Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વતંત્રતાથી વિશ્વ નેતૃત્વ સુધી અમેરિકાની 250 વર્ષની ગૌરવશાળી સફર:અનેક લોકો માટે તક, સમાનતા, સ્વતંત્રતા અને મુક્તિનો માર્ગ અંકલ સેમનો અસલી મિજાજ

    17 घंटे पहले

    અમેરિકા દેશની મુલાકાત પછી આપણા અતિ લોકપ્રિય સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષી એ કહેલું કે, 'માણસના બે હાથ શું સર્જન કરી શકે એ જોવું હોય તો જિંદગીમાં એક વખત અમેરિકાની મુલાકાત લેવી જોઇએ.' ચંદ્રકાંત બક્ષીએ આ કહ્યું ત્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા અસ્તિત્વમાં નહોતું નહીં તો ઉપરના એમના એ નિવેદન, મંતવ્યને કારણે ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર પર ભારત-અમેરિકા યુદ્ધ છેડાઇ ગયું હોત. અત્યારે સોશિયલ મીડિયા પર અવાર નવાર આમ પણ કોઇ પણ NRI ભારતની કોઇપણ બાબતમાં નિંદા કરતી કોઇ પોસ્ટ મૂકે એટલે એમને દેશદ્રોહીથી માંડીને તકવાદી સુધીના કોઇ પણ ટાઇટલથી નવાજવામાં આવે છે. આમ તો કોઇ પણ બે દેશો વચ્ચેની સરખામણી વિવિધ કારણોસર ટાળવાલાયક બાબત જ ગણાય પણ ભારતમાં રહેતા ઘણા દેશવાસીઓનો મત કે ટીકા હોય છે કે અમેરિકામાં વારંવાર બંદૂક દ્વારા શાળા વગેરે જગ્યાએ હુમલા થાય, રેસીસમ વગેરે બાબત પર નોન રેસિડેન્સ ઇન્ડિયન લખતા નથી અને ફક્ત ભારતની ટીકા કર્યા કરે છે અને એમનું આ નિરીક્ષણ કે ટીકા ખોટી પણ નથી. કોઇપણ ખૂણેથી આવેલા માણસને અમેરિકા ગમી જાય વાત ફક્ત એટલી છે કે અત્યારે આઝાદીના 250 વર્ષની ઉજવણી કરી રહેલા અમેરિકા માં એવું તો શું છે કે એક વખત દુનિયાના કોઇ પણ ખૂણેથી, કોઇ પણ રીતે આવેલો મનુષ્ય અહીં આવીને, અહીં વસી જાય છે. પાછો પોતાના દેશમાં જવાનું વિચારતો નથી (અપવાદ હોઇ શકે) અને આ એમની જન્મભૂમિ ના હોવા છતાં અમેરિકા વિશે ખરાબ બોલતો નથી કે સાંભળી પણ નથી શકતો? આવું તો શું છે અંકલ સેમના દેશમાં કે લોકોને અહીંની મોહિની લાગે પછી એ છૂટતી નથી? આ વાત ખૂબ ઊંડું સંશોધન અને સમજ માંગી લે છે! આઝાદીના 250 વર્ષની ઉજવણી આ લખાઇ રહ્યું છે એના બે દિવસ પહેલા 4 જુલાઇ, 2026ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા) પોતાની સ્વતંત્રતાના 250 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને આ અવસરને "અમેરિકા 250" અથવા "સેમી ક્વિન્સેન્ટેનિયલ" તરીકે ઓળખવામાં આવે છે. અઢી સદીની આ સફર માત્ર એક દેશના વિકાસની કહાની નથી પરંતુ લોકશાહી, સ્વતંત્રતા, વિજ્ઞાન, નવીનતા અને માનવ પ્રગતિની અનોખી ગાથા છે. વિશ્વભરમાં અમુક જગ્યાએ ચાલી રહેલા યુદ્ધો, કોરોના વાયરસની મહામારી પછી ઊભા થઇ રહેલા દેશો, પર્યાવરણની, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહેલી આપણી આ પૃથ્વી અને રોજે રોજ બદલાતી જતી ટેકનોલોજી સામે ટકી રહેવા મથતી માનવજાત. આ બધા પડકારો વચ્ચે વર્ષ 2026 અમેરિકાના ઇતિહાસમાં એક અત્યંત ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ વર્ષ છે જે અમેરિકાના નાગરિકો માટે 250 વર્ષ પહેલા બ્રિટનથી આઝાદ થયા પછી એકડે એક થી શરુ કરીને અત્યારે દરેક ક્ષેત્રે દુનિયાની આગેવાની કરતો મહાન દેશ કેવી રીતે બન્યો એ યાદ કરવાનો કૃતઘ્નતા અનુભવવાનું વરસ પણ છે! અમેરિકાનો 500-600 વર્ષ જૂનો ઇતિહાસ ભારત, ઇરાન, ચીન જેવા 5000 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતા દેશોની સામે 500-600 વર્ષનો ઇતિહાસ ધરાવનાર અમેરિકા 18મી સદીમાં ઉત્તર અમેરિકાની 13 બ્રિટિશ વસાહતો પર બ્રિટનના શાસન હેઠળ ભારે કર, રાજકીય અધિકારોનો અભાવ અને બ્રિટિશ સરકારના કડક નિયંત્રણને કારણે લોકોમાં અસંતોષ, બળવાનું, સ્વતંત્રતાની લડાઇનું કારણ બન્યું. અને 4 જુલાઇ, 1776 ના રોજ સ્વતંત્રતાની ઘોષણા સ્વીકારવામાં આવી. આ ઐતિહાસિક દસ્તાવેજના મુખ્ય લેખક થોમસ જેફર્સન હતા. તેમાં જાહેર કરવામાં આવ્યું કે દરેક મનુષ્ય સમાન છે અને તેને જીવન, સ્વતંત્રતા અને સુખની શોધ કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે. આ દિવસ આજે પણ અમેરિકાનો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આઝાદીના સિદ્ધાંતોનું આજે પણ પાલન આજે પણ એક મજબૂત લોકશાહી ધરાવતું, ડેમોક્રેટિક કે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટની આવન જાવન પછી પણ અમેરિકા, દરેક મનુષ્ય સમાન છે અને તેને જીવન, સ્વતંત્રતા અને સુખની શોધ કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે એ સોને મઢેલા સૂત્રનું ચુસ્ત પાલન તેના તાબામાં હોય એટલી બધી ગંભીરતાથી કરી રહ્યું છે. માટે જ ધ અમેરિકન ડ્રીમ પરિકલ્પનામાંથી એને વાસ્તવિક બનાવવા દુનિયાના મોટા ભાગના દેશનો નાગરિક લેખક ગુણવંત શાહના શબ્દોમાં કોલમ્બસના હિન્દુસ્તાન તરફ નજર નાખીને બેઠો હોય છે. સ્વતંત્ર પછી 1787 માં પોતાનું બંધારણ નક્કી કરનાર અમેરિકામાં જ્યોર્જ વોશિંગ્ટન પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને તેમણે લોકશાહી પરંપરાઓને મજબૂત પાયો આપ્યો. લિંકને ગુલામી નાબૂદ કરવાનો નિર્ણય લીધો બાળક જન્મે પછી એ ઘૂંટણિયે અને પછી ચાલતા શીખે, એને દાંત આવે, બીમાર પડે વગેરે સમસ્યામાંથી પસાર થાય એમ 1861થી 1865 દરમિયાન અમેરિકામાં ગૃહયુદ્ધ થયું. દેશ ઉત્તર અને દક્ષિણ રાજ્યોમાં વહેંચાઇ ગયો હતો. યુદ્ધનું મુખ્ય કારણ ગુલામી પ્રથા અને રાજ્યોના અધિકારોનો વિવાદ હતો. એમાંથી વિશ્વના મહાનતમ લીડર્સમાં જેમની ગણના થાય છે એ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને ગુલામી નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. યુદ્ધ પછી અમેરિકા ફરી એક થયું અને લાખો ગુલામોને સ્વતંત્રતા મળી. આ ઘટના અમેરિકાના ઇતિહાસમાં માનવ અધિકારો માટેના સૌથી મહત્વપૂર્ણ વળાંકોમાંની એક માનવામાં આવે છે. પછી તો પાછળ વળી ને જોવે એ બીજા એ ન્યાયે 19મી સદી દરમિયાન અમેરિકા ઝડપથી પશ્ચિમ તરફ વિસ્તરતું ગયું. નવા પ્રદેશો જોડાતા ગયા, રેલવેનું વિશાળ નેટવર્ક બન્યું અને કૃષિ તથા વેપારમાં જબરદસ્ત વધારો થયો. આ વિસ્તરણ સાથે નવા શહેરો વસ્યા અને અમેરિકાની આર્થિક શક્તિમાં એવો વધારો થયો કે જે આજે પણ પોતાના દેશમાં કોઇ ખોટ ના હોવા છતાં લોકોને પૈસા કમાવવા માટે અહીં આવવા મજબૂર કરે છે. અમેરિકા મહાસત્તા બનીને ઉભર્યું પ્રથમ અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરી આવનાર અમેરિકા યુદ્ધ પછી વિશ્વના પુનઃનિર્માણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્ર, નાટો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને નેતૃત્વ આપીને દુનિયાભરના દેશોના મોનિટર તરીકે પણ ઉભરી આવ્યું. અમેરિકાનો અવકાશયાત્રી ચંદ્ર પર પહોંચ્યો લોકશાહી અને મુક્ત બજાર આધારિત અર્થવ્યવસ્થાના મોડેલ વિશ્વના દેશોને આપનાર અમેરિકા એ 1969માં એપોલો 11 મિશન દ્વારા અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગને સદીઓથી આપણી પૃથ્વીને તટસ્થ ભાવે જોઇ રહેનાર ગ્રહ ચંદ્ર પર મોકલી વિશ્વના ઇતિહાસમાં વિજ્ઞાન અને માનવની બુદ્ધિ અને ક્ષમતાની સાબિતી રૂપે અભૂતપૂર્વ ઘટનાનું નિર્માણ કર્યું. માનવજાત માટે એક વિશાળ છલાંગ તરીકે ઓળખાતી આ સિદ્ધિએ અમેરિકાની વૈજ્ઞાનિક અને તકનિકી ક્ષમતાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો. દુનિયાના બીજા ઘણા દેશોની સરખામણી એ ભાખોડિયા ભરતું અને સ્વતંત્રતા મેળવનાર અમેરિકા કાયમ જ સારું વિદ્યાર્થી અને તક મળે એને ઝડપી લેવામાં અગ્રેસર રહ્યું છે. માટે જ આઝાદી પછીના નવનિર્માણ દરમિયાન એ સતત બીજા દેશો નું નિરીક્ષણ કરીને કઇ ભૂલ નહીં કરવાની એ તો શીખી જ રહ્યું છે પણ વિશ્વના દરેક ખૂણેથી પ્રતિભાશાળી, પોતાના વ્યવસાય, કલા, અભ્યાસમાં માહેર, લોકોને અહીં બોલાવીને એમની પ્રતિભાનો લાભ, મેળવીને અને સામે એ પ્રતિભાને અતિઆધુનિક તક, સંશાધનો, આર્થિક વળતર પૂરું પાડીને ઉત્તરોઉત્તર દરેક દિશામાં પ્રગતિ કરતું જ રહ્યું છે. વિશ્વએ અમેરિકાની નકલ કરી વિશ્વના લગભગ દરેક ખૂણેથી લોકો અહીં આવીને વસ્યા છે. વિવિધ ભાષાઓ, ધર્મ, સંસ્કૃતિઓ અને પરંપરાઓ એ અમેરિકાને સાચા અર્થમાં બહુ સાંસ્કૃતિક દેશ બનાવ્યો છે જ્યાં આ બધી સંસ્કૃતિઓએ એક બીજામાં ભળી જઇને એક નવી જ સંસ્કૃતિ બનાવી છે-અમેરિકન સંસ્કૃતિ. જેના સંગીત, નૃત્ય, ભાષા, નવા શબ્દો, સ્ટાઇલ, અને ટેકનોલોજીની નકલ વિશ્વભરના લોકો કરે છે. આજે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાડેલા, માઇક્રોનના સીઇઓ સંજય મલ્હોત્રા, જાણીતા ડોક્ટર ઉપરાંત બીજા અનેક ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર ભારતીય મૂળના નામ જાણીતા છે અને એમના આ પ્રદાન સામે એમને અહીં અદભૂત તકો અને કામ કરવાની સ્વતંત્રતા મળી છે. અત્યારે 2026 માં સમગ્ર દેશમાં અમેરિકાના 250 વર્ષની ઉજવણી વિશેષ કાર્યક્રમ, પરેડ, સાંસ્કૃતિક ઉત્સવો, સંગીત સમારંભો, શૈક્ષણિક પ્રદર્શન, મ્યુઝિયમ એક્ઝિબિશન અને ભવ્ય આતશબાજીના કાર્યક્રમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે નતમસ્તક થઇને દેશના સ્થાપકો, સૈનિકો, વૈજ્ઞાનિકો, નાગરિક અધિકાર આંદોલનના નેતાઓ અને સામાન્ય નાગરિકોના યોગદાનને યાદ કરવામાં આવી રહ્યું છે. અઢી સદીની સફરમાં અનેક સફળતા મેળવી અઢી સદીની આ સફરમાં અમેરિકાએ અસંખ્ય સફળતાઓ મેળવી છે પરંતુ સાથે સાથે ગુલામી, જાતિભેદ, આર્થિક અસમાનતા અને સામાજિક પડકારો, મૂળ નિવાસી નેટિવ અમેરિકનને થયેલા અન્યાયો જેવા કઠિન સમય અને પ્રશ્નો અને થઇ ગયેલા કે કરવામાં આવેલા અન્યાયોનો પણ સામનો કર્યો છે. ઇતિહાસની આ સફળતાઓ અને ભૂલોમાંથી સતત શીખીને દેશ સતત વધુ ન્યાયી, સમાન અને નવીન ભવિષ્ય તરફ આગળ વધે એ દરેક અમેરિકન નાગરિક અને પ્રતિનિધિઓનો પ્રયત્ન હોય છે અને આ વાત અમેરિકાને મહાન દેશ અમેરિકા બનાવે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં દંતકથા સમાન કંપની પેપ્સિકોના ભારતીય મૂળના સીઇઓ ઇન્દ્રા નુઇએ કહેલી વાત જે ભારતના નાના ગામડાંમાંથી કોઇ પણ જાતિ, આર્થિક વર્ગમાંથી આવીને અહીં સમાન તક મેળવનાર, દરેક ભારતીય મૂળના લોકો અને નવીન સિદ્ધિ પ્રાપ્ત કરનાર, અવકાશયાત્રી કલ્પના ચાવલા, સુનિતા પંડ્યા, સુંદર પિચાઇ, સત્ય નાડેલા વગેરેના અનુભવોનો પણ પડઘો પાડે છે અને જે હકીકત, એનઆરઆઇ કે કોઇ પણ અમેરિકન નાગરિક, અમેરિકાનું ઘસાતું કેમ નથી બોલતા એનો જવાબ પણ છે! ઇન્દ્રા નુઇ કહે છે, હું અમેરિકા સિવાય દુનિયાના કોઇ પણ દેશમાં જેમાં ભારત પણ સામેલ છે વૈશ્વિક કંપનીની CEO બની શકી હોત નહીં. અમેરિકાની સૌથી મોટી તાકાત તેની યોગ્યતા આધારિત પ્રણાલી છે. તેઓ કહે છે કે અમેરિકામાં લીડર્સ કે કંપનીઓ વ્યક્તિનો રંગ, લિંગ, જાતિ કે મૂળ દેશ નથી જોતા, તેઓ માત્ર પ્રતિભા અને ક્ષમતાને મહત્વ આપે છે. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ નહીં પણ આજે પણ અડગ, મજબૂત લોકશાહી ધરાવનાર અમેરિકા અનેક લોકો માટે તક, સમાનતા, સ્વતંત્રતા અને મુક્તિનો માર્ગ છે અને આ અંકલ સેમનો અસલી મિજાજ છે!
    Click here to Read More
    Previous Article
    કંડલા-ગાંધીધામના માલવાહક કોરિડોરને મળશે નવી ગતિ:કચ્છના રેલ નેટવર્કને મળશે સ્માર્ટ કંટ્રોલ, અમદાવાદમાં અત્યાધુનિક કંટ્રોલ સેન્ટર શરૂ
    Next Article
    કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરીના હજારો મુસાફરો પરેશાન બન્યા:દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે કચ્છ-મુંબઈનો ટ્રેન વ્યવહાર ફરી ઠપ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment