Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધની થેલીએ શોધ્યું 2000 KM દૂર છુપાયેલા માસ્ટર માઇન્ડનું લોકેશન:દ.ભારતના જંગલોમાં સુરત પોલીસે વેશપલટો કર્યો, SBIમાં 50 લાખની લૂંટનો ક્રાઇમ થ્રિલર જેવો ખુલાસો

    1 day ago

    સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચમાં ગત 27 એપ્રિલના રોજ ધોળા દિવસે થયેલી 50 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટના કેસમાં સુરત સિટી પોલીસે એક એવો ભેદ ઉકેલ્યો છે, જે કોઈ બોલિવૂડની હાઈ-ટેક ક્રાઈમ થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે. માત્ર એક દૂધની થેલી પર છાપેલા સરનામા અને પોલીસની અદભુત કોઠાસૂઝના કારણે આજે આ આખી ગેંગનો મુખ્ય સૂત્રધાર અને એથિકલ હેકિંગનો કોર્સ કરી ચૂકેલો શાતિર માસ્ટર માઇન્ડ પોલીસના સિંકાજામાં આવી ગયો છે. દક્ષિણ ભારતના ઘનઘોર જંગલોમાંથી આરોપી ઝડપાયો સુરત વરાછા ઝોન-1ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ 7000 કિલોમીટર લાંબો પીછો કરીને, દક્ષિણ ભારતના ઘનઘોર જંગલોમાં વેશપલટો કરીને આખરે લૂંટના મુખ્ય સૂત્રધાર વિકાસ કુમાર ઉર્ફે ચંદન ઉર્ફે જેક અને તેને આશરો આપનાર તેના સાગરીત સંજીત ઉર્ફે સચિતને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનની વિગતો આપતા ડીસીપી આલોકકુમારે જણાવ્યું હતું કે આ માત્ર એક સામાન્ય લૂંટ નહોતી, પરંતુ ડિજિટલ યુગના શાતિર ગુનેગારો દ્વારા પૂર્વ આયોજિત એક બહુ મોટું ષડયંત્ર હતું. જેલમાંથી દોરીસંચાર, કુંદન ઇનિશિયેટર અને ચંદન માસ્ટર માઇન્ડ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર લૂંટનો આઈડિયા જેલમાં બંધ કુંદન ભગત નામના ગુનેગારના મગજની ઉપજ હતો. કુંદન આ પ્લાનનો 'ઇનિશિયેટર' એટલે કે શરૂઆત કરનાર હતો. જેલમાં બેઠા બેઠા તેણે બહાર સક્રિય એવા પોતાના મામીના દીકરા ભાઈ વિકાસ કુમાર ઉર્ફે ચંદન ઉર્ફે જેક (રહે. મુઝફ્ફરપુર, બિહાર) નો સંપર્ક કર્યો. કુંદને ચંદનને જેલમાંથી જ અત્યંત સુરક્ષિત ગણાતી સિગ્નલ એપ્લિકેશન દ્વારા મેસેજ મોકલ્યો કે, સુરતમાં એક મોટી લૂંટને અંજામ આપવાનો છે. તું બહાર રહીને એલેક્સ ઉર્ફે સુમિત ગાંધીના સંપર્કમાં આવી જા. બધી વાતચીત માત્ર સિગ્નલ એપ પર જ થશે. ચંદને સુરતમાં આવીને આખા ઓપરેશનની કમાન્ડ હાથમાં લઈ લીધી ચંદન સામાન્ય ગુનેગાર નથી. તે ટેકનોલોજીનો જાણકાર છે અને તેણે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી એલ. પી. સવાણી કોલેજમાંથી એથિકલ હેકિંગનો કોર્સ કરેલો છે. હેકિંગ અને ડિજિટલ નેટવર્કની સમજ હોવાને કારણે તેણે પોલીસ પકડથી બચવા માટે ટેકનિકલ છટકબારીઓનો પૂરો ઉપયોગ કર્યો હતો. કુંદનના ઈશારે ચંદને સુરતમાં આવીને આખા ઓપરેશનની કમાન્ડ પોતાના હાથમાં લઈ લીધી હતી. નકલી દસ્તાવેજો અને સુરત શહેરની ગૂગલ મેપથી જાસૂસી ચંદન અગાઉ વર્ષ 2023માં સુરતમાં રહી ચૂક્યો હોવાથી તે શહેરની ભૌગોલિક સ્થિતિથી થોડો માહિતગાર હતો. પરંતુ આ મોટા ઓપરેશન માટે તે ડિસેમ્બર 2025માં ફરી સુરત આવ્યો. વરાછાના હિદાયતનગરમાં તેણે પોતાની અસલી ઓળખ છુપાવીને એક નકલી ઓળખકાર્ડ બનાવડાવ્યું અને તેના આધારે ભાડાનું મકાન રાખીને રહેવાનું શરૂ કર્યું. ત્યારબાદ ચંદને એક પ્રોફેશનલ રેકી શરૂ કરી, તેણે સુરત શહેરમાં આવવા અને બહાર જવાના તમામ રસ્તાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. સુરત સ્માર્ટ સિટીના સિક્યોરિટી કેમેરા અને ટ્રાફિક કેમેરા ક્યાં ક્યાં લાગેલા છે, તેની લોકેશન ડાયરીમાં નોંધી જેથી ભાગતી વખતે કેમેરાની નજરમાંથી બચી શકાય. ગૂગલ મેપ પર બેંકોના ફોટા જોઈને આખો લેઆઉટ મગજમાં સેટ કર્યો ચંદને ગૂગલ મેપ પર સુરતની અનેક બેંકોના ઇન્ટિરિયર (અંદરનો ભાગ) અને એક્સટેરિયર (બહારનો ભાગ) ના ફોટા જોઈને આખો લેઆઉટ મગજમાં સેટ કર્યો. ગૂગલ મેપમાં ન દેખાતા હોય તેવા બંધ રસ્તાઓ, વળાંકો અને ગલીઓ તેણે મોટરસાઇકલ પર ફરીને બાય-હાર્ટ (મોઢે) યાદ કરી લીધા હતા. પૂછપરછ દરમિયાન પણ તે પોલીસ સામે લંબે હનુમાન રોડથી કઈ ગલી ક્યાં કનેક્ટ થાય છે તે આંગળીના વેઢે બોલી રહ્યો હતો. વરાછાની સમૃદ્ધિ જોઈને SBI લંબે હનુમાન રોડ ફાઇનલ કરી શાતિર ગેંગે સુરતની ત્રણ મોટી એસબીઆઈ બ્રાન્ચને શોર્ટલિસ્ટ કરી હતી. SBI પાલનપુર, SBI લંબે હનુમાન રોડ, અને SBI અઠવાલાઇન્સ. આ ત્રણેય જગ્યાએ પ્લાનિંગ મુજબ અલગ-અલગ શૂટર્સ અને સાગરીતોને અલગ-અલગ સમયે મોકલવામાં આવ્યા, જેથી કોઈને શંકા ન જાય. આ ગેંગના સભ્યો એટલા પ્રોફેશનલ હતા કે તેઓ એકબીજાને રૂબરૂ ઓળખતા પણ નહોતા, માત્ર સિગ્નલ એપના ગ્રુપથી જોડાયેલા હતા. ગેંગના મુખ્ય સાગરીતે ગ્રાહકના વેશમાં બેંકમાં પૂછપરછ કરી લૂંટના થોડા દિવસો પહેલા ગેંગનો મુખ્ય સાગરીત સૌરભ સોનાની જાડી ચેઈન અને સોનાની વીંટી પહેરીને એક ગ્રાહકના વેશમાં વરાછાની લંબે હનુમાન રોડ બ્રાન્ચમાં ઘૂસ્યો. તેણે બેંક મેનેજર પાસે જઈને કહ્યું, મારે મારી પાસે રહેલું સોનું સેફ રાખવા માટે લોકર ફેસિલિટી જોઈએ છે, હજુ બીજું સોનું પણ લાવીશ. મેનેજરે જવાબ આપ્યો કે, અહીં તમામ લોકર ઓલરેડી ફૂલ છે, એક પણ લોકર ખાલી નથી. બેંકના બધા લોકર ફૂલ, મતલબ કરોડોનું સોનું-રોકડ પડી છે આ સાંભળીને બહાર ઉભેલા ચંદન અને સૌરભની આંખો ચમકી ગઈ. તેમને સમજાઈ ગયું કે વરાછા એક અત્યંત સમૃદ્ધ અને હીરાના વેપારીઓનો વિસ્તાર છે. જો બેંકના બધા લોકર ફૂલ છે, તો તેનો મતલબ એ છે કે અંદર કરોડો રૂપિયાનું સોનું અને રોકડ પડી છે. વળી, મેટ્રોની કામગીરીને કારણે આ રોડ પર ઓલરેડી કટ-ઓફ હતા, જેથી પોલીસને આવવામાં સમય લાગે તેમ હતો. બસ, આ જ કારણે તેમણે લંબે હનુમાન રોડની બ્રાન્ચ પર આખરી મહોર મારી દીધી. મહારાષ્ટ્રથી આવ્યા 7 હથિયારો, દરેકના ફોનમાં 5-5 નકલી આઈડી પ્લાન નક્કી થતાં જ દેશના અલગ-અલગ ખૂણેથી ગુનેગારો સુરત ભેગા થવા લાગ્યા. સૌરભ, સુમિત, પ્રિન્સ, એલેક્સ, મુકેશ અને મનીષ એક પછી એક સુરત આવ્યા. ચંદને તમામને દરરોજ રૂટ વિઝિટ કરાવી જેથી ગુનો કરીને ભાગતી વખતે નવું શહેર ન લાગે. લૂંટના 4-5 દિવસ પહેલાં મહારાષ્ટ્રના નંદુરબારથી સાત ઘાતક હથિયારો (પિસ્તોલ અને તમંચા) મંગાવવામાં આવ્યા. દરરોજ રાત્રે ભાડાના મકાનમાં આખી ગેંગ ક્રાઈમ મીટિંગ કરતી હતી. પોતાની અસલી ઓળખ છુપાવવા માટે દરેક આરોપીના મોબાઈલમાં 4થી 5 નકલી આઈડી કાર્ડ સોફ્ટ કોપીમાં રાખવામાં આવ્યા હતા. ચૂંટણી અને પરિણામ વચ્ચેનો 'ડેડ ડે' પસંદ કર્યો હેકર માઇન્ડ ચંદને લૂંટ માટે 27 એપ્રિલની તારીખ બહુ સમજી-વિચારીને પસંદ કરી હતી. 26 એપ્રિલના રોજ સ્થાનિક ચૂંટણીનું મતદાન હતું અને 28 એપ્રિલે પરિણામો જાહેર થવાના હતા. ચંદન જાણતો હતો કે આ બે દિવસોની બરાબર વચ્ચે એટલે કે 27 તારીખે પોલીસ ફોર્સ કાં તો ચૂંટણીની ફરજ પતાવીને થાકેલી હશે અથવા બંદોબસ્તમાં વ્યસ્ત હશે, જેથી શહેરમાં પોલીસ મુવમેન્ટ નહિવત હશે. બેંકની અંદર કામની વહેંચણી પણ પર્ફેક્ટ હતી મેનેજર હેન્ડલર: એક માણસ સીધો મેનેજરની કેબિનમાં જઈ ગન પોઇન્ટ પર લેશે. પબ્લિક હેન્ડલર: એક માણસ બેંકમાં આવેલા ગ્રાહકોને ડરાવીને એક ખૂણામાં બેસાડી દેશે. ગેટ કોર્ડનર્સ: બે શૂટર્સ મુખ્ય દરવાજો બંધ કરીને ત્યાં પોઝિશન લેશે જેથી બહારથી કોઈ અંદર ન આવી શકે. કેશિયર હેન્ડલર: બે માણસો સીધા કેશ કાઉન્ટર પર જઈને તિજોરી સાફ કરશે. 27 એપ્રિલ: લૂંટનો દિવસ અને ચાવી ન મળતા પ્લાન-બી એક્ટિવ લૂંટના દિવસે ચંદન બેંકની બહાર વોચમાં ઉભો રહ્યો. તેણે પોતાના કાનમાં બ્લૂટૂથ ભરાવ્યું અને સિગ્નલ એપ દ્વારા અંદર ગયેલા એલેક્સ સાથે કન્ટીન્યુઅસ ઓડિયો કોલ પર કનેક્ટ રહ્યો. બીજી તરફ રોહિત રાઠોડ નામના સાગરીતને કીમ ચાર રસ્તા પાસે ફોર-વ્હીલર ગાડી લઈને ઉભો રાખવામાં આવ્યો હતો, જેથી લૂંટની રકમ સીધી ગાડીમાં મૂકીને હાઈવે પકડી શકાય. આરોપીઓ બેંકમાં ઘૂસ્યા, પબ્લિક અને સ્ટાફને બંધક બનાવ્યા. તેઓ કરોડોનું સોનું લૂંટવા આવ્યા હતા, પરંતુ કમનસીબે લોકરની મુખ્ય ચાવી મળી શકી નહીં. સમય ઓછો હોવાને કારણે સ્ટ્રોન્ગ રૂમ ખોલી શકાય તેમ નહોતો, તેથી કાઉન્ટર પર પડેલી 50 લાખની રોકડ લઈને જ તેમણે સંતોષ માનવો પડ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા. વૃદ્ધાના કીપેડ ફોનથી વોટ્સએપ ક્લોન કર્યું લૂંટ બાદ ચંદન પૈસાનો હિસ્સો લઈને પહેલા ભરૂચ ભાગ્યો, ત્યાંથી અમદાવાદ અને ત્યાંથી પાલનપુર પહોંચ્યો. પાલનપુરમાં તેના સાગરીત સુચિતે તેને પોતાના ઘરમાં લગ્ન હોવા છતાં ચાર દિવસ આશરો આપ્યો, જેના બદલામાં ચંદને તેને 20,000 રૂપિયા આપ્યા. ત્યાર બાદ ચંદન બિહારના પટનામાં એક મહિનો અજ્ઞાતવાસમાં રહ્યો. ચંદન એટલો ચતુર હતો કે તે જે પણ જગ્યાએ જતો ત્યાં નવો મોબાઈલ અને નવું સિમકાર્ડ ખરીદતો. પોલીસને ચકમો આપવા તેણે પટનામાં એક ચાની કિટલી પર બેઠેલી અજાણ્યા વૃદ્ધાનો કીપેડવાળો ફોન થોડીવાર માટે માંગ્યો. તે કીપેડ ફોનના નંબર પર પોતાના સ્માર્ટફોનમાં વોટ્સએપ લોગીન કર્યું અને વૃદ્ધાના ફોનમાં આવેલો OTP જોઈને ડીલીટ કરી નાખ્યો. પોલીસ જ્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે એ લોકેશન પર પહોંચી ત્યારે ત્યાં એક નિર્દોષ મોટી ઉંમરની મહિલા નીકળી, જે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી કે આરોપી કેટલો શાતિર છે. એક વીડિયો કોલ અને દૂધની થેલી એ ગેમ ચેન્જર સાબિત થઈ વરાછા ઝોન-1ની પીએસઆઈ બી.ડી. માલીના નેતૃત્વમાં બનેલી એસઆઈટી (SIT) ની ટીમ છેલ્લા 20 દિવસથી બિહારના મુઝફ્ફરપુર અને પટનામાં ડેરા તંબુ નાખીને બેઠી હતી. પોલીસે ચંદનના ગામના તમામ મિત્રો અને જૂના સંપર્કોની યાદી બનાવી. તેમાંથી એક એવો વ્યક્તિ મળ્યો જેની સાથે ચંદન હજુ પણ ક્યારેક ક્યારેક સંપર્ક કરતો હતો. પોલીસે એ મિત્રને વિશ્વાસમાં લીધો અને ચંદનને એ નવો નંબર આપી વીડિયો કોલ કરવા જણાવ્યું. ચંદનને બિલકુલ અંદાજો નહોતો કે મિત્રની પાછળ ઉભેલી સુરત પોલીસ આ આખો વીડિયો કોલ લાઈવ જોઈ રહી છે અને સ્ક્રીન રેકોર્ડિંગ કરી રહી છે. ચંદનના રૂમની બહારની વિઝ્યુઅલ વિગતો મેળવી જ્યારે વીડિયો કોલ ચાલુ હતો ત્યારે ચંદન પોતાના રૂમમાં ચા બનાવી રહ્યો હતો. ચા બનાવતી વખતે તેણે કેમેરા સામે દૂધની થેલી ધરી. બસ, આ જ સેકન્ડે પોલીસની બાજ નજરે કામ કર્યું. એ દૂધની થેલી પર સ્થાનિક ડેરીનું નામ અને દક્ષિણ ભારતના કર્ણાટક-તમિલનાડુ બોર્ડર પર આવેલા એક અંતરિયાળ જિલ્લાનું સરનામું છાપેલું હતું. પોલીસે આગવી બુદ્ધિ વાપરીને મિત્ર પાસે આગામી બે-ત્રણ દિવસ સુધી સતત વીડિયો કોલ કરાવ્યા અને વાતો વાતોમાં ચંદનના રૂમની બહાર કયા કયા લેન્ડમાર્ક (ચિહ્નો), કેવા ઝાડવા અને કેવો પહાડી વિસ્તાર દેખાય છે તેની વિઝ્યુઅલ વિગતો મેળવી લીધી. 2000 કિમી દૂર જંગલોમાં ખાખીનો વેશપલટો, દિલધડક ઓપરેશન દૂધની થેલીનું સરનામું મળતા જ સુરત પોલીસની ટીમ કોઈ પણ ક્ષણ ગુમાવ્યા વગર સીધી કર્ણાટક અને તમિલનાડુની બોર્ડર પર આવેલા એ ગીચ જંગલ વિસ્તારમાં પહોંચી ગઈ. લોકેશન એટલું અંતરિયાળ અને જોખમી હતું કે પોલીસ સીધી રેડ પાડી શકે તેમ નહોતી. જો સ્થાનિક તમિલ કે કન્નડ ભાષા સિવાય ગુજરાતી કે હિન્દી સંભળાય તો ચંદન જંગલમાં ભાગી જાય તેમ હતો. આથી સુરત પોલીસના જાંબાઝ જવાનોએ ત્યાં સ્થાનિક વેશપલટો કર્યો. કોઈ મજૂર બન્યું, કોઈ લારીવાળું તો કોઈ જંગલના સ્થાનિક રહીશ બનીને 3થી 4 દિવસ સુધી એ પહાડી વિસ્તારમાં રેકી કરી. આખરે ખબર પડી કે ચંદને ત્યાં જંગલની બોર્ડર પર એક નાનું મકાન ભાડે રાખ્યું છે. તે દિવસ દરમિયાન જંગલમાં છુપાઈ જતો અને રાત્રે જ મકાન પર આવતો. પોલીસે રાત્રિના અંધારામાં વ્યૂહાત્મક ઘેરાબંધી કરીને માસ્ટર માઇન્ડ ચંદન અને તેને મદદ કરનાર સંજીત ઉર્ફે સચિત બંનેને દબોચી લીધા. જ્વેલરી શોપના મેપ મળ્યા, દક્ષિણ ભારતમાં આગામી મોટી લૂંટનો પ્લાન હતો પોલીસે જ્યારે ચંદનની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 4 મોંઘા સ્માર્ટફોન અને 4 જુદા જુદા સીમકાર્ડ મળી આવ્યા હતા. જ્યારે સાયબર ટીમે તેના ફોનની હિસ્ટ્રી અને સર્ચ રેકોર્ડ ચેક કર્યા તો અધિકારીઓ પણ હેરાન રહી ગયા. ચંદને કર્ણાટક અને તમિલનાડુના એ બોર્ડર વિસ્તારની તમામ મોટી જ્વેલરી શોપ ગૂગલ મેપ પર સર્ચ કરીને રાખી હતી. એટલું જ નહીં, કઈ દુકાનમાં કેવી રીતે ઘૂસવું, કયા રસ્તેથી ભાગવું અને જંગલમાં ક્યાં સંતાવું તેના આખેઆખા રૂટ મેપ તેણે ફોનમાં ઓલરેડી બનાવી દીધા હતા. જો સુરત પોલીસ બે દિવસ મોડી પડી હોત, તો ચંદને સાઉથ ઇન્ડિયામાં બીજી એક મોટી લૂંટને અંજામ આપી દીધો હોત. આરોપીઓનો ભયાનક ગુનાહિત ઈતિહાસ પોલીસ પકડમાં આવેલા આ બંને આરોપીઓ રીઢા અને પ્રોફેશનલ ગુનેગારો છે. આરોપી વિકાસ કુમાર ઉર્ફે ચંદન ઉર્ફે જેક વર્ષ 2020માં બિહારમાં એક મેડિકલ સ્ટોરમાં સશસ્ત્ર લૂંટ, 2020માં જ શ્રીરામ ફાઇનાન્સની ઓફિસમાં કરોડોની લૂંટ, અન્ય એક બેંક લૂંટ અને ખૂનનો ગુનો નોંધાયેલો છે. આ સિવાય ગુજરાતના મહેસાણા જિલ્લાના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે આર્મ્સ એક્ટ (ગેરકાયદે હથિયાર રાખવા) અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો છે. જ્યારે આરોપી સંજીત ઉર્ફે સચિત (રહે. બલિયા, યુપી)ની સામે યુપી અને અન્ય રાજ્યોમાં એટ્રોસિટી એક્ટ, પોક્સો એક્ટ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 2.70 લાખની રિકવરી, મુખ્ય કેશ એલેક્સ અને સૌરભ પાસે હોવાની આશંકા પોલીસે હાલ ચંદન પાસેથી 2,50,000 રૂપિયા અને સુચિત પાસેથી 20,000 રૂપિયા એમ કુલ મળીને 2,70,000 રૂપિયાની રોકડ રિકવર કરી છે. પૂછપરછમાં ચંદને કબૂલ્યું કે લૂંટનો આખો પ્લાન કરોડો રૂપિયાના ગોલ્ડ માટે હતો, પરંતુ સોનું ન મળતા પ્લાન ફ્લોપ ગયો અને માત્ર 50 લાખ જ મળ્યા. આથી ગેંગના તમામ સભ્યો વચ્ચે ઓછી રકમ વહેંચાઈ હતી. લૂંટની મુખ્ય મોટી કેશ હાલ ગેંગના અન્ય સભ્યો એલેક્સ અને સૌરભ લઈને ભાગેલા છે. ફરાર આરોપીઓની શોધખોળ ઝોન-1ની ટીમ આ કેસમાં કસ્ટડી રિમાન્ડ મેળવીને વધુ ડિટેઈલ ઇન્ટ્રોગેશન કરી રહી છે. પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં જ આ કેસના બાકીના તમામ ફરાર આરોપીઓને પણ પાતાળમાંથી શોધી કાઢવામાં આવશે. એક નાનકડી દૂધની થેલીની મદદથી 2,000 કિલોમીટર દૂર જંગલમાંથી આંતરરાજ્ય ધાડપાડુ ગેંગના લીડરને પકડી પાડવાની સુરત પોલીસની આ કામગીરીને ભારે બિરદાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિંગળાજનગરના 70 ઝુંપડા હટાવવા પર રોક:અમીનમાર્ગ પર મનપાની TP શાખાએ દબાણ દૂર કરવા નોટિસ આપી, મેયરે કહ્યું- ચોમાસાને લીધે હાલ ડિમોલિશન નહીં થાય
    Next Article
    'અધિકારીઓએ આંખ આડા કાન કર્યા, ઘરભેગા કરવા જોઈએ':સુરતમાં 37 હજાર મેટ્રિક ટન રેતીની ચોરી મામલે હાઇકોર્ટનું આકરું વલણ, 'બે વર્ષથી ગેરકાનૂની ખનન, કોઈ જોનાર નથી?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment