Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયાઇ સિંહના કુળમાં નવા મહેમાનોનું આગમન:પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણ ‘ધારા’એ 3 સિંહબાળને જન્મ આપ્યો, ઝૂમાં એશિયાઇ સિંહની કુલ સંખ્યા 17

    2 days ago

    રાજકોટ મહાપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાન (ઝૂ)થી એક અત્યંત આનંદદાયક અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ પ્રાણીઉદ્યાનમાં એશિયાઈ સિંહના કુળમાં નવા મહેમાનનું આગમન થયું છે. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે એશિયાઈ સિંહણ ‘ધારા’એ 3 સિંહબાળને જન્મ આપતાં ખુશીનો માહોલ છવાયો છે. આ નવજાત સિંહબાળો હાલ સંપૂર્ણપણે તંદુરસ્ત છે. તેના જન્મ સાથે જ ઝૂ સત્તાવાળાઓ અને વન્યજીવ સૃષ્ટિમાં ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે. નવા જન્મેલા 3 સિંહ બાળના આગમન સાથે જ રાજકોટ ઝૂ ખાતે એશિયાઈ સિંહની કુલ સંખ્યા વધીને હવે 17 પર પહોંચી ગઈ છે. સિંહણ ‘ધારા’ અને નર ‘ધનંજય’ના સંવનનથી બાળસિંહનો જન્મ રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ઝૂ ખાતે રાખવામાં આવેલા એશિયાઈ સિંહ નર “ધનંજય” તથા માદા સિંહણ “ધારા” વચ્ચે સફળ સંવનન થયું હતું. આ સંવનન બાદ 105 દિવસના ગર્ભાવસ્થાના અંતે માદા સિંહણ “ધારા” દ્વારા તારીખ 11 જૂન, 2026ના રોજ રાત્રિના સમયે 3 સિંહ બાળને જન્મ આપવામાં આવ્યો હતો. વન્યજીવ વિભાગ અને ઝૂ પ્રશાસન માટે આ એક બહુ મોટી સફળતા માનવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો, નવજાત ત્રણેય બચ્ચાં અને તેમની માતા સિંહણ “ધારા” બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત છે. બાળકના જન્મ બાદ સિંહણ તેની પૂરેપૂરી કાળજી રાખી રહી છે. CCTVથી 24 કલાક રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ ઝૂના વેટરનરી ઓફિસર અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા માતા તથા નવજાત બચ્ચાઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને અત્યંત ગંભીરતા દાખવવામાં આવી રહી છે. સિંહણ અને બચ્ચાઓને કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે તે રીતે સીસીટીવી (CCTV) કેમેરાના માધ્યમથી તેમનું રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સિંહબાળને જરૂરી તમામ સાનુકૂળ વાતાવરણ પૂરું પાડી શકાય તે માટે વેટરનરી ટીમ તેઓના દરેક હલનચલન અને સ્વાસ્થ્ય ઉપર પણ ઝીણવટભરી નજર રાખી રહી છે. સિંહણ ‘ધારા’એ બીજી વખત આપ્યો બચ્ચાઓને જન્મ સિંહણ “ધારા” અગાઉ પણ રાજકોટ ઝૂમાં બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે. આ પહેલા તારીખ 5 ડિસેમ્બર,2025ના રોજ સિંહ નર “ધનંજય” સાથેના સંવનનથી સિંહણ ધારાએ બે સિંહ બાળને સફળતાપૂર્વક જન્મ આપ્યો હતો. આમ, ધારા અને ધનંજયની જોડી રાજકોટ પ્રાણીઉદ્યાનમાં સિંહનો વંશ આગળ વધારવામાં ખૂબ જ સફળ સાબિત થઈ રહી છે. સામાન્ય વન્યજીવ વિજ્ઞાનના નિયમો અને પ્રાણીઓની પ્રકૃતિની વાત કરીએ તો સિંહ, વાઘ, દીપડા જેવા મોટા પ્રાણીઓ સરેરાશ બેથી ત્રણ બચ્ચાંને જ એકસાથે જન્મ આપતા હોય છે. ખૂબ જ વિરલ અથવા જૂજ કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે જેમાં કોઈ માદા માત્ર એક જ બચ્ચાને અથવા તો ચારથી પાંચ બચ્ચાઓને એકસાથે જન્મ આપે. આ દ્રષ્ટિએ સિંહણ ધારાએ 3 બચ્ચાને જન્મ આપીને કુદરતી સરેરાશ જાળવી રાખી છે. રાજકોટ ઝૂનું નૈસર્ગીક વાતાવરણ સિંહો માટે અનુકૂળ રાજકોટ પ્રાણીઉદ્યાનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો વિકાસ સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઈન્ડીયાના ચોક્કસ માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબથી કરવામાં આવ્યો છે. અહીં વન્યપ્રાણીઓને પાંજરાના બંધિયાર વાતાવરણને બદલે કુદરતી જંગલ સ્વરૂપનું નૈસર્ગિક વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ કુદરતી અને ખુલ્લું વાતાવરણ અહીં રહેતા એશિયાઇ સિંહો તેમજ સફેદ વાઘ જેવા સંવેદનશીલ વન્યજીવોને ખૂબ જ અનુકૂળ આવી ગયું છે. આ જ કારણ છે કે અહીં સમયાંતરે વન્યજીવોનું ખૂબ જ સફળતાપૂર્વક સંવર્ધન (Breeding) થઈ રહ્યું છે અને પ્રાણીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 17 સિંહના કુટુંબનું માળખું વન્યપ્રાણી વિનિમય યોજનામાં રાજકોટ ઝૂનું યોગદાન રાજકોટ પ્રાણીઉદ્યાન માત્ર પ્રાણીઓ રાખવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વન્યજીવ સંરક્ષણ અને પ્રજાતિઓના આદાન-પ્રદાનમાં પણ ભારતભરમાં અગ્રેસર છે. રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં નવા જન્મેલા સિંહ બાળ સહિત કુલ 55 સિંહબાળનો સફળ જન્મ થઈ ચૂક્યો છે. ભારત સરકારની 'વન્યપ્રાણી વિનિમય યોજના' હેઠળ રાજકોટ ઝૂ દ્વારા દેશના અન્ય રાજ્યોના ઘણા પ્રખ્યાત ઝૂને સિંહ આપવામાં આવ્યા છે અને તેના બદલામાં ગુજરાતમાં ન હોય કે રાજકોટમાં ખૂટતી હોય તેવી મહત્વની બીજી પ્રજાતિઓના વન્ય પ્રાણીઓ અને આકર્ષક પક્ષીઓ મેળવીને ઝૂનો વિકાસ કરવામાં આવ્યો છે. રાજકોટ ઝૂએ મુખ્ય પ્રાણીઉદ્યાનો સાથે કરેલું સિંહોનું આદાન-પ્રદાન દર વર્ષે 7 લાખ લોકો ઝૂની મુલાકાતે આવે છે પ્રવાસીઓ માટે સૌરાષ્ટ્રનું શ્રેષ્ઠ પર્યટન સ્થળ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના આધુનિક માપદંડો પ્રમાણે બનેલું રાજકોટ પ્રાણીઉદ્યાન હાલ સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે હરવા-ફરવા તેમજ જ્ઞાન સાથે ગમ્મત મેળવવાનું એક ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. રવિવાર, જાહેર રજાઓ તેમજ તહેવારોના દિવસો દરમિયાન અહીં સ્થાનિક લોકો ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવે છે. જેના ઉપલબ્ધ આંકડાઓ મુજબ, દર વર્ષે અંદાજિત 7.00 લાખ જેટલા મુલાકાતીઓ આ ઝૂની મુલાકાત લઈને વન્યજીવ સૃષ્ટિને નજીકથી નિહાળવાનો આનંદ માણે છે. 70 પ્રજાતિના 618 વન્યપ્રાણી, પક્ષીઓ વસવાટ કરે મુલાકાતીઓના આકર્ષણમાં વધારો કરવા માટે ઝૂ પ્રશાસન સતત નવા વન્યજીવો ઉમેરતું રહે છે. વર્તમાન સમયની વાત કરીએ તો, આ વિશાળ ઝૂમાં જુદી જુદી 70 પ્રજાતિઓનાં કુલ 618 વન્યપ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે, જેમને પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર, પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકાસ કરાતા વન્યજીવોની સુખાકારી વધી છે અને તેને કારણે જ મુલાકાતીઓની સંખ્યામાં પણ વર્ષ નોંધપાત્ર અને રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. નવા સિંહ બાળના આગમનથી આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં હજુ પણ મોટો ઉછાળો આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    હોકી સ્ટીક-ધોકા વડે એક શખસ શ્વાન પર તૂટી પડ્યો,CCTV:એક બાદ એક ચાર ફટકા મારતા શ્વાનની આંખ ફૂટી, NGO અને હ્યુમન રાઇટ્સે કડક કાર્યવાહીની માંગ કરી
    Next Article
    Gujarat Rain News LIVE | 6 કલાકમાં વરસાદ! ચોમાસું નજીક આવે તે પહેલા જ આફત | Monsoon | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment