Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રદેવને સસરા પ્રજાપતિ દક્ષે આપ્યો ક્ષય રોગનો શ્રાપ:માત્ર રોહિણીને પ્રેમ ને 26 પત્નીઓની ઉપેક્ષા કરતા દંડ મળ્યો, જાણો સોમનાથ મહાદેવે કેવી રીતે રોગ મુક્ત કર્યા

    2 days ago

    ચંદ્રદેવ અને પ્રજાપતિ દક્ષ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે. કથા અનુસાર, પ્રજાપતિ દક્ષને 27 કન્યાઓ હતી. તેમણે પોતાની આ 27 દીકરીઓના લગ્ન ચંદ્રદેવ સાથે કર્યા હતા. સ્વાભાવિક રીતે એવી અપેક્ષા હતી કે, ચંદ્ર પોતાની બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર કરશે અને બધાને સરખું સન્માન, પ્રેમ આપશે, પરંતુ આવું થયું નહીં. ચંદ્રદેવ પોતાની પત્ની રોહિણીને વિશેષ પ્રેમ કરતા હતા. તેઓ મોટાભાગનો સમય તેની સાથે જ વિતાવતા અને અન્ય 26 પત્નીઓની ઉપેક્ષા કરતા હતા. ધીમે ધીમે આ ભેદભાવ બધી 26 પત્નીઓને ખટકવા લાગ્યો. દુઃખી થઈને ચંદ્રદેવની 26 પત્નીઓ પોતાના પિતા દક્ષ પ્રજાપતિ પાસે પહોંચી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને બોલાવીને સમજાવ્યું કે એક પતિ માટે પણ તેની બધી પત્નીઓ સમાન હોવી જોઈએ. તેમણે ચંદ્રને ભેદભાવ છોડીને બધા સાથે સમાન વ્યવહાર કરવા કહ્યું. ચંદ્રદેવે તે સમયે તો તેમની વાત માની લીધી, પરંતુ વ્યવહારમાં કોઈ પરિવર્તન કર્યું નહીં. થોડા સમય પછી પરિસ્થિતિ ફરીથી તેવી જ થઈ ગઈ. ઉપેક્ષિત પત્નીઓએ ફરીથી પોતાના પિતાને ફરિયાદ કરી. આ વખતે દક્ષ પ્રજાપતિ અત્યંત ક્રોધિત થયા અને તેમણે ચંદ્રદેવને શાપ આપ્યો કે તેમને ક્ષય રોગ થાય. શાપના પ્રભાવથી ચંદ્રદેવ ગંભીર રીતે બીમાર પડી ગયા. તેમની સ્થિતિ જોઈને દેવતાઓમાં ચિંતા ફેલાઈ ગઈ. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે પહોંચ્યા અને સમાધાન પૂછ્યું. બ્રહ્માજીએ જણાવ્યું કે ચંદ્રદેવે પ્રભાસ ક્ષેત્રમાં જઈને ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. ચંદ્રદેવે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી તપસ્યા કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા. શિવજીએ ચંદ્રદેવને રોગમુક્તિનું વરદાન આપ્યું, પરંતુ સાથે જ એવી વ્યવસ્થા પણ કરી કે એક પક્ષમાં તેમની કળાઓ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં વધશે. ત્યારથી જ ચંદ્ર શુક્લ પક્ષમાં વધતો અને કૃષ્ણ પક્ષમાં ઘટતો દેખાય છે. આ કથા ફક્ત ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સંબંધોમાં સમાનતા, સન્માન અને ન્યાયનો ઊંડો સંદેશ પણ આપે છે. ભેદભાવ ભલે પરિવારમાં હોય, કાર્યસ્થળ પર હોય કે સમાજમાં, તે આખરે તણાવ, અસંતોષ અને સંઘર્ષને જન્મ આપે છે. તેથી ક્યારેય ભેદભાવ ન કરવો જોઈએ. પ્રસંગની શીખ પરિવારમાં કોઈ એક વ્યક્તિને વધુ પડતું મહત્ત્વ આપવું અને બીજાની અવગણના કરવી અસંતોષ પેદા કરે છે. દરેક સભ્યને સન્માન અને મહત્ત્વ મળવું જોઈએ. જ્યારે લોકો જુએ છે કે તેમની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર થઈ રહ્યો છે, ત્યારે તેમનો વિશ્વાસ મજબૂત થાય છે. નિષ્પક્ષતા દરેક સંબંધનો પાયો છે. જો પરિવારનો કે ટીમનો કોઈ સભ્ય પોતાની સમસ્યા જણાવી રહ્યો હોય, તો તેને ગંભીરતાથી સાંભળો. નાની ફરિયાદો સમય જતાં મોટા વિવાદનું સ્વરૂપ લઈ શકે છે. ચંદ્રદેવે સમાન વર્તનનું વચન તો આપ્યું, પરંતુ તેને નિભાવ્યું નહીં. જીવનમાં વાસ્તવિક પરિવર્તન શબ્દોથી નહીં, કર્મોથી દેખાય છે. જ્યારે વ્યક્તિ પોતાના મનપસંદ લોકો પ્રત્યે વધુ પડતો ઝુકાવ રાખે છે, ત્યારે તે નિષ્પક્ષ નિર્ણય લઈ શકતો નથી. સંતુલિત દૃષ્ટિકોણ વિકસાવવો જરૂરી છે. ખુલ્લો સંવાદ ગેરસમજોને દૂર કરે છે. નિયમિત વાતચીતથી મનની વાતો સામે આવે છે અને સમસ્યાઓ વધતી નથી. ભૂલ સ્વીકારવી એ નબળાઈ નથી, પરંતુ પરિપક્વતાની નિશાની છે. તેનાથી સંબંધો મજબૂત થાય છે અને વિવાદો ઝડપથી સમાપ્ત થાય છે. પરિવાર કે ટીમમાં સતત આલોચનાનું વાતાવરણ તણાવ વધારે છે. સહયોગ અને પ્રોત્સાહન સકારાત્મક ઊર્જા પેદા કરે છે. જીવનમાં સમય, ધ્યાન અને ભાવનાઓનું સંતુલિત વિતરણ આવશ્યક છે. અસંતુલન ઘણીવાર સંઘર્ષ અને અસંતોષને જન્મ આપે છે. કોઈપણ સંબંધમાં પક્ષપાત, ભેદભાવ અને ઉપેક્ષાથી બચો. સમાનતા, સન્માન અને સંવેદનશીલતા અપનાવીને આપણે ફક્ત સંબંધોને મજબૂત બનાવી શકતા નથી, પરંતુ આપણા જીવનને પણ વધુ સુખદ, સફળ અને સંતુલિત બનાવી શકીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    આજે ભાનુ સપ્તમી:પ્રત્યક્ષ દેવતા સૂર્યનારાયણને પ્રસન્ન કરવાનો દિવસ, જાણો સરળ પૂજા-વિધિ
    Next Article
    જામનગર હાઈવે પર કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:અજાણી મહિલાની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment