Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટું અપડેટ:ચારેય આરોપીને 28 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા, હથિયારોની સપ્લાય અંગે તપાસ ચાલુ

    10 hours ago

    બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગના મામલે મુંબઈની કિલા કોર્ટે ચાર આરોપીઓને 28 ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આરોપીઓમાં કુણાલ સંજય, સુમિત સરોલિયા, રાધા વર્મા અને બબીતા રાવનો સમાવેશ થાય છે. પોલીસનો આરોપ છે કે, આ ચારેયે ફાયરિંગમાં વપરાયેલા હથિયારોની સપ્લાય અને કથિત કાવતરામાં ભૂમિકા ભજવી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની કસ્ટડી 31 ઑક્ટોબર સુધી વધારવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે 28 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી મંજૂર કરી. તપાસ એજન્સી હવે હથિયારોની ખરીદી, તેમને મુંબઈ પહોંચાડવા અને હુમલા પાછળના નેટવર્કની કડીઓ જોડવામાં લાગી છે. હથિયારોની ખરીદી અને સપ્લાયની કડીઓ તપાસી રહી છે પોલીસ આજ તકના અહેવાલ મુજબ, પોલીસનો આરોપ છે કે કુણાલ અને સુમિત હથિયારો એકત્રિત કરવા માટે અમૃતસર ગયા હતા. બીજી તરફ, રાધા અને બબીતા પર ટ્રેન મારફતે હથિયારો મુંબઈ પહોંચાડવામાં અને તેમને હુમલાખોરો સુધી પહોંચાડવામાં મદદ કરવાનો આરોપ છે. પોલીસ આ ભૂમિકાઓની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓના મોબાઇલ ફોનમાંથી ફોટો, વીડિયો અને હથિયારો સાથે સંબંધિત ડેટા મળ્યો છે. તપાસ એજન્સી આ ડિજિટલ પુરાવાઓની ચકાસણી કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ વચ્ચે વાતચીત માટે સિગ્નલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને કથિત રીતે ડિલીટ કરી દેવામાં આવી હતી. તપાસકર્તાઓ ફોનમાંથી મળેલા ડેટાના આધારે આરોપીઓના પરસ્પર સંપર્ક અને તેમની ભૂમિકા વિશે માહિતી મેળવવામાં લાગ્યા છે. વૉઇસ નોટ્સમાં હથિયારો સંબંધિત વાતચીત મળ્યાનો દાવો અહેવાલ મુજબ, આરોપીઓના મોબાઇલ ફોનમાંથી મળેલા વૉઇસ નોટ્સમાં હથિયારોની ખરીદી, ડિલિવરી અને ગોળીબાર બાદ તેમને પરત મોકલવાના નિર્દેશો સાથે જોડાયેલી વાતચીત સામે આવી છે. પોલીસનો દાવો છે કે, આરોપીઓ અનિલ પંડિતના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા અને તેમણે ગોળીબાર કરનારાઓને હથિયારો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી હતી. જોકે, આ આરોપોની પુષ્ટિ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા દ્વારા થવાની બાકી છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું કે આરોપીઓની વધુ પૂછપરછ જરૂરી છે. તપાસ એજન્સી તેમના નિવેદનો અને અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતીની સાથે કમ્પેર કરવા માગે છે. પોલીસને એ પણ જાણવું છે કે હથિયારોની ખરીદીથી લઈને હુમલાખોરો સુધી પહોંચાડવા અને ઘટનાબાદ તેમને પરત મોકલવાની કથિત યોજનામાં કોની શું ભૂમિકા હતી. બચાવ પક્ષે પોલીસ કસ્ટડીનો વિરોધ કર્યો સુનાવણી દરમિયાન બચાવ પક્ષે આરોપીઓની પોલીસ કસ્ટડી વધારવાનો વિરોધ કર્યો. અહેવાલ મુજબ, બચાવ પક્ષના વકીલ અજિંક્ય મિરગલે દલીલ કરી કે આરોપીઓને માત્ર પૂછપરછ માટે સતત પોલીસ કસ્ટડીમાં રાખવા જરૂરી નથી. તેમણે કહ્યું કે, આરોપીઓની અન્ય સહઆરોપીઓ અંગે પૂછપરછ ન્યાયિક કસ્ટડીમાં રહીને પણ કોર્ટની મંજૂરીથી કરી શકાય છે. બીજી તરફ, પોલીસે દલીલ કરી કે આરોપીઓના મોબાઇલ ફોનમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવાનું છે અને તેમને અગાઉ ધરપકડ કરાયેલા સહઆરોપીઓની સામે બેસાડીને પૂછપરછ કરવાની છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચારેય આરોપીઓની પોલીસ કસ્ટડી 28 ઓક્ટોબર સુધી લંબાવી દીધી. પોલીસે 31 ઓક્ટોબર સુધીની કસ્ટડી માગી હતી. 18 ઓક્ટોબરે જુહુમાં ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ થયું હતું આ મામલો 18 ઑક્ટોબર 2026નો છે. મુંબઈના જુહૂ વિસ્તારમાં એક્ટર ટાઇગર શ્રોફની કાર પર બાઇકસવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. અહેવાલ મુજબ, હુમલાખોરોએ કાર પર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા. બાદમાં કથિત રીતે ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ અંધેરી વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ ઘટનામાં ટાઇગર શ્રોફનો આબાદ બચાવ થયો હતો, જ્યારે તેના ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતની સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ એજન્સી હવે ફાયરિંગને અંજામ આપનારાઓ ઉપરાંત કથિત હથિયાર સપ્લાય નેટવર્ક અને કાવતરામાં સામેલ અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. અત્યાર સુધી 11ની ધરપકડ, તપાસ ચાલુ આ મામલામાં અત્યાર સુધી 11 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેમાં ચાર આરોપી કુણાલ સંજય, સુમિત સરોલિયા, રાધા વર્મા અને બબીતા રાવ છે, જેમની પોલીસ કસ્ટડી 28 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. આ પહેલાં ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓની ભૂમિકા અને તેમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસનું મુખ્ય ધ્યાન હથિયારોની ખરીદી, તેમને મુંબઈ સુધી પહોંચાડવા, હુમલાખોરોને ઉપલબ્ધ કરાવવા અને ઘટના બાદ તેમની સાથે જોડાયેલા પુરાવાઓની કડીઓ જોડવા પર છે. પોલીસ પૂછપરછ અને ડિજિટલ પુરાવાઓના વિશ્લેષણના આધારે મામલામાં આગળની કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા:જોરાવરનગર પોલીસે રતનપરની શેરી નં. 11માં દરોડો પાડી રૂ. 10,280 રોકડા જપ્ત કર્યા
    Next Article
    ચીન અરુણાચલને ગળી જશે?:ITBP ચીફ સ્ફોટક સિક્રેટ બોલી ગયા, રાતોરાત વીડિયો ગાયબ, મોદી નકશો જાહેર કરે એવી માગ, સરકારની અગ્નિપરીક્ષા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment