Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંકરસિંહ વાઘેલાના કમબેકથી કોંગ્રેસને કેટલો ફાયદો?:વિશ્લેષકોએ કહ્યું- 'પાર્ટીને ચહેરો અને અનુભવ મળે પણ સાથે સંગઠનને મજબૂત કરવું પડે', 27 લાખ ક્ષત્રિય મતદારો પર અસરની ચર્ચા

    11 hours ago

    પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાવાની શક્યતાને લઈને ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની છે. બાપુ કોંગ્રેસમાં પરત ફરે તો તેની રાજકીય અને સામાજિક અસર કેટલી થઈ શકે તે અંગે રાજકીય વિશ્લેષકો તથા રાજપૂત સમાજના આગેવાનોના મત અલગ-અલગ છે. કેટલાકના મતે વાઘેલા કોંગ્રેસને રાજ્યવ્યાપી ઓળખ ધરાવતો ચહેરો અને અનુભવ આપી શકે છે, જ્યારે કેટલાક માને છે કે માત્ર બાપુના આગમનથી ચૂંટણીનું ગણિત બદલાશે નહીં, સંગઠનને પણ બુથ સ્તર સુધી મજબૂત કરવું પડશે.બાપુના કમબેકથી કેવી અસર થાય તે જાણવા ભાસ્કરે અલગ અલગ રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી. કોંગ્રેસને ગુજરાતભરમાં ચાલે તેવા ચહેરાની જરૂર છે- જયનારાયણ વ્યાસ રાજકીય વિશ્લેષક જયનારાયણ વ્યાસના મતે શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવાથી ઘણો ફરક પડી શકે. તેમણે કહ્યું કે, ભાજપ સામે ટક્કર લેવી હોય તો મજબૂત નેતૃત્વ જરૂરી છે અને કોંગ્રેસને સમગ્ર ગુજરાતમાં ચાલે તેવા ચહેરાની જરૂર છે, જે જરૂરિયાત બાપુ પૂરી કરી શકે છે. તેમના મતે વાઘેલાને પણ રાજકીય પ્લેટફોર્મની જરૂર છે અને કોંગ્રેસ એ પ્લેટફોર્મ આપી શકે છે, એટલે બંને માટે આ ‘વિન-વિન’ સ્થિતિ બની શકે છે. વ્યાસે વધુમાં કહ્યું કે, વાઘેલાને ગુજરાતના રાજકારણ અને ભાજપના રાજકીય માળખાની લાંબી સમજ છે. દરેક વિસ્તારની રાજકીય સ્થિતિ, નેતાઓ અને કાર્યકરોની જાણકારી તથા લાંબો અનુભવ તેમની તાકાત બની શકે છે. તેમના મતે વાઘેલાનો જાણીતો ચહેરો અને લોકો સાથેનું હૂંફાળું વ્યક્તિત્વ પણ રાજકીય રીતે મહત્વનું બની શકે છે. ‘એકલા બાપુથી નહીં, સંગઠન મજબૂત હશે તો જ અસર’ જોકે વ્યાસે સ્પષ્ટ કર્યું કે, માત્ર શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવે એટલાથી પરિણામ બદલાઈ જશે એવું કહેવું વહેલું છે. કોંગ્રેસે પોતાનું ગ્રાસરૂટ સંગઠન મજબૂત કરવું પડશે અને બુથ સ્તર સુધી કાર્યકરોને સક્રિય કરવા પડશે. તેમના મતે આગામી છ મહિનામાં દરેક બેઠકનું રાજકીય ગણિત વધુ સ્પષ્ટ થઈ શકે છે અને હાલ કોઈ ચોક્કસ પરિણામની આગાહી કરવી વહેલી ગણાશે. વ્યાસે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં આંતરિક પડકારો હોવાની વાત પણ કરી હતી. તેમના મતે જો વિપક્ષના મતનું વિભાજન અટકે અને મજબૂત નેતૃત્વ સાથે સંગઠન મતદારોને બુથ સુધી લઈ જઈ શકે તો રાજકીય પરિસ્થિતિમાં ફેરફારની શક્યતા ઊભી થઈ શકે છે. આંદોલનો સાથે જોડાશે તો અસર, નહીં તો માત્ર આગમનથી નહીં- વિદ્યુત જોશી રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીના મતે વાઘેલા વિવિધ સામાજિક કે જનઆંદોલનોને અસરકારક રીતે ટેકો આપે તો તેમની ભૂમિકા મહત્વની બની શકે. તેમણે કહ્યું કે કોઈપણ મોટા આંદોલન માટે સર્વસ્વીકૃત નેતૃત્વની જરૂર હોય છે. જોકે બાપુએ પોતાની ભૂમિકા શું રહેશે અને કયા મુદ્દાઓને લઈને રાજકીય રીતે આગળ વધશે તે સ્પષ્ટ કરવું પડશે. જોશીના મતે આજના યુવાનોના મુદ્દા—શિક્ષણ, રોજગાર અને શિક્ષણમાં ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો—સાથે વાઘેલા જોડાઈ શકે અને યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપી શકે તો તેમની અસર વધી શકે છે. માત્ર પરંપરાગત રાજકીય ઓળખ પૂરતી નહીં રહે; નવી પેઢી સાથે જોડાણ જરૂરી રહેશે. નિષ્ક્રિય કોંગ્રેસીઓને સક્રિય કરી શકે, બહાર ગયેલા પાછા આવી શકે- પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીના મતે શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં લાંબા અનુભવ ધરાવતા અને વ્યાપક સ્વીકાર ધરાવતા નેતા છે. તેમના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસમાં જોવા મળેલી નિષ્ક્રિયતાની સ્થિતિમાં બાપુનું આગમન કાર્યકરોમાં નવી સક્રિયતા લાવી શકે છે. ગઢવીના મતે કોંગ્રેસની બહાર ગયેલા કેટલાક કાર્યકરો પણ વાઘેલાના નેતૃત્વને કારણે ફરી કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે. તેમણે એવો પણ મત વ્યક્ત કર્યો કે ભાજપમાં ગયેલા કેટલાક કાર્યકરો મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા હોય અને મજબૂત નેતૃત્વના અભાવે ભાજપમાં ગયા હોય તો વાઘેલા પાછા આવે ત્યારે તેઓ પણ કોંગ્રેસમાં પરત ફરવાની શક્યતા ઊભી થઈ શકે છે.તેમણે વાઘેલાની સ્થાનિક રાજકીય સમજ અને ઉમેદવાર પસંદગીની ક્ષમતાને પણ મહત્વની ગણાવી. તેમના મતે ગામ, તાલુકા અને વિસ્તાર પ્રમાણે રાજકીય સમીકરણ સમજવાની વાઘેલાની ક્ષમતા ચૂંટણીમાં ઉપયોગી બની શકે છે. રાજપૂત સમાજમાં પણ બે મતઃ કેટલાક સક્રિયતાની વાત કરે છે, તો કેટલાક વિશ્વાસનો પ્રશ્ન ઉઠાવે છે રાજપૂત સમાજના એક આગેવાનના મતે બાપુ કોંગ્રેસમાં આવે તો સામાજિક સ્તરે પણ અસર થઈ શકે છે. ખાસ કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા અને હાલમાં નિષ્ક્રિય રાજપૂત આગેવાનો ફરી સક્રિય થઈ શકે છે. જ્યાં રાજપૂત સમાજની સંખ્યા નોંધપાત્ર છે તેવા વિસ્તારોમાં બાપુના આગમનની અસર જોવા મળી શકે છે. જોકે અન્ય એક રાજપૂત આગેવાને વાઘેલાના અગાઉના રાજકીય પક્ષ પરિવર્તનોને ધ્યાનમાં રાખીને વિશ્વાસનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમના મતે વાઘેલા અગાઉ ભાજપમાં રહ્યા, ત્યારબાદ કોંગ્રેસમાં આવ્યા અને પછી અલગ પક્ષ બનાવ્યો હોવાથી વારંવાર પક્ષ બદલવાની છાપને કારણે સમાજના તમામ વર્ગોમાં તરત વિશ્વાસ ઊભો થાય તે જરૂરી નથી. ગુજરાતમાં રાજપૂતોની વસતી અંદાજે 1 કરોડ છે જ્યારે 182 બેઠકોમાંથી 40 બેઠકો એવી છે જ્યાં રાજપૂત સમાજ નિર્ણાયક થઈ શકે છે એટલે બાપુના આવવાથી 40 બેઠકો પર પણ અસર થઈ શકે તેવું રાજપૂત સમાજના આગેવાનોનું માનવું છે.
    Click here to Read More
    Previous Article
    थलपति विजय की जन नायकन ने तोड़े OTT पर तोड़े व्यूअरशिप के सारे रिकॉर्ड, तमिलनाडु के मुख्यमंत्री की फिल्म ने रचा 2026 का ये कीर्तिमान
    Next Article
    માણાવદરમાં લાયન્સ ક્લબે 'ગાંધી હાટ'ના રજત જયંતી વર્ષનું ઉદ્ઘાટન કર્યું:ખાદીની ખરીદી પર ગ્રાહકોને કુલ ૩૫ ટકા ડિસ્કાઉન્ટ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment