Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં આજથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:ગૃહમંત્રીની વધુ એક મેરેથોન બેઠક, 13 કલાકમાં 19 SP સાથે ચર્ચા; મ્યુલ એકાઉન્ટ બાબતે સર્જીકલ સ્ટ્રાઈક કરવા આદેશ

    1 day ago

    રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ના અમલીકરણ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે(2 જૂન) સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આવેલી પોતાની કચેરીમાં વધુ 9 જિલ્લા પોલીસ અધિક્ષકો (SP) સાથે મેરેથોન બેઠક યોજી હતી. બેઠકમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, ગુનાખોરી નિયંત્રણ, સાયબર ક્રાઇમ સામેની કાર્યવાહી તેમજ જિલ્લાવાર પોલીસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. છેલ્લા 13 કલાકમાં કુલ 19 જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સમીક્ષા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઇમના ગ્રાફને નાથવા અને ડિજિટલ છેતરપિંડી આચરતી ગેંગના મૂળિયાં ઉખેડી નાખવા માટે રાજ્ય સરકારે ગઇકાલે મધરાત્રે એક અત્યંત મોટો અને આક્રમક નિર્ણય લીધો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઈમરજન્સી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આજથી એટલે કે 2 જૂન, 2026થી સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ (Operation Mule Hunt 2.0) લોન્ચ કરીને સાયબર ગુનેગારો વિરૂદ્ધ એક વ્યાપક મોરચો ખોલવામાં આવ્યો છે. રાજ્યના તમામ CP-SP લાઈવ જોડાયા ગૃહ મંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મધરાતની હાઈલેવલ બેઠકને પગલે ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. રાજ્યના પોલીસ વડા (DGP) સહિતના તમામ ટોચના પોલીસ અધિકારીઓ તાબડતોબ સચિવાલય ખાતે દોડી આવ્યા હતા. આ હાઈપ્રોફાઈલ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો (CP), રેન્જ આઈજી (IG), ડીઆઈજી (DIG) અને જિલ્લા પોલીસ વડાઓ (SP) સહિતના તમામ અધિકારીઓ મધરાત્રે લાઈવ જોડાયા હતા અને પોતપોતાના જિલ્લાની વર્તમાન સુરક્ષા સ્થિતિ તેમજ સાયબર ક્રાઈમના કેસોનો ચિતાર ગૃહ મંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. ભાડે અપાતા બેંક ખાતાઓ પર પોલીસની નજર રહેશે આ બેઠકનો મુખ્ય એજન્ડા ડિજિટલ સુરક્ષા અને સાયબર માફિયાઓ પર ત્રાટકવાનો હતો. સામાન્ય રીતે સાયબર ગુનેગારો ગરીબ કે લાલચુ લોકોના બેંક એકાઉન્ટ્સ ભાડે રાખીને (જેને સાયબર પરિભાષામાં 'મ્યુલ એકાઉન્ટ' કહેવાય છે) તેમાં છેતરપિંડીના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરતા હોય છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટ અને કડક આદેશ આપ્યા છે કે, સાયબર ક્રાઈમના પૈસા જે બેંક એકાઉન્ટ્સમાં જમા થાય છે, એવા તમામ શંકાસ્પદ ભાડે આપેલા એકાઉન્ટ્સને તાત્કાલિક ટ્રેક કરવામાં આવે. આ મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી ગુના આચરનારા અસલી માસ્ટરમાઈન્ડ અને આંતરરાષ્ટ્રીય લિંક્સ સુધી પહોંચીને આખું નેટવર્ક તોડી પાડવામાં આવે. સાયબર ઠગાઈમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્વો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવે. આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે લેવાશે કડક પગલાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં માત્ર સાયબર ક્રાઈમ જ નહીં, પરંતુ રાજ્યની સમગ્ર આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી. અસામાજિક તત્વો, ડ્રગ્સ માફિયાઓ અને ગુનેગારો સામે પોલીસને સંપૂર્ણ ફ્રી-હેન્ડ આપીને લોખંડી હાથે કામ લેવા જણાવાયું છે. ગૃહ વિભાગ આગામી દિવસોમાં ગુજરાત પોલીસને વધુ મજબૂત અને સજ્જ કરવા માટે કોઈ નવો ખાસ એક્શન પ્લાન પણ જાહેર કરે એવી પૂરેપૂરી સંભાવના છે. મ્યુલ એકાઉન્ટ શું છે? મ્યુલ એકાઉન્ટ એ એવું બેંક એકાઉન્ટ છે જેને સાયબર અપરાધીઓ પોતાના ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરે છે. આ એકાઉન્ટ ખોલનાર વ્યક્તિ સામાન્ય રીતે ગુનામાં સીધી ભાગીદાર નથી, પણ એકાઉન્ટ અન્ય કોઇ દ્વારા ઓપરેટ કરી તેમાં ક્રાઇમના રૂપિયાના મલ્ટી ટ્રાન્જેકશન થતા હોય છે. મ્યુલ એકાઉન્ટ કેવી રીતે ઓપરેટ થાય છે? ગેરકાયદેસર રીતે મળેલા નાણાં (જેમ કે ઠગાઈ, ફ્રોડ, હેકિંગ) મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. પછી તે નાણાં બીજી જગ્યાએ મોકલવા માટે વપરાય છે જેથી આ કાંડ કરનારની ઓળખ સામે આવતી નથી. મ્યુલ એકાઉન્ટ સાયબર ફ્રોડ, ફિશિંગ, હેકિંગ, ગેમ્બલિંગ, અને ડ્રગ્સ અન્ય ગેરકાયદેસર વ્યવહારો માટે નાણાં ટ્રાન્સફર કરવા માટે સૌથી વધુ વપરાય છે. ઘણીવાર લોકો તેમના એકાઉન્ટ ભાડે આપે છે કે ગેરકાયદેસર નાણાંની એન્ટ્રીઓ પાડવા માટે વપરાય છે. જ્યારે તપાસમાં ખાતેદાર સુધી પોલીસ કે અન્ય કોઇ એજન્સી પહોંચે ત્યારે ગુનાગારો સામે સીધો કોઇ આરોપ નથી હોતો. મ્યુલ એકાઉન્ટના ફ્રોડ અને સાયબર ગુનાઓથી બચવા માટે નીચે મુજબના સાવચેતીના પગલાં લેવા ખૂબ જ જરૂરી છે આટલું ક્યારેય ન કરવું ખાતું ભાડે ન આપવું: કોઈને પણ કમિશન કે ભાડાની લાલચમાં તમારું બેંક ખાતું વાપરવા ન આપો. OTP કે પિન શેર ન કરવો: તમારા બેંક ખાતાનો OTP, ATM પિન કે નેટ બેંકિંગ પાસવર્ડ ક્યારેય કોઈને ન જણાવો. અજાણ્યા પૈસા ન સ્વીકારવા: જો તમારા ખાતામાં ભૂલથી કોઈ અજાણ્યા પૈસા આવે, તો તેનો ઉપયોગ ન કરવો અને તરત જ બેંકને જાણ કરવી. બીજાના નામે ખાતું ન ખોલવું: કોઈ અજાણી વ્યક્તિ કે કથિત એજન્ટના કહેવાથી તમારા દસ્તાવેજો (આધાર-પાન કાર્ડ) આપીને ખાતું ન ખોલાવવું. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું બેંક સ્ટેટમેન્ટ તપાસતા રહેવું: તમારા બેંક ખાતાના વ્યવહારો નિયમિત તપાસતા રહો, જેથી કોઈ શંકાસ્પદ એન્ટ્રી તરત પકડી શકાય. નોકરીની ઓફરથી સાવધ રહેવું: ‘ઘરે બેઠા ડેટા એન્ટ્રી કરો અને રોજ કમાઓ’ જેવી ઓનલાઈન ઓફરોથી બચવું, જે ઘણીવાર મ્યુલ એકાઉન્ટ બનાવવા માટેની જાળ હોય છે. ડિજિટલ અરેસ્ટથી ન ડરવું: કોઈ પોલીસ કે સરકારી એજન્સી ફોન પર વીડિયો કોલ કરીને પૈસા ટ્રાન્સફર કરવાનું નથી કહેતી. જો ફ્રોડ થાય તો શું કરવું? બેંકને સંપર્ક કરો: તરત જ તમારી બેંકમાં જઈને ખાતું ફ્રીઝ કરાવો. હેલ્પલાઈન નંબર: સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવ તો તરત જ 1930 નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવો. ઓનલાઈન ફરિયાદ: તમે સરકારી સાયબર ક્રાઈમ પોર્ટલ cybercrime.gov.in પર જઈને પણ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આ સમાચાર પણ વાંચો: 613 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ રાજ્યમાં વધતા સાયબર ફ્રોડ સામે ગુજરાત પોલીસે શરૂ કરેલા “મ્યુલ હંટ 2.0” અભિયાન હેઠળ મોટી સફળતા મળી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યવાહી કરીને પોલીસે સાયબર ફ્રોડના 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર વલસાડ સાયબર ક્રાઈમે મ્યુલ એકાઉન્ટ રેકેટનો પર્દાફાશ કર્યો વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં સાયબર છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે વપરાતા ‘મ્યુલ એકાઉન્ટ’ના રેકેટનો પર્દાફાશ થયો. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદના વાડજના મકાનમાંથી મ્યુલ એકાઉન્ટનું મોટું કૌભાડ ઝડપાયું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આર્થિક સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોના નામે ખાતા ખોલાવી 10,000 કમિશન આપી આ ખાતાનો ઉપયોગ ગેમિંગ અને છેતરપિંડીના નાણાની હેરાફેરી કરતી ગેંગને ઝડપી પાડી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સબાલેન્કા ફ્રેન્ચ ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં:ઓસાકાને 1 કલાક 27 મિનિટમાં હરાવી; 3 વર્ષ પછી મહિલાઓની નાઇટ મેચ યોજાઈ
    Next Article
    ટ્રેનમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરા રેલવે સ્ટેશને પુરી-ગાંધીધામ ટ્રેનમાંથી 56 લાખનો ગાંજો ઝડપાયો, દિવ્યાંગ કોચના શૌચાલયમાં છુપાવ્યો હતો 113 કિલો જથ્થો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment