Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આફતનો વરસાદ, 24 કલાકમાં 9ના મોત:બે દિવસમાં 12 ઇંચ વરસાદથી પૂરનું ગંભીર સંકટ, બે ખાડી ભયજનક સપાટીને પાર, પ્રજા અને પશુઓ 48 કલાકથી પાણીમાં

    11 hours ago

    બે દિવસમાં ખાબકેલા 12 ઇંચ વરસાદથી આખું સુરત શહેર પાણીમાં છે. સોમવારે સાંજે 4.00ના અરસામાં વીજળીના કડાકા-ભડાકા અને પવન વચ્ચે માત્ર 2 કલાકમાં 4 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ત્યાર બાદ પણ અવિરત મેઘસવારી ચાલુ રહી હતી અને કૂલ 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે(7 જુલાઈ) સવારથી બપોર સુધીમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી સુરતની સુરત બગડી ગઈ છે. વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને બોટો પણ ફરતી થઈ ગઈ છે. તેમજ 24 કલાકમાં 9 લોકોના મોત થઈ ગયા છે અને પશુઓ પણ પાણીમાં છે. સ્માર્ટ સિટી સુરત અત્યારે પાણી-પાણી થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મળતી માહિતી મુજબ કતારગામ, વરાછા, રાંદેર, વેસુ અને પૂણા પાટિયા જેવા પોશ અને સામાન્ય વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા છે. શહેરની મુખ્ય સમસ્યા ખાડી પૂરની છે ત્યારે અત્યારે બે ખાડી ભયજનક સપાટી પર વહી રહી છે. પાણી વચ્ચે જિંદગી વિતાવવા અને બોટમાં આવવા જવા મજબૂર સુરતીઓના હાલાકી ભરેલા દિવસો અંગે દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા છે, તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા હજુ પણ સુરત માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે શહેરમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. કરંટથી 4ના મોત સહિત 7 લોકોના જીવ ગયા શહેરમાં આફત નોતરનારા વરસાદથી 7 લોકોના મોત થયા છે. જેમાં 6 જુલાઈએ બે અને 7 જુલાઈએ કુલ પાંચ લોકોના મોત થયા છે. જેમાં કરંટ લાગવાથી 4 લોકોના જ્યારે ડૂબવાથી બે બાળકીના અને એક પરણિતાનું વીજળી પડવાથી મોત થયું છે. ખાડી પૂર આવવાની પૂરી શક્યતાઓ, સતત મોનિટરિંગ પૂણા પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટી એટલે કે 8.20 મીટર ઉપર પહોંચી ગયું છે. ખાડીઓ ઓવરફ્લો થઈ રહી હોવાથી શહેરની અંદરના વરસાદી પાણીનો નિકાલ અત્યંત ધીમો પડી ગયો છે. જોકે ભારે વરસાદને કારણે સુરત શહેરમાં ખાડી પૂરની સમસ્યા પણ સર્જાય છે ત્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે અને લિંબાયત ખાડી ભયજનક સપાટી પર વહી રહી છે ત્યારે સુરતવાસીઓ હવે વધારે વરસાદ પડશે તો લિંબાયતમાં પણ ખાડી પૂર આવવાની શક્યતા દર્શાવાઈ રહી છે. તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરી દેવાયા છે. હાલ માત્ર ઉધના ઝોનની કાંકરા ખાડીનું સ્તર નિયંત્રણ હેઠળ છે. વરસાદનું જોર આવું જ રહેશે તો ખાડી કિનારાના અનેક વિસ્તારો જળબંબોળ થવાની આશંકાને પગલે સુરત મહાનગરપાલિકાનું ફ્લડ કંટ્રોલ વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે. લોકો નિ:સહાય બની રસ્તામાં જ અટવાયા, પોલીસ મદદે પહોંચી વેડ રોડ પર ઘૂંટણથી લઈને કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વહેલી સવારે નોકરી-ધંધે નીકળેલા લોકો અને શાળાએ ગયેલા બાળકો રસ્તામાં જ અટવાઈ પડ્યા હતા. અનેક વાહનો બંધ પડી જતાં લોકો રસ્તાની વચ્ચે લાચાર બનીને ઊભા રહી ગયા હતા. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક પોલીસ દેવદૂત બનીને આગળ આવી હતી. સરથાણા પોલીસના પીએસઆઈ શીતલ અને તેમની ટીમે સ્થાનિક ટ્રેક્ટર તેમજ પીકઅપ વાહનોની વ્યવસ્થા કરી, ફસાયેલા નાગરિકોને તેમાં બેસાડીને સુરક્ષિત રીતે તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. સુરત રેલ્વે સ્ટેશન પાસેના ગરનાળાની સ્થિતિ સૌથી ખરાબ સૌથી દયનીય સ્થિતિ સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલા ગરનાળામાં જોવા મળી છે. અહીં ગળા સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આ મુખ્ય માર્ગને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવો પડ્યો છે. ગરનાળાની આજુબાજુમાં આવેલી બેંકો અને અન્ય નાની-મોટી દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓનો હજારો રૂપિયાનો માલસામાન પલળી ગયો છે અને તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ગરનાળુ બન્યું ત્યારથી જ અહીં પાણી ભરાવવાની તકલીફ છે. સ્માર્ટ સિટી બનાવતા પહેલાં આ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી હતી. મેટ્રો ટ્રેનમાં સવારી કરાવતા પહેલાં અમારે બોટમાં ચાલવું પડશે તેવું કહીને લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. સરથાણા જકાતનાકા પાસેના અંડરપાસમાં ગુજરાત એસટીની બસ ફસાઈ વરાછા વિસ્તારના સરથાણા જકાતનાકા પાસે આવેલા વ્રજચોક ખાતે બની હતી, જ્યાં પૂર જેવા પાણીના ભરાવાને કારણે મોટું રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. સવારે અંદાજે 11:50 વાગ્યાની આસપાસ ખંભાતથી સુરત રૂટ પર આવી રહેલી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની એક એસ.ટી. બસ આ ભરાયેલા પાણીની વચ્ચે આવીને અચાનક બંધ પડી ગઈ હતી. બસની અંદર ડ્રાઇવર મુકેશભાઈ રાવત અને કંડક્ટર ઇલિયાસ ભાઈ સૈયદ સહિત કુલ 28 જેટલા મુસાફરો સવાર હતા. બહાર ચારેય તરફ પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી મુસાફરોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ પેદા થયો હતો. એસટીમાં બેઠેલા 27 મુસાફરોને એક બાદ એક રેસ્ક્યૂ કર્યા આ ઘટનાની જાણ થતાં જ સરથાણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને સમયસૂચકતા વાપરી હતી અને સ્થાનિક મોટા ટ્રેક્ટરની મદદ લીધી હતી. ફાયર વિભાગની ટીમે બસમાં ફસાયેલા તમામ 28 મુસાફરોને એક પછી એક હેમખેમ બહાર કાઢી લીધા હતા. તંત્રની આ ત્વરિત અને સુઝબુઝભરી કામગીરીને પગલે તમામ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. સાણિયા હેમાદમાં ફરી પૂર જેવી સ્થિતિ સાણિયા હેમાદ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. નીચાણવાળા અને પાણીમાં ફસાયેલા સ્થાનિક લોકોને તાત્કાલિક અસરથી સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જેમાં કટોકટીની આ સ્થિતિને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) ના 30 કરતાં પણ વધુ સભ્યોની બચાવ ટુકડીઓ જરૂરી આધુનિક સાધન-સામગ્રી સાથે સ્થળ પર તૈનાત થઈ ગઈ છે. આ આકાશી આફતને કારણે આખું સુરત શહેર હાલ પાણીમાં તરબતર થઈ ગયું છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 'એટલી હાલત ખરાબ છે કે કોઈ સીમા નહીં!' રમેશ ભાઈએ જણાવ્યું હતું કે,અત્યારે છોકરાઓને લેવા-મૂકવા જવામાં એટલી હાલત ખરાબ છે કે કોઈ સીમા નહીં! બહુ જ ખરાબ હાલત છે, ચારેય બાજુ પાણી ભરેલા છે. આ છોકરાને લેવા ગયેલો હતો, પણ અત્યારે ગાડી 4-4 વાર તો બંધ પડી! આખી ગાડી ડૂબી જાય એવું પાણી છે. ‘25 વર્ષથી આ જ પ્રકારની હાલાકી અને સમસ્યાઓ જોઈ રહ્યા છીએ’ હેમલ તમાકુવાલાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ કોઈ નવી સમસ્યા નથી, પરંતુ તેઓ છેલ્લા 25 વર્ષથી આ જ પ્રકારની હાલાકી અને સમસ્યાઓ જોઈ રહ્યા છીએ. આટલા લાંબા સમયથી સ્થાનિક લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવા છતાં, તંત્ર દ્વારા આજ દિન સુધી તેનું કોઈ કાયમી નિવારણ કે યોગ્ય નિકાલ લાવવામાં આવ્યો નથી. વરસાદી માહોલ અંગે વાત કરતા તેઓ કહે છે કે દર ચોમાસામાં અહીં આવી જ પરિસ્થિતિ સર્જાય છે અને આ એક કાયમી સમસ્યા બની ગઈ છે. અંતમાં તેઓ આશા અને સૂચન વ્યક્ત કરતા જણાવે છે કે જો સંબંધિત વિભાગ કે તંત્ર દ્વારા અહીં ગટરની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે, તો ભવિષ્યમાં આ ગંભીર તકલીફોમાંથી લોકોને થોડી રાહત મળી શકે તેમ છે. સ્થાનિક તુફેલ પટેલે જણાવ્યું હતું કે, સતત બે કલાકના વરસાદમાં ત્રણ થી ચાર ઇંચ જેટલા વરસાદની અંદર હોડી બંગલાના દુકાનોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને લોકોને ખૂબ જ નુકસાન પડી રહ્યું છે. પ્રી-મોન્સૂનની કામગીરી તમે જોઈ શકો છો. 10 હજાર કરોડથી વધુ બજેટ ધરાવતી આ મહાનગરપાલિકા વરસાદમાં ડૂબી ગઈ એવું લાગી રહ્યું છે. તમામ લોકોને અહિયાં તકલીફ પડી રહી છે. ખાસ કરીને દુકાનદારો પોતાનો માલ સામાન દુકાનમાંથી ખાલી કરે ભોંયરાઓમાંથી ખાલી કરે ત્યાં સુધી એમનો સામાન પલળી ગયો છે અને બરબાદ થઈ ગયો છે. જ્યારે પાંડેસરા અને ભેસ્તાન જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં માર્ગો પર પાણી ફરી વળવાની સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા (SMC)ની ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ઘરોમાં ફસાયેલા સ્થાનિક લોકોને રેસ્ક્યુ બોટની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હાલ પાલિકા તંત્ર દ્વારા આ અસરગ્રસ્ત નાગરિકોને નજીકના સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવાની અને તેમના માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અર્ચના ચા વાલાએ જણાવ્યું હતું કે, હાલમાં હું પોદાર પાસે આવેલા ખાંડ બજાર વિસ્તારમાં છું. અહીં સ્માર્ટ સિટી અંતર્ગત બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સ્માર્ટ સિટીમાં બ્રિજ બને તે પહેલાં અહીં ભરાતા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. ‘મારા બાળકોને લેવા જવામાં ભારે મુશ્કેલી આવી’ અર્ચનાબહેને વધુમાં કહ્યું કે, મારા બાળકો ગરનાળાની બીજી બાજુએ આવેલી શાળામાં ભણવા જાય છે. ગરનાળામાં આ રીતે પાણી ભરાઈ જવાના કારણે અમારે બીજી તરફ જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અત્યારની સ્થિતિ જોતાં ત્યાંથી પસાર થવું બિલકુલ શક્ય નથી. ‘ગઈકાલથી અમે સતત આ જ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ’ સ્થાનિક નિલમબેને જણાવ્યું હતું કે, હું 17 વર્ષથી આ વિસ્તારમાં રહું છું. મારી દીકરી 15 વર્ષથી અહીંની લીલાબા સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ લાંબા સમયગાળા દરમિયાન મેં અહીંની પરિસ્થિતિને ખૂબ જ નજીકથી જોઈ છે. હાલ ભારે વરસાદને કારણે બાળકોને શાળાએ લાવવા અને મૂકવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલથી અમે સતત આ જ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. આ માત્ર રસ્તાઓ પૂરતું સીમિત નથી, પરંતુ અમારા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ઘરના શૌચાલય અને બાથરૂમ સહિત તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે અમારે ખૂબ જ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આવી પરિસ્થિતિ આ પહેલા ક્યારેય જોઈ છે, ત્યારે તેમણે જણાવ્યું કે અમે આ બધું જ જોયું છે. અહીં માત્ર આ વર્ષે જ નહીં, પરંતુ દરેક ચોમાસાની સીઝનમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે. છેલ્લા 15 વર્ષથી અમે સતત આ જ પ્રકારની હાડમારીઓનો સામનો કરતા આવ્યા છીએ. વરાછા સ્થિત આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડ્યા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નાના વરાછા સ્થિત આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સુરત મહાનગરપાલિકા દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા અને સંકલન સાથે કામગીરી હાથ ધરવામાં આવી. પીપોદરાના તબેલાઓમાં પણ પાણી ભરાયા પીપોદરા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં રોડ-રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે, ત્યારે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે વિસ્તારમાં આવેલા તબેલાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે; જેને પગલે મૂંગા પશુઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ છેલ્લા 24 કલાકથી સતત પાણીમાં જ ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે, જેનાથી પશુઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    Baruipur Case का डरावना खुलासा! सबूत मिटाने के लिए किया ये काम? BJP vs TMC | West Bengal | Suvendu
    Next Article
    તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી:વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકામાં શાળા-આંગણવાડી બંધ; કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment