Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1961ના સરકારી રેકર્ડમાં છેડછાડ કરનાર 2.5 વર્ષે ઝડપાયો:વારસાઈના બહાને પેરોલ મેળવી લાંબા સમયથી પોલીસને થાપ આપતો હતો, દમણના આલીશાન દેવકા બીચ વિસ્તારમાંથી દબોચ્યો

    1 week ago

    સુરત શહેર ક્રાઈમ બ્રાંચે એક એવા રીઢા ગુનેગારને દમણ ખાતેથી દબોચી લીધો છે, જેણે જમીનો પચાવી પાડવા માટે સરકારી કચેરીના અસલી દસ્તાવેજોમાં છેડછાડ કરી હતી. લેન્ડ ગ્રેબિંગ અને ચેક રિટર્ન જેવા ગંભીર ગુનાઓમાં સજા પામ્યા બાદ છેલ્લા 2.5 વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા સંજય ઉર્ફે એસ.કે. જવાહર શાહને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી દમણના આલીશાન દેવકા બીચ વિસ્તારમાંથી પોલીસના હાથે ઝડપાયો છે. સબ રજિસ્ટ્રાર કચેરીના પટાવાળા સાથે મળી મોટું કૌભાંડ આચર્યું હતું આ સમગ્ર કૌભાંડની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે, આરોપી સંજય ઉર્ફે એસ.કે. એ સુરતની અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં પટાવાળા તરીકે નોકરી કરતા પ્રકાશ રાઠોડ સાથે સાંઠગાંઠ કરી હતી. તેણે વર્ષ 1961 અને 1967ના અસલી દસ્તાવેજના વોલ્યુમ અને રજિસ્ટરો કચેરીની બહાર કઢાવ્યા હતા. આ કિંમતી સરકારી દસ્તાવેજોમાં મનઘડત ફેરફારો કરી તેને ફરીથી કચેરીના રેકર્ડમાં ગોઠવી દીધા હતા. આ પ્રક્રિયામાં તેણે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરી સરકારી દસ્તાવેજોને નુકસાન પહોંચાડી ગંભીર ગુનો આચર્યો હતો. બોગસ દસ્તાવેજોના આધારે બજારમાં કરોડોના જમીન સોદા કર્યા સરકારી રેકર્ડમાં છેડછાડ કર્યા બાદ આરોપીએ એ જ બોગસ દસ્તાવેજોની સર્ટિફાઈડ નકલો કચેરીમાંથી મેળવી હતી. આ નકલો અસલી હોવાનું જણાવી બજારમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે કરોડોની જમીનોના સોદા કરી મોટી રકમ પડાવી હતી. વર્ષ 2022માં આ સમગ્ર કૌભાંડ બહાર આવતા અઠવાલાઈન્સ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેની તપાસ બાદમાં ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. આરોપીએ આ રીતે અનેક નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરી હતી અને સરકારી મિલકતો તેમજ ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. ચેક રિટર્ન કેસમાં 70,00,000ના દંડ સાથે જેલની સજા ફટકારાઈ લેન્ડ ગ્રેબિંગ ઉપરાંત આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ અલગ-અલગ 3 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં સુરતની 22મી એડિશનલ સીનિયર સિવિલ જજ કોર્ટે ગત 07/07/2022ના રોજ આરોપીને દોષિત ઠેરવી 70,00,000 રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો 1 વર્ષ અને 2 મહિનાની જેલની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. જે કામે પાકા કામના કેદી તરીકે સંજય શાહ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સજા ભોગવી રહ્યો હતો. વારસાઈના બહાને પેરોલ મેળવી લાંબા સમયથી પોલીસને થાપ આપી લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા સંજય શાહે વર્ષ 2023માં પિતાની મિલકતની વારસાઈ કરાવવાના બહાને ગુજરાત હાઈકોર્ટમાં પેરોલ રજાની માંગણી કરી હતી. હાઈકોર્ટે તેને 17 દિવસની રજા મંજૂર કરી હતી, પરંતુ રજા પૂર્ણ થયા બાદ તે જેલમાં હાજર થયો નહોતો. તે પેરોલ જમ્પ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. છેલ્લા લાંબા સમયથી તે પોલીસને થાપ આપી અલગ-અલગ જગ્યાએ પોતાનું રહેઠાણ બદલી છુપાતો રહ્યો હતો, જેના કારણે ક્રાઈમ બ્રાંચ તેની પાછળ સતત વોચ રાખી રહી હતી. દમણના આલીશાન દેવકા બીચ વિસ્તારમાંથી પોલીસના હાથે ઝડપાયો સુરત ક્રાઈમ બ્રાંચને ગુપ્ત બાતમી મળી હતી કે 'એસ.કે.' દમણના દેવકા બીચ પાસે આવેલી સી પ્રિન્સેસ રેસીડેન્સીમાં છુપાયો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દમણમાં વોચ ગોઠવીને તેને આબાદ રીતે દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી સંજય શાહ 52 વર્ષનો છે અને મૂળ સુરતના નાનપુરા વિસ્તારનો વતની છે. દમણમાં તે પોતાની ઓળખ છુપાવીને આલીશાન વિસ્તારમાં રહી રહ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી સુરત લાવવાની તજવીજ હાથ ધરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેલર દ્વારા પ્રિઝન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધાવાયો હતો નામદાર હાઈકોર્ટના હુકમનો અનાદર કરી પેરોલ રજાનો ગેરલાભ ઉઠાવી ફરાર થઈ જવા બદલ લાજપોર જેલના જેલર દ્વારા આરોપી વિરુદ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટની કલમ 51(A) અને 51(B) અન્વયે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીએ કાયદાનો ભંગ કરી નાસી જવાની જે હિંમત કરી હતી, તે બાબતે પણ હવે કડક પૂછપરછ કરવામાં આવશે. હવે તેની ધરપકડ થતા તેને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની અને કાયદાકીય પાઠ ભણાવવાની તૈયારીઓ પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આરોપી જમીન કૌભાંડનો રીઢો માસ્ટરમાઈન્ડ સંજય ઉર્ફે એસ.કે. વિરુદ્ધ અઠવાલાઈન્સ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ગુનો-1 મુજબ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 હેઠળ કાર્યવાહી થયેલી છે. ગુનો-2માં વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજ ઉભા કરવા અંગેની કલમ 420, 467, 468 હેઠળ કેસ ચાલી રહ્યા છે. જ્યારે ગુનો-3 મુજબ સરકારી રેકર્ડમાં છેડછાડ કરી નકલી પુરાવા ઉભા કરવા અંગેનો ગંભીર કેસ છે. આ તમામ કેસોમાં તેની સંડોવણી પુરાવા સાથે સાબિત થઈ ચુકી છે. તપાસમાં સરકારી તંત્રના વધુ મોટા માથાઓની સંડોવણીની શક્યતા ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, સરકારી કચેરીના રેકર્ડ રૂમ સુધી તેની પહોંચ ઘણી ઉંડી હતી. માત્ર એક પટાવાળો જ નહીં, પરંતુ અન્ય કોઈ અધિકારીઓની છૂપી સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે. આરોપીએ આ સમયગાળા દરમિયાન અન્ય કેટલી જમીનો પર કબજો કર્યો અને કોની કોની મિલકતો હડપ કરી છે તેની વિગતો પોલીસ મેળવી રહી છે. આ તપાસમાં આવનારા દિવસોમાં મહેસૂલ વિભાગના અન્ય કર્મચારીઓના નામ પણ ખુલી શકે છે. જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો લાંબા સમયથી ફરાર આ રીઢા ગુનેગારને પકડી પાડી ક્રાઈમ બ્રાંચે જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આ સરાહનીય કામગીરી કરનાર ક્રાઈમ બ્રાંચની ટીમની પ્રશંસા કરવામાં આવી છે. આરોપીને હવે કોર્ટમાં રજૂ કરી ફરીથી લાજપોર જેલ હવાલે કરવામાં આવશે અને તેના પેરોલ જમ્પ કરવા પાછળ તેને કોણે આશરો આપ્યો હતો તેની પણ ઝીણવટભરી તપાસ થશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 700 અંકથી વધુનો ઉછાળો:76,800 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 200 અંક ચઢ્યો; IT અને ઓટો શેર્સમાં ખરીદી
    Next Article
    ગિરનાર પર અંબાજી મંદિરની પવિત્રતાને ખંડિત કરનારાઓ સામે ફરિયાદ:દારૂ-નોનવેજની પાર્ટી અને દાનચોરી મામલે 11 સામે અંતે ગુનો નોંધાયો, મહંતની નિમણૂક પ્રક્રિયા નવેસરથી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment