Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મા વૈષ્ણોદેવીના દરબારમાં ગુજરાતની ભેટ:એવા 2 શ્રીયંત્ર જે વેચી શકાતા નથી; 70 કિલો વજન, 60 દિવસની મહેનત અને 5 ધાતુઓનો સંગમ

    18 hours ago

    એક, બે કે પાંચ નહીં... પણ 74 વખત નિષ્ફળતા મળ્યાં પછી શાસ્ત્રોના નિયમો અને ચોક્કસ મુહૂર્તોની પળેપળની ગણતરી કરીને 75મી ટ્રાયલમાં ગુજરાતમાં પંચધાતુનું એવું અદ્ભૂત શ્રીયંત્ર બન્યું કે જે માતા વૈષ્ણોદેવીના ધામમાં સ્થપાયું. અમદાવાદના જય ભોલે ગ્રુપે પાકિસ્તાનની હિંગળાજ શક્તિપીઠથી માંડીને 51 શક્તિપીઠોની પવિત્ર માટી એકઠી કરીને બીજું એક અનોખું શ્રીયંત્ર પણ બનાવ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટના માધ્યમથી અર્પણ કરાયેલા આ પંચધાતુ અને માટીના બે દિવ્ય શ્રીયંત્રો હવે જમ્મુ-કાશ્મીરના માતા વૈષ્ણોદેવીના ધામમાં શોભી રહ્યા છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં વાંચો અડગ શ્રદ્ધા અને અદભૂત એન્જિનિયરિંગના સંગમથી રચાયેલી આસ્થાની આ ગાથા. જય ભોલે ગ્રુપે આ પહેલાં અલગ અલગ 74 શ્રીયંત્ર બનાવ્યા હતા. જે રિજેક્ટ થયા. એ પછી 75મું શ્રીયંત્ર બનાવ્યું જે સચોટ બન્યું. હવે વાત માટીમાંથી બનાવાયેલા શ્રીયંત્રની. આ શ્રીયંત્ર 5 ઇંચનું છે અને તેનું વજન એક કિલો છે. જેને બનાવવા માટે 51 શક્તિપીઠોમાંથી લગભગ એક-એક કિલો માટી લવાઇ હતી. અંદાજે 2 મહિના પહેલા જય ભોલે ગ્રુપના સભ્યોએ અંબાજી મંદિર પહોંચીને વૈષ્ણોદેવીમાં શ્રીયંત્ર સ્થાપિત કરવાની ઇચ્છા પ્રગટ કરી હતી. જેના પછી મંદિરના સંચાલકોએ વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સાથે તેમની વાતચીત કરાવી હતી. આ વાતચીત બાદ 1 મહિના પહેલા ગ્રુપના સભ્યો વૈષ્ણોદેવી ગયા હતા અને જગ્યા જોઇ હતી. તેમને યજ્ઞશાળા યોગ્ય લાગી કારણ કે ત્યાં દરરોજ ઘણાં યજ્ઞ થતાં હતા. ગ્રુપે વૈષ્ણોદેવી મંદિરના અધિકારીઓને મળી યજ્ઞશાળામાં શ્રીયંત્ર સ્થાપિત કરવાની વિનંતી કરતા તરત જ મંજૂરી મળી ગઇ હતી. મંજૂરી મળ્યા બાદ ગુજરાતથી શ્રીયંત્ર ત્યાં લઇને ગયા હતા. *** શ્રીયંત્ર બનાવવા દરમિયાન મુહૂર્તનું ધ્યાન રાખવું પડે આ શ્રીયંત્ર બનાવનારા જય ભોલે ગ્રુપના ફાઉન્ડર દિપેશ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, શ્રીયંત્ર બનાવવાનો વિચાર આશરે 14 વર્ષ પહેલાં આવ્યો હતો. અમે પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીના મંદિરમાં પણ શ્રીયંત્ર આપ્યું છે. નાસિક સ્થિત સપ્તશૃંગી દેવીના મંદિરમાં પણ શ્રીયંત્ર અર્પણ કર્યું છે. ત્રિપુરામાં ત્રિપુરસુંદરી માતાજીના મંદિરમાં પણ શ્રીયંત્ર છે. હમણાં જ વૈષ્ણોદેવી માતાના દરબારમાં આવેલી યજ્ઞશાળામાં પણ એક અનોખું શ્રીયંત્ર સ્થાપિત કરાયું છે. આ શ્રીયંત્ર અમે આરાસૂરી અંબાજી માતાના માધ્યમથી અર્પણ કર્યું છે. જે પંચધાતુમાંથી બનાવાયેલું છે. તેમણે કહ્યું કે, અમે ઓછામાં ઓછાં 74 શ્રીયંત્ર બનાવ્યાં અને રિજેક્ટ કર્યાં. અમે જ્યારે શ્રીંગેરી ગયા ત્યારે જાણવા મળ્યું કે જેમ સામાન્ય કાર ખરીદવા માટે પણ મુહૂર્ત જોવામાં આવે છે તેવી રીતે શ્રીયંત્રના દરેક પદ માટે પણ એક મુહૂર્ત હોય છે. એવો ચોક્કસ સમય આવે છે જેમાં ચંદ્રગ્રહણ પણ આવે છે. અમૂક પદો માટે ચોક્કસ તિથિઓનું વર્ણન કરાયું છે અને એ તિથિઓ દરમિયાન જ શ્રીયંત્રનું નિર્માણ થવું જોઇએ. આ રીતે 74 શ્રીયંત્ર રિજેક્ટ થયા બાદ અમે 75મું શ્રીયંત્ર બનાવ્યું જે સચોટ બન્યું. પંચધાતુમાંથી બનાવાયેલા શ્રીયંત્ર અંગે તેઓ કહે છે કે, સોના અને ચાંદી વિના શ્રીયંત્ર પંચધાતુથી નિર્મિત ન થઇ શકે. આ ધાતુઓના સંયોજનથી પંચધાતુનું શ્રીયંત્ર બને છે. સામાન્ય રીતે શાસ્ત્રોમાં સોના-ચાંદીના માપદંડ વધારે હોય છે પરંતુ અત્યારે સોનું અને ચાંદી બન્ને ખૂબ મોંઘાં છે એટલા માટે આ શ્રીયંત્રમાં આશરે 10 ગ્રામ જેટલું સોનું રાખવામાં આવ્યું છે અને ચાંદીનું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવ્યું છે. 51 શક્તિપીઠની માટીમાંથી બનાવ્યું શ્રીયંત્ર માટીમાંથી બનાવાયેલા શ્રીયંત્ર અંગે તેમણે જણાવ્યું કે, 51 શક્તિપીઠમાંથી માટી એકઠી કરવાનો અમારો સંકલ્પ હતો. જ્યારે અમે માટી મંગાવી ત્યારે વિચાર આવ્યો કે માટીમાંથી બનેલું આવું શ્રીયંત્ર ક્યાંય નથી. અમે વિચાર્યું કે આને કેવી રીતે બનાવવું. હું એન્જિનિયર હોવાથી એન્જિનિયર તરીકે એક ડાઇ બનાવી જેની અંદર માટીને ભેગી કરી. ત્યારબાદ એક અનોખી અને અલગ રીતે તેની પ્રોસેસ કરીને માટીમાંથી શ્રીયંત્ર બનાવ્યું. 'માતાજીની દયાથી અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી અમદાવાદ એન્જિનિયર્સ કંપનીમાં જ અમે આ શ્રીયંત્ર બનાવીએ છીએ. એ મશીન પર બનાવાય છે. જેમાં ઘણો સમય લાગે છે. અમે દરેક પદનું નિર્માણ અલગ-અલગ રીતે કરીએ છીએ. આ માટે VMC મશીનનો ઉપયોગ કરાય છે. અમે મુહૂર્ત, નવરાત્રિ, શુભ દિવસો, શુભ નક્ષત્રો અને શુભ તિથિઓ અને શુભ સમયને ધ્યાનમાં રાખીને જ શ્રીયંત્રનું નિર્માણ કરીએ છીએ. *** ફક્ત 60 દિવસમાં દરેક શક્તિપીઠમાંથી માઠી એકઠી કરી લીધી માટીના શ્રીયંત્ર માટે ફક્ત શક્તિપીઠો જ નહીં પરંતુ જ્યોતિર્લિંગો અને મોટા તીર્થ ધામોની માટી પણ એકઠી કરાઇ હતી. તેમણે કહ્યું કે, જ્યારે અમે માટી એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો હતો ત્યારે એવું હતું કે એકથી બે વર્ષમાં તમામ શક્તિપીઠોમાંથી માટી એકત્રિત કરીશું પરંતુ માતાજીની કૃપાથી અમે ફક્ત 60 દિવસમાં જ દરેક શક્તિપીઠમાંથી માટી એકઠી કરી લીધી. જેમાં પાકિસ્તાનના હિંગળાજ શક્તિપીઠથી લઇને શ્રીલંકા સુધીની જગ્યાઓની માટી છે. જ્યોતિર્લિંગોમાંથી પણ માટી મગાવી છે. તિરુપતિ બાલાજી, જગન્નાથપુરી અને અયોધ્યાની માટી પણ તેમાં છે. આમ દરેક શક્તિપીઠ, જ્યોતિર્લિંગ અને મોટા તીર્થસ્થાનોની માટી એકત્રિત કરી છે. ગ્રુપ પાસે હાલમાં ઓછામાં ઓછી 20થી 25 કિલો માટી પડી છે. તેમનું કહેવું છે કે, અમે હજુ આવાં ઘણાં શ્રીયંત્ર બનાવી શકીએ છીએ પરંતુ એની પ્રોસેસ એટલી અઘરી છે કે પાંચ શ્રીયંત્ર બનાવીએ તો માંડ એક શ્રીયંત્ર તૈયાર થાય છે. એમાં અમને પ્રોસેસ માટે થોડોક સમય લાગ્યો હતો કારણ કે એના માટે અમે એક ડાઇ બનાવી હતી. આ શ્રીયંત્રનો આકાર હાથથી બનાવી શકાય એવો નથી. એટલા માટે અમે એક અલગ પ્રોસેસથી તેને તૈયાર કર્યું છે. આખી પ્રોસેસના કારણે દોઢથી બે મહિનાની અંદર આ શ્રીયંત્ર તૈયાર થઇ ગયું હતું. *** દરેક શક્તિપીઠને શ્રીયંત્ર અર્પણ કરવાનો સંકલ્પ શ્રીયંત્ર બનાવતા પહેલા જય ભોલે ગ્રુપે શ્રીવિદ્યાને સમજવા માટે અને એમાં શ્રીયંત્રનું શું મહત્ત્વ છે એ જાણવા માટે અભ્યાસ શરૂ કર્યો હતો. દિપેશ પટેલે કહ્યું, તંત્રરાજ તંત્ર નામનું એક પુસ્તક છે જેમાં શ્રી યંત્રનાં ગૂઢ રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં શ્રી યંત્ર કેવું હોય, કેવી રીતે બને અને એમાં કઇ કઇ દેવીઓનો વાસ હોય છે તેનું વર્ણન છે.આ બધું સમજવા માટે અમે લગભગ 12 વર્ષ સુધી ખૂબ મહેનત કરી સમજ કેળવી. ત્યાર બાદ શ્રીંગેરી મઠના શંકરાચાર્ય શ્રી શ્રી વિધુશેખર ભારતી સ્વામીના માર્ગદર્શન હેઠળ અમે સચોટ શ્રીયંત્ર તૈયાર કરવા માટે અનેક શ્રીયંત્ર બનાવ્યાં હતા. એમાંથી એક શ્રીયંત્ર એવું તૈયાર થયું જે આજથી 4 વર્ષ પહેલાં બન્યું હતું. ત્યાર બાદ અમે વિવિધ શક્તિપીઠોમાં એક-એક શ્રી યંત્ર અર્પણ કરતા જઇ રહ્યાં છીએ. શ્રીયંત્રની એક વિશિષ્ટ અનુભૂતિ છે અને શાસ્ત્રોમાં એ જે રીતે બનવું જોઇએ એનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીયંત્રના મહાત્મ્ય અંગે તેમણે કહ્યું કે, એવું માનવામાં આવે છે કે એક યંત્રમાં 33 કોટિ દેવતાઓનું સ્થાન હોય છે. આ બ્રહ્માંડનાં અધિષ્ઠાત્રી દેવી લલિતા મહાત્રિપુરસુંદરી છે. મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તેમની આજુબાજુ છે. તેમની નીચે ભગવાન શિવ છે જેમની નાભિમાંથી કમળ પ્રગટ થાય છે અને એ કમળ પર લલિતા મહાત્રિપુરસુંદરી બિરાજમાન થાય છે. આમ, બ્રહ્માંડનાં અધિષ્ઠાત્રી દેવી ખુદ શ્રીયંત્રની દેવી છે. આ ગ્રુપ ઘરમાં સ્થાપવા માટે શ્રીયંત્ર નથી બનાવતું. આ અંગે તેમણે કહ્યું કે, અમે જે પણ શ્રીયંત્ર બનાવીએ છીએ એ અમારા ગુરુની આજ્ઞા પ્રમાણે બનાવીએ છીએ. અમારા ગુરુએ અમને આજ્ઞા આપી છે કે આ શ્રીયંત્ર વેચવાનાં નથી એટલે કોઇ સામાન્ય વ્યક્તિ કે કોઇ ઘરમાં સ્થાપિત કરવા માટે શ્રીયંત્ર ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરે તો પણ અમે વેચાણ કરતા નથી. અમે ફક્ત મંદિરોમાં સેવા કાર્યના ભાગરૂપે શ્રીયંત્ર અર્પણ કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે 12થી 13 મંદિરોમાં શ્રીયંત્ર અર્પણ કરી ચૂક્યા છીએ. હજુ પણ આ પ્રયાસ ચાલુ છે જેથી તમામ 51 મુખ્ય શક્તિપીઠોમાં શ્રીયંત્ર અર્પણ કરી શકાય. શ્રીયંત્ર બનાવવા પાછળ કેટલો ખર્ચ થાય છે તે અંગે દિપેશ પટેલે કહ્યું કે, તેના ખર્ચની વાત અમે કરવા માગતા નથી, કારણ કે આ માતાજીનું શ્રી યંત્ર છે. એ અમૂલ્ય છે. એની કિંમત આંકીને અમે એનું મહત્ત્વ ઓછું કરવા માગતા નથી. જેની કિંમત આંકી ન શકાય અને વેચી ન શકાય એવી આ ભેટ માતા વૈષ્ણોદેવીના દરબારમાં શોભી રહી છે. જે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે.
    Click here to Read More
    Previous Article
    કાળી ચૌદશે હવા ઝેરી બની, તહેવારોમાં શ્વાસ લેવો મુશ્કેલ બનશે:અમદાવાદ એરપોર્ટ સહિત 3 વિસ્તારમાં AQI 230ને પાર; આ રીતે બચવું
    Next Article
    બનાસકાંઠા પોલીસે બાળગૃહનાં બાળકો સાથે દિવાળી ઉજવી:બાળકોને મીઠાઈની કિટ, સુરક્ષિત ફટાકડા અને ગિફ્ટ પેકેટ આપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment