Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 વર્ષ, 25 બદલી:IAS તુકારામ મુંઢેની સર્જિકલ સ્ટ્રાઇક, ફાઇવ સ્ટાર હોટલોથી IIT મુંબઇ સુધી, નાયકની જેમ સપાટો બોલાવતા ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ફફડાટ

    7 hours ago

    તમે જ્યારે પણ ફેમિલી સાથે મસમોટી કે મોંઘી હોટલમાં 200 કે 500 રૂપિયા આપીને જે પનીર બટર મસાલા ખાવ છો.... શું તમને એ ખાતરી છે કે એ અસલી પનીર જ છે? કે પછી એ કોઈ સસ્તા કેમિકલ અને એસિડનો કચરો છે? આ સવાલ એટલા માટે કારણ કે આજે આપણે વાત એવા ધીમા ઝેરની કરવી છે જેના માટે તમે જાતે જ પૈસા ચૂકવી રહ્યા છો. આ વાત તમારી અને તમારી હેલ્થ સાથે જોડાયેલી છે જેની સાથે ક્યારેય છેડછાડ ન થવી જોઈએ. ચાલો આખો ખેલ સમજીએ કે ભારતમાં અચાનક કેમ આરોગ્ય, ભેળસેળ અને હેલ્થ રીસ્કની એકાએક ચર્ચાઓ થવા લાગી? નમસ્કાર... હમણાં-હમણાં સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના એક IAS અધિકારી ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમનું નામ છે IAS તુકારામ મુંઢે. મે 2026માં મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એટલે કે FDAના કમિશનરનો ચાર્જ સંભાળતાં જ તેમણે એવી ખતરનાક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, જેણે આખી ફૂડ ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી. આ હોબાળો એટલા માટે છે કારણ કે તુકારામ મુંઢેએ એવી જગ્યાએ દરોડા પાડ્યા જ્યાં કોઈની પગ મૂકવાની હિંમત ચાલતી નહોતી. પછી એ મુંબઈની નૂર મોહમ્મદી હોટલ હોય, પારસી ડેરી હોય, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા હોય કે પછી IIT બોમ્બેની કેન્ટીન હોય.... મુંઢેએ મહારાષ્ટ્ર FDA કમિશનર બનતાની સાથે જ બધે ગંદકી, ભેળસેળ અને ફૂડ સેફ્ટીના તૂટતા નિયમોનો કાળો કારોબાર ઉઘાડો પાડ્યો છે. એમાંય હદ તો ત્યારે થઈ જ્યારે 10 મિનિટમાં માલ સામાન પહોંચાડતી બ્લિંકઈટ જેવી મલ્ટીનેશનલ કંપનીઓના ગોડાઉનમાં ખાવાના સામાન પર વંદાઓ ફરતા અને એક્સપાયર પડીકા જોવા મળ્યાં... આપણે અત્યાર સુધીમાં જે પણ વાત કરી એ ખાલી મહારાષ્ટ્રની બોર્ડર પૂરતો મામલો નથી. ભેળસેળ બધે જ છે. ભારતના ખૂણેખૂણે છે. આપણે બીજા દેશની ચોખ્ખાઈ, ત્યાંની સિસ્ટમના વખાણ કરીએ છીએ પણ ત્યાંની સિસ્ટમનો અમલ કરવાની વાત આવે તો હાથ ઊંચા કરી દઈએ. જેમ કે, ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલે છે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે ત્યારે બધા બે મોઢે વખાણ કરશે કે વાહ, આપણે જાપાનની ટ્રેન લાવ્યા. જાપાન જેવું કલ્ચર ગુજરાતમાં બની રહ્યું છે. પણ જાપાનની ફૂડ સેફ્ટી સિસ્ટમ ખબર છે? જો એકવાર પણ ભેળસેળ કરતાં કોઈ પકડાયો તો પૂરું. તેની દુકાન જીવનભર બંધ થઈ જાય. અને આપણે ત્યાં? ઢોકળાંમાં વંદો મળે, બિરિયાનીમાં ગરોળી મળે તો બે દિવસ શટર પડી જાય. ત્રીજા દિવસે ખુલી જાય. ત્યારે આપણે જાપાનને કેમ ફોલો નથી કરતા? કારણ કે આપણે ત્યાં જનતા જ જાપાન જેવા નિયમો માને તેવી નથી. જેના લીધે આપણે ત્યાં અવારનવાર ભેળસેળના અને નકલી માલના સમાચાર આવતા રહે છે. છેલ્લે... પરિણામ આવે છે એ ખાવાથી થતી હેલ્થ પ્રોબ્લમ. આપણે ત્યાં નાની ઉંમરે હાર્ટ એટેક કે કેન્સર થવા જેવા બનાવો સામે આવે છે. 30ની ઉંમરે પણ બાળકો પેદા નથી થઈ રહ્યા. કોઈ દિવસ વિચાર્યું છે કે આવું કેમ થાય છે? જી હાં! આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ એ કેમિકલવાળા ફૂડ કે નકલી પ્રોડક્ટના કારણે જ જોવા મળે છે. આવું આપણી સાથે ન થાય એના માટે તુકારામ મુંઢે જેવા કડક છબીના અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજી વાત એ પણ છે કે એ કોઈ નવી નવાઈ નથી કરી રહ્યા, ખાલી પોતાનું કામ કરી રહ્યા છે જે તેમને કરવાનું છે. પણ ચર્ચાઓ ઈન્ટરનેટ પર તેમની એટલા માટે થઈ રહી છે કારણ કે આપણે ત્યાં નિયમો હોવા છતાં આપણે જે કામ કરવાનું હોય છે તે નથી કરી રહ્યા તે મુંઢે કરી રહ્યા છે. મે મહિનામાં તેમણે પદ સંભાળ્યું ત્યારથી અત્યાર સુધીમાં અગિયારસોથી વધુ જગ્યાઓ પર સરપ્રાઈઝ ઈન્સપેક્શન કરીને 29 કરોડથી વધુનો ભેલસેળવાળો માલ પકડી પાડ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હાઈકોર્ટમાં તેમને રોકવા માટે કાવાદાવા થયા ત્યારે તેમને મહારાષ્ટ્ર હાઈકોર્ટે પૂછ્યું કે તમે પ્રાઈવેટ જગ્યાઓ પર જ કેમ રેડ પાડો છો? તો મુંઢેએ જવાબ આપ્યા પછી ખુદ હાઈકોર્ટની કેન્ટીનમાં પણ રેડ પાડી દીધી. તપાસમાં ખબર પડી કે હાઈકોર્ટની એક કેન્ટીનમાં લાઈસન્સ ન હતું તો મુંઢેએ તેના પર પણ તાળા લગાવી દીધા. આ મુંઢેની સિંઘમ છબી, કડકાઈ અને પ્રામાણિકતા કહી જાય છે. આપણી સિસ્ટમમાં મુંઢે જેવા અધિકારીઓ હોય એ સારી વાત છે, તો આખી સિસ્ટમ જ સિંઘમ જેવી કેમ ન થઈ શકે? સિસ્ટમ જ એવી બનાવી દેવી છે કે કોઈ અધિકારી માત્ર પોતાનું કામ કરે તો આપણને તેમાં ગર્વ લેવો ન પડે. આપણે મુંગા મોઢે સહન કરી લઈએ છીએ એટલા માટે આવું થઈ રહ્યું છે માટે સિસ્ટમને જ એટલી સ્ટ્રોંગ બનાવવી છે કે આવા બનાવો કોઈ કરે એ પહેલા સો વાર વિચાર કરવો પડે. પણ તમે વિચાર્યું કે આ ભેળસેળિયાઓ પાસે આટલી બધી તાકાત કે હિંમત ક્યાંથી આવે છે? આંકડાઓ જોશો તો તમારી આંખો પહોળી થઈ જશે. FSSAIએ રાજ્ય સરકારો સાથે મળીને વર્ષ 2024-25માં દેશભરમાંથી ખાવા-પીવાની વસ્તુઓના 1 લાખ અને 7 હજાર સેમ્પલ લીધા હતા. જ્યારે એના સેમ્પલ આવ્યા તો ખબર પડી કે 34 હજારથી વધુ સેમ્પલ ક્વોલિટીમાં ફેલ ગયા છે. વિચાર કરો 20 ટકા ફેલ્યોર. સાદી રીતે સમજો તો બજારમાંથી પાંચ વસ્તુ લઈને તમે ઘરે આવો છો તો એમાંથી 1 વસ્તુ તો ભેળસેળવાળી, નકલી કે તમારા શરીરમાં ઝેર ભેળવે એવી હોય છે. એક ઉદાહરણથી સમજીએ... તમને યાદ હોય તો કોરોના ગયો ત્યારે આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડબ્બા ભરી ભરીને મધ ખાધું હતું. હમણા જ આવેલો CSEનો રિપોર્ટ કહે છે કે દેશની 13 સૌથી મોટી અને સ્વદેશી હોવાનો દાવો કરતી મધની બ્રાન્ડના 77 ટકા જેટલા મધના સેમ્પલ ફેલ ગયા હતા. ટૂંકમાં 10 મધમાંથી 3 જ મધ અસલી, બાકી સાત તો ભેળસેળિયા મધ નીકળ્યા. ભેળસેળ કરવા માટે કંપનીઓ પણ જોરદાર મગજ વાપરતા હતા. એ લોકો મધમાં કાંઈ ખાંડ નહોતા નાખતા કે તરત પકડાઈ જવાય. એ લોકો કો ચીનથી ઓલ પાસ ફ્રક્ટોઝ નામની એક હાઈ લેવલની સિરપ મગાવતા હતા. આ સિરપ એવી હોય છે કે ભારતની સરકારી લેબમાં બેઝિક સુગર ટેસ્ટને પણ આસાનીથી પાસ કરી લે. એટલે કે ટેસ્ટ થઈ જાય તો પણ ભેળસેળ છે એવી કોઈ સરકારી કંપનીઓને પણ ખબર ના પડે. એમાંય ટેસ્ટ કાંઈ આપણી લેબમાં નહોતા કરાવ્યા, સેમ્પલ પહોંચાડ્યા હતા જર્મની. જ્યાં હાઈટેક લેબમાં તપાસ કરાવીને આખો ભાંડો સામે આવ્યો કે મધમાં પણ કેવી રીતે ભેળસેળ કરીને લોકોના શરીરને ડાયાબિટિઝના ડોઝ આપવામાં આવે છે. ઉપરથી આ વાત કંઈ ખાલી મધની જ નથી. આપણા ઘરના રસોડાનો રાજા એટલે મસાલો. એની વાત કરીએ તો થોડા સમય પહેલા હોંગકોંગ અને સિંગાપોરની સરકારે ભારતની સૌથી મોટી બ્રાન્ડના મસાલા પર બેન લગાવી દીધો, કારણ કે ભારતના મસાલામાં એથિલિન ઓક્સાઈડ જેને ETO કહેવાય છે એ હદથી વધુ માત્રામાં મળી આવ્યું. ETOને સાદી રીતે સમજવું હોય તો એ એક પ્રકારનું જંતુઓને મારતું કેમિકલ છે, જેનાથી કેન્સર પણ થાય છે. મસાલાથી આગળ વધીએ તો નાના બાળકોને પેલી પિંક કોટન કેન્ડી બહુ ગમતી હોય છે. તમે જાણીને ચોંકી જશો કે અમુક રાજ્યોએ એ કોટન કેન્ડીને જ બેન કરી દીધી છે કારણ કે એમાં ગુલાબી રંગ લાવવા માટે રોડામાઈન બી નખાતું હતું. આ કોઈ ફૂડ કલર નથી પણ કપડા અને ચામડું રંગવાની ડાઈ છે. વિચાર કરો કયા લેવલનો ભેળસેળનો વેપલો ચાલી રહ્યો છે. પણ એક સવાલ થાય કે આવું કેમ થઈ રહ્યું છે? તો જવાબ છે અર્થશાસ્ત્ર કે ગણિત. ઓછા ખર્ચામાં જોરદાર નફો. ગયા વર્ષે જાન્યુઆરીમાં રાજકોટમાં પકડાયેલા નકલી પનીરનું ઉદાહરણ લો. પામ ઓઈલ અને એસિડમાંથી આ કેમિકલવાળું પનીર બનતું હતું જે કંપનીને ખાલી 130 રૂપિયામાં પડતું હોય છે. એ જ પનીર હોટલવાળો 180 કે 200 રૂપિયામાં ખરીદે અને તેમને પ્લેટમાં 400 કે 500 રૂપિયામાં પધરાવે. આ હાઈ રિસ્ક લો રિવોર્ડનો એવો ધંધો છે જેમાં ભેળસેળિયાઓને ખબર છે કે કાયદો તેમને વાળ પણ વાંકો નથી કરી શકવાનો. જેના લીધે જ તેનામાં આવી તાકાત આવે છે. આ બધુ જ સરકારી ચોપડે નોટ થયેલું છે, સરકાર પણ જાણે છે, અધિકારીઓ પણ જાણે છે પણ એક્શન નથી લેવાતી. આવું કેમ થાય છે? કારણ કે મોટા માથાઓ આમાં ફસાઈ ન જાય. બીજી વાત એ છે કે આપણી કાયદાકીય સિસ્ટમમાં એવા છીંડાઓ ચે જે સામાન્ય માણસને ગમે ત્યારે સજા કરી દે છે પણ મોટા માથાઓ કે કંપનીઓ આસાનીથી છૂટી જાય છે અને પરદા પાછળની આખી ગેમ સામાન્ય માણસ સમજી પણ નથી શકતો. અહીં હકિકતમાં થાય છે એવું કે FSSA 2006માં બે ઈમ્પોર્ટન્ટ શબ્દો છે, સબ સ્ટાન્ડર્ડ જે કલમ 51માં છે અને બીજો શબ્દ છે અનસેફ જે કલમ 59માં છે. જો કોઈ ખાવાની વસ્તુ અનસેફ એટલે કે ઝેરી કે જીવને નુકસાન થાય એવી સાબિત થાય તો જ ભેળસેળિયાઓને વર્ષોની જેલ થઈ શકે છે પણ જો તે વસ્તુ સબ સ્ટાન્ડર્ડ એટલે કે ખાલી હલકી ક્વોલિટીવાળું સાબિત થાય તો લાખો રૂપિયા કમાવીને અમુક હજારોનો દંઢ ભરીને માણસ આસાનીથી છૂટી શકે છે. ને અહીં જ સૌથી મોટી ભ્રષ્ટાચારની ગેમ રમાય છે. ઘણીવાર લાંચ અને સેટિંગના જોરે કેમિકલવાળા ઝેરી માલને સબ સ્ટાન્ડર્ડના ચોપડે ચઢાવી દેવામાં આવે છે અને ગુનેગાર આરામથી બચી જાય છે. બીજું કારણ એ પણ છે કે સરકારી સિસ્ટમની ટેસ્ટિંગ એજન્સીઓની જ મજાક થઈ રહી છે. CAGના 2017 અને 2023ના તમિલનાડુ સહિતના બીજા રાજ્યોના CAG ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશમાં 19 ટકા કરતાં વધુ ફૂડ સેમ્પલ તો સરકારી લેબમાં તપાસ થાય એ પહેલા જ એક્સપાયર થઈ જાય છે. એટલે કે લેબનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો એ શંકાસ્પદ માલ બજારમાં વેચાઈ પણ ગયો હોય અને આપણા પેટમાં પહોંચી શરીરમાં ઝેર પણ બની ગયો હોય છે. પણ તમે તમારી જાતને ક્યારેય એવું પૂછ્યું છે કે વિદેશમાં આવું થાય તો શું અંજામ આવે? જાપાનમાં જો કોઈ કંપનીના ખોરાકમાં કે પેકેટમાં જીવડું કે વંદો નીકળે તો કંપનીના સીઈઓએ લાઈવ ટીવી પર રડતાં રડતાં દેશની માફી માગવી પડી હોય એવા પણ ઉદાહરણો સામે આવ્યા છે. ઉપરથી કંપનીના કાયમી માટે ઉઠામણા થઈ જાય એ તો અલગ જ છે. બ્રિટનમાં દુકાનની બહાર ફરજિયાત પણે મોટા અક્ષરે ફૂડ હાઈજીન રેટિંગનું પાટિયું લગાવેલું હોય છે. જો ગંદકી કે ભેળસેળનો રિપોર્ટ મળે છે તો રેટિંગ ઝીરો થઈ જાય છે અને કસ્ટમર ઓટોમેટિક એ દુકાને આવતા બંધ થઈ જાય છે. જ્યારે સામેની બાજુ આપણે ત્યાં? જો તમારી થાળીમાં વંદો નીકળે કે ગરોળી નીકળે તો માલિક માફી માગ્યા વગર મોઢું ચઢાવીને બિલ માફ કરી દે છે અથવા બીજી નવી ડિશ પધરાવી દે છે. આપણે ગર્વ અનુભવતા હોઈએ છીએ એમ ખુશ થઈને ઘરે આવી જઈએ છીએ કે હાશ આ વખતે તો બિલ પણ ન આપવું પડ્યું. ક્યાંક રેડ પડે, ક્યાંક દુકાન સિલ થાય તો થોડા જ દિવસો કે મહિનાઓમાં એ જ ભેળસેળિયો નવું પાટિયું મારીને ફરીથી દુકાન ખોલી દે છે. ત્યારે સવાલ થાય કે આ ભેળસેળિયા માલિકો કે કંપનીઓનું કરવું તો કરવું શું? શું આપણે મુંગા મોઢે થીળીમાં પીરસાતું ધીમું ઝેર ખાવા મજબૂર થવું જ પડશે? તો જવાબ છે ના... ના... અને ના... તમે ભારતના જાગૃત નાગરિક અને ગ્રાહક તરીકે જાતે જ ફૂડ ઈન્સપેક્ટર બનવું પડશે. બજારમાંથી મોંઘા ભાવનું પનીર લો તો પેકેટની પાછળ તેના ઈન્ગ્રેડિયન્ટ્સ વાંચો. જો એમાં અંગ્રેજીમાં ડેરી એનાલોગ લખ્યું હોય તો સમજી લેજો કે એ પનીર નથી પણ નકલી કેમિકલ છે. તમારા ફોનમાં ભારત સરકારની ફૂડ સેફ્ટિ કનેક્ટ નામની એપ ડાઉનલોડ કરો. જો ક્યાંય પણ ગંદકી દેખાય, ભેળસેળ જોવા મળે કે શંકાસ્પદ ફૂડ મળે તો તરત ફોટો પાડીને એપ પર અપલોડ કરીને ફરિયાદ કરી દો. આજની આખી વાતનો સાર આપણો એ જ છે કે ખાવાની વસ્તુમાં ભેળસેળ એ કોઈ નાનો એવો ગુનો નથી. આ દેશના નિર્દોષ લોકો અને આવનાર પેઢીની હેલ્થ સાથે રમાતો ધીમો આતંકવાદ છે. તુકારામ મુંઢે જેવા એક અધિકારી મહારાષ્ટ્રમાં આખી ભ્રષ્ટ સિસ્ટમને હલાવી શકતા હોય તો જો દિલ્લી કે ગાંધીનગરમાં રાજકીય ઈચ્છા શક્તિ જાગી જાય તો શું ન થઈ શકે? હવે સમય પાકી ગયો છે દેશને એક સેફ ફૂડ નેશન બનાવી દેવાનો. અને છેલ્લે... અમેરિકા અને યુરોપના ફૂડ સેફ્ટી કાયદા જુઓ તો બંનેની વિચારવાની રીતમાં મોટો ફરક છે. યુરોપની સિસ્ટમ માને છે કે જો ભેળસેળથી નુકસાનની શંકા છે તો પ્રોડક્ટ જ રોકી દો. સામેની બાજુ અમેરિકામાં કેટલીક વસ્તુઓમાં ભેળસેળના આરોપ લાગે તો પ્રોડક્ટ તો ચાલુ રહી શકે છે પણ જેવી ભેળસેળ સાબિત થાય ત્યારે તેને બજારમાંથી ઉઠાવી લેવાય છે.... પણ આપણા ફૂડ સેફ્ટીના કાયદા સામે સૌથી મોટો પ્રશ્ન છે કે.... આપણા કાયદા તો બરોબર છે... લાગુ કરનાર મુંઢે જેવા અધિકારીઓ કેમ ઓછા જોવા મળે છે? સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    पुलिस और बदमाशों के बीच हुईगोलीबारी, एक पुलिस वाले सहित दो बदमाश जख्मी
    Next Article
    ગણદેવીમાં દિવ્યાંગ-વરિષ્ઠ નાગરિકો માટે એસેસમેન્ટ કેમ્પ શરૂ:કલેક્ટર મનીષ ગુરવાનીએ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment