ્યુશન બનાવી રહ્યાં છે. અહીં દરેક વ્યક્તિ વિઝિટ કરી શકે છે.' AIના ઉપયોગ માટે સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી જેવા ઉચ્ચ અધિકારીઓને પણ ટ્રેનિંગ અપાઇ છે. અંકિત સુથારે જણાવ્યું કે, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સને ટ્રેનિંગ માટે અમે સાતેક જેટલા વર્કશોપ કર્યા છે. આ ઓફિસર્સમાં સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી જેવા અધિકારીઓ સામેલ છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, નાસકોમના લીડર્સને બોલાવીને આ અધિકારીઓને AI ફન્ડામેન્ટલ શિખવાડીએ છીએ. સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની NIC, GIPLની ટીમને પણ ટેકનિકલ ટ્રેનિંગ આપી છે. કયા વિભાગમાં AIનો કેવી રીતે ઉપયોગ થાય છે તેના વિશે પણ તેમણે માહિતી આપી. 'સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પી. ભારતીએ કહ્યા અનુસાર HODમાં AIનો અમલ કર્યો છે. અમે બાયોટેકનોલોજીમાં એઆઇની મદદથી રિસર્ચ કરી રહ્યાં છીએ. GILમાં પણ AIનો ઉપયોગ થઇ રહ્યો છે. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એમ. થેન્નારસનના માર્ગદર્શન હેઠળ બિલ્ડિંગ પરમિશન માટે પણ AIનો ઉપયોગ થઇ રહ્યો છે.' તેમણે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનું ઉદાહરણ આપતા કહ્યું, આ વિભાગમાં સ્ટાર્ટઅપની પોલિસી અપલોડ કરવામાં આવે છે. જેમાં ઘણા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. દરેક ઓફિસરે દરેક ડોક્યુમેન્ટ મેન્યુઅલી ડાઉનલોડ કરવા પડે, તેનું વેરિફિકેશન કરવું પડે. જેમાં ચારેક દિવસનો સમય લાગે. 4 દિવસનું કામ કેટલીક મિનિટોમાં 'અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે થોડી જ સેકન્ડમાં એક લેવલે ડોક્યુમેન્ટ વેરિફાઇ થઇ શકે એટલે કે એકવાર AI ડોક્યુમેન્ટ વેરિફાય કરે છે. એ પછી ઓફિસર મેન્યુઅલી વેરિફાઇ કરી શકે છે કે આમાં સાચું થયું છે કે નથી થયું. જેથી ચારેક દિવસનું કામ કદાચ કેટલીક મિનિટોમાં થઇ રહ્યું છે.' પહેલાં લોકોને AI મુશ્કેલ લાગતું પણ હવે ટ્રેનિંગ મળ્યાં પછી તેમને ખબર પડી કે તેનો ઉપયોગ સરળ છે. તેમણે કહ્યું, એક વર્ષ પહેલા ગુજરાત સરકારમાં AI ની કોઇ પ્રવૃત્તિ નહોતી. હવે ઘણા વર્કશોપ કર્યા છે. 350થી વધુ ઓફિસરોને ટ્રેઇન કર્યા છે. 1 હજારથી વધુ સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કર્યા છે. એનાથી 25 યુઝ કેસ ડેવલપ કર્યા છે. અત્યારે દરેક ડિપાર્ટમેન્ટ AI એડોપ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. જેનાથી લોકોને સારી સર્વિસ આપી શકે. નાગરિકોને અપાતી સેવા સરળ બને તેના પર ફોકસ અત્યારે સરકારનું ધ્યાન નાગરિકને અપાતી સર્વિસની પ્રોસેસ સરળ કરવા પર છે. આ અંગે તેમણે જણાવ્યું, નાગરિકોને અપાતી સરકારી સેવામાં ઘણા સ્ટેજ હોય છે. આ સ્ટેજને કેટલા ઓછા કરી શકાય તે મુખ્ય એજન્ડા છે. ઓફિસની કાર્યવાહીમાં પણ ઘણી જગ્યાએ ઘણા ડોક્યુમેન્ટને સમરાઇઝ કરીને ઓછા પેજ થઇ શકે છે. જેથી બધા પેજના બદલે એની સમરી વાંચીને ખ્યાલ આવી જાય કે આમાં શું છે અને જલ્દી નિર્ણય લઇ શકાય. AI સ્ટાર્ટઅપ માટે સરકાર જે પગલાં લઇ રહી છે તેની માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, AI સેન્ટર ઓફ એક્સેલન્સમાં ઇનોવેશન ચેલેન્જ ફ્લેગશિપ પ્રોગ્રામ છે. જ્યાં ભારત સરકાર દ્વારા અધિકૃત કરેલા સ્ટાર્ટઅપ ભાગ લઇ શકે છે. જેમને મેન્ટરશિપ, AI ટૂલ્સનો ઉપયોગ, કોર્સની ટ્રેનિંગ અપાય છે. 1 હજારથી વધુ સ્ટાર્ટઅપ અને MSMEને ઇન્ક્યુબેટ કરેલા છે અથવા ટ્રેનિંગ અપાયેલી છે. 10 સ્ટાર્ટઅપ AI સેન્ટર ઓફ એકસેલન્સમાં બેસે છે. જે યુઝ કેસ પર કામ કરે છે. 'ગુજરાત સરકારના વિવિધ વિભાગોની માહિતી સારી રીતે સમજીને કચ્છી, સુરતી, મહેસાણી લહેકામાં જવાબ મળે એ માટે કામ ચાલુ છે. ગુજરાતના કોઇપણ ખૂણાનો રહેવાસી પોતાની ભાષામાં પ્રશ્ન પૂછી શકે અને તેને એ જ ભાષામાં જવાબ મળી શકે.' અંકિત સુથારના મતે, AI ક્યારેય માણસનો વિકલ્પ નહીં બની શકે પણ તે હેલ્પિંગ હેન્ડ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    પિતાના અંતિમ સંસ્કાર માટે ઉધારી કરવી પડી!:ફિલ્મ ફ્લોપ થતાં પરિવાર થયો કંગાળ, બોલિવૂડની સૌથી મોંઘી ડિરેક્ટર ફરાહ ખાન સંઘર્ષ ગાથા રૂંવાડા ઊભા કરી દેશે
    Next Article
    ભાજપ MLAના 'પંચ'ને કયા અધિકારી સામે વાંકું પડ્યું?:કડીની વિઝિટ સમયે CMને આંખમાં એક વાત ખટકી પછી ગાંધીનગરથી શું આદેશ છુટ્યા? જુઓ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment