Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિલાયન્સનો 27 લાખના માલ સાથેનો ટ્રક ચોરાઈ ગયો:જેના પર ચોરીનો આરોપ લાગ્યો તેનું ગળું કાપીને હત્યા કરી દેવાઈ; લોહીના ડાઘ, સડેલી લાશ અને એક ભયાનક કાવતરું

    6 hours ago

    તારીખઃ 20 ઓક્ટોબર 2014 સોમવાર. સ્થળઃ હજીરા, સુરત આ દિવસે ધનતેરસ હતી. આખું ગુજરાત દિવાળી ઉજવવા થનગની રહ્યું હતું. આ માહોલની વચ્ચે સુરત, GIDCમાં લોકો રજાના માહોલ વચ્ચે પણ કામ કરી રહ્યા હતા. બીજી બાજુ રિલાયન્સ કંપનીના પરિસરમાંથી AP-11-X-5907 નંબરની એક ટ્રક લોડ થઇને બહાર નીકળવાની તૈયારીમાં હતો. ટ્રકની ટ્રોલીમાં પોલીપ્રોપીલીન એટલે કે પ્લાસ્ટિકના દાણાની કુલ 640 ગુણીઓ (આશરે 16 ટન માલ) ભરેલી હતી. આ માલની બજાર કિંમત અંદાજે 19.93 લાખ રૂપિયા હતી. માલને દમણમાં આવેલી એક ફેક્ટરીમાં પહોંચાડવાનો હતો. આવા જ બીજા 3 ટ્રક સિલવાસા, હૈદરાબાદ અને તિરુપતિ જઇ રહ્યા હતા. દમણ જતાં ટ્રકના સ્ટિયરિંગ પર 28 વર્ષનો યુવાન અને મહેનતુ ડ્રાઇવર અનવરખાન નિઝામુદ્દીનખાન બેઠો હતો. PRC લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતો અનવરખાન પોતાના કામ પ્રત્યે ખૂબ વફાદાર હતો. રાત્રે આશરે 9 વાગ્યે તેણે ફેક્ટરીના ગેટ પરથી ગેટપાસ પંચ કરાવ્યો અને ટ્રકને દમણ તરફના હાઇવે પર દોડાવી મૂક્યો. બે દિવસ બાદ વાપીની મેઇન ઑફિસમાંથી હજીરાની ટ્રાન્સપોર્ટ ઑફિસમાં ફોન આવ્યો. પુરણસિંહે ફોન રિસીવ કરતાં જ સામેથી અવાજ આવ્યો. ‘દમણની ગાડી હજુ આવી નથી.’ ‘દિવાળી છે. થોડું મોડું થઇ ગયું હશે, આવી જશે, ચિંતા ન કરો.’ પુરણસિંહે વળતો જવાબ આપ્યો એટલે સામેવાળાએ વાત માની લીધી અને ફોન કટ કરી નાખ્યો. બાકીના ત્રણેય ટ્રક સિલવાસા, હૈદરાબાદ અને તિરુપતિ પહોંચી ગયા હતા પણ ફક્ત આ દમણવાળા ટ્રકનો જ કોઇ અતોપતો નહોતો. અનવરખાન પાસે મોબાઇલ પણ નહોતો. આ જ કારણે તેનો કોન્ટેક્ટ પણ થઇ શકે એમ નહોતો. આમ ને આમ વધુ બે દિવસ પસાર થઈ ગયા. વાપીથી ફરી મેનેજરનો ફોન આવ્યો. ‘ટ્રક નંબર AP 11 X 5907 હજુ પહોંચ્યો નથી.’ આ શબ્દો સાંભળીને પુરણસિંહના મોંઢામાંથી નીકળી ગયું: શું વાત કરો છો? હું તપાસ કરાવું છું. દિવાળીની રજાના કારણે ટ્રક પહોંચવામાં મોડું થયું હશે તેમ માનીને અત્યાર સુધી નિરાંતે બેસેલા પુરણસિંહને હવે પેટમાં ફાળ પડી. તેણે તરત જ બીજા કર્મચારીને સૂચના આપીને ટ્રકમાં લગાવેલા GPSનું લોકેશન ટ્રેક કરાવ્યું. 21 ઓક્ટોબરે લાસ્ટ લોકેશન હજીરાથી અંદાજે 76 કિલોમીટર દૂર ગણદેવીના બિલીમોરા-નવસારી રોડ પરનું આવ્યું. પુરણસિંહ પોતાની સાથે કંપનીના કેટલાક વિશ્વાસુ માણસોને લઇને લોકેશન પર પહોંચી ગયો. અહીં વધુ એક આઘાત તેની રાહ જોઇ રહ્યો હતો. એ લોકેશન પર ટ્રક કે ડ્રાઇવર કોઇ નહોતું. બધાએ આસપાસના વિસ્તારોમાં ખૂબ તપાસ કરી પણ કંઇ સગડ ન મળ્યા. જે અનવરખાન પોતાની કામ પ્રત્યેની વફાદારીને કારણે જાણીતો હતો તે જ હવે પરિસ્થિતિ અને સંજોગોના કારણે આરોપીના કઠેડામાં આવી ગયો. પુરણસિંહે છેવટે હજીરા પોલીસ સ્ટેશનમાં જવાનું નક્કી કર્યું. પોલીસ સ્ટેશનમાં પુરણસિંહે અનવરખાન સામે 20 લાખના માલ અને 7 લાખ રૂપિયાના ટ્રક એમ કુલ 27 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી. આ ઉપરાંત પુરણસિંહે બીજા ડ્રાઇવર્સને સૂચના આપી કે અનવરખાનનો કોન્ટેક્ટ થાય તો તાત્કાલિક જાણ કરવી. ફરિયાદ નોંધાતાં જ અનવરખાન અંગે કંપનીમાં જાતજાતની ચર્ચાઓ થવા લાગી. *** એક ઘટનાથી આખા કેસમાં નવો વળાંક આવ્યો આ તરફ કેસની ગંભીરતા જોઇને હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.ચૌધરીએ તપાસનો દોર પોતાના હાથમાં લીધો. તેમણે તરત જ મોબાઇલ લોકેશન, GPS ટ્રેકિંગ અને હાઇવે પરના CCTV ચકાસવા ટીમને કામે લગાવી દીધી. તપાસના બીજા દિવસે એટલે કે 29 ઓક્ટોબર, 2014ના રોજ પોલીસને સચિન GIDCમાં કલર ટેક્સ કંપનીની સામેના સર્વિસ રોડ પરથી AP-11-X-5907 નંબરનો ટ્રક બિનવારસી હાલતમાં મળી આવ્યો. પોલીસે જ્યારે ટ્રકની કેબિન ખોલી ત્યારે સૌના હોશ ઊડી ગયા કેમ કે કેબિનનાં સીટ કવર અને મેટિંગ પર લોહીના સૂકાઇ ગયેલાં ધાબાં હતાં. આ લોહી કોનું હતું? ટ્રક તો મળ્યો, પણ ડ્રાઇવર અનવરખાન ક્યાં? પોલીસ આ સવાલોના જવાબ મેળવવા મથી રહી હતી, ત્યાં જ 30મી ઓક્ટોબરે એક એવી ઘટના ઘટી જેનાથી આખો કેસ એકદમથી ફરી ગયો. સચિન-મગદલ્લા રોડ પર આવેલા ઓવરબ્રિજ નીચેથી કશુંક સડી રહ્યું હોય તેવી ભયંકર દુર્ગંધ આવતી હોવાની માહિતી મળી. આ સાથે જ સચિન પોલીસ ત્યાં પહોંચી. તપાસ કરી તો જે ગટરમાંથી આ દુર્ગંધ આવતી હતી તેમાંથી એક અજાણ્યા યુવાનની અડધી કોહવાયેલી લાશ મળી આવી. કપડાં અને શરીરની નિશાનીઓ પરથી મૃતદેહની ઓળખ થઇ. એ લાશ બીજા કોઇની નહીં પણ ટ્રક ડ્રાઇવર અનવરખાનની જ હતી. સચિન પોલીસે હજીરા પોલીસને આ અંગે જાણ કરી અને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી. પીએમ રિપોર્ટમાં ખૂલ્યું કે ધારદાર હથિયારથી ગળું કાપી નાખવાના કારણે અનવરખાનનું મોત નિપજ્યું છે. હવે ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું હતું. જે અનવરખાન સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો તેની જ લાશ મળતાં આ કેસમાં હત્યા અને લૂંટની કલમ પણ ઉમેરાઇ. ગુનાનો ભેદ ઉકેલવા PI કે.એમ.ચૌધરીએ પોતાની ટીમને કામે લગાડી. ટ્રાન્સપોર્ટ કંપનીમાં હાલમાં કામ કરતા અને ભૂતપૂર્વ કર્મચારીઓની કડક પૂછપરછ શરૂ થઇ. બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરાયું. ટૂંક સમયમાં જ પોલીસને ખબર પડી કે કંપનીમાંથી કાઢી મૂકાયેલા કે નોકરી છોડી ગયેલા 4-5 ડ્રાઇવર્સ ઘટનાના દિવસથી જ પોતાના ઘર છોડીને ગાયબ થઇ ગયા છે. આ માહિતી મળ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને એ ડ્રાઇવર્સને પકડવાનું મિશન શરૂ કર્યું. એક ટીમને બીજા રાજ્યમાં મોકલી જ્યારે બીજી ટીમને વાપી-દમણ પટ્ટામાં શકમંદોની પાછળ લગાવી. 5 નવેમ્બરે પોલીસને પહેલી સફળતા મળી. વાપીમાંથી આ કેસનો આરોપી અસ્લમ ઉર્ફ નનકો ઇદ્રીસી ઝડપાઇ ગયો. અસ્લમે જ ટ્રકમાં રહેલો માલ સગેવગે કર્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરી. જેમાં તેણે ટ્રકમાંથી લૂંટેલો માલ સચિન GIDCના રોડ નં-8 પર આવેલા પ્રિન્સ પ્લાસ્ટિક નામના ગોડાઉનમાં છુપાવ્યો હોવાની કબૂલાત કરી લીધી. પોલીસે FSLની ટીમને સાથે રાખી ગોડાઉન પર દરોડો પાડ્યો. જેમાં 16 ટન પ્લાસ્ટિકના દાણાનો જથ્થો સુરક્ષિત મળી આવ્યો. ગોડાઉનની પાછળ રિલાયન્સની થેલીઓને સળગાવી દેવાઇ હતી. FSLએ થેલીઓનો રાખ-કોલસો પણ સેમ્પલ તરીકે કબજે કર્યો. સ્વભાવિક છે કે અનવરની હત્યા અને 16 ટન જેટલો માલ સગેવગે કરવાનું કામ અસ્લમનું એકલાનું નહોતું. તેની સાથે બીજા આરોપીઓ પણ હોવા જોઇએ એટલે પોલીસે અસ્લમ પાસેથી બીજા આરોપીઓનાં નામ ઓકાવ્યાં. જેમાં ખૂલ્યું કે રામનરેશ ઉર્ફ નરેશકાકા વિશ્વકર્મા મુખ્ય કાવતરાખોર છે. જે ગોડાઉનમાંથી માલ મળ્યો તે ગોડાઉનના માલિક રવીન્દ્ર મદન શાહે આ માલ ખરીદ્યો હતો. જ્યારે ધર્મેન્દ્ર મદન શાહે થેલીઓ સળગાવીને પુરાવાનો નાશ કર્યો હતો. મહેબૂબ સમીઉલ્લાહ ચૌધરી વચેટિયો હતો. જ્યારે માલ ખરીદવા માટેનો સોદો કરાવનાર કલીમુદ્દીન ઉર્ફ કલીમખાન હતો. પોલીસે જુદી-જુદી જગ્યાએ દરોડા પાડીને ધડાધડ બધા આરોપીઓને ઝડપી લીધા. 8મી નવેમ્બરે આ ઘટનામાં સાતમો આરોપી વિજય ઉર્ફ મોન્ટુ યાદવ પણ પોલીસના સકંજામાં આવી ગયો. અનવરખાનની હત્યા થઇ, 16 ટન માલની લૂંટ થઇ અને હવે તો બધા આરોપીઓ પણ પોલીસની પકડમાં હતા પણ સૌથી મોટો સવાલ એ હતો કે આરોપીઓએ આવું શું કામ કર્યું? શું તેમને અનવરખાન સાથે કોઇ અંગત દુશ્મનાવટ હતી કે આ ઘટના પાછળ બીજું જ કોઇ કારણ જવાબદાર હતું. આ સવાલો પરથી પડદો ઊંચકાશે ‘ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ’ના આવતીકાલના એપિસોડમાં.
    Click here to Read More
    Previous Article
    ચાલુ વરસાદમાં MLAનો બાટલો ફાટ્યો:શંકર ચૌધરીએ વરસાદનો દુહો લલકાર્યો ને ‘વાહ… વાહ…’ થઈ ગયું; હસમુખ પટેલે ફોન પર શું ચોખવટ કરી?
    Next Article
    વીજ કંપનીએ પાલિકાની બેદરકારી ગણાવી:હાંસાપુર નજીક પાલિકાના બોરના ખુલ્લા વાયરથી કરંટ લાગતાં યુવક મોતને ભેટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment