Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 હજારના કર્મચારીએ ડુપ્લિકેટ પેઢી બનાવી 1.80 કરોડ ચાઉં કર્યા:નકલી પેઢી બનાવી ફ્રોડના પૈસાથી આલિશાન ઘર, નવસારીમાં જમીન, કાર અને પત્ની-માતા માટે સોનું ખરીદ્યું

    21 hours ago

    સુરતના ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ઉધના ઉદ્યોગનગર વિસ્તારમાંથી વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. પોતાની ફેક્ટરીમાં 20,000 રૂપિયાના માસિક પગારે નોકરી કરતા એક કર્મચારીએ માલિકની જ આંખમાં ધૂળ નાખીને કરોડો રૂપિયાનો ચોપડો સાફ કરી નાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઉધના ઉદ્યોગનગરમાં આવેલી જાણીતી બેગ ઉત્પાદક પેઢીના માલિકને છેલ્લા એક વર્ષથી સતત આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. જ્યારે માલિકે હિસાબ-કિતાબની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે સામે આવેલી વિગતો જોઈને પોલીસ અને વેપારી આલમ બંને સ્તબ્ધ થઈ ગયા છે. માલિકે જેના પર આંધળો વિશ્વાસ મૂકીને માલ મોકલવા, ઓર્ડર લેવા અને હિસાબ રાખવાની તમામ જવાબદારી સોંપી હતી, તે જ કર્મચારીએ માલિકની ફર્મના નામને મળતું આવતું ડુપ્લિકેટ નામ બનાવી ઓનલાઈન પ્લેટફોર્મ પર સસ્તા ભાવે માલ વેચીને ₹1.80 કરોડ પોતાના બેંક ખાતામાં બારોબાર જમા કરાવી લીધા હતા. આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ સઘન તપાસ હાથ ધરીને સર્વેલન્સ ટીમે આરોપી એકાઉન્ટન્ટ મનિષ પઠાડેની ધરપકડ કરી લીધી છે. શું છે સમગ્ર મામલો? રાંદેરના કોઝ-વે રોડ સ્થિત સાનીયા રેસિડેન્સીમાં રહેતા 43 વર્ષીય મોહમ્મદ સેહજાદ મોહમ્મદ સત્તાર આલમ ઉધના ઉદ્યોગનગરના રોડ નંબર 8 પર આવેલ પ્લોટ ખાતે ‘સીતારા બેગ’ (SITARA BAG) તથા ‘સ્કાઈલર’ નામના બ્રાન્ડ નેમથી બેગ ઉત્પાદન અને ઓનલાઈન તથા ઓફલાઈન વેચાણનો મોટો વેપાર ચલાવે છે. તેમની ફેક્ટરીમાં 25 જેટલા કારીગરો કામ કરે છે. વર્ષ 2022માં મોહમ્મદ સેહજાદે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ચાળીસગાંવ તાલુકાના સાહદા ગામના વતની અને હાલ ડીંડોલી ખાતે રહેતા મનિષ ચંદ્રકાંત પઠાડે (ઉં.વ. 29)ને માસિક 20,000ના પગારે સેલ્સમેન તરીકે નોકરી પર રાખ્યો હતો. શરૂઆતમાં મનિષે ખુબ જ પ્રમાણિકતાથી કામ કરીને માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો. જે બાદ માલિકે તેના પર ભરોસો મૂકીને માલનો ઓર્ડર લેવો, માલ રવાના કરવો, નાણાં મેળવવા અને તમામ નાણાકીય હિસાબ-કિતાબ રાખવા જેવી મહત્ત્વની જવાબદારીઓ તેને સોંપી દીધી હતી. કેવી રીતે આચરી કરોડોની હેરાફેરી? નોકરીમાં જોડાયાના માત્ર 6 મહિનામાં જ મનિષ પઠાડેના મનમાં પાપ જાગ્યું હતું. માલિકની પેઢીનું નામ ‘સીતારા બેગ’ (SITARA BAG) હતું, જેની સામે મનિષે પોતાના નામે મનવંશ ટ્રેડઝ નામે ફર્મ નોંધાવી અને ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર માલિકની ફર્મને મળતી આવતી ‘સીતારા બેગ્સ’ (SITARA BAGS) નામે બોગસ પેઢી બનાવી દીધી. માલિકની ફેક્ટરીમાં બનતો જ બેગનો સ્ટોક મનિષ પોતાની બોગસ પેઢી 'સીતારા બેગ્સ' મારફતે ઓનલાઈન પ્લેટફોર્મ પર અસલ કિંમત કરતાં ઓછી કિંમતે વેચવા મૂકતો હતો. ઓનલાઈન જે ઓર્ડર આવે તેમાં માલ માલિકની પેઢીનો જતો હતો, પરંતુ તેની સામે મળતી પેમેન્ટની રકમ મનિષે તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક લિમિટેડના પોતાના ખાતામાં બારોબાર જમા કરાવી લીધી હતી. આમ વર્ષ 2022થી લઈને નવેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન મનિષે ટુકડે-ટુકડે કૂલ રૂ. 1.80 કરોડ પોતાના ખાતામાં મેળવી લઈને મોટો વિશ્વાસઘાત આચર્યો હતો. ઉચાપતના કરોડો રૂપિયા ક્યાં વાપર્યા? માલિકની પેઢીમાંથી બારોબાર 1.80 કરોડ તફડાવી લીધા બાદ મનિષ પઠાડેએ પોતાની લાઈફસ્ટાઈલ રાતોરાત બદલી નાખી હતી. માલિક સાથેની કબૂલાતમાં આરોપીએ સ્વીકાર્યું હતું કે, આ રકમમાંથી તેણે ડીંડોલીના ક્રિસ્ટલ હોમ્સમાં પ્લોટ નં. 4 ખાતે નવું આલીશાન મકાન ખરીદ્યું હતું. આ ઉપરાંત તેણે રોકાણના ભાગરૂપે નવસારી ખાતે જમીન-મિલકત ખરીદી હતી. પોતાના અંગત વપરાશ માટે 5 લાખની કિંમતની મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કાર (GJ-05-RT-5748) તથા 2 લાખની કિંમતનું એથર એનર્જી લિમિટેડનું ઈલેક્ટ્રિક સ્કૂટર (GJ-05-TX-1564) ખરીદ્યું હતું. સાથે જ તેણે પોતાની પત્ની અને માતા માટે લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના પણ વસાવ્યા હતા. માલિકને શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો છેલ્લા એકાદ વર્ષથી ધંધામાં સતત ખોટ જઈ રહી હોવાથી માલિક મોહમ્મદ સેહજાદે અંગત રીતે હિસાબ-કિતાબની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એકાઉન્ટન્ટ મનિષ પઠાડેના હિસાબોમાં મોટી ગડબડ હોવાનું જણાયું હતું. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા મનિષની બોગસ કંપની 'સીતારા બેગ્સ' અને તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકના ખાતાનો આખો કાળો કારોબાર બહાર આવ્યો હતો. તારીખ 28-11-2025ના રોજ માલિકે મનિષને પોતાની ઓફિસે બોલાવી કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જેથી ગભરાઈ ગયેલા મનિષે પોતાના પરિવારના સભ્યોની હાજરીમાં પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. તેણે લખાણ કરી આપ્યું હતું કે, મેં તમારા પૈસામાંથી જ આ મિલકતો ખરીદી છે, જેથી હું આ મિલકતો વેચીને તમારું નુકસાન ટુકડે-ટુકડે ચૂકવી આપીશ" 16.17 લાખ આપ્યા બાદ ધમકી આપી માલિકે નોટરી સમક્ષ કબૂલાત કમ સમજૂતી કમ બાંહેધરી કરાર કરાવ્યો હતો. આ કરાર મુજબ મનિષે માલિકને 2 લાખની કિંમતનું ઈલેક્ટ્રિક મોપેડ, 5 લાખની કિંમતની સ્વિફ્ટ કાર અને ઘરમાં રહેલા દાગીના વેચીને 9,17,623 રોકડા મળી કૂલ 16,17,623 પરત આપીને માલિકનો વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ત્યાર બાદ બાકી નીકળતા 1,63,82,370 ચૂકવવામાં મનિષે આનાકાની શરૂ કરી દીધી હતી. માલિકે અવારનવાર પોતાના બાકી નાણાંની માગણી કરતા મનિષે ઉડાઉ જવાબો આપીને હવે પછી પૈસા માંગશો તો જોવા જેવી થશે તેવી સીધી ધમકી આપી દીધી હતી. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમનો સપાટો આખરે છેતરાયેલા વેપારી મોહમ્મદ સેહજાદે ઉધના પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તપાસ દરમિયાન ગુનો સાબિત થતાં ઉપરી અધિકારીઓની મંજૂરી બાદ ઉધના પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપી મનિષ ચંદ્રકાંત પઠાડેની સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી વધુ મુદ્દામાલ અને ઉચાપતના નાણાં અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ફાયર બ્રિગેડ લોકો સાથે ગાયોની પણ મદદે:ઘુમામાં ગૌશાળામાં પાણી ભરાતા માલિકે બંગલોમાં પહેલા માળે ગાયો રાખી, ગેસ્ટ રૂમ ગાયો માટે 'સેફ હાઉસ' બન્યો
    Next Article
    'મને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે':સુરતમાં B.Comની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત, વોટ્સએપ પર બ્લેકમેલિંગ અને ધમકી મળ્યાનો પરિવારનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment