Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાહેબ મિટિંગમાં છે:2027ની ચૂંટણી માટે ખાનગી એજન્સીઓ અત્યારથી જ મેદાનમાં, પૂર્વ IPSને લોચાવાળી જમીનોના કેસ પતાવવામાં રસ જાગ્યો

    18 hours ago

    દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... 2027ની ચૂંટણીને હજુ સમય, છતાં ખાનગી એજન્સી મેદાનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ સમય બાકી છે ત્યારે એક મોટા રાજકીય પક્ષ દ્વારા ખાનગી એજન્સી મારફતે સંભવિત ઉમેદવારો અંગે સર્વે શરૂ કરાયો હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં એજન્સીના પ્રતિનિધિઓ આગેવાનો અને કાર્યકરોને મળતા હોવાની ચર્ચા વચ્ચે સ્થાનિક રાજકારણમાં અત્યારથી જ ટિકિટ માટેની દોડ શરૂ થવાની શક્યતા છે. જોકે, ચૂંટણીના લાંબા સમય પહેલાં જ ઉમેદવારોની જીત-હારનો અંદાજ કાઢવા માટે ખાનગી એજન્સીઓ પર આધાર રાખવાની રાજકીય પક્ષોની પદ્ધતિ સામે પણ સવાલો ઊભા થાય છે. એક તરફ પક્ષના સ્થાનિક સંગઠન અને કાર્યકરોની ભૂમિકા છે, તો બીજી તરફ બહારની એજન્સીઓના સર્વેના આધારે ઉમેદવારી નક્કી કરવાની કવાયતથી આંતરિક જૂથબાજી વધુ ઉગ્ર બની શકે છે. સર્વેમાં જે આગેવાનોના નામો આગળ આવશે તેઓમાં ઉત્સાહ વધશે, જ્યારે બાકીના દાવેદારોમાં નારાજગી પેદા થવાની શક્યતા છે. એટલે ચૂંટણી પહેલાં જ પક્ષની અંદર ટિકિટની ખેંચતાણ શરૂ થવાના એંધાણથી સ્થાનિક રાજકારણમાં અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે. IPSએ નિવૃતિ બાદ લોચાવાળી જમીનના કેસ પતાવવાની શરૂઆત કરી ગુજરાતમાંથી વયનિવૃત્ત થયેલા IPS અધિકારીએ હવે જમીનોના લોચાવાળા કેસોની પતાવટનો પોતાનો જૂનો ધંધો ફરીથી શરુ કરી દીધો છે. અગાઉ જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે પણ પોતાની સત્તાનો દૂરુપયોગ કરીને કરોડોની જમીનોનો ખેલ પાડ્યો હતો. આ વાત છેક દિલ્હીના નેતાઓ સુધી પહોંચાડાઈ હતી. ત્યારબાદ દિલ્હીના આદેશને પગલે સાહેબ થોડા કંટ્રોલમાં આવ્યા હતા. પણ હવે નિવૃત્ત થયા બાદ તેમને કહેનારુ કોઈ નથી. ઉપરાંત તેમની ઈમેજ કડક અધિકારી તરીકેની હતી. તેઓ દિલ્હીના ભાજપના ટોચના બે નેતાઓના પ્રિતિપાત્ર હોવાની ઈમેજ તેઓએ જાતે જ ઉભી કરી હતી. વાસ્તવમાં એવુ કશુ નથી. ભાજપના કોઈ નેતા તેમને સપોર્ટ કરતા નથી. પરંતુ મોટાભાગના લોકોને તેની ખબર નહી હોવાથી તેઓ આ અધિકારીની જૂની માથાભારે અને ઉપર સુધીની લાગવગ ધરાવતા અધિકારી હોવાની ઈમેજમાં જ છે. જેના કારણે આ સાહેબને મજા પડી ગઈ છે. હવે તેઓએ પોતાના સંપર્કોનો ઉપયોગ શરુ કર્યો છે. કેટલાક પોલીસ સ્ટેશનમાંથી તેઓ જમીનાના કેસની વિગતો મેળવી લે છે ત્યારબાદ તેઓ જે તે પાર્ટીનો સંપર્ક કરીને પોતાની ખાનગી ઓફીસમાં બોલાવીને ખેલ પાડતા હોવાની ચર્ચા છે. પ્રભવ જોશી એક મહિનામાં જ ગાંધીનગર પરત: જૂનાગઢની પોસ્ટિંગ માત્ર ‘ટ્રાન્ઝિટ’ હતી કે પછી કોઈ બીજું કારણ? IAS અધિકારી પ્રભવ જોશીની જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી માત્ર એક મહિનામાં જ ગાંધીનગર બદલી થતાં વહીવટી તંત્રમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક મહિના પહેલાં જ ટુરિઝમ વિભાગમાંથી બદલી કરીને તેમને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરી ગાંધીનગરમાં GIDCના જોઈન્ટ એમડી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આટલા ટૂંકા ગાળામાં પોસ્ટિંગ બદલાતા સૌથી મોટો સવાલ એ છે કે, જો તેમને ગાંધીનગર જ લાવવાના હતા તો જૂનાગઢમાં માત્ર એક મહિનાની જવાબદારી શા માટે આપવામાં આવી? વહીવટી વર્તુળોમાં પારિવારિક કારણોની ચર્ચા થઈ રહી છે, પરંતુ સત્તાવાર રીતે કારણ સ્પષ્ટ ન હોવાથી અટકળોને વેગ મળ્યો છે. વારંવારના બદલી-પોસ્ટિંગથી અધિકારીઓને નવી જવાબદારી સમજવામાં અને લાંબાગાળાની કામગીરીનું આયોજન કરવામાં મુશ્કેલી ઊભી થતી હોવાની ચર્ચા પણ છે. હવે આ બદલીને સામાન્ય વહીવટી નિર્ણય ગણવામાં આવશે કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે, તે અંગે ગાંધીનગરમાં ચર્ચા છે. CM અને ભાજપ પ્રમુખ વરસાદી પાણીમાં ઉતર્યા પણ અન્ય નેતાઓ ન દેખાયા ગત અઠવાડીયે ભારે વરસાદે અમદાવાદ સહિત ગુજરાતને ધમરોળી નાખ્યુ હતુ. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં બેથી લઈને ચાર ફૂટ સુધી પાણી ભરાયા હતા. હજારો ઘર,બંગલાઓ અને શોપીંગ મોલ તથા દુકાનોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જેને કારણે દુકાનદારોના માલ સામાનને ભારે નુકસાન થયું હતુ.રોડ પર ભરાયેલા પાણીને કારણે સેંકડો કાર અને ટુ વ્હીલર બંધ પડી ગયા હતા. લોકોને શાકભાજી,કરીયાણુ,દુધ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવાનુ મુશ્કેલ બની ગયુ હતુ. આ સ્થિતિમાં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બે ફૂટ ભરાયેલા પાણીમાં પોતાના કાફલાને લઈને નિકળ્યા હતા. તેમજ જાતે જ બધી તપાસ કરીને લોકોની મુશ્કેલીઓને સમજી હતી. ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે પણ પાણીમાં ઉતરીને લોકોની વ્હારે આવ્યા હતા તેમજ ભાજપ કાર્યાલયમાં કંટ્રોલ રુમ શરુ કરાવીને પાણીમાં ફસાયેલા લોકોને મદદ કરવાનુ શરુ કર્યુ હતુ. મુખ્યમંત્રીની સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ,સીએમઓના આઈએએસ અધિકારીઓ,મ્યુનિ.કમિશનર,પોલીસ કમિશનરને પણ ના છૂટકે ભરાયેલા પાણીમાં ઉતરવાની ફરજ પડી હતી. જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યા છે કે, આ બે નેતાઓ સિવાય અન્ય કોઈ મંત્રીઓ,સાંસદો કે ધારસભ્યોએ પાણીમાં ઉતરીને લોકોની સમસ્યા જાણવાનો કે તેનો ઉકેલવાના કોઈ જ પ્રયાસો કર્યા નહોતા. સરકારી કચેરીઓમાં વર્ષોથી ધૂળ ખાતા ‘સ્ક્રેપ’નો હવે હિસાબ લેવાશે ગાંધીનગરના વહીવટી તંત્રમાં સરકારી કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં વર્ષોથી પડેલા જૂના અને બિનઉપયોગી સામાનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. સચિવાલયના દરેક વિભાગો પાસેથી જૂના ફર્નિચર, કબાટ, વાહનો સહિતની વિગતો મંગાવવામાં આવી છે. એટલે બિનજરૂરી સમાન દરેક વિભાગમાં હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે તો આ સામાન વર્ષોથી બિનઉપયોગી હતો તો અત્યાર સુધી તેનો નિકાલ કેમ ન થયો? સરકારી મિલકતનો સમયસર નિકાલ ન થવાથી જગ્યાનો બિનજરૂરી ઉપયોગ, જાળવણીનો ખર્ચ અને રેકોર્ડ જાળવવાની કામગીરીમાં વધારો થતો હોવાની ચર્ચા છે. હવે તંત્ર દ્વારા વિગતો મંગાવવાની કવાયત શરૂ થઈ છે, પરંતુ આ પ્રક્રિયા વાસ્તવિક નિકાલ સુધી પહોંચે છે કે પછી સરકારી ફાઇલોમાં જ અટવાઈ જાય છે તે જોવું રહ્યું. વર્ષોથી ધૂળ ખાતી સરકારી મિલકતનો હિસાબ હવે લેવાઈ રહ્યો છે તે બાબત તંત્રની અગાઉની ઢીલી કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે. કેબિનેટ-સેક્રેટરી બેઠક માટે સમય નહીં, પણ ‘ટી-ક્લબ’ માટે સમય!, વહીવટી વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું બુધવારે કેબિનેટ તથા સેક્રેટરીઓની મહત્વપૂર્ણ બેઠક આ વખતે યોજાઈ નથી જેને લઈને ગાંધીનગરના વહીવટી વર્તુળોમાં અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે કેબિનેટ બેઠક પહેલાં સિનિયર અધિકારીઓની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને સંકલન થતું હોય છે, પરંતુ આ વખતે બંને બેઠકો મુલતવી રહી હોવાની વાત સામે આવી છે. બીજી તરફ, સિનિયર અધિકારીઓની અનૌપચારિક ‘ટી-ક્લબ’ બેઠક યોજાઈ હોવાની ચર્ચાએ સમગ્ર મામલાને વધુ રસપ્રદ બનાવી દીધો છે. સત્તાવાર બેઠક માટે સમય ન મળ્યો અને અનૌપચારિક બેઠક માટે સમય મળી ગયો હોવાની ચર્ચા હવે સચિવાલયમાં સવાલો ઊભા કરી રહી છે. જો વહીવટી સંકલન માટેની મહત્વપૂર્ણ બેઠકો સતત ટળે અને તેના બદલે અનૌપચારિક મિલનને પ્રાધાન્ય મળે તો નિર્ણય પ્રક્રિયા અને તંત્રની કાર્યક્ષમતા અંગે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. સચિવાલયમાં કર્મચારીઓને હવે 'ઠંડક' થશે ગાંધીનગર સચિવાલયમાં વર્ષોથી ઉનાળાની આકરી ગરમીમાં કામ કરતા અધિકારી-કર્મચારીઓને હવે આખરે ‘ટાઢક’ મળવાની આશા જાગી છે. ચર્ચા મુજબ, આશરે એક વર્ષ પહેલાં જ સચિવાલયના વિવિધ વિભાગોમાં AC લગાવવાની મંજૂરી મળી ગઈ હતી, પરંતુ મંજૂરી બાદ પણ લાંબા સમય સુધી AC લગાવવાની કામગીરી કાગળ પર જ અટવાયેલી રહી હતી. હવે ધીમી ગતિએ અલગ-અલગ વિભાગોમાં AC લગાવવાની કામગીરી શરૂ થતાં કર્મચારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. જોકે, એક વર્ષ પહેલાં મંજૂરી મળ્યા બાદ પણ કામગીરી સમયસર કેમ શરૂ ન થઈ તે મુદ્દે પણ સચિવાલયમાં કચકચાટ છે. હવે જે ગતિએ AC લગાવવાનું કામ ચાલી રહ્યું છે તે જોતા આગામી ઉનાળા સુધીમાં સચિવાલયના તમામ વિભાગોમાં કર્મચારીઓને ગરમીથી છુટકારો મળશે કે ફરી એકવાર ફાઇલ અને મંજૂરીની પ્રક્રિયામાં ઠંડક આવી જશે, તે જોવાનું રસપ્રદ રહેશે. 1999 બેચના IAS અજય ભાદુ કેન્દ્રમાંથી ગુજરાત પરત ફરી શકે ગુજરાત કેડરના 1999 બેચના IAS અજય ભાદુ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય હેઠળ મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. માર્ચ ૨2025થી તેઓને GeMના મુખ્ય કારોબારી અધિકારીનો વધારાનો હવાલો સોંપાયો છે. તેઓની પાસે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના ડિરેક્ટર જનરલનો વધારાનો ચાર્જ પણ છે. તેઓ 7 વર્ષથી દિલ્હી ખાતે સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે.આ સમયગાળા દરમિયાન તેઓએ દિલ્હીમાં અલગ-અલગ મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. કેન્દ્ર સરકારમાં તેમની સેન્ટ્રલ ડેપ્યુટેશનની મુદ્દત 24 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવેલી છે. જો કેન્દ્ર્ તેમની મુદત ફરીથી એક વખત વધારશે તો તેઓ 2027માં પાછા ફરશે. પરંતુ જાણકાર સૂત્રો જણાવે છે કે, હવે તેમની મુદતમાં કોઈ જ વધારો થવાનો નથી એટલે તેઓ ઓગષ્ટમાં જ પોતાની પેરેન્ટ કેડર ગુજરાતમાં પરત ફરી શકે છે. શું પશ્ચિમ અમદાવાદમાં પોશ એરિયા હતા એટલે નેતા-અધિકારીઓ દોડ્યા? અમદાવાદમાં તાજેતરમાં આવેલી વરસાદી આફતના કારણે પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં જળબંબાકારની સ્થઇતિ સર્જાઈ હતી. કરોડપતિઓના બગંલામાં પાણી ઘૂસી જતા નેતા-અધિકારીઓ દોડંયા હતા. જો કે, પૂર્વ અમદાવાદના લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે, પૂર્વમાં જ્યારે ચારથી પાંચ ઈંચ વરસાદ પડ્યો ત્યારે આ નેતાઓ અને અધિકારીઓ ક્યાં હતા? કરોડપતિઓના બંગલા અને ગાડીઓ ડૂબી જવા પાછળ પણ અધિકારીઓને નેતાઓ જ જવાબદાર છે ત્યારે અણઘણ આયોજનને છુપાવવા માટે લોકોને સમજાવવા ગયેલા નેતાઓને પણ સાંભળવું પડ્યું હતું. AMCમાં એક હોદેદાર માટે ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપાના એક નેતા આજકાલ ખૂબ ચર્ચામાં છે. કોર્પોરેશનમાં નેતાની કેબિનમાં PA સાથે એક- બે નહીં પરંતુ 6 કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. નેતાજીએ પોતાના અઢી વર્ષના કાર્યકાળ માટે કરોડો રૂપિયાનો કોર્પોરેશનનો વહીવટ કરવા માટે એક અધિકારીની પણ તાત્કાલિક અસરથી નિમણૂક કરાવી દીધી છે. ચપ્પલની સાથે યુનિફોર્મ પહેરીને ફરતા આ અધિકારીને એક ધારાસભ્યની ભલામણથી પણ બેસાડ્યા છે. જે કરોડો રૂપિયાનો વહીવટ કરવા માટે લાવવામાં આવતી દરખાસ્તોને વાંચીને નેતાજીને સમજાવે છે કે કેવી રીતે આમાં નિર્ણય લેવો જોઈએ. PAથી લઈને સ્પેશિયલ અધિકારીની નિમણૂક પાછળ ભાજપના ધારાસભ્યો, કોર્પોરેશનના ચેરમેનો ડેપ્યુટી ચેરમેનો અને કોર્પોરેટરોમાં ખૂબ ચર્ચા થઈ છે કે, નેતાજીને હોદ્દો તો આપી દીધો છે પણ ખબર નહીં પડતી હોય ત્યારે અધિકારી રાખ્યા છે કે પછી… 'સાહેબ સારું થયું તમે બદલીના એક દિવસ પહેલા જ ગ્લાસગો પહોંચી ગયા...' સ્પોર્ટસ ઓથોરીટીના સેક્રેટરી અને તાજેતરમાં જ પ્રમોશન મેળવીને IAS થનારા આર આઈ વાળા કોમનવેલ્થ ગેમ્સ માટે યુકેના સ્કોટલેન્ડના ગ્લાસગો ગયા છે. જો કે, તેઓ અહીંથી ગયા બાદ બીજા દિવસે જ તેમની બદલી થઈ હતી.જેથી તેમના કેટલાક સહકર્મીઓ અને અન્ય શુભેચ્છકોએ ફોન કરીને કહ્યુ કે, સાહેબ તમારી તો બદલી થઈ ગઈ છે. જો કે, આવુ સાંભળીને તેઓને આશ્ચર્ય થયુ હતુ. અમુક લોકોએ તો ફોન કરીને નવી જગ્યા માટે શુભેચ્છા પાઠવીને હળવી શૈલીમાં મઝાક કરી લીધી કે, સાહેબ સારુ થયુને તમે એક દિવસ વહેલા નિકળી ગયા. આવુ સાંભળીને સાહેબ પણ હસી પડ્યા હતા. ચર્ચા છે કે, વાળાની ઈમેજ એક સારા અધિકારી તરીકેની છે. તેઓ બધાને સાથે લઈને ચાલે છે. હાલમાં ડાયરેક્ટર જનરલની જગ્યા ખાલી હોવાથી તેમને તેનો પણ વધારાનો હવાલો અપાયો હતો.તેઓ અહીં લગભગ ત્રણેક વર્ષથી ફરજ બજાવતા હતા અને કોઈ વિવાદમાં પણ આવ્યા નહોતા. કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતને મળ્યા બાદ હવે ઓલિમ્પિક અને અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો ગુજરાતમાં આવે તે માટે તેઓ ખુબ સક્રીય હતા.આવા સમયે તેમની એકાએક બદલી કરી દેવાતા અધિકારીઓ પણ માથું ખંજવાળી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમમાં પાણી ભરાવાનો મુદ્દો ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ ભારે વરસાદના કારણે અમદાવાદીઓએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. ત્યારે ભાજપના નેતાઓ અને અધિકારીઓ નબળા પડ્યા છે ત્યારે વિપક્ષ પણ આખા ગુજરાતમાં સર્જાયેલી પરિસ્થિતિમાં નબળું પુરવાર થયું છે. કોંગ્રેસને પ્રજા માટે અવાજ ઉઠાવવાનો પણ સમય ન હોય તેમ અમદાવાદમાં સર્જાયેલી પરિસ્થિતિમાં કોંગ્રેસ ક્યાંય જોવા મળી નથી. કોર્પોરેશનની ચૂંટણી બાદ મહાનગરોમાં વિપક્ષના નેતાની નિમણૂકો હજી સુધી કરી નથી જેના કારણે વિપક્ષ ક્યાંય જોવા મળ્યું નથી. ગુજરાત કોંગ્રેસ ચલાવતા પ્રદેશ પ્રમુખ મહાનગરોમાં વિપક્ષના નેતા નક્કી કરી શક્યા નથી તો પ્રજા તેમને કેવી રીતે મત આપશે? વર્ષ 2021માં પણ ચૂંટણી બાદ વિપક્ષના નેતા અમદાવાદમાં એક વર્ષ બાદ થયા હતા ત્યારે હવે આ વર્ષે પણ લોકોને લાંબો સમય રાહ જોવો પડશે કે કેમ તેની ચર્ચા જાગી છે. વરસાદી આફત સમયે પોલીસે કરેલી કામગીરીની રીલ ચર્ચાનું કેન્દ્ર બની અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થતાની સાથે જ IPS અધિકારીઓ સહિતના પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડતા થઈ ગયા હતા અને રોડ ઉપર ઉતરી ટ્રાફિક નિયમન કરાવવા લાગી ગયા હતા. જોકે પોલીસે વરસાદની આફતને અવસરમાં પલટીને પોતાની પબ્લિસિટી કરવાનું ભૂલ્યા નહીં.IPS અધિકારીઓથી લઈને પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ટ્રાફિક નિયમનમાં ઉતર્યા હતા. વીડિયો ઉતારવા માટે એક સ્પેશિયલ માણસ રાખ્યો હતો અને વીડિયો ઉતારીને તાત્કાલિક સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી દેવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતનું તંત્ર કામગીરી કરી રહ્યું હતું જેના ફોટા વીડિયો હજી સોશિયલ મીડિયા પર ચડે તેની પહેલા પોલીસે પોતાની પબ્લિસિટી લઈ લીધી હતી. એક આઇપીએસ અધિકારી ટ્રાફિક નિયમન કરાવવા માટે રોડ પર દોડી રહ્યા હતા ત્યારે તેની પાછળ પણ કેમેરો લઈને દોડતા હોય તેવી રીલ બનાવવામાં આવી હતી. પોલીસને હવે સોશિયલ મીડિયાનો ચસકો લાગ્યો હોય એવી ચર્ચા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    ખોદકામ બાદ પુરાણ નહીં કરાતાં રસ્તા બેસી ગયા‎:આઇકોનિક રોડના ખોદકામથી 25થી વધુ સોસાયટીઓના પ્રવેશદ્વારે જ કાદવના થર,સ્લીપ થતાં હાડકાં ભાગવાનો ડર
    Next Article
    'એક નિર્ણયથી દેશ નહીં બદલાય જાય', VIDEO:'હવે સરકાર ભૂલ કરતા પહેલા વિચારશે', PMની ઇન્સ્ટા રીલ પર GenZએ શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment