Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાંબાના તાર બદલવાથી અમેરિકામાં એર ઇમરજન્સી સર્જાઈ:રાઉટરની ખામીને કારણે એર ટ્રાફિક સિસ્ટમ ઠપ, 2 દિવસમાં 15 હજાર ફ્લાઇટ્સ રદ

    6 hours ago

    અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને સુધારવા માટે જૂના તાંબાના વાયરને ફાઇબર કેબલથી બદલવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન એક રાઉટરમાં ખામી સર્જાઈ. આના કારણે એર ટ્રાફિક કંટ્રોલની કમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાઈ ગઈ અને શુક્રવારે સમગ્ર અમેરિકામાં લગભગ 5 કલાક સુધી ફ્લાઇટ્સ રોકવી પડી. બે દિવસમાં 15 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ થઈ અને હજારો ફ્લાઇટ્સ મોડી પડી. અમેરિકાના પરિવહન મંત્રી સીન ડફીએ શનિવારે જણાવ્યું કે આ ખામી નવું રાઉટર લગાવતી વખતે સર્જાઈ હતી. સરકાર તપાસ કરી રહી છે કે રાઉટર ખરાબ હતું કે તેને લગાવવામાં ભૂલ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે હાલ સાયબર હુમલાના કોઈ પુરાવા મળ્યા નથી. રાઉટરની ખામીને કારણે 17 એર ટ્રાફિક સેન્ટરો પર અસર અમેરિકાની એવિએશન એજન્સી FAAના પ્રમુખ બ્રાયન બેડફોર્ડે જણાવ્યું કે દેશના 22 એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરોમાંથી 17 પર આ ખામીની અસર પડી. આ સેન્ટરો હવામાં ઉડી રહેલા વિમાનો પર નજર રાખે છે અને પાઇલટોના સંપર્કમાં રહે છે. રાઉટરમાં ખામી સર્જાતા તેમનું સંચાર વ્યવસ્થાતંત્ર પ્રભાવિત થયું. જોકે, કોઈપણ સેન્ટરનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો ન હતો, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે ફ્લાઇટ્સ રોકવાનો નિર્ણય લીધો. બે દિવસમાં 15 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર મુજબ, શુક્રવારે અમેરિકામાં આશરે 9,200 ફ્લાઇટ્સ રદ થઈ અને 7,500થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી. શનિવાર સાંજ સુધીમાં 6,150થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી હતી અને 7,300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. રવિવારની 530થી વધુ ફ્લાઇટ્સ પણ શનિવાર સાંજ સુધીમાં રદ કરવામાં આવી હતી. આ કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા રહ્યા. એરલાઇન્સને પોતાના વિમાનો, પાઇલટ્સ અને અન્ય કર્મચારીઓને અલગ-અલગ સ્થળોએ પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સરકાર તપાસ કરી રહી છે- કંપનીની ભૂલ કે ખરાબ રાઉટર અમેરિકાના પરિવહન મંત્રી સીન ડફીએ જણાવ્યું કે L3Harris કંપની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને ઠીક કરવાનું કામ કરી રહી હતી. આ દરમિયાન નવું રાઉટર લગાવવામાં ખામી સર્જાઈ. તેમણે કહ્યું, "અમે તપાસ કરી રહ્યા છીએ કે રાઉટર લગાવવામાં કંપની તરફથી ભૂલ થઈ કે રાઉટર જ ખરાબ હતું. હજી સુધી તેનું સાચું કારણ જાણી શકાયું નથી." FAAના વડા બ્રાયન બેડફોર્ડે જણાવ્યું કે આ ખામી પાછળ સાયબર એટેક અથવા AIનો હાથ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તે જ સમયે, L3Harris કંપનીએ જણાવ્યું કે તે તપાસમાં FAAની મદદ કરી રહી છે. ફ્લાઇટ્સ બંધ થાય તે પહેલાં સિસ્ટમને અપગ્રેડ કરવાનું 70 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું. રવિવાર મોડી રાત સુધીમાં ફ્લાઇટ્સ સામાન્ય થઈ શકે છે FAAના પ્રમુખ બ્રાયન બેડફોર્ડે મુસાફરોને થયેલી મુશ્કેલી માટે માફી માંગી. તેમણે જણાવ્યું કે સિસ્ટમને ઠીક કરવામાં આવી રહી છે. આશા છે કે રવિવાર મોડી રાત સુધીમાં ફ્લાઇટ્સ મોટા ભાગે સામાન્ય થઈ જશે. જોકે, ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યા પછી પણ એરલાઇન્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વિમાનો અને તેમના પાઇલટ્સ પોતાના નિર્ધારિત સ્થળે પહોંચી શક્યા નથી. તેમને ફરીથી યોગ્ય સ્થળે પહોંચાડવામાં સમય લાગી રહ્યો છે, તેથી ફ્લાઇટ્સ મોડી થઈ રહી છે. એર ટ્રાફિક સિસ્ટમ સુધારવા માટે 50 અબજ ડૉલરની જરૂર આ ઘટના બાદ અમેરિકામાં જૂની એર ટ્રાફિક સિસ્ટમને બદલવાની માંગ તેજ બની છે. પરિવહન મંત્રી સીન ડફીએ તેને સુધારવા માટે 50 અબજ ડૉલરની માંગ કરી છે. આ પહેલાં તેમણે 30 અબજ ડૉલરની માંગ કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ કામ માટે 30.1 અબજ ડોલરની માગ કરી છે. ગયા વર્ષે અમેરિકી સંસદે સિસ્ટમમાં સુધારો કરવા માટે 12.5 અબજ ડોલર મંજૂર કર્યા હતા. સંસદના નીચલા ગૃહના સ્પીકર માઈક જૉનસને કહ્યું કે તેઓ આ વર્ષે સિસ્ટમમાં સુધારો કરવા માટે વધુ નાણાં આપવાના પક્ષમાં છે. જોકે, કેટલાક સાંસદોએ સવાલ ઉઠાવ્યો કે ગયા વર્ષે મળેલા 12.5 અબજ ડોલરમાંથી અત્યાર સુધીમાં માત્ર 1 અબજ ડોલર જ ખર્ચવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે સિસ્ટમમાં સુધારો કરવાનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચર્ચાઓ સેહવાગ-દ્રવિડના પુત્રોની હતી, પણ મહેફિલ મોહિત ઉલ્વા લૂંટી ગયો:ગુજરાતના કાવ્ય અને આર્યને પણ પાકિસ્તાનીઓને ધૂળ ચટાવી; મનલ ચૌહાણ પણ ચમક્યો
    Next Article
    પીએમ મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રીની ટિકિટ ખરીદી:ડીકે શિવકુમારે જણાવ્યું- મારી પાસે પૈસા નહોતા; બંનેએ મેટ્રોમાં મુસાફરી કરી હતી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment