Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિરુદ્ધ 1.95 કરોડની વ્યાજખોરીની ફરિયાદ:સાથી કાર્યકરને જ પાયમાલ કર્યાનો આક્ષેપ, 1.05 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા છતાં વધુ 1.95 કરોડની માંગણી

    18 hours ago

    સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર અને હાલના શહેર ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ કોંગ્રેસના જ કાર્યકર્તા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં 1.95 કરોડની વ્યાજખોરી અને બળજબરીપૂર્વક મિલકત લખાવી લેવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. શેરબજારના વેપારી દીપ નાયકે નોંધાવેલી આ ફરિયાદમાં આરોપ છે કે, રાયકાએ લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરી વેપારીને પાયમાલ કરી દીધો છે. ઋષિન રાયકાએ મદદ કરવાને બદલે ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું શરૂ કર્યું ફરિયાદી દીપ સુરેશભાઈ નાયક પોતે પણ 2023માં સુરત શહેર કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આરોપી ઋષિન રાયકા પણ શહેર ઉપપ્રમુખ હતા. બંને વચ્ચેના પક્ષીય અને મિત્રતાના સંબંધોનો લાભ ઉઠાવી, જ્યારે વેપારી આર્થિક સંકડામણમાં હતા, ત્યારે ઋષિન રાયકાએ મદદ કરવાને બદલે ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું શરૂ કર્યું હતું. આ મામલો હવે પોલીસ ચોપડે ચઢતા કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો છે. 1.05 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા છતાં વધુ 1.95 કરોડની માંગણી ફરિયાદ મુજબ, સપ્ટેમ્બર 2018થી માર્ચ 2019 દરમિયાન વેપારીને જમીન પરના રિઝર્વેશનના કારણે નાણાંની જરૂર પડી હતી. ઋષિન રાયકાએ લાયસન્સ વગર ટુકડે-ટુકડે કુલ 1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) 6%ના માસિક વ્યાજે આપ્યા હતા. વેપારીએ આજદિન સુધી વ્યાજ અને મૂડી પેટે કુલ 1,27,00,000 ચૂકવી દીધા હોવા છતાં, રાયકા હજુ પણ 1,95,63,000 બાકી હોવાનું જણાવી ધાક-ધમકી આપી રહ્યા છે. મનપાની ચૂંટણી પહેલા જ રાયકા પરિવારની મુશ્કેલી વધી સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે જ આ ફરિયાદ નોંધાતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઋષિન રાયકા અગાઉ મનપાની ચૂંટણી લડી ચૂક્યા છે અને રાયકા પરિવાર સુરત કોંગ્રેસમાં મોટું કદ ધરાવે છે. ચૂંટણી ટાણે જ વ્યાજખોરીના ગંભીર આક્ષેપોને કારણે વિરોધ પક્ષોને પણ બેઠું ભાથું મળી ગયું છે, જેની અસર આગામી દિવસોમાં કોંગ્રેસના પ્રચાર પર પડી શકે છે. જમીનનું રિઝર્વેશન હટાવવાના નામે 40 લાખની છેતરપિંડીનો આક્ષેપ ફરિયાદી દીપ નાયકની ડિંડોલી-કરાડવા ખાતેની જમીન સરકારી રિઝર્વેશનમાં હતી. આરોપીએ એવી ઓળખાણ આપી હતી કે તેની સરકારી ખાતામાં ખૂબ જ સારી પહોંચ છે અને તે રિઝર્વેશન દૂર કરાવી દેશે. આ કામ માટે રાયકાએ વેપારી પાસેથી 40 લાખ પડાવી લીધા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે, રિઝર્વેશન તો સરકારી નિયમ મુજબ (GR) હટ્યું હતું, પરંતુ રાયકાએ પોતાની વગ બતાવી ખોટી રીતે આ રકમ પચાવી પાડી હોવાનો FIRમાં ઉલ્લેખ છે. કોરા ચેક મેળવી કોર્ટ કેસોની ધમકી આપી હોવાનો ઘટસ્ફોટ નાણાં ધીરતી વખતે સિક્યોરિટીના નામે ઋષિન રાયકાએ દીપ નાયક પાસેથી 6 કોરા ચેક અને તેમની પત્ની તૃપ્તિબેનના નામે 1 કોરો ચેક મેળવી લીધો હતો. આ ચેકોમાં મનઘડત રકમો ભરીને રાયકાએ ચેક રિટર્ન કરાવ્યા હોવાનો આક્ષેપ છે. પત્નીના ચેક પર 15 લાખ અને વેપારીના ચેકો પર 1.80 કરોડની રકમ ભરીને નામદાર કોર્ટમાં કેસો દાખલ કરી માનસિક અને આર્થિક દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બજાર કિંમત કરતા સસ્તામાં ફ્લેટ પચાવી પાડવાનો પ્રયાસ ફરિયાદમાં એવો પણ ચોંકાવનારો આક્ષેપ છે કે, જાન્યુઆરી-2023માં ઋષિન રાયકાએ દબાણ કરીને સુંદરમ એપાર્ટમેન્ટમાં આવેલા એક ફ્લેટની કબજા રસીદ માત્ર 8 લાખમાં લખાવી લીધી હતી. આ મિલકતની સરકારી જંત્રી મુજબની કિંમત 35 લાખ અને બજાર કિંમત 90 લાખથી પણ વધુ છે. વેપારીને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક આ સોદો કરાવી લેવાયો હોવાનું બહાર આવ્યું છે. વ્યાજખોરીના વિષચક્રમાં વેપારીનો પરિવાર હોમાયો ફરિયાદી દીપ નાયક છેલ્લા એક વર્ષથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. તેમની પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે અને વૃદ્ધ માતા તેમજ 12 વર્ષની પુત્રીના ભરણપોષણની જવાબદારી તેમની પર છે. એક સમયે ગેસ એજન્સી અને ટ્રાન્સપોર્ટનો મોટો ધંધો ધરાવતો પરિવાર ઋષિન રાયકાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈને આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હોવાની વ્યથા ફરિયાદમાં ઠાલવવામાં આવી છે. પોલીસ સ્ટેશનોમાં ખોટી અરજીઓ કરી હેરાનગતિનો આક્ષેપ આરોપી ઋષિન રાયકા પોતે રાજકીય વગ ધરાવતા હોવાથી, તેમણે વેપારીને વ્યાજના નાણાં વસૂલવા માટે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કરીને હેરાન કર્યા હોવાનો પણ દાવો કરાયો છે. વેપારીને ખોટા કેસોમાં ફસાવી દેવાની અને જેલ ભેગા કરવાની ધમકીઓ આપી સતત ટોર્ચર કરવામાં આવતા હોવાથી અંતે તેમણે ઉમરા પોલીસના શરણે જવાનું નક્કી કર્યું હતું. ઉમરા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો વેપારીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે ઋષિન બાબુભાઈ રાયકા વિરુદ્ધ ગુજરાત નાણાંની ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ (સેક્શન 33) અને બળજબરીપૂર્વક નાણાં કઢાવવા જેવી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે અને રાયકાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાલિકાએ 27થી વધુ દબાણ હટાવ્યા:જે.પી. મોલથી પૂર્ણિમા રોડ પર કાર્યવાહી, બ્લોક લગાવાશે
    Next Article
    રાજકોટમાં રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષનું આગમન:રામનવમીએ નવનિર્મિત સેવક ભવનનું ઉદ્ઘાટન અને વિવેક હૉલમાં ભક્તોને પાઠવશે પાવન આશીર્વચન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment