Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીડિત યુવકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી:વડોદરામાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાના દાવા કરીને વીડિયો વાયરલ કરનાર યુવતી અને પતિ સામે વ્યાજખોરીની ફરિયાદ, 22 ટકા વ્યાજ વસૂલ્યુ

    15 hours ago

    વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાના દાવા કરીને વીડિયો વાયરલ કરનાર યુવતી તમન્ના સૈયદ અને તેના પતિ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. પીડિત યુવકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા વેપારીને સોહીલ સૈયદ ઉર્ફે લંબુ અને તેની પત્ની તમન્ના સૈયદે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકે મે-જૂન 2024 દરમિયાન કુલ રૂ.3 લાખ 22 ટકા માસિક વ્યાજે લીધા હતા, જેના બદલામાં આરોપીઓએ ટુકડે-ટુકડે રોકડા તથા ઓનલાઇન મળી આશરે રૂ.12 લાખ જેટલી રકમ વસૂલ કરી હોવા છતાં વધુ વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી. વડોદરા શહેરના યુવક આરીફ યાસીનભાઈ માતબરમીયા શેખે જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, મે 2024ના અરસામાં સોહીલ સૈયદ ફરિયાદીને રાજવી ટાવર પાસે આવેલા ક્રોમા શોરૂમ નજીક મળ્યો હતો. સોહીલે પોતે વ્યાજે રૂપિયા આપતો હોવાનું જણાવી જરૂરિયાત હોય તો સંપર્ક કરવા કહ્યું હતું અને આપેલા રૂપિયા સામે દર મહિને 22 ટકા વ્યાજ લેતો હોવાનું જણાવ્યું હતું. યુવકની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તાત્કાલિક નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેણે સોહીલ સૈયદ પાસેથી રૂપિયા લેવાની વાત કરી હતી. ત્યારબાદ તા.31 મે 2024ના રોજ બેસિલ સ્કૂલ પાસે સોહીલે રોકડા રૂ.2.30 લાખ આપ્યા હતા, જ્યારે તા.1 જૂન 2024ના રોજ રૂ.70 હજાર ફરિયાદીના બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ સામે દર મહિને 22 ટકા વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી હતી. સોહીલ સૈયદ અવારનવાર યુવકના ઘરે જઈને તેના ભાઈ નવસાદની હાજરીમાં વ્યાજના રૂપિયા લેતો હતો. જ્યારે યુવક પાસે વ્યાજ ચૂકવવા માટે પૂરતી રકમ ન હોય ત્યારે સોહીલ તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરી ગાળો આપતો હતો તથા માર મારવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં, યુવકનો ફોન તથા ઘરમાંથી સામાન બળજબરીથી લઈ જવાની પણ ધમકી આપતો હતો. એક વર્ષ પહેલાં સોહીલ સૈયદની પત્ની તમન્ના સૈયદ સહકારનગર ખાતે કારમાં આવી હતી. તમન્નાએ તેના પતિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોવાથી વ્યાજ ચૂકવવું જ પડશે તેમ કહી યુવકને ધમકાવ્યો હતો. તમન્નાએ પોતે સોશિયલ મીડિયા પર સક્રિય હોવાનું કહી યુવકને મોટો ડ્રગ્સ સપ્લાયર દર્શાવતો વીડિયો બનાવી નાખવાની, તેને બદનામ કરવાની અને બજારમાં ફેરવી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તમન્ના દ્વારા વ્યાજના નાણાની ઉઘરાણી માટે અવારનવાર વોટ્સએપ કોલ કરવામાં આવતા યુવકે તેને વોટ્સએપ પર બ્લોક કરી હતી. ત્યારપછી સોહીલ સૈયદના મોબાઇલ પરથી પણ વોટ્સએપ કોલ કરી વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી હતી. સવા મહિના પહેલાં સોહીલ સૈયદ અને તેની પત્ની ટાટા હેરિયર કાર લઈને યુવકને સહકારનગર ખાતે મળ્યા હતા. તે સમયે તમન્ના સૈયદે વ્યાજ નહીં ચૂકવે તો ફરિયાદીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની અને આજીવન જેલમાંથી છૂટવા નહીં દેવાની ધમકી આપી હતી. જ્યારે સોહીલ સૈયદે ફરિયાદીને તેની પાસે વ્યાજ પેટે આપવા માટે જેટલા પણ રૂપિયા હોય તે આપી દેવા જણાવ્યું હતું અને રૂપિયા નહીં આપે તો હેરિયર કાર તેના પર ચડાવી દેવાની તથા ત્યાં જ મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીથી ગભરાયેલા યુવક પાસે 10 હજાર રૂપિયા હતા, જે સોહીલ સૈયદ અને તેની પત્ની તમન્નાએ વ્યાજ પેટે બળજબરીથી લઈ લીધા હતા, ત્યારબાદ એક મહિના પહેલાં સોહીલ સૈયદ ફરી ટાટા હેરિયર કાર લઈને સહકારનગર પાસે વ્યાજના નાણાની ઉઘરાણી કરવા આવ્યો હતો. તે સમયે તેણે યુવકને ધમકી આપતાં કહ્યું હતું કે, તારા ટાટિયા તોડી નાખ્યા બાદ તને પતાવી દઈશ. તા.25 જુલાઈ 2026ના રોજ સાંજના સમયે સનફાર્મા રોડ પર આવેલા ચાય-ન્યારા ફાકેની બહાર સોહીલ સૈયદ યુવકને મળ્યો હતો. આ દરમિયાન વ્યાજના નાણાની ઉઘરાણી બાબતે બંને વચ્ચે આશરે અડધો કલાક સુધી બોલાચાલી અને ઝઘડો થયો હતો. સોહીલે ફરિયાદીને તેના રૂપિયા આપી દેવા જણાવ્યું હતું અને રૂપિયા નહીં આપે તો ત્યાં જ મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે વ્યાજના નાણાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સોહીલ સૈયદે તેની પાસેથી વ્યાજ પેટે ટુકડે-ટુકડે રોકડા તથા ઓનલાઇન મળી આશરે રૂ.12 લાખ જેટલી રકમ મેળવી લીધી છે. તેમ છતાં સોહીલ સૈયદ તથા તેની પત્ની તમન્ના સૈયદ દ્વારા વધુ વ્યાજના નાણાની ઉઘરાણી ચાલુ રાખી હતી. આ સમગ્ર મામલે આરોપીઓની ધાક-ધમકીના કારણે અગાઉ ફરિયાદ કરી નહોતી. જોકે, સતત ઉઘરાણી અને ધમકીઓના પગલે અંતે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ઉપરોક્ત કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં નશાકારક પદાર્થોના ખુલ્લેઆમ વેચાણને થતું હોવાના આક્ષેપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો હતો. 'તમન્ના સૈયદ' નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરાયેલા વીડિયોમાં યુવતીએ શહેરના નિઝામપુરા, નવાયાર્ડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં એમ.ડી. ડ્રગ્સ, ચરસ, ગાંજો, કોકેઇન અને અન્ય નશાકારક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેણે આક્ષેપ કર્યો છે કે આ પ્રવૃત્તિઓ કોઈપણ પ્રકારના ડર વગર ચાલી રહી છે. ફતેગંજ વિસ્તારને નશાકારક પદાર્થોના વેચાણનું મુખ્ય 'હબ' ગણાવી દાવો કર્યો છે. આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, 4 દિવસમાં જ અમે ડ્રગ્સના 2 કેસ દાખલ કર્યા છે. અમારી આ કાર્યવાહી ચાલુ જ છે. જોકે, એ યુવતી કોઈ ખાસ માહિતી શેર કરી રહી નથી.
    Click here to Read More
    Previous Article
    નકલી પનીર-ચીઝનું વેચાણ અટકાવવા પોલીસ મેદાને:રાજકોટ એસઓજીએ 'ગોવાલીયા ફુડ પ્રોડક્ટ'માંથી 550 કિલો જથ્થાનો નાશ કર્યો, સંચાલકની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ
    Next Article
    'હવે પછી આવું નહીં થાય સાહેબ એકવાર માફ કરી દો':રેપિસ્ટે કાન પકડી માફી માગી, મધરાતે અમદાવાદ રેપના આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળી ધરબી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment