Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાનમાં હાર્ટ એટેકથી 3ના મોત:જામનગર મનપામાં AAPના ઉમેદવારનું નિધન; ગરમી 44 ડિગ્રી અને મતદાન 57%

    1 day ago

    લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે(26 એપ્રિલ) મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. ગુજરાતમાં આજે કાળઝાળ ગરમીએ માજા મૂકી હતી. રાજ્યમાં ગરમી 44 ડિગ્રી હતી તો મતદાન 57% નોંધાયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 57.08% મતદાન થયું છે. જેમાં 15 મહાનગરપાલિકામાં 49%, 84 નગરપાલિકામાં 58.12%, 34 જિલ્લા પંચાયતમાં 60.21% અને 260 તાલુકા પંચાયતમાં 61% મતદાન નોંધાયું છે. આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થયું હતું. પાટણમાં માયાનગરના કમળાબેન અનિલભાઈ બી એમ હાઈસ્કૂલમાં વોટિંગ કરી બહાર નીકળતા તબિયત લથડતા નીચે પડયા હતા. બાદમાં તેમણે 108માં સારવાર માટે જનતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયુ હતું. આણંદના પેટલાદ તાલુકાના સાંસેજ ગામે બૂથ નં-1 પર ફરજ પરના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ફરજ પર ઢળી પડતા ગ્રામજનો તાબડતોબ તારાપુર સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા. જામનગર મનપાના AAPના ઉમેદવારનું ચાલુ ચૂંટણીએ નિધન થયું હતું. વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ એટેક આવ્યો હતો. મોટી સંખ્યામાં નેતાઓએ પણ મતદાનમાં ભાગ લીધો હતો. અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ઓછા મતદાન પર ચિંતા વ્યક્ત કરતા જનતાને આડેહાથ લીધી હતી. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારે દેશના ખેડૂતો અને શ્રમિકો ધોમધખતા તડકામાં કામ કરી શકતા હોય, ત્યારે સુવિધાભોગવી પ્રજા માટે માત્ર મતદાન કરવા એસી (AC)માંથી બહાર નીકળવું ગરમીનું બહાનું હોઈ શકે નહીં અને આ પ્રકારે ઓછું મતદાન થવું તે શરમજનક બાબત છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નારણપુરા સબ ઝોનલ ઓફિસમાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં મતદાન કર્યું હતું અને જામનગર ઉત્તરના ધારાસભ્ય તથા રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ સત્ય સાઈ સ્કૂલ ખાતે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીમાં સેલિબ્રિટીઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. જેમાં અમરેલીના લાઠી તાલુકાના ચાવંડ ભાજપ ઉમેદવાર લોકસાહિત્યકાર માયાભાઇ આહીરની દીકરી સોનલ ડેરે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર ભાજપના ઉમેદવાર અને લોકગાયિકા નેહા સુથારે સરદારપુરા ગામે મત આપ્યો હતો. લોકગાયિકા રાજલ બારોટ અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારે પણ વડોદરા જીલ્લા પંચાયતની પોર બેઠક પર મતદાન કર્યું હતું. સવારે પ્રભુતામાં પગલાં પાડયાં અને બપોરે મતદાનની ફરજ નિભાવવા આવેલું નવદંપતી નિરાશ થયું હતું. વડોદરામાં રહેતા પાર્થ હરાળના મહારાષ્ટ્રની નિશાલી હરાળ સાથે લગ્ન થયા હતા. બપોરે 12 વાગ્યે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા ફર્યા. અસહ્ય ગરમી હોવા છતાં નવદંપતી લગ્નના પોશાકમાં ફતેગંજ નવયુગ વિદ્યાલયમાં મતદાન કરવા આવ્યા, પરંતુ ઉત્સાહભેર પત્ની સાથે મતદાન કરવા આવેલા પતિ પાર્થ હરાળેનું SIRમાં નામ કપાઈ ગયું હતું. મેઘરજમાં વર-કન્યાએ મતદાન કર્યું હતું. મેઘરજના પાર્થ સુથાર અને દિયા સુથારના આજે લગ્ન હતા છતાં મતદાન કરી ફરજ નિભાવી હતી. ભાચરથી વરરાજા શૈલેષ ઠાકોર મતદાન કરી લગ્ન કરવા પહોંચ્યા હતા તો અરવલ્લીમાં પણ એક વરરાજાએ મતદાન કર્યું હતું. શતાયુ વટાવી ચૂકેલા મતદારોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લુણાવાડામાં 107 વર્ષના વૃદ્ધા કિશોરબા સોલંકીએ મતદાન કર્યું હતું. તો સમીમાં 108 વર્ષના અણદાભાઈ નાડોદાએ મતદાન કર્યું. મોરબીમાં 102 વર્ષના દાદીએ મતદાન કર્યું. ગોકુલનગર પ્રાથમિક શાળામાં રંભાબેન કાનાભાઈ પરમારે એક સાથે પાંચ પેઢી સાથે મતદાન કર્યું. વડાલી તાલુકાના થુરાવાસ મતદાન મથક પર 101 વર્ષીય વૃદ્ધા ધુળીબેન રામાભાઈ પટેલ તેમના પૌત્ર કલ્પેશભાઈ પટેલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. શતાયુ વટાવી ચૂકેલા આ માજીએ અશક્તિ છતાં મતદાન મથકે આવી મતાધિકારનો ઉપયોગ કરી યુવા પેઢી માટે પ્રેરણા પૂરી પાડી હતી. સુરેન્દ્રનગર મનપામાં 100 વર્ષના હીરીબેન ટોટાએ જોરાવરનગરમાં મતદાન કર્યું હતું. અમદાવાદમાં વિકલાંગ મતદારે મતદાન કર્યું તો સુરતમાં વોર્ડ નંબર 17ના રહેવાસી રતિભાઈ માંગરોળીયાએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગંભીર કેન્સરની બીમારીથી પીડાતા અને શ્વાસ લેવા તેમજ ખોરાક માટે નાકમાં નળી (રાઈલ્સ ટ્યુબ) હોવા છતાં, રતિભાઈ અત્યંત ઉત્સાહભેર મતદાન મથકે પહોંચ્યા હતા. શારીરિક અશક્તિ અને અસહ્ય વેદનાને બાજુ પર મૂકીને તેમણે પોતાનો પવિત્ર મતાધિકાર ઉપયોગ કર્યો હતો, જે જોઈને ત્યાં હાજર અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફ પણ ભાવવિભોર થઈ ઉઠ્યો હતો. રાજકોટમાં મહારાણા પ્રતાપ પે સેન્ટર શાળા નંબર 80 ખાતે મતદાન કરવા આવેલા દિવ્યાંગ મહિલા દર્શનાબેન અગ્રાવતે મતદાન કરી અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સુરતના ઘોડદોડ રોડ પરથી લોકશાહીના પર્વની એક પ્રેરણાદાયી તસવીર સામે આવી હતી. જેમાં 100 ટકા મનોદિવ્યાંગ યુવતી શિરીન આકર્ષણનું કેન્દ્ર બની હતી. શિરીનને જન્મજાત રીતે માનસિક મર્યાદાઓ હોવા છતાં તેને રાજકારણમાં ઊંડો રસ છે અને તે દેશની ગતિવિધિઓથી માહિતગાર રહે છે. પોતાની દીકરીના આ રસ અને ઉત્સાહને જાળવી રાખવા માટે તેની માતા ખાસ તેને મતદાન કેન્દ્ર પર લાવ્યા હતા અને શિરીને મતાધિકારનો ઉપયોગ કરીને અન્ય નાગરિકો માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભરૂચના ઈકરા બૂથ પર લાઈટ જતા મતદારોએ મીણબત્તીના પ્રકાશમાં મતદાન કર્યું હતું. સુરતમાં કિન્નર સમાજે પણ મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. કિન્નર સમાજના લોકોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. દિવસભરની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    KKRનો ધબડકો, 7 વિકેટ પડી ગઈ:રઘુવંશી 'ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ'માં આઉટ, થ્રોની લાઇન વચ્ચે આવી ગયો
    Next Article
    15 મનપામાં 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ:સરેરાશ 53 ટકા મતદાન, 50 લાખથી વધુ મતદારોએ મતદાન ન કર્યું; અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા બાખડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment