Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક મહિલાના 30 ટુકડા મળ્યા, સોયદોરાથી ડેડબોડી સાંધવી પડી:ઓળખ માટે લાશની પ્લાસ્ટિક સર્જરીનો ભારતનો સૌપ્રથમ કેસ, હત્યારાને ફાંસીએ લટકાવી દેવાયો

    6 hours ago

    30 જાન્યુઆરી, 1954. સવારે લગભગ સાડા પાંચ વાગ્યા હતા. કોલકાતાનો કાલીઘાટ વિસ્તાર ગાઢ ધુમ્મસથી છવાયેલો હતો. શહેર હજુ સંપૂર્ણ રીતે જાગ્યું ન હતું. એક સફાઈ કર્મચારી કેઓડાતાલા સ્મશાનની બાજુમાં આવેલા જાહેર શૌચાલયની બહાર હંમેશની જેમ સફાઈ કરી રહ્યો હતો. ત્યાં જ તેણે રસ્તાની બાજુમાં અખબારોનાં પાનાંમાં પેક થયેલાં અને નાળિયેરના દોરડાથી ચુસ્ત રીતે બાંધેલાં ત્રણ મોટાં બંડલ પડેલાં જોયાં. છાપાંનાં બંડલમાંથી માણસની આંગળીઓ દેખાતી હતી એકલદોકલ લોકો ત્યાંથી પસાર થયા, તેમનું ધ્યાન પણ આ બંડલો પર ગયું, પણ તેમણે કચરો માનીને તેના પરથી નજર હટાવીને ચાલ્યા ગયા. પરંતુ સફાઈ કર્મચારીની કામ કરવાની ગતિ ધીમી પડી ગઈ. તેનું ધ્યાન બંડલ પરથી હટતું નહોતું. તે ધીમેથી ત્રણેય બંડલની નજીક ગયો. નજીકથી નિરીક્ષણ કર્યા પછી, તેણે બંડલ પર સૂકા લોહીના ડાઘ અને ફાટેલાં અખબારમાંથી માનવ આંગળીઓ બહાર નીકળતી જોઈ. ત્યાં જ તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ. ‘ખૂન… મૃતદેહો… પુલીસ… કેઓ પુલીસ દાકુન…’ થોડીવારમાં જ ભીડ ભેગી થઈ ગઈ. તરત જ ટોલીગંજ પોલીસ સ્ટેશનમાં સમાચાર પહોંચ્યા. પોલીસ મારતી ગાડીએ ઘટનાસ્થળે પહોંચી. જ્યારે પોલીસે બંડલો ખોલ્યા, ત્યારે તેમની પણ આંખો પહોળી રહી ગઈ. પોટલાઓમાંથી 21 નવેમ્બર 1953ની તારીખ ધરાવતા ‘યુગાંતર’ અખબારમાં વીટેલા મહિલાના હાથના અઢળક ટુકડા મળ્યા. કોણીથી આંગળીઓ સુધી અનેક ટુકડામાં કપાયેલા હાથ. યોગ્ય કાર્યવાહી કરીને અને માનવઅંગોના ટુકડા લઇને પોલીસ ત્યાંથી રવાના થઈ. બીજે ઠેકાણેથી પણ અખબારમાં બાંધેલા માનવ અંગો મળ્યાં થોડા કલાકો પછી, બપોરે 1 વાગ્યાની આસપાસ, કાલીઘાટ પાર્કમાંથી બીજો રિપોર્ટ આવ્યો. એક પેટ્રોલિંગ ગાર્ડને ગીચ ઝાડીઓ વચ્ચે અખબારમાં લપેટાયેલા આવાં જ બંડલો મળ્યાં. જ્યારે તેણે અખબારનો એક ખૂણો ફાડ્યો ત્યારે તે પણ ચીસો પાડી ઊઠ્યો. તેમાં પણ માનવઅંગો હતાં! એક પેકેટમાં પગ, બીજામાં ધડ, ત્રીજામાં માથું હતું હવે, આ કેસ ફક્ત ટોલીગંજ પોલીસના હાથમાં ન રહ્યો. કોલકાતા પોલીસ મુખ્યાલય લાલબજારથી હોમિસાઇડ વિભાગની એક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. આખા પાર્કને ઘેરી લેવામાં આવ્યો, અને દરેક પેકેટ એક પછી એક ખોલવામાં આવ્યું. પહેલા પેકેટમાં એક મહિલાના પગના ટુકડા હતા, ઘૂંટણથી પગના પંજા સુધી. બીજામાં ધડ હતું, જે ત્રણ ભાગમાં કાપવામાં આવ્યું હતું. ત્રીજામાં એક માથું હતું, જેની આંખો કાઢી નાખવામાં આવી હતી. કાન, નાક અને હોઠ પણ કાપી નાખવામાં આવ્યા હતા, ચહેરા પરની ચામડી સંપૂર્ણપણે છોલી નાખવામાં આવી હતી, અને વાળ ઉખાડી લેવામાં આવ્યા હતા. કોઈપણ રીતે ચહેરો ઓળખી શકાય તેવો રહ્યો નહોતો. પરંતુ ચોથા પેકેટમાં જે મળ્યું તે આખી પોલીસ ટીમને સ્તબ્ધ કરી ગયું. એક સંપૂર્ણ વિકસિત ગર્ભ, એક બાળક જેની થોડા કલાકો કે દિવસોમાં જન્મવાની શક્યતા હતી, પરંતુ તેની માતાના ગર્ભમાં જ તેની હત્યા કરવામાં આવી હતી. ઝાડીઓમાં શોધ ચાલુ રહી, ત્યારે બીજું એક પોટલું મળી આવ્યું, જેમાં જાંઘના ટુકડા હતા. મહિલાની સાથે ગર્ભસ્થ શિશુની લાશ પણ મળી 30 જાન્યુઆરીની એ રાત સુધીમાં કોલકાતા પોલીસ પાસે એક ગર્ભવતી મહિલાની ડઝનબંધ ટુકડાઓમાં વહેંચાયેલી લાશ અને એક મૃત ભ્રૂણ હતું. પરંતુ તે મહિલાનું કોઈ નામ, ઓળખ કે ઇવન ચહેરો નહોતો. પોલીસની સામે બે પ્રશ્નો હવામાં લટકતા હતાઃ આ મહિલા કોણ હતી અને તેની સાથે આવું રાક્ષસી કૃત્ય કોણે કર્યું? જ્યારે આ કેસનું ઇન્વેસ્ટિગેશન આગળ વધ્યું ત્યારે તે આખા દેશના સૌથી શોકિંગ ક્રાઇમ્સમાં સામેલ થયો. એટલું જ નહીં, આજથી સાત દાયકા પહેલાંના એ સમયમાં, જ્યારે મેડિકલ સાયન્સ હતું ભાંખોડિયાં ભરતું હતું, ત્યારે ભારતમાં સૌપ્રથમવાર કોઈ મૃત વ્યક્તિની ઓળખ કરવા માટે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લેવામાં આવ્યો હતો. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ કોલકાતાના એ જ ચકચારી કેસની. *** આઠ કલાક ‘લાશનું દરજીકામ’ અને શબ પર દેશની પહેલી પ્લાસ્ટિક સર્જરી બીજા દિવસે શરીરના બધા ભાગો કોલકાતાની નીલ રતન સરકાર મેડિકલ કોલેજ હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા. ડોકટરોની એક ખાસ ટીમને બોલાવવામાં આવી, જેમણે સોય અને દોરાથી સાતથી આઠ કલાકની મહેનત પછી શરીરના ભાગોને લિટરલી એકબીજા સાથે જોડીને સાંધ્યા. કોઈ ખોફનાક જિગસો પઝલ જોડતા હોય તે રીતે 30થી વધુ બોડી પાર્ટ્સ જોડવામાં આવ્યા. ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ કરાયું. તેમાં જાણવા મળ્યું કે મહિલાનું મૃત્યુ ગરદન પર ઊંડા, તીક્ષ્ણ ઘાથી થયું હતું. આ ઘા ‘એન્ટિમોર્ટમ’ હતો, યાને કે આ ઘા મહિલાના મૃત્યુ પહેલાં થયો હતો, જ્યારે બાકીના શરીરની કાપકૂપ ‘પોસ્ટમોર્ટમ’ હતી, યાને કે હત્યા કરાયા પછી. મહિલાની જાંઘ પર એ ડાઘ શેનો હતો? ડોકટરોએ બે સૂક્ષ્મ વિગતો નોંધી, જે પાછળથી આ કેસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈઃ મહિલાના પગનાં તળિયાં સામાન્ય કરતાં મોટાં હતાં, અને તેની એક જાંઘ પર બાળપણમાં થયેલી ઈજાના જૂના ડાઘ હતા. લાશનો ચહેરો શોધવા ખોપરીની પ્લાસ્ટિક સર્જરી કરીએ તો? શબઘરમાં હાજર કોલકાતા હોમિસાઈડ ડિપાર્ટમેન્ટના ઈન્સ્પેક્ટર સમરેન્દ્રનાથ ઘોષે એક અનોખો નિર્ણય લીધો. લેખક સુપ્રતિમ સરકાર તેમના પુસ્તક ‘મર્ડર ઇન ધ સિટી’ માં લખે છે કે ઘોષે વિચાર્યું કે લાશના વિકૃત કરી દેવાયેલા ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરીને ચહેરો રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવે, તો મહિલાનો સંભવિત ચહેરો બહાર આવી શકે. તેનો ફોટોગ્રાફ અખબારોમાં પ્રકાશિત કરીએ તો કેસ સોલ્વ કરવામાં મદદરૂપ થઈ શકે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલાં ક્યારેય કોઈ મૃતદેહ પર આવી સર્જરી કરવામાં આવી ન હતી. શિલ્પકારોએ ખોપરી બનાવી, તેના પર સાચી ચામડી લગાવી આ કાર્ય માટે દેશના સૌથી પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડૉ. મુરારી મોહન મુખર્જીને બોલાવવામાં આવ્યા. તેઓ કોલકાતાની કરનાની હોસ્પિટલ (હવે SSKM હોસ્પિટલ)માં પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા હતા. તે સમયે આ ભારતની એકમાત્ર હોસ્પિટલ હતી જ્યાં ડેડિકેટેડ પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ હતો. ડૉ. મુખર્જીને મહિલાનો કોઈ ફોટોગ્રાફ કે અન્ય કોઈ ક્લૂ મળ્યા નહીં. કોઈ પણ રેફરન્સ વિના ચહેરો બનાવવો લગભગ અશક્ય કાર્ય હતું. છતાં, તેમણે સંમતિ આપી. પહેલાં ખોપરીનાં હાડકાંની માટીની પ્રતિકૃતિ બનાવવા માટે શિલ્પકારોને બોલાવવામાં આવ્યા, પછી તેના પર વાસ્તવિક ત્વચા લગાવવામાં આવી. નાક, કાન અને હોઠને શક્ય તેટલું તેમના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અલબત્ત, આ બધી પ્રોસેસ થઈ ત્યાં સુધીમાં શરીર સડવા લાગ્યું હતું, તેથી કાર્ય સંપૂર્ણપણે પૂરું થઈ શક્યું નહીં. જોકે, આશા હતી કે કદાચ ચહેરો ઓળખી શકાય તેવો તો થઈ જાય. જે અખબારમાં લાશ મળી, તેમાં જ ફોટા છપાયા પોલીસે રિકન્સ્ટ્રક્ટ થયેલા ચહેરાનો ફોટોગ્રાફ લીધો અને તે સમયનાં અખબારોમાં પ્રકાશિત કર્યો. વક્રતા જુઓ કે થોડા દિવસો પહેલાં આ જ મહિલાના મૃતદેહના ટુકડાઓને ‘યુગાંતર’ અખબારનાં પાનાંમાં વીંટીને ફેંકી દેવાયેલા, હવે એ જ અખબારમાં તેનો ફોટો છપાયો હતો. તે ઉપરાંત આખા કલકત્તામાં પોસ્ટરો ચોંટાડવામાં આવ્યાં હતાં. પરંતુ અઠવાડિયાં વીતી ગયાં, અને કોઈ સુરાગ મળ્યો નહીં. કલકત્તાના શબઘરમાં ત્યારે આજના જેટલાં ડીપ ફ્રીઝર નહોતાં, અને કાયદાની દૃષ્ટિએ પણ બિનવારસી મૃતદેહને આટલા લાંબા સમય સુધી રાખી શકાય તેમ નહોતો. આખરે વીસ દિવસ પછી પોલીસને તે અજાણી મહિલાના બિનવારસી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી. જોકે વાળ, હાડકાંના નમૂના અને ફોટોગ્રાફ્સ તપાસ માટે પહેલેથી જ સાચવી રાખવામાં આવ્યાં હતાં. લગભગ એક મહિનો વીતી ગયો હતો, અને લાલબજાર ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટે લગભગ બધી આશાઓ છોડી દીધેલી. પોલીસ દવાની દુકાને અને કેસમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવ્યો 25 ફેબ્રુઆરી, 1954 ની રાત હતી. લગભગ 9:30 વાગ્યાની આસપાસનો સમય હતો. ઇન્સ્પેક્ટર સમરેન્દ્ર ઘોષ પોતાની ડ્યુટી પરથી ઘરે પાછા ફરી રહ્યા હતા. તેમને ઠંડીમાં ઉધરસ આવવા લાગી, તેથી તેઓ ‘સાઉથ કલકત્તા ફાર્મસી’ નામની દુકાન પર દવા ખરીદવા માટે રોકાયા, જે બંધ થવાની તૈયારીમાં હતી. કાઉન્ટર પરના માણસે તેમને કહ્યું કે દુકાનમાં કફ સિરપ ખતમ થઈ ગયા છે. ઘોષ ગુસ્સે ભરાયા: ‘મેડિકલ સ્ટોર ખોલી રાખ્યો છે અને છતાં કફ સિરપ જેવી બેઝિક દવા પણ નથી?’ સામેથી જવાબ મળ્યો, ‘હું શું કરું, સાહેબ? દુકાનના માલિક છેલ્લા મહિનાથી મને જાણ કર્યા વિના ગુમ છે.’ મેડિકલ સ્ટોરનો માલિક એક મહિનાથી ક્યાં ગાયબ હતો? શરૂઆતમાં ઘોષને આ વાત નજીવી લાગતી હતી, પણ કારમાં બેસતાંની સાથે જ તેમના મનમાં તારીખો ઝબકી ગઈ. બરાબર એક મહિના પહેલાં જ તે અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો, આ દુકાન એ જ વિસ્તારમાં હતી, અને તેનો માલિક એટલા જ સમયથી ગાયબ છે. આ કોઈ સંયોગ ન હોય તેવું લાગ્યું. તેણે કારને ટર્ન માર્યો, દુકાન પર પાછા ફર્યા, અને દવાની દુકાનના માલિકનું સરનામું મેળવ્યુંઃ વીરેન્દ્રનાથ દત્તા, ઉર્ફે ‘બેચુ’, જે ટર્ફ રોડ પર શંભુનાથ પંડિત હોસ્પિટલ પાસે રહેતો હતો. ગર્ભવતી પત્ની ગાયબ હતી, હોસ્પિટલમાં કોઈ એન્ટ્રી નહોતી તે જ રાત્રે પોલીસ વીરેન્દ્રના ઘરે પહોંચી. ઘરે તાળું લટકતું હતું. પાડોશીઓએ કહ્યું કે વીરેન્દ્ર તેની ગર્ભવતી પત્ની બેલા અને તેમના છ વર્ષના પુત્ર સાથે રહે છે, પરંતુ 30 જાન્યુઆરીથી કોઈએ તેમને જોયા નથી. જતા સમયે વીરેન્દ્રએ બેલાને ડિલિવરી માટે શિશુ મંગલ હોસ્પિટલમાં લઈ જવાની વાત કરી હતી. પોલીસે હોસ્પિટલમાં ફોન કર્યો. જવાબ મળ્યો કે છેલ્લા મહિનામાં ‘બેલા દત્તા’ નામની કોઈ મહિલા ત્યાં દાખલ થઈ નથી. ઇન્સ્પેક્ટર ઘોષના મગજમાં કડીઓ ફટાફટ જોડાવા લાગી. તપાસમાં જાણવા મળ્યું કે વીરેન્દ્રનું બીજું સરનામું છેઃ હરીશ મુખર્જી રોડ, ટર્ફ રોડથી થોડા મીટર દૂર. પોલીસે ચૂપચાપ તે વિસ્તારને ઘેરી લીધો. ફિલ્મોમાં કામ કરતા વીરેન્દ્રને એક્ટિંગ કામે ન લાગી 27 ફેબ્રુઆરી, 1954ની ધુમ્મસભરી સવાર હતી. વીરેન્દ્ર એક ગરમ શાલમાં પોતાનો ચહેરો ઢાંકીને ઘરમાંથી બહાર નીકળ્યો. પોલીસ તેનો પીછો કરવા માટે ટાંપીને જ બેઠી હતી. આખરે કેદાર બોઝ રોડ પાસે પોલીસે તેને રોક્યો. ‘શું તમે વીરેન્દ્ર દત્તા છો? શું બેલા દત્તા તમારી પત્ની છે? મને કહો, બેલા હવે ક્યાં છે?’ વીરેન્દ્ર વિશે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે તે શોખથી નાટકોમાં કામ કરતો અને બંગાળી ફિલ્મોમાં પણ નાની-મોટી ભૂમિકાઓ ભજવતો હતો. તેણે પોતાની એક્ટિંગની તમામ કાબેલિયત કામે લગાડીને ઢોંગી ઉદાસી સાથે કહ્યું, ‘બેલા કોઈ બીજા સાથે ભાગી ગઈ છે.’ પરંતુ પોલીસને તેની એક્ટિંગમાં એક ટકો પણ વિશ્વાસ ન બેઠો અને તેને ગાડીમાં નાખીને લાલબજાર હેડક્વાર્ટર લઈ ગઈ. આખો દિવસ તેને પોલીસ સ્ટેશનના બાંકડે બેસાડી રખાયો. મોડી સાંજે તેની પૂછપરછ શરૂ થઈ, જે છેક અડધી રાત સુધી ચાલી. પોલીસે એક ચાલાક સાયકોલોજિકલ ગેમ રમીઃ વીરેન્દ્રએ કહેલી બધી બનાવટી વાર્તાઓની શાંતિથી નોંધ લીધી. એકપણ વખત તેને અટકાવ્યો નહીં. વીરેન્દ્રને લગભગ ખાતરી કરાવી દીધી કે પોલીસને તેની સ્ટોરીમાં પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો છે. ‘સાહેબ, મેં જ એની હત્યા કરીને શરીરના ટુકડા કરી નાખ્યા છે’ પછી અચાનક ઇન્સ્પેક્ટર ઘોષે પોતાનો ટોન ચેન્જ કર્યો અને અણિદાર સવાલોનો મારો ચલાવ્યોઃ હોસ્પિટલમાં બેલાનો કોઈ રેકોર્ડ કેમ નહોતો? તે એક મહિનાથી દુકાનમાંથી કેમ ગાયબ હતો? ટર્ફ રોડ પરનું ઘર કેમ બંધ હતું? કડકડતી ઠંડીમાં પણ વીરેન્દ્ર પરસેવે રેબઝેબ થઈ ગયો. અચાનક એ ટેબલ પર માથું ઢાળીને ધ્રૂજતો ધ્રૂજતો રડવા માંડ્યો, ‘સાહેબ, મેં તેને મારી નાખી છે. એના શરીરના ટુકડે ટુકડા કરીને ફેંકી દીધા છે. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.’ માતા-પિતા મૃત્યુ પામ્યાં, દીકરો અપલક્ષણો પાક્યો તેની કબૂલાત પછી સાચી અને ખોફનાક ગુનાની સ્ટોરી બહાર આવી. વીરેન્દ્રનો જન્મ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં થયો હતો. તે માંડ એક વર્ષનો હતો ત્યારે જ તેનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. થોડાં વર્ષ દાદા-દાદી સાથે ઊછર્યો. પછી તેનો પિતરાઈ ભાઈ તેને લઇને કલકત્તા આવ્યો અને ત્યાંના ભવાનીપુર એરિયામાં આવેલી રામરિક ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ કરાવ્યો. પરંતુ વીરેન્દ્રને ભણવામાં ઓછો અને અપલક્ષણોમાં વધુ રસ હતો. આઠમા ધોરણમાં જ તે ઘર છોડીને ચાલ્યો ગયો. તે હાવડાના આંદુલમાં તેની બહેનના ઘરે રહ્યો અને તેના સાળાની ફાર્મસીમાં કામ કરવાનું શીખ્યો. થોડાં વર્ષો પછી તેના પરિવારે તેને માફ કરી દીધો અને તેને પાછો બોલાવ્યો, અને તેના સાળાએ તેને ભવાનીપુરમાં ‘સાઉથ કોલકાતા ફાર્મસી’ નામની દુકાન ભેટમાં આપી. દરમિયાન વીરેન્દ્રને થિયેટર અને ટોલીગંજ ફિલ્મોમાં અભિનય કરવાનો શોખ પણ વિકસ્યો. તેણે લગભગ છ બંગાળી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી, જેમાં એકમાં તો દિગ્ગજ બંગાળી એક્ટર ઉત્તમ કુમાાર હીરો હતો. 17 વર્ષની સગી ભત્રીજીના પ્રેમમાં પડ્યો, ભાગીને લગ્ન કરી લીધાં કોલકાતામાં જ વીરેન્દ્રને પોતાની 17 વર્ષની ભત્રીજી કમલા સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે પરિવારે લોહીના સંબંધમાં લગ્નનો વિરોધ કર્યો, ત્યારે બંને ભાગી ગયાં અને સદાનંદ રોડ પર ભાડાના રૂમમાં રહેવા લાગ્યાં. બદનામીના ડરથી ભાઈઓએ પોલીસ કેસ દાખલ કર્યો નહીં; તેઓએ ફક્ત સંબંધ તોડી નાખ્યો. વીરેન્દ્રએ કમલા સાથે લગ્ન કર્યાં, પરંતુ ક્યારેય કાયદેસર રીતે લગ્નની નોંધણી કરાવી નહીં, અને તેને એક નવું નામ આપ્યુંઃ બેલા રાની દત્તા. થોડાં વર્ષો પછી તેમને એક પુત્ર બતીન્દ્રનાથ ઉર્ફે ‘બોટન’નો જન્મ થયો. જેમ જેમ પરિવાર વધતો ગયો, તેઓ ટર્ફ રોડના ઘરમાં રહેવા જતાં રહ્યાં. લગ્ન પછી ફરી પ્રેમમાં પડ્યો, એકસાથે બબ્બે પત્નીઓ રાખી પરંતુ સમય જતાં વીરેન્દ્રનું મન ભટકતું રહ્યું. તેને મીરાં બાસુ નામની બીજી સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો અને 1948માં તેની સાથે કાયદેસર રીતે લગ્ન કર્યાં. આ વાત તેણે બેલાથી સંપૂર્ણપણે છુપાવી રાખી. તેણે ટર્ફ રોડથી થોડે દૂર હરીશ મુખર્જી રોડ પર મીરાં માટે એક અલગ ઘર ભાડે રાખ્યું, અને બેવડું જીવન શરૂ કર્યું. તે બપોરનું ભોજન બેલા સાથે કરતો અને મીરાંને કહેતો કે બપોરે તે કેન્ટીનમાં ખાય છે; તે મોટાભાગની રાતો મીરાં સાથે વીતાવતો, તેને કહેતો કે તેને દવાનો સ્ટોક ભરવા માટે અવારનવાર શહેરની બહાર જવું પડે છે. ડ્રગ્સ, જુગાર, દારૂ અને વેશ્યાગમન… વીરેન્દ્રનું અસલ વ્યક્તિત્વ 1953માં મીરાંએ પણ એક પુત્રને જન્મ આપ્યો. ડ્રગ્સ, જુગાર અને દેવાનાં તેના વ્યસન સતત રહ્યા, અને બંને ઘર ચલાવવાના દબાણે તેને અંદરથી ખતમ કરી નાખ્યો. જ્યારે બેલા બીજી વખત ગર્ભવતી થઈ અને તેને મીરાં વિશે ખબર પડી. ત્યારે વીરેન્દ્ર તદ્દન નામક્કર ગયો અને તેણે તે બાળક પોતાનું હોવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. અહીંથી જ તેના મનમાં બેલાની હત્યા કરવાના શેતાની વિચારે જન્મ લીધો. ગર્ભવતી પત્નીને પછાડી, દાતરડાથી ગળું કાપી નાખ્યું 27 જાન્યુઆરી, 1954. રાત્રે લગભગ 10:30 વાગ્યે. વીરેન્દ્ર ટર્ફ રોડ પરના પોતાના ઘરે આવ્યો. નવ મહિનાની ગર્ભવતી બેલા તેના છ વર્ષના પુત્ર સાથે ત્યાં હતી. હંમેશની જેમ તેણે રાત્રિભોજન પીરસ્યું, પરંતુ આ વખતે બંને વચ્ચે ઝઘડો થયો. ગુસ્સામાં વીરેન્દ્ર સાવ છેલ્લી પાટલીએ બેઠો. એણે બેલાના ગર્ભમાં રહેલા બાળકને અપનાવવાની ચોખ્ખી ના પાડી દીધી. જવાબમાં બેલાએ વીરેન્દ્રના બીજાં લગ્ન, અન્ય લફરાં અને બાળકની વાત કરી. લાશ કબાટમાં પૂરી, લોહી ફિનાઇલથી સાફ કર્યું ગુસ્સાથી ઊકળી ઊઠેલા વીરેન્દ્રએ પૂરા દિવસોની ગર્ભવતી બેલાને લાત મારીને પછાડી દીધી. એટલું જ નહીં, રસોડામાંથી એક દાતરડું લઈ આવ્યો અને બેલાના ગળા પર પૂરા પાશવી જોશથી વાર કર્યો. એક ઝાટકે જ બેલાનું ગળું ફાટી ગયું અને તેનું મૃત્યુ થઈ ગયું. વીરેન્દ્રએ બેલાના શરીર પરથી બધાં જ ઘરેણાં કાઢી લીધાં. તેનો મૃતદેહ કબાટમાં મૂકીને ફિનાઈલથી લોહીના ડાઘા સાફ કરી નાખ્યા. પછી જાણે કશું થયું જ ન હોય તેમ પોતાના છ વર્ષના દીકરા સાથે સૂઈ ગયો. ઘેરબેઠાં લાશના ત્રીસ ટુકડા કર્યા, પોટલાંમાં પેક કર્યાં બીજા દિવસે સવારે એણે પોતાના પાડોશીઓને કોઈ મનઘડંત વાર્તા કહીને દીકરાને પાડોશીને ત્યાં મૂક્યો. દુકાનમાંથી ‘યુગાંતર’ અખબારની થપ્પી લઈ આવ્યો. 28 જાન્યુઆરીની રાત્રે એણે ઘરે બેઠાં બેઠાં ધારદાર દાતરડાથી બેલાનાં હાથ, પગ, ધડ અને જાંઘના ટુકડા કરી નાખ્યા. ઓળખ ન થાય એટલા માટે આંખો, નાક, કાન, ચહેરો કાપી નાખ્યાં કોઇપણ રીતે બેલાની ઓળખ ન થઈ શકે તે માટે તેણે બેલાની આંખો, કાન, નાક, હોઠ અને તેના ચહેરા પરની ચામડી પણ કાપી નાખી. ઇવન, તેના વાળ પણ ચામડીસોંતા કાપી નાખ્યા. જાણે કોઈ સામાન ભરતો હોય તેવી નિર્દયતાથી એણે બેલાના શરીરના બધા ટુકડા અખબારનાં પાનાંમાં વીંટ્યા અને નાળિયેરના દોરડાથી બાંધીને પોટલા બનાવી દીધા. પહેલી પત્નીનું બાળક બીજી પત્નીને સોંપી દીધું બીજા દિવસે રાત્રે એણે આ બંડલોને થેલામાં પેક કર્યાં અને રિક્ષામાં નાખ્યાં. તેમાંથી કેટલાક કાલીઘાટ પાર્કની ઝાડીઓમાં અને બાકીના કેઓદતાલા સ્મશાનગૃહ પાસે ફેંકી દીધા. પછી તે તેના દીકરાને મીરાંના ઘરે લઈ ગયો અને ખોટું બોલ્યો કે એક સંબંધીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે અને અનાથ બાળક તેનું છે. મીરાંએ તેના પર વિશ્વાસ કરીને બોટનને છાતીસરસો ચાંપી લીધો. મૃત પત્નીનાં વાળ અને લોહીએ ચાડી ફૂંકી પૂછપરછ દરમિયાન વીરેન્દ્રના નિવેદનના આધારે પોલીસે ટર્ફ રોડ સ્થિત ઘરના રસોડામાંથી હત્યાનું હથિયાર જપ્ત કર્યું, જે કાયદેસર રીતે મહત્ત્વપૂર્ણ હતું. ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ કસ્ટોડિયલ સ્ટેટમેન્ટ ફક્ત ત્યારે જ માન્ય ગણાય જો તે નવી રિકવરી તરફ દોરી જાય. વીરેન્દ્રએ ફિનાઇલથી ઘર સાફ કર્યું હતું, પરંતુ બેલાના વાળના કેટલાક તાંતણા દાતરડા અને ફિનાઇલ બોટલ પર ચોંટી ગયા હતા; કબાટના ખૂણામાં અને ફ્લોરની તિરાડોમાં સુકાયેલા લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા, જે લેબોરેટરી ટેસ્ટમાં બેલાના હોવાનું પુષ્ટિ થઈ હતી. ‘નો ડેડબોડી, નો કેસ’ કોર્ટમાં વીરેન્દ્રના વકીલોએ ‘નો ડેડબોડી, નો કેસ’ની સ્ટ્રેટેજી અપનાવી. તેમણે દાવો કર્યો કે જેના ટુકડા મળી આવ્યા છે તે શરીર બેલાનું છે જ નહીં, અને બેલા તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આ એ સમયનો કેસ છે જ્યારે DNA ટેસ્ટિંગ જેવી કોઈ પદ્ધતિ અસ્તિત્વમાં નહોતી (વિશ્વમાં DNA પુરાવાનો પ્રથમ ઉપયોગ 1986માં લેસ્ટર, ઇંગ્લેન્ડમાં એક કેસમાં થયો હતો). ત્યાં જ કોર્ટમાં ઇન્સ્પેક્ટર ઘોષે પોસ્ટમોર્ટમ વખતે નોંધાયેલી બે સૂક્ષ્મ વિગતો યાદ કરી. એક, પગનો અસામાન્ય રીતે મોટો પંજો અને જાંઘ પર જૂનો ઘા. તેમણે જોયું કે બેલાના પરિવારના પુરુષો તેના પિતા, કાકા અને ભાઈઓના પણ પગ એટલા જ મોટા હતા. ઘોષે કલકત્તા યુનિવર્સિટીના એન્થ્રોપોલોજી (માનવશાસ્ત્ર) વિભાગના વડા ડૉ. એસ. એસ. સરકારને પત્ર લખીને બેલાના પગની પરિવારના પગ સાથે સરખામણી કરવાની વિનંતી કરી. ડૉ. સરકારે તેમના લેખિત રિપોર્ટમાં પુષ્ટિ આપી કે આ ચોક્કસપણે એક જ પરિવારના સભ્યોના પગ હતા. ભારતીય ન્યાયિક ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે હત્યાના કેસમાં એન્થ્રોપોલોજિકલ રિપોર્ટનો ઉપયોગ આધાર તરીકે કરવામાં આવ્યો હતો. ‘હા, આ મારી દીકરીની જ લાશ છે’ બેલાની માતાની જુબાની પણ મહત્ત્વપૂર્ણ હતી. જ્યારે તેને શરીરના ભાગો બતાવવામાં આવ્યા, ત્યારે તેણે તેની જાંઘ પર એક જૂનો ડાઘ ઓળખ્યો અને કહ્યું કે બેલા (વાસ્તવિક નામ કમલા)ને આઠ વર્ષની ઉંમરે રમતી વખતે પણ આ જ ઈજા થઈ હતી. મીરાંએ એ પણ જુબાની આપી કે હત્યાના એક અઠવાડિયા પહેલાં વીરેન્દ્રએ તેને કહ્યું હતું કે તે તેના ‘મિત્રના અનાથ બાળક’ને દત્તક લેવાનું છે, જે ખરેખર તેનો પોતાનો પુત્ર બોટન હતો. આનાથી કોર્ટ સમક્ષ સાબિત થયું કે હત્યા પૂર્વયોજિત હતી. પોલીસે એ પણ બતાવ્યું કે વીરેન્દ્રની દુકાનમાં જૂનાં અખબારોનાં બંડલ પડ્યાં હતાં, જેમાંથી ચોક્કસ એ જ તારીખોનાં અખબારો ગાયબ હતાં, જેમાં બેલાના શરીરના ટુકડા વીંટાળવામાં આવ્યા હતા. હત્યારાને કોલકાતાની જેલમાં ફાંસીએ લટકાવી દેવાયો બચાવ પક્ષે છેક સુધી દલીલ કરી હતી કે કોઈ સાક્ષીએ વીરેન્દ્રને શરીરના ભાગો ઉપાડતા જોયો નથી, શરીરના કેટલાક ભાગ ક્યારેય મળ્યા નથી, અને DNA પરીક્ષણ વિના ઓળખ અધૂરી છે. પરંતુ કોર્ટે સર્કમસ્ટેન્શિયલ પુરાવા, ફોરેન્સિક રિપોર્ટ્સ, એન્થ્રોપોલોજિકલ રિપોર્ટ્સ અને જુબાનીઓને પૂરતા માન્યા. કોર્ટે તેને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ જાહેર કર્યો અને વીરેન્દ્રને મૃત્યુદંડની સજા ફટકારી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેમાં અરજીઓ ફગાવી દેવામાં આવી, અને 28 જાન્યુઆરી, 1956ની સવારે, હત્યાના દિવસના બરાબર બે વર્ષ પછી વીરેન્દ્રનાથ દત્તને કલકત્તાની અલિપોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી. બીજી પત્ની અને બાળકો ક્યાં ગાયબ થઈ ગયાં? બેલા રાની દત્તા હત્યા કેસને આજે પણ ઇન્ડિયન ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. દેશમાં મૃતદેહ પર પ્લાસ્ટિક સર્જરી અને હત્યા કેસમાં પ્રથમ માનવશાસ્ત્ર અહેવાલ બંને રીતે તે સૌથી પહેલો કેસ હતો. જોકે, આ આખી સ્ટોરીનો એક ભાગ હંમેશાં અધૂરો રહ્યો છે. ફાંસી પછી વીરેન્દ્રની બીજી પત્ની મીરાં બાસુ અને બેલાના મોટા પુત્ર બોટનનું શું થયું તેનો કોઈ નક્કર દસ્તાવેજી રેકોર્ડ નથી. કોઇપણ પુસ્તકો પુસ્તકો કે મીડિયા રિપોર્ટ્સમાં પણ એ વાતનો ઉલ્લેખ નથી કે કેસ અને ફાંસી પછી મીરાં અને બોટનનું શું થયું. આ સિત્તેર વર્ષ જૂનો કેસ એ અર્થમાં અધૂરો રહે છે કે તેનાં બે સૌથી નિર્દોષ પાત્રોની આગળની વાર્તા ઇતિહાસનાં પાને ક્યાંય નોંધાઈ નથી.
    Click here to Read More
    Previous Article
    સામે પક્ષે પણ મારઝૂડ, મારી નાખવાની ધમકી આપી:કડિયાળી ગામે મકાન રિપેરિંગના કામે ગયેલા મજૂરને માર માર્યો
    Next Article
    "પહેલાં કેશલેસની આદત પાડી, હવે ખિસ્સા ખંખેરશે", VIDEO:GST-ઇન્કમટેક્સ તો આપીએ જ છીએ તો હવે UPI પર નવો ચાર્જ કેમ? જાણો ટેક્સને લઈને શું બોલ્યા અમદાવાદી વેપારીઓ

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment