Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માથામાં હથોડી ફટકારી તો લાગ્યું જાણે માથે આકાશ પડ્યું:બાપ અને ભાઈ સોફિયાનો કાળ કેવી રીતે બન્યા, 3 મહિનાનો પ્લાન 3 કડીથી ઉકેલાયો

    15 hours ago

    વેબસિરિઝ જેવી થ્રિલર ઘટના અમદાવાદમાં બની. પોલીસને ગોથે ચડાવવા અકસ્માતની ખોટી સ્ટોરી બનાવી. પણ 80નો દાયકો હોય કે અત્યારનો જમાનો. કાનૂન કે હાથ લંબે હી હોતે હૈ... પોલીસને 3 એવી કડી મળી કે મર્ડર મિસ્ટ્રી ઉકલી ગઈ. આખરે કઈ ત્રણ કડી હતી, પોલીસે ભેદ કેવી રીતે ઉકેલ્યો? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 38 વર્ષનો મોહમ્મદ હાબીલ અને તેની 22 વર્ષની બહેન સોફિયા ઘાયલ અવસ્થામાં છે. થોડીવારમાં સોફિયાનું મોત થાય છે. અમદાવાદના એમ ડિવિઝનની ટ્રાફિક શાખાનો સ્ટાફ હાબીલનું સ્ટેટમેન્ટ નોંધે છે. હાબીલે મનમાં એક એક સીનની ગોઠવણ કરી લીધી હતી કે, પોલીસને શું કહેવું. પોલીસ પૂછે છે કે એક્સિડન્ટ કેવી રીતે થયો? ત્યારે હાબીલ મનમાં લખેલી સ્ક્રીપ્ટ બોલવા માંડે છે. સાહેબ... હું 12 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યે મારા ઘર જુહાપુરા નજીક ફતેવાડીથી શેલા જવા નીકળ્યો. મારી નાની બહેન સોફિયા શેલાની નિક્કી હોસ્પિટલમાં કામ કરતી હતી. હું તેને લેવા ગયો હતો. હું તેને બાઈકમાં બેસાડીને રિટર્ન થતો હતો. અમે ઘેલજીપુરાના રસ્તેથી પાછા ફરી રહ્યા હતા. એવામાં અજાણ્યું વાહન આવ્યું ને બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી. હું અને મારી બહેન સોફિયા નીચે પટકાયાં. મારી બહેનને માથામાં બહુ વાગ્યું સાહેબ... બીચારી મરી ગઈ. હું પણ બેભાન જેવો થઈ ગયો હતો. આ તો ભલું થાય એ રિક્ષાવાળાનું કે તેણે અમને બચાવ્યા. પોલીસે પૂછ્યું, કોણ રિક્ષાવાળો? હાબીલ પોતાની સ્ક્રીપ્ટ મુજબ જ ચાલતો હતો. તેને ખબર હતી કે પોલીસ કેવા સવાલ પૂછશે. તેણે કહ્યું, સાહેબ એ તો ખબર નથી. વરસાદ વરસતો હતો. રસ્તો સુમસામ હતો. હું તો સાવ બેભાન જેવો હતો એટલે મને બહુ ખબર નથી. એ ભાઈએ મારા ફોનમાંથી મારા અબ્બાજાનને ફોન કરીને જાણ કરી. પછી એ જ રિક્ષાવાળા ભાઈએ 108 બોલાવી અમને ભાઈ-બહેનને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. મારી બહેનને માથાના ભાગે બહુ વાગ્યું છે સાહેબ... બિચારી બચી ન શકી. 13 ઓગસ્ટની સવાર થઈ ગઈ હતી. ટ્રાફિક પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી અજાણ્યા વાહનની શોધ ચાલુ કરી. જે જગ્યાનું વર્ણન હાબીલે કરેલું ત્યાં પણ પોલીસે તપાસ શરૂ કરી. ઘટના સ્થળ હતું ઘેલજીપુરાથી એલ.જે.યુનિવર્સિટી તરફ જતો રસ્તો. હવે આખો કેસ અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક શાખાના પોલીસ ઈન્સપેક્ટર ઉમેશ ધાખડાના હાથમાં આવે છે. તેમણે હાબીલની અલગ અલગ દિવસે બોલાવીને, અલગ અલગ રીતે પૂછપરછ કરી. આ સવાલોના મારાથી હાબીલ પોતાની મૂળ સ્ક્રીપ્ટ ભૂલી ગયો ને અલગ અલગ નિવેદનો આપવા લાગ્યો. પોલીસને શંકા ગઈ કે હાબીલ દર વખતે નવી વાત કરે છે. નિવેદનો બદલે છે. એનો મતલબ એ કે દાળમાં કાંઈક કાળું છે. ટ્રાફિક પોલીસે હવે નવી દિશામાં ઈન્વેસ્ટિગેશન શરૂ કરે છે. પીઆઈ યુ.બી.ધાખડાની ટીમ કામે લાગી. ઈન્વેસ્ટિગેશનની શરૂઆત થઈ ઘટના સ્થળેથી. હાબીલે એક્સિડન્ટની જે જગ્યાનું વર્ણન કર્યું હતું ત્યાં જઈને આસપાસ સીસીટીવી છે કે નહીં તે તપાસ્યું. જ્યાં સીસીટીવી હતા ત્યાં તપાસ કરી તો એક્સિડન્ટ થયો હોય તેવા કોઈ દ્રશ્યો સીસીટીવીમાં દેખાયા નહીં. એનો મતલબ એવો થયો કે હાબીલ ખોટું બોલતો હતો કે એક્સિડન્ટ થયો છે. પોલીસે શેલાની નિક્કી હોસ્પિટલના સીસીટીવી તપાસ્યા. જ્યાં સોફિયા કામ કરતી હતી. 12 ઓગસ્ટે રાતના સમયના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો હોસ્પિટલમાં, લિફ્ટમાં સોફિયા દેખાઈ. વરસાદ હતો એટલે રેઈનકોટ પહેરીને નીચે ઉતરી. પછી પોલીસે નિક્કી હોસ્પિટલવાળા બિલ્ડીંગ સન એટમોસ્ફીયર કોમર્શિયલમાં બહાર લાગેલા એન્ટ્રી ગેટના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. તેમાં કાંઈ ખાસ દેખાયું નહીં. એ જ બિલ્ડીંગમાં શ્રીરામ કિચનવેર નામની દુકાન બહાર લાગેલા સીસીટીવીના કેમેરા ચેક કર્યા તેમાં ઘટસ્ફોટ થયો. સોફિયાને લેવા માટે તેનો ભાઈ હાબીલ તો આવ્યો જ હતો પણ તેની સાથે હેલ્મેટ પહેરેલો માણસ દેખાયો. હેલ્મેટ પહેરેલો માણસ બીજું કોઈ નહીં પણ સોફિયાના પિતા ફારૂકભાઈ હતા. પોલીસે હાબીલને બોલાવીને કડકાઈથી પૂછ્યું ને હાબીલે કબૂલી લીધું કે, હા સોફિયાનો એક્સિડન્ટ નહોતો થયો, અમે તેનું મર્ડર કર્યું છે. પોલીસે કરેલી પૂછપરછમાં જે વાત બહાર આવી તે ભલભલાના રૂંવાડાં ઊભાં કરી દે તેવી છે. પોલીસને નિક્કી હોસ્પિટલ પાસેથી જે સીસીટીવી ફૂટેજ મળ્યા તેમાં ત્રિપલ સવારી હતી. આ મેપથી સમજો કે બાપ, દીકરી અને ભાઈ બાઈકમાં ક્યા રસ્તેથી ગયા… આગળની કહાની ધબકારો ચૂકાવી દે તેવી છે.... હાબીલ બાઈક ચલાવવા લાગ્યો. વચ્ચે સોફિયા રેઈનકોટ પહેરીને બેઠી હતી અને તેની પાછળ તેના પિતા ફારૂકભાઈ બેઠા હતા. બાપ-દીકરાના મનમાં સોફિયાની હત્યાનો ખતરનાક પ્લાન તૈયાર હતો. બીચારી સોફિયા જાણતી પણ નહોતી. બાપ અને ભાઈ લેવા આવ્યા હોય તો તેને એવો વિચાર પણ ન આવે કે અત્યારે હું હોસ્પિટલની બહાર નીકળી રહી છું. કાલથી ક્યારેય કામ પર જઈ શકવાની નથી. બાઈક શેલામાં નિક્કી હોસ્પિટલથી ઉપડ્યું. ક્લબ ઓ-સેવન રોડ પર થઈને સ્કાય સિટીથી એસ.પી.રીંગ રોડ પહોંચ્યા. એસ.પી.રીંગ રોડ પરથી મુમતપુરા બ્રિજ નીચે થઈને યુટર્ન લીધો. સર્વિસ રોડ પર પસાર થતાં-થતાં ખેતલા આપા ટી સ્ટોલ પાસે પહોંચ્યા. એસ.પી.રીંગ રોડ પરના ખેતલા આપા ટી સ્ટોલથી ડાબી બાજુ ઘેલજીપુરા તરફ વળી ગયા. જેવું બાઈક વળ્યું તરત હાબીલે બાઈક ઊભું રાખી દીધું. તે ઉતરી ગયો ને કહ્યું, અબ્બાજાન, તમે સોફિયાને લઈને ઘરે જાવ. મારે અહીં નજીકમાં કામ છે તો હું મોડેથી આવું છું. હવે બાઈકનું હેન્ડલ ફારૂકભાઈના હાથમાં હતું. સોફિયા બેસી ગઈ. હાબીલે તરત કહ્યું, એક મિનિટ. વરસાદ વધી રહ્યો છે ને હજી વધશે એવું લાગે છે એટલે કાલે કામ પતાવી લઈશ. ચાલો, હું પણ તમારી સાથે ઘરે જ આવું છું. એમ કહીને હાબીલ સોફિયાની પાછળ બેસી ગયો. હવે બાઈક ફારૂકભાઈ ચલાવતા હતા. વચ્ચે સોફિયા બેઠી હતી અને બાઈકમાં છેલ્લે હાબીલ બેઠો હતો. બાપ-દીકરાએ નક્કી કરેલા સુમસામ રૂટ પર બાઈક ચલાવ્યું. ખેતલા આપા ટી સ્ટોલથી આગળ જઈ જમણી બાજુ એલ.જે.યુનિવર્સિટી તરફ જવાના રોડ પર સમૃદ્ધ ડેરીથી થોડે આગળ કોઈની અવર જવર નહોતી ત્યારે હાબીલે પેન્ટમાં છુપાવેલી હથોડી કાઢી. સોફિયાના માથાના પાછળના ભાગનું બરાબર નિશાન લઈને કરીને હથોડીનો જોરદાર ઘા કર્યો. ખોપડીમાં હથોડી ભટકાઈ ને ઠક.. અવાજ આવ્યો. સોફિયાને ઘડીભર તો એમ થયું કે વરસાદની સાથે આકાશ પડ્યું હોય... સોફિયા અર્ધબેભાન થઈ ગઈને સંતુલન ગુમાવી દીધું. હાબીલે જોરથી કહ્યું, અબ્બાજાન. કામ થઈ ગયું છે. ફારૂકભાઈએ બાઈક ઊભું રાખ્યું. બાઈક ઊભું રાખ્યું ત્યાંથી થોડે દૂર ઝાડીની પાછળ અદ્વૈત બંગલો હતો અને બંગલાના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ રહી હતી. હવે નીચેનો વીડિયો જુઓ, જેમાં દ્રશ્ય સ્પષ્ટ નથી પણ તેમાં અવાજ આવે છે તેના પરથી ઘટના સમજાશે બાઈક ઊભું રહ્યું પછી હાબીલે તેની બહેન સોફિયાને ઉતારીને રસ્તાની સાઈડમાં સૂવાડી દીધી. સોફિયા કણસતી હતી... હાબીલ પર ક્રૂરતાનું ઝૂનૂન સવાર હતું. તેણે કાંઈ વિચાર્યા વગર નાની બહેન સોફિયાના માથામાં હથોડીના બીજા બે ઘા જોરથી ફટકારી દીધા. સોફિયાએ કણસવાનું બંધ કરી દીધું. ધીમા ધીમા વરસાદ વચ્ચે ધીમા ધીમા શ્વાસ ચાલતા હતા. જ્યાં સુધી સોફિયાના શ્વાસ બંધ ન થયા ત્યાં સુધી બાપ-દીકરો સુમસામ રસ્તે રાત્રે 12 વાગ્યે ઊભા ઊભા દીકરીના મોતને જોઈ રહ્યા હતા. હવેની ઘટના 5 તસવીરોમાં સમજો… હાબીલે ચેક કર્યું કે હવે સોફિયા મરી ગઈ છે એટલે ફારૂકભાઈને કહ્યું કે તમે ચાલીને ઘરે જતા રહો. બાકીનું હું સંભાળી લઈશ. ફારૂકભાઈ અંધારા રસ્તે ચાલતાં ચાલતાં જતાં રહે છે. આ તરફ હાબીલ, સોફિયાની લાશ અને બાઈક એમ ત્રણ જ હતા. આસપાસ એક ચકલું ય ફરકતું નહોતું. હાબીલે પહેલાં બાઈકમાં તોડફોડ કરી. મિરર તોડી નાખ્યો. પછી પોતાના ડાબા હાથે નજીકનો પથ્થર ઘસીને લોહી કાઢ્યાં અને પોતે બાઈકની નજીક સૂઈ ગયો ને બેભાન થવાનું નાટક કરવા લાગ્યો. જેથી આ આખી ઘટના એક્સિડન્ટ જ લાગે. પોલીસને 3 કડી મળી, જેનાથી મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ. પણ એવું તે શું થયું કે બાપ-દીકરાએ સોફિયાની હત્યા કરવી પડી? હત્યાની ઘટના 12 ઓગસ્ટે બની. એક્સિડન્ટની તપાસ ચાલતી હતી અને સાથે સાથે પોલીસનું ઈન્વેસ્ટિગેશન ચાલતું હતું. આ બધામાં થોડા દિવસો પસાર થયા ને અંતે 7 સપ્ટેમ્બરે ભાંડો ફૂટ્યો. હાબીલના ફૂલપ્રૂફ પ્લાનનો ફિયાસ્કો થઈ ગયો. કેટલીક વિગતો પોલીસ ફરિયાદમાં નોંધાઈ છે અને કેટલીક વિગતો એમ ડિવિઝન ટ્રાફિક શાખાના પીઆઈ ઉમેશ ધાખડાએ મીડિયાને આપી હતી. પોલીસે જ 8 સપ્ટેમ્બરે FIR દાખલ કરી. તેમાં એવું જણાવાયું છે કે, આ આખી ઘટનાની શરૂઆત એક વીડિયોના કારણે થઈ. 22 વર્ષની સોફિયાનો એક યુવક સાથેનો વીડિયો તેમના ગ્રુપમાં ત્રણ મહિના પહેલાં વાયરલ થયો હતો. આના કારણે સોફિયાનો પરિવાર નારાજ હતો. ખાસ કરીને તેનો ભાઈ મોહમ્મદ હાબીલ અને તેના પિતા મોહમ્મદ ફારૂક. સોફિયાને વારંવાર સમજાવવામાં આવી હતી પણ તે માનતી નહોતી. છતાં સોફિયા અન્ય છોકરાઓ સાથે આડા સંબંધો રાખી વાતચીત કરતી હતી. સોફિયા શેલામાં આવેલી નિક્કી હોસ્પિટલમાં કામ કરતી હતી. એકવાર હાબીલે સોફિયાને ફોન કર્યો કે હું તને લેવા આવું છું. ત્યારે સોફિયાએ કહેલું કે, મને આવતાં રાત્રે બાર વાગી જશે. હું મારી મેળે ઘરે આવી જઈશ. સોફિયાની કેટલીક વોટ્સએપ ચેટ પણ પરિવારના હાથમાં આવી હતી. સોફિયા પરિવારજનોને એવી પણ ધમકી આપતી હતી કે મને રોકશો તો હું આત્મહત્યા કરી લઈશ અને તમારા બધાનું નામ આપીને ફસાવી દઈશ. આ બધા વિવાદના કારણે હાબીલ ધૂંધવાટમાં રહેતો હતો. એક દિવસ તેણે તેના પિતા ફારૂકભાઈને વાત કરી કે, હવે હું સોફિયાને મારી નાખીશ. તેના કારણે સમાજમાં આબરૂ જાય છે. શેતાની દિમાગના હાબીલે પ્લાન ઘડવાનું શરૂ કર્યું. ત્રણ મહિના તો પ્લાન ઘડવામાં ગયા. રસ્તાની રેકી કરી. કેવી રીતે મારવી, કેવું નાટક રચવું... આ બધું બાપ-દીકરાએ નક્કી કરી લીધું. પહેલાં પ્લાન એવો વિચાર્યો હતો કે હાબીલ બહેન સોફિયાને મારીને કોઈ જગ્યાએ ફેંકી દેશે અને લાશનો નિકાલ કરી નાખશે. પણ સોફિયા લાંબો સમય દેખાશે નહીં તો પણ સમાજમાં ચર્ચા થશે કે સોફિયા કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. તેના કારણે પણ બદનામી થશે. સમાજમાં શું જવાબ આપીશું. એટલે એ પ્લાન પડતો મૂક્યો. પછી હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ઘડ્યો. તારીખ, સમય બધું નક્કી કરી રાખ્યું હતું. બસ, વરસાદની જ રાહ હતી. કારણ કે વરસાદમાં ઘેલજીપુરા પાસે વાહનોની અવર જવર ઓછી હોય. હાબીલે બધા રસ્તા જોઈ રાખ્યા હતા. સોફિયાને ઘણીવાર લેવા-મૂકવા જવા માટે ફતેવાડીથી શેલા તરફ જાય તો તેનો રૂટિન રસ્તો હતો. નવો ટીપી રોડ ખુલ્યો છે તે તેને ખબર હતી. બંને બાજુ ઝાડી ઝાંખરા છે, ક્યાં સીસીટીવી નથી તે તેને ખબર હતી. વાહનોની અવર જવર ઓછી છે તે પણ ખબર હતી. આ બધું જોઈને ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. હત્યા કરવાનો દિવસ નજીક આવી પહોંચ્યો. હાબીલ પોતાના ગોડાઉને જઈને હથોડી લઈ આવ્યો ને પોતાના પેન્ટના નેફામાં છુપાવી દીધી. હાબીલ ફેબ્રિકેશનનું કામ કરે છે અને પિતા ફારૂકભાઈ વેલ્ડીંગનું કામ કરે છે. 56 વર્ષના ફારૂકને પાંચ દીકરી. ત્રણના લગ્ન થઈ ગયા છે. બે દીકરી છે તેમાં મોટી રૂકૈયા શિક્ષિકા છે અને બીજી સોફિયા શેલામાં નિક્કી હોસ્પિટલમાં કામ કરતી હતી. જ્યારે 38 વર્ષના હત્યારા મોહમ્મદ હાબીલને ચાર દીકરી છે. આ આખો ખેલ ઓનર કિલિંગનો છે. ઓનર એટલે ઈજ્જત. સમાજમાં આબરૂ ન જાય તેના ડરથી કરાતી હત્યા. નરાધમ બાપ-દીકરાએ કુટુંબની ઈજ્જત માટે ઘરની ઈજ્જત ગણાતી દીકરીની ઠંડા કલેજે પણ ક્રૂરતાથી હત્યા કરી.
    Click here to Read More
    Previous Article
    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ પછી ભારત પહોંચ્યા:ગલવાન અથડામણ બાદ પ્રથમ મુલાકાત; BRICSમાં સામેલ થશે, સાંજે મોદી સાથે દ્વિપક્ષીય બેઠક
    Next Article
    આંગડિયા પેઢીના કર્મી પાસેથી 6 લાખનું પાર્સલ સેરવી લીધું:બે શખસે ​પાર્સલમાં બે નંબરનો માલ હોવાનું કહી રોક્યા હતા, વિજાપુરમાં પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment