Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20મીથી ગિરનારમાં જામશે ભજન, ભોજન ને ભક્તિનો સંગમ:54 સિંહ - 50 દીપડાને ભાવિકોથી દૂર રાખવા 400 વનકર્મી ખડેપગે રહેશે, પરિક્રમાની એ માહિતી જે તમે જાણવા માગો છો

    10 hours ago

    કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાનો 20મી નવેમ્બરની રાત્રિથી પ્રારંભ થશે. આ વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. 36 કિમીના પરિક્રમાના રૂટ પર પાણી અને લાઈટની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પરિક્રમા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત રહેશે. આ વર્ષે ઓછા વરસાદના કારણે સૂકા પાંદડા મોટા પ્રમાણમાં હોવાથી આગ લાગવાની ભીતિ છે. જેના પગલે વનવિભાગે લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે. ભૂતકાળમાં પરિક્રમા દરમિયાન દીપડાના હુમલાની ઘટના બની ચૂકી છે. ગિરનારમાં 54 સિંહ અેન 50 દીપડાનો વસવાટ હોવાથી પરિક્રમાના દિવસો દરમિયાન ભાવિકોથી દૂર રહે તે માટે વનવિભાગના 400 કર્મચારીઓ ખડેપગે રહેશે. આગળ વાંચો લીલી પરિક્રમાની એ તમામ વિગત જે તમે જાણવા માગો છો. અગિયારસથી પૂનમ સુધી પાંચ દિવસની પદયાત્રા ગિરનારની લીલી પરિક્રમા સનાતન પરંપરા અને આસ્થાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. સામાન્ય રીતે દેવદિવાળીની રાત્રે 12 વાગ્યે પરિક્રમાનો પ્રારંભ થાય છે. અગિયારસના દિવસે શ્રદ્ધાળુઓ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી દામોદરજી, ભવનાથ મહાદેવ અને દૂધેશ્વર મહાદેવનાં દર્શન કરે છે. ત્યારબાદ ગિરનારની તળેટીમાં રાત્રિ રોકાણ કરે છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દૂધેશ્વરની જગ્યા તેમજ રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ ઉત્તર દિશામાં પહાડો વટાવી અંદાજે સાડા ત્રણ માઈલનું અંતર કાપીને હસનાપુર અથવા જીણાબાવાની મઢી ખાતે રાત્રિ રોકાણ કરે છે. ત્યારબાદ તેરસના દિવસે આગળ વધીને માળવેલા ખાતે સૂરજકુંડની જગ્યાએ ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખવામાં આવે છે. ચૌદશના દિવસે માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વ દિશા તરફથી દક્ષિણ બાજુ આવેલા બોરદેવી ખાતે પહોંચે છે. અહીં બોરડીના વૃક્ષ નીચે માતાજી બિરાજમાન છે અને બારેમાસ પાણી ઉપલબ્ધ રહે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળે શ્રદ્ધાળુઓ પ્રકૃતિનો આનંદ માણી રાત્રિ રોકાણ કરે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળીને ભવનાથ તળેટીમાં પરત ફરતાં પરિક્રમા પૂર્ણ થાય છે. જોકે, અગાઉના વર્ષોમાં વધુ વરસાદના કારણે પ્રતિકાત્મક પરિક્રમા પણ કરવામાં આવી હતી. આ છે 36 કિમીનો પરિક્રમા રૂટ પરિક્રમાર્થીઓ 36 કિલોમીટરની આ પરિક્રમાની શરૂઆત કરશે. સામાન્ય રીતે લીલી પરિક્રમા દેવ દિવાળીની રાતે 12 વાગ્યે શરૂ થતી હોય છે. લીલી પરિક્રમાનો નિયત રૂટ ભવનાથથી શરૂ થઈ રૂપાયતન, ઈંટવા, ચાર ચોક થઈ જીણાબાવાની મઢી, જાંબુડી થાણા, સરકડીયા હનુમાન, માલીડા, પાટવડ કોઠાથી સૂરજકુંડ, સુખનાળા, માળવેલા, નળપાણીની ઘોડી અને બોરદેવી ત્રણ રસ્તા થઈને ફરી ભવનાથ ખાતે પૂર્ણ થાય છે. 69 જેટલા અન્નક્ષેત્રો સહિત છાશ અને દૂધના કેન્દ્રો પરિક્રમાર્થીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા રૂટ પર 69 જેટલા અન્નક્ષેત્રો તેમજ છાશ અને દૂધના કેન્દ્રો ઉપલબ્ધ છે. સુરક્ષા માટે સમગ્ર રૂટ પર CCTV કેમેરા અને ડ્રોન મારફતે સતત નજર રાખવામાં આવશે. પરિક્રમાર્થીઓ રસ્તો ન ભટકે તે માટે જરૂરી સ્થળોએ સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે. વાહનચાલકોની સુવિધા માટે ફ્રી પાર્કિંગનાં બોર્ડ પણ લગાવાયા છે. સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પરિક્રમા માર્ગ પર 1000થી વધુ કચરાપેટીઓ મૂકાઈ છે. પાણીની વ્યવસ્થામાં વધારો, 32 બોર અને 51 ટાંકીઓ પાણી પુરવઠા બોર્ડ અને વન વિભાગ દ્વારા બોરની સંખ્યા ગત વર્ષની સરખામણીએ બમણી કરીને 32 કરવામાં આવી છે. જ્યારે પરિક્રમા માર્ગ પર પાણીની ટાંકીઓની સંખ્યા 29થી વધારીને 51 કરવામાં આવી છે. આ ઉપરાંત 7 હેન્ડપંપની પણ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. પરિક્રમાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે બોરના પાણીનું યોગ્ય ક્લોરિનેશન કરાશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં આશરે 20 ટાંકીઓ ભરીને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. પરિક્રમાના રૂટ પર પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા ઉપલબ્ધ જુનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, લીલી પરિક્રમા દર વર્ષની જેમ આ વર્ષે પણ 20 થી 21 નવેમ્બરની વચ્ચે મધ્યરાત્રીએ 12 વાગ્યે શરૂ થશે. આ વર્ષે ગિરનાર વિસ્તારમાં વરસાદ ઓછો થયો હોવાને કારણે પાણીની અછત સર્જાઈ છે અને પૂરતા પ્રમાણમાં સરફેસ વોટર ઉપલબ્ધ નથી. જો કે પરિક્રમાના રૂટ પર પૂરતા પ્રમાણમાં પાણીના બોર કરાયા છે અને 51 જગ્યાઓ પર 5000 લીટરની ક્ષમતાવાળા ટેન્કરો રખાયા છે, જ્યાંથી નળ દ્વારા સૌ કોઈને પાણી મળી શકશે. ​આ ઉપરાંત નલપાણી અને માલવેલા એમ બે ચોટીઓ પર પણ આ વર્ષે પાણી પહોંચાડી દેવાયું, માલવેલા ઘોડી પર પ્રથમવાર પાણી પહોંચ્યું છે. સમગ્ર પરિક્રમા રૂટ પર બધી જ જગ્યાએ પૂરતા પ્રમાણમાં લાઈટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રી ગેટથી આગળ માત્ર પાસવાળા ઓટો જ જઈ શકશે ભારતીય રેલવે અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વધારાની બસો અને ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પરથી પણ એસ.ટી. તેમજ મિની બસો દોડાવાશે. ​ઓટો રીક્ષા ચાલકો માટે રિક્ષા એસોસિએશન સાથે એસપી સાહેબની મીટીંગ યોજાઈ ચૂકી છે. તેઓને પાસ આપવાની વ્યવસ્થા પણ શરૂ કરી દેવાઈ છે. ભવનાથ દરવાજાથી આગળ અને એન્ટ્રી ગેટથી આગળ માત્ર પાસવાળા ઓટો જ જઈ શકશે અને તે 24 કલાક ઉપલબ્ધ રહેશે. ભારે ભીડના કારણે ટ્રાફિક અંગેના કેટલાક પ્રતિબંધો પરિક્રમાના સમય દરમિયાન દર વર્ષે આશરે 8 થી 15 લાખ લોકો આવતા હોય છે, જેના કારણે રોડ પર ભારે ભીડ રહે છે અને ટ્રાફિક અંગેના કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરાયા છે. ફોર વ્હીલર્સ ઉપર વિશેષ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જે લોકો અંદર રહે છે, જેમના આશ્રમો આવેલા છે અથવા જે ઈમરજન્સી સર્વિસના વિભાગો છે, માત્ર તે જ લોકોના ફોર વ્હીલ વાહનોને જ અંદર જવાની પરવાનગી આપવામાં આવશે. ટુ વ્હીલર વાહનો માટે સામાન્ય દિવસોમાં કોઈ પ્રતિબંધ નથી અને તે ગમે ત્યારે આવી શકે છે, પરંતુ સાંજે 6 થી 11 વાગ્યા સુધીના પીક પીરિયડ દરમિયાન રોડ પર ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોવાથી માત્ર આ જ સમયગાળા દરમિયાન ટુ વ્હીલર પર પ્રતિબંધ રહેશે. આશ્રમવાળા લોકોને, અંદર રહેનારાઓને અને ઈમરજન્સી સેવામાં રોકાયેલા તેમજ પત્રકારોને ટુ વ્હીલર માટે અલગથી પાસ ઈશ્યુ કરાશે. પાસ ધારકો ગમે ત્યારે આવી-જઈ શકશે પરંતુ બાકીના સામાન્ય લોકો માટે સાંજે 6 થી 11 વાગ્યા સિવાયના સમયમાં ટુ વ્હીલર લઈ જવાશે. બાઈક એમ્બ્યુલન્સની પણ વિશેષ વ્યવસ્થા પરિક્રમા રૂટ પર સ્વાસ્થ્ય સુવિધાઓ માટે 7 હેલ્થ યુનિટ્સ તૈનાત કરાશે. જ્યાં 24 કલાક પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત બાઈક એમ્બ્યુલન્સની પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ભવનાથ ખાતે એક અલગથી આઈ.સી.યુ. યુનિટ બનાવાશે. જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં દર્દીઓને ત્યાં લાવીને યોગ્ય સારવાર આપી શકાય. આશરે 2500 જેટલો સંયુક્ત સ્ટાફ તૈનાત રહેશે રાજ્ય સરકાર દ્વારા SDRFની બે યુનિટો પણ ફાળવવામાં આવી છે જેમને પરિક્રમા રૂટ પર તૈનાત કરાશે. ​પોલીસ અને વન વિભાગના આશરે 70 જેટલા યુનિટો અલગ-અલગ લોકેશન પર પરિક્રમા રૂટ પર ફરજ બજાવશે અને તેમની પાસે વાયરલેસ કનેક્ટિવિટી પણ રહેશે. દરેક ફોરેસ્ટ યુનિટ પર ફાયર બ્લોઅર તેમજ પાંચેય ચોટીઓ પર દળની ટુકડીઓ પણ અલગથી રાખવામાં આવી છે. બંને વિભાગોએ આસપાસના જિલ્લાઓમાંથી સ્ટાફ બોલાવ્યો છે જેથી આશરે 2500 જેટલો સંયુક્ત સ્ટાફ પાંચ દિવસ સુધી દિવસ-રાત તૈનાત રહેશે. તમામ શ્રદ્ધાળુઓને અપીલ છે કે, તેઓ સમય પહેલાં આવીને કોઈ અરાજકતા કે ભીડ ન સર્જે. નિર્ધારિત સમય પહેલા એન્ટ્રી નહીં અપાઈ. પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ ગિરનાર સેન્ચ્યુરી વિસ્તારમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આવનાર તમામ શ્રદ્ધાળુઓને અપીલ છે કે તેઓ કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક પોતાની સાથે અંદર લઈને ન આવે. ​જો કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક મળી આવશે તો તેની તપાસ માટે 13 ટીમ અલગથી રાખવામાં આવી છે. રૂટ પર પોલીસ અને ફોરેસ્ટની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે જો પ્લાસ્ટિક મળી આવશે તો વન વિભાગના નિયમો અનુસાર ભારે દંડ ફટકારવામાં આવશે. સૂકા પાંદડાના કારણે આગ લાગવાની સંભાવનાઓ વધી જંગલના વન્ય પ્રાણીઓ અને કુદરતી સૌંદર્યનું રક્ષણ કરવાની જવાબદારી પરિક્રમામાં આવનાર પ્રત્યેક નાગરિકની છે, જેથી વહીવટી તંત્રને સહકાર આપવો. ​આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે સૂકા પાંદડા જંગલમાં મોટી માત્રામાં છે, જેનાથી આગ લાગવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વધારાની મેનપાવર તૈનાત કરવામાં આવી છે અને તમામ 30 ફોરેસ્ટ રૂટીઝ પર ફાયર બ્લોઅર તેમજ આગ ઓલવવાની ખાસ ટીમો ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓને વિશેષ અપીલ છે કે, તેઓ સિગારેટ, બીડી કે કોઈપણ પ્રકારની જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ન કરે તેમજ જંગલમાં રસોઈ બનાવતી વખતે આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ છે તેની ખાતરી કર્યા પછી જ આગળ વધે. ​પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા હોવા છતાં વન્ય જીવો પાણીના પોઈન્ટ્સની આસપાસ આવી શકે તેવી પૂરી સંભાવના છે. તેથી શ્રદ્ધાળુઓને અપીલ છે કે, પરિક્રમાના નિર્ધારિત રૂટને છોડીને કોઈએ પણ જંગલ વિસ્તારમાં અંદર જવું નહીં કારણ કે ગિરનારના આ વિસ્તારોમાં મગર જેવાં જંગલી પ્રાણીઓનું પણ મોટું જોખમ રહેલું છે. જો કોઈ વન્ય જીવ નજરે ચડે તો તાત્કાલિક નજીકના પોલીસ કે વન વિભાગના સેન્ટર પર જાણ કરવી જેથી અન્ય લોકોને સુરક્ષિત રાખી શકાય. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને આ પરિક્રમા શકય હોય તો ટાળવી અથવા સાવચેતી રાખવા અપીલ છે. તેમજ પાણીનો ઉપયોગ પણ ખૂબ જ સમજદારીપૂર્વક કરવો. ગિરનાર લીલી પરિક્રમા એક ખૂબ જ જૂની અને પૌરાણિક ધાર્મિક પરિક્રમા છે જેમાં લોકો ખૂબ જ મોટી શ્રદ્ધા અને ભાવના સાથે આવે છે. 54 સિંહ અને 50 દીપડાની સુરક્ષા માટે વન વિભાગનો એક્શન પ્લાન ગિરનારના જંગલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવરને કારણે માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતાઓ પણ રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. DCF અક્ષય જોશીએ જણાવ્યું હતું કે, ગિરનારના જંગલમાં 54 સિંહ અને 50 દીપડાનો વસવાટ છે. ત્યારે વન્યજીવોની સુરક્ષા અને માનવની સુરક્ષા માટે વન વિભાગના 400થી વધુ કર્મચારીઓનો સ્ટાફ તેમજ સાસણથી બોલાવવામાં આવેલી સ્પેશિયલ ટ્રેકર ટીમ 24 કલાક કાર્યરત રહેશે. વન્યજીવોને ઈજા થાય તો સારવાર મળી રહે તે માટે વેટરનરી ટીમ પણ તૈનાત રહેશે. આ ઉપરાંત 20 રાવટીઓને વોકીટોકીથી સજ્જ કરવામાં આવી છે. ​પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા દરેક નાનામાં નાની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ પ્રકારની અગવડ ઊભી ન થાય. 450 એસટી બસો દોડાવાશે, 9થી વધુ પાર્કિગ પોઈન્ટ ગિરનારની લીલી પરિક્રમામાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી એસટી વિભાગ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા દરમિયાન ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જાહેર અને ખાનગી સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદથી જૂનાગઢ કેવી રીતે પહોંચશો? અમદાવાદથી જૂનાગઢ પહોંચવા માટે ટ્રેન અને બસ એમ બંને વિકલ્પ ઉપલબ્ધ છે. ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં અંદાજે 6થી 6.30 કલાકનો સમય લાગે છે. જ્યારે બસ દ્વારા પણ આશરે 6 કલાકમાં જૂનાગઢ પહોંચી શકાય છે. જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી પહોંચવા માટે મિની બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાંથી ખાનગી વાહનોમાં આવતા શ્રદ્ધાળુઓ મજેવડી ગેટથી ગિરનાર તરફ રીક્ષા કે પોતાના પ્રાઈવેટ વાહનોમાં જઈ શકશે. વાહનો માટે શહેરમાં વિવિધ સ્થળોએ 9થી વધુ પાર્કિંગ પોઇન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે. 'જય ગિરનારી'ના નાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ જોડાશે શ્રીપંથ દશનામ જૂના અખાડાના મહંત મકન ભારતી બાપુએ ગિરનાર પરિક્રમાનું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, ગિરનારની આ પવિત્ર ભૂમિ પર સિદ્ધો, ઋષિમુનિઓ અને 33 કરોડ દેવતાઓનો વાસ છે. 'જય ગિરનારી'ના જાપથી ભક્તોનાં દુઃખ દૂર થાય છે. આ પરંપરા લાખો વર્ષોથી ચાલી આવે છે. તંત્ર અને સાધુ-સંતોના સહયોગથી પરિક્રમા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તેમણે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી. પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા માટે વસુંધરા નેચરની પહેલ ગિરનારની લીલી પરિક્રમાને પ્લાસ્ટિકમુક્ત રાખવા માટે વસુંધરા નેચર સંસ્થા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી પરિક્રમા માર્ગ પર અલગ-અલગ અંતરે મોટી પોર્ટેબલ કચરાપેટીઓ મૂકવામાં આવે છે. સ્વયંસેવકોની ટીમ પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે કામગીરી કરે છે. આ ઉપરાંત પરિક્રમા પૂર્ણ થયા બાદ માર્ગ પર એકત્રિત થયેલો પ્લાસ્ટિકનો કચરો દૂર કરવાની કામગીરી પણ સંસ્થા દ્વારા છેલ્લા 12 વર્ષથી કરવામાં આવી રહી છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન જંગલની સ્વચ્છતા, પવિત્રતા અને વન્યજીવોની સુરક્ષા જળવાઈ રહે તે માટે તંત્ર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સોનાના ભંડાર પર મુસ્લિમ તાનાશાહ:38 વર્ષના ઇબ્રાહિમે અમેરિકા-ફ્રાન્સની સેનાને ભગાડી, આતંકનો સફાયો બોલાવ્યો, આફ્રિકામાં ક્રૂરતા અને ક્રાંતિનો ડેડલી કોમ્બો
    Next Article
    "So Proud Of You": Sakshi's Emotional Post After MS Dhoni's IPL Retirement

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment