Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનું રાજ્યવ્યાપી બોગસ કોલસેન્ટર કૌભાંડ:ગ્રામ્ય પોલીસની તપાસમાં 24 દસ્તાવેજ વેરીફાઈ થયાં, રૂ. 40 કરોડની 128 વિઘા જમીન ઉપર કબ્જો થયાનો ઘટસ્ફોટ, ભોગ બનેલા વધુ 15 જેટલા ખેડૂતો સામે આવ્યા

    1 day ago

    રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ખુલ્લા પાડવામાં આવેલા રાજ્યવ્યાપી બોગસ કોલ સેન્ટર અને લોન કૌભાંડમાં વધુ 15 જેટલા ખેડૂતોએ SP સમક્ષ આવી આપવીતી વર્ણવી છે. જેમાં આરોપી અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરીની ગેંગે બાલાજી લોન હાઉસ અને ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ જેવી પેઢીઓ દ્વારા રૂ. 7થી 10 લાખની લોન આપી ખેડૂતોની કરોડોની જમીનો હડપી લીધી હતી. આ મામલે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે SITની રચના કરી છે. FSL અને સાયબર ટીમની તપાસમાં 24 દસ્તાવેજો વેરીફાઈ થતાં રૂ. 40 કરોડની 128 વીઘા જમીન પર કબ્જો થયો હોવાનું ખુલ્યું છે. અને તેઓના ચોપડામાંથી 4,800 નંબર મળી આવતા હાલ પોલીસ દ્વારા અલગ અલગ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાંથી વિગતો મગાવી ફરાર થયેલા અક્ષિતની શોધખોળ હાથ ધરવામાં આવી છે, અને જેલમાં રહેલા અલ્પેશનો કબ્જો મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સહિત રાજ્યભરના ખેડૂતો પાસેથી લોનના નામે જમીન પડાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ રાજકોટ રૂરલ પોલીસે કરી નાનામવા પાસે આવેલ ટ્વીન સ્ટારમાં દરોડો પાડી 14 મોબાઇલ ફોન, કમ્પ્યુટર, 32 ખેડૂતોની જમીનના 7/12, સહીવાળા કોરા ચેક, હજારો સંભવિત ગ્રાહકોના નંબરની યાદી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે બાદ રૂરલ પોલીસે તપાસ માટે સીટની રચના કર્યા બાદ આગળ વધી હતી અને તપાસમાં 24 દસ્તાવેજ વેરીફાઈ થયાં છે તેમજ બંને શખ્સોએ 128 વિઘા જમીન પર કબ્જો કરી લીધાનો ઘટસ્ફોટ થયો છે. કોલ સેન્ટરમાંથી કબ્જે થયેલ ચોપડામાંથી 4800 નંબર મળ્યા છે. તેમજ કોમ્પ્યુટર અને ફોનની એફએસએલ અને સાયબર ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. પડધરી પોલીસ મથકમાં દાખલ થયેલ ગુના અંગે જોઈએ તો, સરપદડ ગામના એક યુવાન વેપારીને નાણાંની જરૂરિયાત હોવાનો ગેરલાભ લઈ આરોપીઓ દ્વારા માત્ર રૂ. 5.50 લાખની લોન સામે "સાટાખત"ના બહાને તેમની આશરે 9 વીઘા ખેતીની જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો અને ત્યારબાદ ઊંચું વ્યાજ, ખોટા બહાના અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી કુલ રૂ. 1.07 કરોડ પડાવી લીધા હતા. જેમાં કુખ્યાત અલ્પેશ ગોપાલ દોંગા મુખ્ય સૂત્રધાર અને પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામથી નાનામવા રોડ પર પેઢી ચલાવે છે. તેમજ અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ, ચંદ છગન વીરડીયા, પીયૂષ ચંદુ વીરડીયા અને વચેટીયો હિરેન રતિ લુણાગરીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ભોગ બનનાર પરેશભાઈ વલ્લભભાઈ સોજીત્રા નામના ખેડૂતે જણાવ્યું હતું કે તેમની 5 કરોડની કિંમતની જમીન પર માત્ર 2.5% લેખે રૂ. 20 લાખની લોન આપવાનું કહી છેતરપિંડી આચરવામાં આવી છે. આ લોન માટે 7/12, આધાર કાર્ડ અને ફોટા મેળવ્યા બાદ માત્ર લખાણ કરાવવાના બહાને દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યા હતા. આ છેતરપિંડીમાં અલ્પેશ દૌંગા, અક્ષિત અકબરી, આકાશ ડાંગર, વાઘુભાઈ વીરાભાઈ ડાંગર અને રણજીતભાઈ કાનજીભાઈ નામના શખસો સામેલ હોવાનો આરોપ છે. જ્યારે ખેડૂત 7/12માં પાક ધિરાણ લેવા માટે નકલ કઢાવવા ગયા ત્યારે વાઘુભાઈ વીરાભાઈ ડાંગરનું નામ બોલતું હોવાથી આ આખી મિલકત પચાવી પાડવામાં આવી હોવાની જાણ થઈ હતી. આ અંગે વાત કરવા જતા આરોપીઓ દ્વારા પોલીસ સ્ટેશને જશે તો એક વિઘો જમીન પણ પાછી નહીં મળે તેવી ધમકીઓ આપવામાં આવી હતી. SP વિજયસિંહ ગુર્જરનાં જણાવ્યા અનુસાર આ અંગે રૂરલ પોલીસની ટીમે 150 ફૂટ રિંગરોડ પરની ઓફિસમાં "બાલાજી લોન" તથા "ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ"ના નામે ચાલતા કોલ સેન્ટરમાં મોડીરાત્રે દરોડો પાડી 14 મોબાઇલ ફોન, કમ્પ્યુટર, 32 ખેડૂતોની જમીનના 7/12, સહીવાળા કોરા ચેક, હજારો સંભવિત ગ્રાહકોના નંબરોની યાદી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં કોલિંગ માટે વપરાતા જુદી જુદી કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન - 14 (સીમકાર્ડ સહિત), કમ્પ્યુટર સી.પી.યુ. 1, વાઇ-ફાઇ રાઉટર - 1, અગાઉ વપરાયેલ સીમકાર્ડ - 1 તથા સીલપેક નવા સીમકાર્ડ - 4, કોલ રેકોર્ડની નોંધવાળી ડાયરીઓ તથા ફૂલસ્કેપ બુકો રાજ્યના 8 જિલ્લાઓ (રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા)ના 32 જેટલા જમીન માલિકોના ગામ નમૂના નં. 7/12, 8-અ, હક્કપત્રક, બોજા પત્રક તથા આધાર/પાન કાર્ડની નકલો, અન્ય વ્યક્તિઓના કબજા રહિત સાટાખત કરાર, જુદા જુદા ખાતેદારોના સહીવાળા ચેક, મોબાઇલ નંબરોની યાદી, લોન બાબતની વાતચીતના લખાણ તથા 7/12 ની નકલો, "શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ” લખાણવાળા આશરે 300 કવરો તથા આશરે 200 જાહેરાત પત્રિકાઓ તેમજ અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉ નોંધાયેલ એફ.આઇ.આર. તથા જામીન હુકમોની નકલો કબ્જે કરી કાર્યવાહી કરી હતી. વધુમાં એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આ ગુનામાં ઝીણવટભરી તપાસ માટે એક સીટની રચના કરવામાં આવી છે. જેની તપાસમાં કુખ્યાત અલ્પેશ દોંગા અને સાગરીત અક્ષીત અકબરીની ઓફિસમાંથી મળેલ દસ્તાવેજ અંગે તપાસ કરતા અલગ અલગ ખેડૂતના 24 દસ્તાવેજ વેરીફાઈ થયાં છે, જેમાં આરોપીઓએ રૂ. 40 કરોડની 128 વિઘા જમીન પર કબ્જો કરી લીધાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત કોલ સેન્ટરમાંથી કબ્જે કરાયેલ ચોપડામાંથી 4800 નંબર મળ્યા છે. જે અંગે ફોન અને કોમ્પ્યુટરની એફએસએલ અને સાયબર ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેમાંથી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોનો મોટો આંકડો બહાર આવી શકે તેવી શક્યતા છે. તેમજ ઓફિસમાંથી મળેલ સાટા ખતના આધારે ખેડૂતોના નામ વેરીફાઈ કરી જુદી-જુદી સબ રજીસ્ટ્રાર કચેરી પાસેથી વિગત મંગાવાઈ છે તેમજ ફરાર અક્ષીતની શોધખોળ હાથ ધરી જેલમાં રહેલ અલ્પેશનો કબ્જો લઈ ઊંડાણપૂર્વકની તપાસ માટે તજવીજ હાથ ધરાઈ છે. નીચલી કોર્ટે રીમાન્ડ નામંજુર કરતા સેસન્સમાં રિવિઝન પડધરી પોલીસે અલ્પેશ દોંગાની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધ્યા બાદ તેઓને નીચલી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. જોકે કોર્ટે એવું જણાવ્યું હતું કે, તેના વિરુદ્ધ દાખલ થયો છે તે ગુનો વર્ષ 2022 થી 2024 સુધીના સમયગાળાનો છે, જ્યારે ગુનો વર્ષ 2026 માં દાખલ થયો હોવાથી આરોપીના રિમાન્ડની જરૂર નથી. જોકે ત્યારબાદ રૂરલ પોલીસની ટીમે અલ્પેશ દોંગાની રાજકોટ અને અમદાવાદમાં આવેલ ઓફિસમાં દરોડો પાડી કોલ સેન્ટર પકડી પાડ્યા હતા અને અનેક ખેડૂતોના દસ્તાવેજો મળી આવતા વિશેષ તપાસના આધારે આજે પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી એસપીનાં જણાવ્યા મુજબ, આરોપીઓ ખેડૂતોને સસ્તા વ્યાજે લોન આપવાની લાલચ આપીને તેમની પાસે દસ્તાવેજ કરાવી લેતા હતા અને ત્યારબાદ જમીન થર્ડ પાર્ટીના નામે ટ્રાન્સફર કરી દેતા હતા. હાલમાં અલ્પેશ ઢોલરિયા સામે 13 ગુના નોંધાયેલા છે અને જેમ જેમ ફરિયાદીઓ સામે આવશે તેમ તેમ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીઓ મોટાભાગે પટેલ ખેડૂતોને જ ટાર્ગેટ કરતા હતા. અને પોતાની ઓફિસમાં કામ કરતી ટેલી કોલર યુવતીઓના નામ પણ બદલાવી સરનેમમાં પાછળ પટેલ લગાવી વાત કરાવતા હતા. કેમ કે તેમનો સોફ્ટ ટાર્ગેટ જ પટેલ ખેડૂત હતાં. ટેલી કોલરે સંપર્ક કર્યા બાદ અલ્પેશ દોંગા પોતાની વાક ચાતૃર્યના આધારે ખેડૂતોને ફસાવીને આ કારસ્તાન ચલાવતો હતો. અલ્પેશ દોંગા અલગ અલગ લોનના નામે સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ઊંચા વ્યાજે રૂપિયા ધિરાણ કરી બાદમાં તેમની જમીન પર કબજો કરી લેતો હતો. ઉલ્લેખનીય છે કે, રૂરલ પોલીસની સાથે શહેર ક્રાઈમ બ્રાન્ચના ડિસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પણ આ અંગે તપાસ ચાલુ છે. જેમાં અલ્પેશની ઓફિસેથી મેળવેલ દસ્તાવેજ અને ગુનાના આધારે તપાસ કરતાં બે ખેડૂતના દસ્તાવેજ વેરીફાઈ થયાં છે. તેમજ અન્ય સાટા ખત અને 7/12 ના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી પાસે વિગત મંગાવાઈ રહી છે. જેમાં હાલ સુધીમાં 150 થી વધું ખેડૂતો ભોગ બન્યાની આશંકા છે. હાલ પોલીસે ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી અંગે પણ સજ્જડ પુરાવા સાથે ગુના દાખલ કરવા તજવીજ આદરી છે. સુત્રોનું માનીએ તો આ પ્રકરણમાં ફાઇનાન્સ કરવામાં મોટા માથાઓ હોવાની શક્યતા છે, જેમાં કોલેજોના સંચાલકો, રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ સહિતના મોટા વર્ગના લોકોનો સમાવેશ થાય છે. જેમાં કેટલાય ખેડૂતોની જમીન પાણીના ભાવે મળતી હોવાથી રૂપિયા રોકવાનો સુરક્ષિત રસ્તો અલ્પેશ દોંગા મારફતે ચાલતો હોવાની વાત ચર્ચાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    લીંભોઈમાં રખડતા શ્વાનની એક કિલોની કેન્સરની ગાંઠની સર્જરી:બે મહિનાથી પીડાતા શ્વાનને 1962ની મદદથી મોડાસા પશુ દવાખાનાની ટીમે દૂર કરી
    Next Article
    રાજકોટમાં 67 કિલો મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:મોરબીમાં NDPS ના ગુનામાં 2 માસથી નાસતો ફરતો આરોપી માદક પદાર્થની ડિલિવરી કરવા આવ્યો ને' પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment