Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અબ તક 21, ગુજરાતમાં દે ધનાધન એન્કાઉન્ટર:દાદાની પોલીસ હવે યોગી બાબાના પગલે? પૂર્વ IPS બોલ્યા-સજા આપવી ખાખીનું નહીં પણ કોર્ટનું કામ

    1 day ago

    26મી ઓક્ટોબરને સોમવારે સાંજના ચારેક વાગ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ રોજિંદી કામગીરીમાં વ્યસ્ત હતા. એ દરમિયાન થોડા દિવસ પહેલાં જ 25 કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા 3 આરોપીઓમાંથી એક કફીલ અહેમદે બૂમો પાડવાની શરૂ કરી- મને છાતીમાં દુખે છે, ચક્કર આવે છે. એ સમયે હાજર પોલીસમાંથી PI વી.બી.આલની ટીમના PSI રાવલ, ASI ગુલાબજી, ASI દીક્ષિત અને પોલીસ કોન્સ્ટેબલ જહાભાઇ કફીલને લઇને સારવાર કરાવવા વી.એસ.હોસ્પિટલ જવા નીકળ્યા. પોલીસના સરકારી વાહન બોલેરોમાં જહાભાઇ ડ્રાઇવર સીટ પર ગોઠવાયાં, બાજુમાં ASI દીક્ષિતભાઇ બેઠા. પાછળની સીટમાં PSI રાવલ એની બાજુમાં કફીલ અહેમદ અને બીજા દરવાજા તરફ ડ્રાઇવર સીટ પાછળ ASI ગુલાબજી ગોઠવાયાં. ક્રાઇમ બ્રાન્ચના દરવાજેથી નીકળીને બોલેરો ડાબી તરફ વળી. 2-3 મિનિટમાં રિવરફ્રન્ટ પર પહોંચી જ હતી ત્યાં જ અચાનક કફીલે બૂમો પાડવાનું શરૂ કર્યું કે- છાતીમાં બહુ જ દુઃખે છે, ક્યારે આવશે હોસ્પિટલ? બાજુમાં બેઠેલા PSI રાવલે કહ્યું-'હમણાં જ પહોંચી જઇશું, શાંતિથી બેસો' હજુ PSI રાવલ કંઇ સમજે એ પહેલાં તો કફીલે ધક્કામુક્કી શરૂ કરી દીધી. PSIની પિસ્તોલ જમણી બાજુ જ હતી. જેના પર ધ્યાન પડતાં કફીલે તેને ખેંચવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન બીજી તરફ બેઠેલા ગુલાબજી પણ ચોંક્યા. તેમણે પણ કફીલને શાંત પાડવાના પ્રયત્નો કર્યા. જોકે એ દરમિયાન PSIની પિસ્તોલ બહાર આવી ગઇ. જેના કારણે બોલેરોમાં પરિસ્થિતિ વધુ તંગ થઇ. આ ખેંચાખેંચી દરમિયાન PSIના બે પ્રયત્નો ચાલતા હતા. એક તો પિસ્તોલની બેરલ નીચે રહે જેથી આગળ બેઠેલા બે જણમાંથી ભૂલથી પણ કોઇને ગોળી વાગી ન જાય અને બીજો પ્રયત્ન એ હતો કે કફીલના હાથમાં પિસ્તોલ ન આવી જાય. આ દરમિયાન પિસ્તોલમાંથી ગોળી છૂટી. જે કફીલના ડાબા પગના પંજામાંથી આરપાર થઇને બોલેરોનું તળિયું ચીરીને રિવરફ્રન્ટની જમીનમાં ઘૂસી ગઇ. ગોળી વાગતા જ કફીલ ઢીલો પડી ગયો. ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી માંડ 500થી 700 મીટરમાં ફાયરિંગની આ ઘટના બની ગઇ. PSI રાવલે તરત જ પોતાના ઉપરી અધિકારી PI વી.બી.આલને જાણ કરી. એ પછી અન્ય ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. બીજી તરફ ડ્રાઇવર જહાભાઇને 112 પર ફોન કરી શહેર કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે કહ્યું. આ ઘટના બન્યા બાદ કફીલને વી.એસ.હોસ્પિટલ લઇ જવાને બદલે સીધો સિવિલ હોસ્પિટલ લઇ જવાયો. ઘટનાની થોડીવાર પછી PSI રાવલને ખ્યાલ આવ્યો કે પોતાને પણ જમણા હાથમાં દુખાવો થઇ રહ્યો છે. તેમને યાદ આવ્યું કે ઝપાઝપી દરમિયાન પોતે પિસ્તોલ છોડી દે એ માટે કફીલે તેમના જમણા હાથ પર વારંવાર હુમલો કર્યો હતો. જેના કારણે દુખાવો થઇ રહ્યો હતો. આ એન્કાઉન્ટર સાથે જ ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં થયેલા એન્કાઉન્ટરનો આંકડો 21 પર પહોંચી ગયો. આજની સન્ડે બિગ સ્ટોરીમાં વાત આ એન્કાઉન્ટર્સની. *** 24 મહિનામાં 21 એન્કાઉન્ટર પોલીસ એન્કાઉન્ટરની બાબતે ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી આગળ છે. એકલા 2025માં જ UPમાં એન્કાઉન્ટરની 2739 ઘટના બની હતી. જેમાં 3153 આરોપીઓ ઘવાયા હતા. જ્યારે 48ના મોત થયા હતા. ગુજરાતમાં દાદાની પોલીસ પણ હવે યોગી બાબાની પોલીસના પગલે આરોપીઓને કડક સંદેશ આપવા માગતી હોય તેમ 2025માં 10 અને 2026માં અત્યારસુધીમાં 11 આરોપીઓ પર ધડાધડ ગોળીઓ ચલાવી છે. જેમાં 2 આરોપીઓના મોત થયા છે એટલે કે 24 મહિનામાં 21 એન્કાઉન્ટર થયા છે. નીચેના ગ્રાફિક્સથી જાણો કે ક્યારે કોનું એન્કાઉન્ટર થયું. આ વર્ષે એન્કાઉન્ટર કરવામાં અમદાવાદ પોલીસ અવ્વલ રહી છે. આરોપીઓ પોલીસ સાથે મારામારી પર ઉતર્યા હોય, જાપ્તામાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હોય કે પોલીસનું હથિયાર છીનવવાનો પ્રયત્ન કર્યો હોય જેવા જુદા-જુદા કારણોસર ગુજરાત પોલીસે ફાયરિંગ કર્યું હતું. જો કે પોલીસ આરોપી પર ડાયરેક્ટ ફાયરિંગ નથી કરી શકતી. નીચેના ગ્રાફિક્સથી એ નિયમો પણ જાણો. ક્રાઇમ બ્રાન્ચના DCP અજીત રાજિયાને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પકડાઇ ગયા બાદ જેલમાં ન જવું પડે તે માટે આરોપી કંઇપણ કરીને ભાગવાનો પ્રયાસ કરે છે. આવા આરોપી ગુનાહિત માનસિકતાવાળા હોય છે અને ભાગવા માટે કંઇપણ કરે છે. જો આરોપી પોલીસ પર હુમલો કરે તો પોલીસને પણ પોતાનો સ્વબચાવ કરવાનો અધિકાર હોય છે. તેમણે આગળ જણાવ્યું કે, પોલીસ આરોપીને પહેલાં વોર્નિંગ આપે છે તેમ છતાં તે ન માને અને પોલીસ પર હુમલો કરે તો પોલીસે બળનો ઉપયોગ કરવો પડે છે. ટ્રેનિંગ સમયે જ પોલીસને શીખવવામાં આવે છે કે જ્યારે આવી કોઇ ઘટના બને ત્યારે શરીરના ઉપરના ભાગ પર ગોળી ન ચલાવવી. પિસ્તોલની નળી હંમેશા નીચે જ રહેવી જોઇએ. એન્કાઉન્ટર બાદ આરોપીને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની અને બીજી જે કંઇ કાયદાકીય પ્રક્રિયા હોય તે ફોલો કરવી પડે છે. ફરિયાદી અને તપાસ અધિકારી એક જ હોય તેવું ક્યારેય નથી બનતું. એન્કાઉન્ટરની ઘટનાનું તપાસ કોણ કરશે તે ઉચ્ચ અધિકારીઓ નક્કી કરે છે. *** છબિ સુધારવાનો ટૂંકો રસ્તો એટલે એન્કાઉન્ટરઃ રમેશ સવાણી જો કે પૂર્વ IPS ઓફિસર રમેશ સવાણીનો મત કંઇક અલગ છે. તેઓ કહે છે કે, સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની કામગીરીમાં ઘણી ખામીઓ હોય છે. એના કારણે પોલીસ વિભાગ ઘણો બદનામ પણ થતો હોય છે. આવી સ્થિતિમાં પોલીસ અધિકારીઓ લોકોની ચાહના મેળવવા માટે એનકાઉન્ટરનો રસ્તો લે છે અને દરેક એનકાઉન્ટર એ ખરેખર જેન્યુન હોતા નથી પરંતુ લોકોને સંતોષ થાય, લોકો રાજી થાય એટલા માટે પોલીસ આ પ્રકારના એન્કાઉન્ટર કરે છે. અન્ય એક કારણ જણાવતાં તેમણે ઉમેર્યું કે, પોલીસ પર અત્યારે ખૂબ પ્રેશર છે. મોટાભાગે પોલીસ ગુનાની તપાસ કરી શકતી નથી કેમ કે સતત બંદોબસ્તમાં હોય છે. VIP એટલા બધા થઇ ગયા છે આ સિવાય ધાર્મિક ઉત્સવો, મેળાઓ, નેતાઓની રેલીઓ આ બધામાંથી પોલીસ ફ્રી થાય તો કંઇક ઇન્વેસ્ટિગેશન કરે ને? આવા સંજોગોમાં ગુનેગારો પર જે ધ્યાન આપવું જોઇએ તે આપી શકાતું નથી. જેથી ગુનેગારો ઘણા આગળ વધી જાય છે અને પરિણામે લોકો સમક્ષ પોલીસની છબિ ખરડાય છે. જ્યારે છબિ ખરડાય ત્યારે એક ટૂંકો રસ્તો એ છે કે એનકાઉન્ટર કરો, પગમાં ગોળી મારો જેથી કરીને લોકોને લાગે કે પોલીસે સોલિડ એક્શન લીધા. એન્કાઉન્ટરથી આરોપીઓમાં કેવી અસર થાય તેની વાત કરતાં તેઓ કહે છે કે, આવા એન્કાઉન્ટરથી આરોપીને એ સંદેશો છે કે પોલીસ એક્શન લેશે અને જો કંઇ ગડબડ કરશો તો પોલીસ આ કક્ષાએ પણ જઇ શકે છે. મને એવું લાગે છે કે પોલીસ અને ગૃહ વિભાગ એક સંદેશો આપવા માંગે છે કે જો તમે કાયદાની મર્યાદામાં નહીં રહો તો પોલીસ છેલ્લું પગલું લઇ શકે છે. એન્કાઉન્ટર કોઇ વિકલ્પ નથી તેમ કહેતા સવાણીએ જણાવ્યું કે, એન્કાઉન્ટરથી લોકો રાજી થાય છે, તેને વધાવે છે પરંતુ કોઇનું એન્કાઉન્ટર કરી દેવું, જીવ લઈ લેવો એ પોલીસનું કામ નથી. એ કામ સેશન્સ કોર્ટનું છે, હાઇકોર્ટનું છે, સુપ્રીમ કોર્ટનું છે. પોલીસનું કામ સજા કરવાનું નથી. પોલીસનું કામ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવાનું છે. હવે પોલીસ જ જો સજા કરવા માંડે તો હું એવું માનું છું કે એ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ઉચિત નથી અને બંધારણીય રીતે પણ એ ઉચિત નથી. ભૂતકાળમાં ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ગુજરાતમાં અગાઉ થયેલા એન્કાઉન્ટરમાં IPS અધિકારીઓ પણ જેલમાં લાંબો સમય રહ્યા હતા પછી એમને CRPC મુજબ સરકારે મંજૂરી ન આપી એટલે ટેકનિકલ કારણોસર છૂટી ગયા. કોઇ કિસ્સામાં હાઇકોર્ટ કે માનવ અધિકાર પંચમાં પડકારવામાં આવે તો શક્ય છે કે કાયદાકીય રીતે પોલીસ સકંજામાં આવી શકે. એન્કાઉન્ટરનો દુરુપયોગ થયો જ છે. સુપ્રીમ કોર્ટે પણ એમાં ઘણા ચુકાદાઓ આપ્યા છે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં જે એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હતા તેને જેલમાં જવું પડ્યું. આપણે ત્યાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હતા તેણે પણ જેલમાં જવું પડ્યું હતું. રમેશ સવાણીના મતે, આરોપી પોલીસના તાબામાં હોય અને ઝપાઝપી કરે આવું બની શકે નહીં. 100 કિસ્સામાંથી ભાગ્યે એકાદ કિસ્સામાં આવું બની શકે બાકી આરોપીની તાકાત નથી. એક વખત પોલીસના હાથમાં આવી ગયો એટલે ભલભલો આરોપી બિલકુલ ઠંડો થઇ જાય. પોલીસ આરોપીને લઇ જાય ત્યારે તેની પાસે બંદોબસ્તના માણસો ન હોય? શા માટે આરોપીને બાંધીને નથી લઇ જવાતા? તેને દોરડાથી બાંધી શકાય છે. આરોપી ઝપાઝપી કરે તો જે-તે અધિકારીનું નબળું સુપરવિઝન ગણાય. પોલીસના હથિયારી અને બિન હથિયારી વિભાગની કામગીરી સમજાવતા તેઓ કહે છે કે, સામાન્ય રીતે પોલીસમાં બે વિભાગ છે. એક હથિયારી વિભાગ છે અને બીજો બિન હથિયારી વિભાગ. ગુનાની તપાસ, ચાર્જશીટ વગેરે બિન હથિયારી વિભાગ કરે. જ્યારે હથિયારી વિભાગ આરોપીઓ સામે કાર્યવાહી કરે, બંદોબસ્ત કરે. હથિયારી વિભાગને ખાસ એવી તાલીમ અપાય છે કે ગુનેગારોને કેવી રીતે કાબૂમાં લેવા. હાર્ડકોર ક્રિમિનલ હોય તો તેના માટે ચુનંદા ફોર્સના જવાનો હોય છે. તેની પાસે વિશેષતા હોય છે. એ કોઇપણ ભોગે આરોપીને પછાડી દે, કન્ટ્રોલ કરી શકે તેવી ખાસિયતો હોય છે પણ માનો કે કોઇ સંજોગોમાં ન ગુનેગાર કન્ટ્રોલ ન થયો અને તેણે પોલીસ પર હુમલો કરી દીધો તો કાયદા મુજબ પોલીસ સ્વબચાવમાં ફાયરિંગ કરી શકે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એન્કાઉન્ટરનો આંકડો 21 પર પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે ખાખી હવે ગુનેગારો સામે વધુ આક્રમક મૂડમાં છે પરંતુ સવાલ એ છે કે પોલીસનો આ આક્રમક મૂડ શું ગુનાખોરીને જડમૂળથી ઉખાડી શકશે?
    Click here to Read More
    Previous Article
    ટાઇગર શ્રોફ કેસ:આરોપીઓએ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક ₹25 હજારમાં ખરીદી; માસ્ટરમાઇન્ડ અનિલ પંડિતે 25-30 બેંક ખાતાઓમાં પૈસા સંતાડ્યા
    Next Article
    SIR સામે કોંગ્રેસની દિલ્હી કૂચ, ગુજરાતથી 3000 નેતા-કાર્યકર્તાઓ પહોંચ્યા:રામલીલા મેદાનમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ જોડાશે, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment