Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકામાં ગાંધીજીના પૌત્રની કરોડોની જમીન પરથી દબાણ દૂર થશે:2016માં કનુ ગાંધીનું સુરતમાં અવસાન થયું, દાંડીકૂચ સમયે દાદાની લાકડી પકડીને સાથે ચાલ્યા

    19 hours ago

    મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી કૂચ વખતે લાકડી પકડીને આગળ ચાલતા જે બાળકનું ચિત્ર સમગ્ર વિશ્વમાં અમર બન્યું તે મહાત્મા ગાંધીના પૌત્ર અને નાસાના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. કનુ રામદાસ ગાંધી પોતાના આખરી દિવસોમાં દિલ્હી અને સુરતના વૃદ્ધાશ્રમમાં એક અત્યંત સાધારણ વ્યકિત તરીકે જીવ્યા. વર્ષ 2016માં 87 વર્ષની વયે સુરત ખાતે તેમનું અવસાન થયું ત્યાં સુધી કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે અમેરિકામાં તેમના નામે અંદાજે 30 એકર જેટલી વિશાળ અને અતિ કીમતી જમીન આવેલી છે. અમેરિકામાં પાંચ દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ નિવૃત્તિ માટે ખરીદેલી આ જમીન અંગે તેમણે જીવનભર કોઈને ક્યારેય જાણ કરી નહોતી. તેમના અને તેમના પત્નીના અવસાન બાદ આ જમીન પર સ્થાનિક અમેરિકને ગેરકાયદે કબજો જમાવી લીધો હતો. જોકે, સુરતના સેવાભાવી ટ્રસ્ટી દ્વારા અમેરિકાની અદાલતમાં 20 મહિના સુધી ચાલેલી અતિ જટિલ કાનૂની લડાઈ બાદ આખરે ગાંધીજીના પૌત્રની આ કરોડોની જમીન પરત મેળવીને ઐતિહાસિક જીત હાંસલ કરવામાં આવી છે. નાસામાં વિમાન ડિઝાઇનિંગ અને અમેરિકામાં રિટાયરમેન્ટ હોમનું આયોજન MIT (મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી) જેવી વિશ્વવિખ્યાત સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા બાદ ડૉ. કનુ ગાંધીએ અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) અને સંરક્ષણ વિભાગમાં દાયકાઓ સુધી એડવાન્સ એરક્રાફ્ટ ડિઝાઇનિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમના ધર્મપત્ની ડૉ. શિવા ગાંધી પણ બોસ્ટન બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને જાણીતા સંશોધક હતા. આ વૈજ્ઞાનિક દંપતીએ નિવૃત્તિ બાદ શાંતિપૂર્ણ જીવન જીવવા માટે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી. નજીક વર્જિનિયા રાજ્યના વોરેન કાઉન્ટી સ્થિત ફ્રન્ટ રોયલ શહેરના જોય સ્પ્રિંગ સબડિવિઝનમાં 30.76 એકર જમીન સંયુક્ત નામે ખરીદી હતી. આ જમીન શેનાન્ડોહ નેશનલ પાર્કને અડીને આવેલી કુદરતી સંપત્તિથી સમૃદ્ધ હતી. જોકે, પાછલી ઉંમરે વતનપ્રેમ જાગતાં તેમણે ભારત પરત ફરી સેવા કરવાનો નિર્ણય લીધો હતો અને વર્ષ 2013-14માં તેઓ કાયમ માટે ભારત આવી ગયા હતા. 38 વર્ષ સુધી બિનવારસી રહેલી જમીન પર સ્થાનિકનો ગેરકાયદે કબજો કનુભાઈ અને શિવાબેન ભારતમાં સ્થાયી થયા બાદ અમેરિકાની આ વિશાળ જમીન લગભગ 38થી 39 વર્ષ સુધી માલિક વિનાની બિનવારસી હાલતમાં પડી રહી. તેની દેખરેખ રાખનાર કોઈ ન હોવાથી સ્થાનિક શિકારી ગ્રેગરી ઈ. બ્લેકે આ સરહદી જમીન પર ધીમે ધીમે પગપેસારો કરીને ગેરકાયદે દબાણ કરી દીધું હતું. તેણે જમીન પર જંગલી જાનવરોનો શિકાર કરવા માટે ટ્રી-સ્ટેન્ડ, રસ્તા અને કલવર્ટ બનાવી દીધા હતા એટલું જ નહીં પરંતુ પોતાનું નાનું લાકડાનું મકાન બનાવીને જાણે પોતે જ જમીનનો અસલ માલિક હોય તે રીતે રહેવા લાગ્યો. બીજી તરફ, ભારતમાં કનુભાઈ ગાંધી દિલ્હી અને બાદમાં સુરત નજીકના મરોલી કસ્તૂરબા આશ્રમ તથા વૃદ્ધાશ્રમમાં અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રહ્યા, પરંતુ તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પોતાની આ સંપત્તિનો રજમાત્ર ઉલ્લેખ કોઈનીય સામે કર્યો નહોતો. પરિમલ દેસાઈ સાથે આત્મીયતા અને મૃત્યુ પહેલાં શિવાબેને જમીન અંગે વાત કરી વર્ષ 2013માં કસ્તૂરબા સેવાશ્રમ મરોલી ખાતે ટ્રસ્ટી તરીકે સેવા આપતા સુરતના અગ્રણી કેળવણીકાર પરિમલ ગુણવંતરાય દેસાઈના સંપર્કમાં કનુભાઈના બહેન ઉષાબેન ગોકાણી મારફતે કનુભાઈ ગાંધી આવ્યા હતા. ત્યારબાદ કનુભાઈ અને શિવાબેન સુરત આવ્યા અને આઈ.જી. દેસાઈ સર્વોદય સ્કૂલમાં બાળકો સાથે સમય વિતાવતા પરિમલભાઈ સાથે આત્મીયતાથી જોડાયા હતા. વર્ષ 2016માં કનુભાઈનું સુરત ખાતે અવસાન થયું હતું. આ અંગે પરિમલ દેસાઈએ જણાવ્યું હતું કે, "કનુભાઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અમે રોજ સાથે ભોજન લેતા અને કલાકો સુધી ચર્ચા કરતા, પરંતુ તેમણે ક્યારેય અમેરિકાની કોઈ મિલકત અંગે વાત નહોતી કરી. વર્ષ 2018માં શિવાબેને મને બોલાવીને જણાવ્યું કે હું ન્યુમેરોલોજીમાં માનું છું અને મારું ગણિત કહે છે કે વર્ષ 2020માં મારું નિધન નિશ્ચિત છે, તેથી સમય બહુ ઓછો છે. તેમણે મને લેપટોપ સોંપી તમામ ગુપ્ત દસ્તાવેજો આપ્યા અને અમેરિકાની જમીન અંગે વાત કરી. તેમણે આ વાત કોઈને ન કરવા તાકીદ કરી હતી કારણ કે તેમને ડર હતો કે લોકો જાણી જશે તો તેમનો ગેરલાભ ઉઠાવશે." શિવાબેનની આગાહી સાચી પડી અને કોવિડકાળ દરમિયાન વર્ષ 2020માં તેમનું પણ નિધન થયું હતું. ભારત અને અમેરિકાની કોર્ટમાંથી પ્રોબેટ અને સામેવાળા પક્ષની ધમકીભરી નોટિસ કનુભાઈ અને શિવાબેનના વસિયતનામા અનુસાર ગુજરાત સરકારમાં રજિસ્ટર્ડ થયેલા 'ડૉક્ટર શિવા એન્ડ કનુ રામદાસ મોહનદાસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ'ને તમામ સંપત્તિ સોંપવામાં આવી હતી. મિલકતના કાયદેસર અમલ માટે પરિમલ દેસાઈએ પહેલા સુરત કોર્ટમાંથી અને બાદમાં અમેરિકાના કાયદા અનુસાર વર્જિનિયા કોર્ટમાંથી પ્રોબેટ સર્ટિફિકેટ મેળવ્યું હતું. જ્યારે ટ્રસ્ટે આ જમીન વેચીને તેમાંથી આવનારી રકમ સેવાકીય કાર્યોમાં વાપરવાની તજવીજ શરૂ કરી, ત્યારે અચાનક ગેરકાયદે કબજો જમાવી બેઠેલા ગ્રેગરી બ્લેકના વકીલ તરફથી ટ્રસ્ટને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં દાવો કરાયો હતો કે જમીન પર વર્ષોથી તેમનો કબજો હોવાથી ટ્રસ્ટનો કોઈ માલિકી હક્ક રહેતો નથી અને જમીનમાં પ્રવેશ કરવો નહીં. આ નોટિસથી ટ્રસ્ટ સામે વિદેશની ધરતી પર કાનૂની મોરચો ખોલવાની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. અમેરિકન વકીલોની મોંઘી ફી સામે AI બન્યું સંકટમોચક: વિરોધી પક્ષની 25 ભૂલો પકડી અમેરિકામાં કાનૂની લડાઈ લડવી આર્થિક દ્રષ્ટિએ અત્યંત જોખમી હતી, કારણ કે ત્યાંના એટર્નીની ફી અતિશય મોંઘી હોય છે. પરિમલ દેસાઈએ જણાવ્યું હતું કે, "અમેરિકામાં વકીલો એટલા મોંઘા હોય છે કે જો આપણે કેસ હારી જઈએ તો આપણા ભારત દેશના સેવાનિધિના પૈસા વિદેશમાં હોમાઈ જાય તેવી સ્થિતિ હતી. તેથી અમે સામેવાળા વકીલને તૈયાર થાળી પીરસવાની જેમ તમામ કાનૂની દલીલો જાતે તૈયાર કરવાનું નક્કી કર્યું. 19 થી 20 મહિના ચાલેલી આ લડાઈમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના બે-ત્રણ ટૂલ્સની મદદ લીધી હતી. અમે સામેવાળા પક્ષના દાવા અને દસ્તાવેજોનું AI દ્વારા ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું અને તેમાં કયા પાના પર ક્યાં કાયદાકીય ક્ષતિ છે તેવી 24 થી 25 ગંભીર ભૂલો શોધી કાઢીને અમેરિકન વકીલને મોકલી આપી હતી. શરૂઆતમાં વકીલે ધ્યાન ન આપ્યું, પરંતુ અમે સખત ઈમેલ લખીને તેના પર જ દલીલો કરવા દબાણ કર્યું હતું." વર્જિનિયા કોર્ટનો 30 દિવસમાં કબજો ખાલી કરવા હુકમ ટ્રસ્ટ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા નક્કર ઐતિહાસિક પુરાવા, વસિયતનામા અને AI આધારિત દલીલો સામે ગ્રેગરી બ્લેકનો એડવર્સ પઝેશન (લાંબા સમયના કબજા)નો દાવો ટકી શક્યો નહીં. જ્યુરીએ સર્વાનુમતે ટ્રસ્ટની તરફેણમાં અભિપ્રાય આપ્યો અને જજે પણ કાયદાકીય પાસાઓની ચકાસણી કરીને ટ્રસ્ટની ફેવરમાં આખરી ચુકાદો સંભળાવ્યો હતો. વર્જિનિયા કાયદાની કલમ 8.01-155 હેઠળ કોર્ટે ટ્રસ્ટને પાર્સલ જી-1 વાળી 30.76 એકર જમીનનો કબજો પરત સોંપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ગેરકાયદે કબજેદારને 30 દિવસની અંદર લાકડાની ઝૂંપડી, શિકારના મંચ અને તમામ સામાન હટાવી લેવા કડક તાકીદ કરી છે. જો તે સ્વેચ્છાએ જમીન ખાલી નહીં કરે તો સ્થાનિક શેરીફ (ઉચ્ચ પોલીસ અધિકારી) દ્વારા બળજબરીથી કબજો ખાલી કરાવીને ટ્રસ્ટને સોંપવામાં આવશે. જમીન વેચીને ગરીબ બાળકો માટે 'સેન્ટર ઓફ એક્સલન્સ' બનશે આ ઐતિહાસિક વિજય બાદ હવે આગામી 20 નવેમ્બર સુધી જો સામેવાળો પક્ષ અપીલમાં ન જાય તો આ જમીન પર કાયમી ધોરણે ટ્રસ્ટનો સંપૂર્ણ માલિકી હક્ક સ્થાપિત થઈ જશે. પરિમલ દેસાઈએ ટ્રસ્ટના આગામી આયોજન અંગે વાત કરતાં જણાવ્યું કે, "ડૉ. શિવા ગાંધી અને કનુભાઈ ગાંધીની અંતિમ ઈચ્છા હતી કે તેમની મિલકત સમાજના પછાત, નબળા અને આર્થિક રીતે વંચિત વર્ગના બાળકોના ઉત્થાન માટે વપરાય. શિવાબેને આ અંગે ઘણા ઓડિયો રેકોર્ડિંગ પણ રાખ્યા છે, જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ મળે અને તેઓ સારા અધિકારીઓ તથા સક્ષમ નાગરિકો બને તે માટે આ ભંડોળ ખર્ચવું. અમે આ જમીન વેચીને તેમાંથી મળનારી કરોડો રૂપિયાની રકમમાંથી અદ્યતન 'સેન્ટર ઓફ એક્સલન્સ'નું નિર્માણ કરીશું, જેથી સમાજમાં 'રાઈટ ઇઝ માઈટ' એટલે કે સત્ય અને યોગ્યતા જ સૌથી શક્તિશાળી બને તે સિદ્ધાંત સાકાર થઈ શકે."
    Click here to Read More
    Previous Article
    વઢવાણના મહિલા મંડળના ગૃહઉદ્યોગને મુખ્યમંત્રીએ બિરદાવ્યો:ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પત્ર મોકલ્યો; કલેક્ટર જી.એચ. સોલંકીએ પણ અભિનંદન પાઠવ્યાં
    Next Article
    પાટણમાં રાષ્ટ્રીય એકતા દિવસની રેલી યોજાઈ:ભાવિક પટેલે રેલીને લીલી ઝંડી આપી; સ્વરૂપજી ઠાકોરે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment